Strange story sweetheart .... 24 in Gujarati Fiction Stories by Parul books and stories PDF | અજીબ કહાની પ્રિયાની....24

The Author
Featured Books
Categories
Share

અજીબ કહાની પ્રિયાની....24

હૉસ્પિટલથી માયા બાળકને લઈ ઘરે આવી. ધામધૂમથી છઠ્ઠી ઉજવવામાં આવી. બાળકનું નામકરણ થયું. રૂષભ નામ પાડવામાં આવ્યું. બાળકનાં આવવાથી હવે એકેય જણ નવરું બેસી રહેતું નહોતું. વર્ષો પછી આ ઘર નાનાં બાળકની કિલકારીઓથી ગૂંજવા લાગ્યું હતું. રૂષભને રમાડવા માટે સૌ કોઈ બહાના શોધતું ફરતું હતું. રૂષભ હતો પણ એવો ગોરો ને ગોળમટોળ. એની સાથે કાલી - ઘેલી ભાષામાં વાત કરીએ એટલે ખડખડ હસવા માંડતો. એને રમાડતાં - રમાડતાં કોઈ ધરાતું જ નહોતું. પ્રિયાને રૂષભની એવી માયા લાગી ગઈ હતી કે એને છોડીને જવાનું પ્રિયાને મન તો નહોતું થતું પણ એનો જવાનો દિવસ આવી ગયો હતો એટલે હવે તો જવું પડે એમ જ હતું. સુશીલ એને લેવા માટે આવી ગયો હતો. સુશીલ રૂષભ માટે નવી જાતનાં અનેક રમકડાં લઈને આવ્યો હતો. મન ભરાય ત્યાં સુધી રૂષભને રમાડી પ્રિયા સાસરે આવવા માટે નીકળી હતી. કારમાં આખા રસ્તે એ સુશીલને રૂષભની જ વાત કરતી રહી. સુશીલને પણ એની વાતો સાંભળવામાં મજા આવી રહી હતી.

ઘરે પહોંચતાં પહોંચતાં રાત થઈ ગઈ હતી. પ્રિયાનાં સાસુ - સસરા પોતાની રૂમમાં સૂવા માટે જતાં રહ્યાં હતાં. સુશીલ ને પ્રિયા પણ સીધાં પોતાનાં રૂમમાં સૂવા માટે જતાં રહ્યાં. બીજાં દિવસે સવારે સાસુજીએ પ્રિયાને બોલાવી,

"પ્રિયાવહુ...., ઓ...પ્રિયાવહુ...."

"આવી....., મમ્મીજી....."

પ્રિયા ભગવાનનાં રૂમમાંથી બહાર નીકળી,

"બોલો...., મમ્મીજી...."

"સુશીલ ઉઠે એટલે આપણે ડૉક્ટરને મળી આવીએ. હૉસ્પિટલમાં તારું નામ નોંધાવતા આવીએ ..., કારણ હવે મહિનામાં એકવાર ચેક અપ કરાવવા માટે જવું જોશે. એમની થોડી સલાહ પણ લેતાં આવીએ."

"હા....., મમ્મીજી...."

"કાલે આવવામાં મોડાં પડ્યાં...હતાં...? તમારી રાહ જોતાં ઘણી વાર સુધી બેઠાં રહ્યાં હતાં, પણ પછી ઊંઘ ચડી એટલે સૂવા માટે ચાલ્યાં ગયાં...."

"કાલે રસ્તમાં થોડો વધારે ટ્રાફિક હતો. એટલે ઘરે પહોંચવામાં ખાસ્સી વાર થઈ ગઈ હતી."

"વાંધો...નહિ..., સુશીલ ઉઠે એટલે મને બોલાવજે...., હું ભગવાનનાં રૂમમાં બેઠી છું."

"ઠીક છે... , મમ્મીજી ..."

સુશીલ ઉઠ્યો એટલે પ્રિયાએ હૉસ્પિટલ જવાની મમ્મીજીએ કરેલી વાત કહી.

"હા...., મમ્મીની વાત બરાબર છે..., હું હમણાં જ ફટાફટ નાહીને આવું છું, પછી આપણે નીકળીએ."

"સારું..."

ડૉક્ટરે પ્રિયાને સ્વાસ્થ્ય સંબંધી ઘણી સલાહ આપી. ખાવા - પીવા વિશે માહિતી આપી, કેટલીક કસરતો પણ કેવી રીતે કરવી એ સમજાવ્યું. પ્રિયા ધ્યાનથી એમને સાંભળતી રહી હતી. એમણે પ્રિયાને કેટલાંક ચાર્ટ્સ પણ આપ્યાં.

એ લોકો પાછા ફર્યા ત્યાં સુધીમાં રંજનબેને રસોઈ બનાવીને તૈયાર કરી દીધી હતી. એટલે આવીને ત્રણેય સીધાં જમવા માટે બેસી ગયાં. જમીને સુશીલ કામે જવા માટે નીકળ્યો ને પ્રિયા અને એનાં સાસુ પોત - પોતાની રૂમમાં થોડીવાર આરામ કરવા જતાં રહ્યાં.

આમ ને આમ દિવસો પસાર થઈ રહ્યાં હતાં. સુશીલ અને એનાં મમ્મી પ્રિયાની આવી હાલતમાં એનો ખૂબ જ ખ્યાલ રાખી રહ્યાં હતાં. સુશીલ લગભગ રોજ રાત્રે પ્રિયાને ચક્કર મારવા લઈ જતો હતો. પ્રિયાની સાસુ પણ એને જાત - જાતનું ખવડાવતી રહેતી હતી. બધાં જ પ્રિયાનું મન સતત પ્રસન્ન રાખવા માટે પ્રયત્નશીલ રહેતાં હતાં. કે જેથી આવનાર બાળક પર કોઈપણ જાતની આડ અસર ના પડે. નવ મહિના પૂરાં થતાં જ પ્રિયાએ એક સુંદર મજાનાં બેબી બૉયને જન્મ આપ્યો. ને એ નાનાં મહેમાનની આગમનની ઉજવણી ખૂબ મોટાં પાયે કરવામાં આવી. એક ભવ્ય પાર્ટી રાખવામાં આવી. પ્રિયા અને સુશીલનાં બાળકનું નામ મીત રાખવામાં આવ્યું. મીત ઘરમાં બધાંનો લાડકો. દાદા - દાદી માટે તો જાણે સાક્ષાત બાળ - ગોપાલ. લાડ લડાવવા માટે જરાય કચાશ ન રાખતાં. સુશીલ પણ મીતનાં આવ્યા પછી ઘણો જ બદલાઈ ગયો હતો. મીત સાથે રમવા માટે રાત્રે હવે ઘરે જલ્દી આવી જતો હતો. મીત માટે સાસુ - સસરા અને સુશીલ જે વ્હાલ વરસાવી રહ્યાં હતાં એ અત્યંત જ સ્નેહભર્યું હતું. ત્રણેયમાંથી એકેય જણને મીતનાં આંખોંમાંથી આંસુ વહે એ પરવડે તેમ નહોતું.

(ક્રમશ:)