Ego - 18 in Gujarati Detective stories by Mehul Mer books and stories PDF | અહંકાર - 18

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

અહંકાર - 18

અહંકાર – 18

લેખક – મેર મેહુલ

જયપાલસિંહ ઇન્કવાઇરી રૂમમાં પહોંચ્યો ત્યારે ખુરશી પર ભાર્ગવ બેઠો હતો. તેની બાજુમાં અનિલ ઊભો હતો. જયપાલસિંહ ટેબલ પાસે પહોંચ્યો અને અનિલે સામે જોઇને કહ્યું,

“તું દરવાજો બંધ કરીને બહાર ઊભો રહે…અને જ્યાં સુધી હું ના કહું ત્યાં સુધી કોઈને અંદર ના આવવા દેતો..”

“યસ સર..” કહેતાં અનિલ બહાર નીકળી ગયો.

ત્યારબાદ જયપાલસિંહે ભાર્ગવ સામે જોયું અને હાથમાં રહેલી સોટી પર હાથ ફેરવ્યો. ભાર્ગવનાં ચહેરો અત્યારે વેમ્પાયર દ્વારા લોહી ચૂસી લેવામાં આવ્યું હોય અને માત્ર ધોળું થઈ ગયેલું મડદું પડ્યું હોય એવો થઈ ગયો હતો. ડરને કારણે તેની આંખો સામાન્ય ગતિ કરતા ઝડપી પલકતી હતી. તેણે ટેબલ પર બંને હાથ રાખ્યા હતા, જે અત્યારે થરથર કાંપતા હતાં.

જયપાલસિંહે પુરી તાકાતથી ટેબલ પર સોટી ફટકારી, જેને કારણે હાર્દિકની આંખો મીંચાઈ ગઈ અને બંને હાથ આપોઆપ ઊંચા થઈ ગયાં.

“તને અહીં શા માટે લાવવામાં આવ્યો છે એની તને ખબર છે ?” જયપાલસિંહે પૂછ્યું. ભાર્ગવે ડરતા ડરતા નકારમાં માથું ધુણાવ્યું.

“તારા રૂમમાંથી પોલીસને એક ચપ્પુ મળી છે, જેનાં પર હાર્દિકનું લોહી મળ્યું છે, તું માનસીને પસંદ કરતો હતો એની પણ અમને જાણ થઈ ગઈ છે” જયપાલસિંહે કહ્યું, “હવે તું હકીકત જણાવીશ કે મારે મહેનત કરવી પડશે ?”

“હું…હું…જણાવું છું સર…તમે મારશો નહિ પ્લીઝ..” ભાર્ગવે કહ્યું. જયપાલસિંહ મુસ્કુરાયો. તેણે ખુરશી પર બેઠલ લઈને સોટી ટેબલનાં પાટીયે ટેકવી.

“બોલવા મંડ…” જયપાલસિંહે કહ્યું.

“હા સર…હું માનસીને પસંદ કરતો હતો” ભાર્ગવે કબૂલાત કરતાં વાત શરૂ કરી, “માનસી પણ હાર્દિક દ્વારા તરછોડાયા બાદ મારી નજીક આવી ગઈ હતી. હાર્દિક તેને કેવી રીતે હેરાન કરતો એની કહાની માનસીએ મને કહેલી. જેને કારણે હાર્દિક સાથે મારે મારપીટ થઈ હતી. હાર્દિક પહેલેથી જ ગુંડા જેવો હતો. તેણે મારો હાથ ભાંગી નાંખ્યો હતો અને જો બીજીવાર એ બંનેનાં મામલામાં મેં દખલગીરી કરી તો મને મારી નાંખશે એવી ધમકી આપી હતી.

માનસી હાર્દિકથી છુપાઈને મને બધી વાતો કરતી. હું બળથી હાર્દિકને પછાડી શકું એવી તાકાત મારામાં નહોતી એટલે મેં કળથી કામ લેવાનું નક્કી કર્યું. ધીમેધીમે મેં હાર્દિકને દોસ્ત બનાવી લીધો, જેથી યોગ્ય સમય મળતાં કાવતરું કરીને હાર્દિકને શિકસ્ત આપી શકું.

હાર્દિકનાં જન્મદિવસનાં એ લોકો દારૂની પાર્ટી કરવાનાં હતાં અને હાર્દિકે જ મને આમંત્રણ આપ્યું હતું. મેં મમ્મી-પપ્પા ઘરે હશે એટલે હું દારૂ નહિ પી શકું પણ કંપની આપવા જરૂર એવું જણાવ્યું હતું. હાર્દિકે મને રાત્રે આવવા કહ્યું. ત્યારે હાર્દિકે માનસીને પણ રાત્રે ગેલેરીમાં બોલાવી હતી એ વાત મને માનસીએ બપોરે જણાવી હતી.

સાથે જ રાત્રે જ્યારે હું હાર્દિકનાં ઘરે હતો ત્યારે માનસીનો મૅસેજ આવ્યો હતો. માનસીએ હાર્દિકનું મર્ડર કરવાનો પ્લાન બનાવ્યો હતો અને મારે તેને મદદ કરવાની હતી. હું જ્યારે જયને બહાર ઉલ્ટી કરાવવા લઈ ગયો ત્યારે મેં માનસીને કૉલ કર્યો હતો અને રૂમે જે પરિસ્થિતિ હતી એ જણાવી હતી. પછી જ્યારે હું રૂમમાં આવ્યો ત્યારે શિવ અને હાર્દિક નશામાં ચકચૂર થઈને ઝઘડી રહ્યા હતાં. બંનેએ હદ બહારનો દારૂ પી લીધો હતો એ ખાલી બોટલ જોઈને હું સમજી ગયો. ત્યારબાદ બંને વચ્ચે હટાપાઈ શરૂ થઈ ગઈ. હર્ષદ બંનેને રોકવા આગળ વધ્યો પણ મેં એને રોકી લીધો.

જ્યારે બંને હદ વટાવી ગયા ત્યારે હું જ વચ્ચે કુદ્યો અને હર્ષદને કહીને હાર્દિકને બહાર મોકલી દીધો અને જ્યાં સુધી હાર્દિક સુઈ ના ગયો ત્યાં સુધી હું ત્યાં રહ્યો. ત્યારબાદ જ્યારે હર્ષદ સિવાય બધા જ સુઈ ગયા ત્યારે હું હર્ષદને સમજાવીને ઘર તરફ નીકળી ગયો.

માનસી માટે હવે રસ્તો સાફ હતો. હાર્દિક ગેલેરીમાં એકલો સૂતો હતો, જેણે હદથી વધારે દારૂ પીધેલો હતો. મેં માનસીને મૅસેજ કરીને ગ્રીન સિગ્નલ આપી દીધો. ત્યારબાદ મારા મમ્મી-પપ્પા ઘરે આવી ગયા એટલે એક કલાક સુધી હું માનસી સાથે વાત ના કરી શક્યો.

જ્યારે મમ્મી-પપ્પા સુઈ ગયા ત્યારે મેં મારા રૂમમાં આવીને માનસીને કૉલ કર્યા પણ તેણે કૉલ રિસીવ નહોતાં કર્યા. ત્યારે લગભગ રાતનાં ત્રણ વાગ્યા હતા.

‘માનસીએ પોતાનાં મકસદને અંજામ આપ્યું હશે કે નહીં ?, હાર્દિકને હોશ આવી ગયો હશે તો ?, કોઈક ગેલેરીમાં આવી ગયું હશે તો ?’ મારા મગજમાં વિચારોનું વાવાઝોડું રચાયું હતું. ત્યારબાદ મેં જાતે જ ત્યાં જવાનું નક્કી કર્યું. જો કંઈ જ ના થયું હોય અને જો કોઈ મને જોઈ જાય તો ‘હાર્દિક અને શિવે ફરી બબાલ નથી કરીને એ જોવા આવ્યો છું’ એમ કહીને ઘરે પરત આવી જવું અને જો માનસી મુસીબતમાં હોય તો તેની રક્ષા માટે મેં રસોડામાંથી ચપ્પુ લઈને ગજવામાં રાખી દીધું.

હાર્દિકનાં ઘરેથી છેલ્લે હું જ નીકળ્યો હતો અને કોઈ બારણું બંધ કરવા જેવી હાલતમાં નહોતું એટલે ઘરમાં પ્રવેશવામાં મને કોઈ મુશ્કેલી નહોતી વેઠવી પડી. હું રૂમમાં પહોંચ્યો ત્યારે શિવ અને જય બંને સુતા હતાં, પણ હર્ષદ રૂમમાં હાજર નહોતો. એ ગેલેરીમાં હશે એમ વિચારીને મેં ધીમેથી ગેલેરીમાં પડતાં દરવાજાની ચકલી ફેરવી. ગેલેરીમાં અંધારું હતું એટલે મેં મોબાઈલની ફ્લેશ શરૂ કરી. ફ્લેશ શરૂ કરતાંની સાથે જ મારી નજર સામે હાર્દિકની ડેડબોડી આવી.

હાર્દિકની ડેડબોડી જોઈને માનસીએ પોતાનું કામ પૂરું કરી દીધું છે એની મને ખાતરી થઈ ગઈ હતી. સાથે જ મારી નજર દિવાલને ટેકો આપીને સુતેલા હર્ષદ પર પડી. હર્ષદનાં માથેથી લોહી નીકળેલું હતું.

‘માનસી જ્યારે હાર્દિકને મારતી હશે ત્યારે હર્ષદ જાગી ગયો હશે અને તેણે માનસીને રોકવાની કોશિશ કરી હશે, માનસીએ તેને માથે વાર કરીને બેહોશ કરી દીધો હશે. જો હર્ષદ માનસીને જોઈ ગયો હતો તો આગળ જતાં એ માનસી માટે ખતરો બની શકતો હતો, માટે હાર્દિક સાથે હર્ષદને પણ સ્વધામ જવું પડશે’

મારા મગજમાં વિચારો બુલેટ ટ્રેનની જેમ દોડતાં હતાં. મેં હર્ષદને મારી નાંખવાનો વિચાર કર્યો હતો અને એ માટે મેં ગજવામાંથી ચાકું પણ કાઢી લીધી હતી. એ જ સમયે માનસીનો મૅસેજ આવ્યો. તેણે ‘એ અહીં આવી અને ઘરે પરત ફરી’ ત્યાં સુધીની ઘટનાં ટૂંકમાં વર્ણવી હતી. સાથે આ તેણે મોકલેલો મૅસેજ ડીલીટ કરવા પણ જણાવ્યું હતું.

હર્ષદ માનસીને નહોતો ઓળખી શક્યો એ જાણીને મેં હર્ષદને મારવાની વાત માંડી વાળી. ત્યારબાદ હું હાર્દિક પાસે પહોંચ્યો હતો. તેનો ચહેરો જોઈને મને ગુસ્સો આવતો હતો. એ મરી ગયા પછી પણ નિરાંતે સૂતો હોય એવું મને લાગતું હતું. મેં હાથમાં રહેલી ચાકું તેની છાતી ચપ્પુ ભોંકી દીધી અને પોતાનાં ગુસ્સાને શાંત કર્યો હતો. ત્યારબાદ હું ચુપચાપ ઘરે આવીને સુઈ ગયો હતો.

આ બધું બે-ત્રણ મિનિટમાં બન્યું હતું. કોઈએ મને જોયો નહોતો એની મને ખાત્રી હતી એટલે પોલીસ મારા પર શંકા નહીં કરે એવું મેં વિચારેલું.., પણ..” ભાર્ગવે છેલ્લું વાક્ય અધૂરું છોડી દીધું.

“પણ અમે પહોંચી ગયા” અધુરું વાક્ય જયપાલસિંહે પૂરું કર્યું. ભાર્ગવે હકારમાં માથું ધુણાવ્યું.

“તારા કહ્યા મુજબ તે જ્યારે હાર્દિકને જોયો હતો, ત્યારે એ મરી ગયો હતો અને તે એની છાતીમાં જમણી બાજુએ ચપ્પુ ભોંકી હતી. કોઈ પણ માણસ મર્ડર કરવાનાં ઈરાદાથી બીજા માણસને મારે તો એ એનાં હ્રદયનાં ભાગમાં હથિયાર ભોંકે છે, પણ અહીં માનસીએ અગાઉથી હાર્દિકનાં હ્રદયનાં ભાગમાં સળીયો ભોંકી દીધો હતો એટલે તે જમણી બાજુએ વાર કર્યો હતો…બરોબરને ?”

‘હા સર…” ભાર્ગવે કહ્યું.

“તે હાર્દિકનાં શરીર પર બીજે ક્યાં ક્યાં ભાગ પર ઘાવનાં નિશાન જોયા હતાં ?”

ગળા પર ચિરો હતો, છાતીનાં ડાબા ભાગ પર પણ એક ઘાવ હતો અને પેટમાં ડાબા ભાગ પરનાં ઘાવમાંથી પણ લોહી નીકળતું હતું”

“શું ?” જયપાલસિંહ ચોંકી ગયો, “પેટ પર પણ ઘાવ હતો ?”

“હા સર..”

“અને પછી તે છાતીનાં જમણા ભાગમાં ચપ્પુ ભોંકી..?” જયપાલસિંહે કહ્યું, “મતલબ ચોથો ઘાવ તે આપ્યો હતો ?”

ભાર્ગવે હકારમાં માથું ધુણાવ્યું.

“ઠીક છે…” કહેતાં જયપાલસિંહે અનિલ અવાજ આપ્યો.

“સર…” ભાર્ગવે કહ્યું, “મને કેટલા વર્ષની સજા થશે ?”

“અમારું કામ સજા આપવાનું નથી ?” જયપાલસિંહે કહ્યું, “એ ડિપાર્ટમેન્ટ કોર્ટને આપ્યો છે, તું કોર્ટમાં હકીકત જણાવીશ ત્યારબાદ જો જજ સાહેબ ચા પીને બેઠા હશે તો ઓછી સજા થશે, નહીંતર વધુ….સમજ્યો ?”

ભાર્ગવે કોઈ જવાબ ન આપ્યો. અનિલ રૂમમાં આવ્યો એટલે જયપાલસિંહે ભાર્ગવને જુદી સેલમાં લઈ જવા કહ્યું. અનિલ ભાર્ગવને લઈ ગયો અને જયપાલસિંહ પોતાની ઓફીસ તરફ નીકળી ગયો.

(ક્રમશઃ)