Operation Cycle Season 2 - 24 in Gujarati Thriller by Jatin.R.patel books and stories PDF | ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન 2 - 24

Featured Books
Categories
Share

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન 2 - 24

ભાગ 24

વડોદરા-કેલણપુર હાઈવે, રતનપુર

બલવિંદરની ડાયરીમાં રહેલ મેઈલ આઈડી ભારતીય ગુપ્તચર સંસ્થાઓને પોતાની નજીક લાવવાનું અને આતંકવાદી હુમલાનું સ્થળ જાણવામાં મહત્વની કડી સાબિત થઈ રહી છે એ વાતથી બેખબર અફઝલ પાશા અને બાકીના સ્લીપર્સ સેલ રતનપુર ખાતેના બંધ મકાનમાં આરામ ફરમાવી રહ્યા હતા.

રાત એની મંદ ગતિમાં આગળ વધી રહી હતી..બે દિવસ પહેલા થયેલા વરસાદની ઠંડક હજુપણ વતાવરણમાં મોજુદ હતી. પોતે પોતાની કોમ માટે જાણે બહુ મોટું કામ કરવા જઈ રહ્યો હતો એવા ગર્વ સાથે અફઝલ પાશા નિંદ્રાધીન હતો. નીચેના હોલમાં વસીમ અને એક અન્ય સ્લીપર સેલનો સભ્ય ચોકીપહેરો ભરી રહ્યો હતો.

રાતની નીરવ શાંતિનો ભંગ કરતી રિંગ અફઝલના સેટેલાઇટ ફોનમાં વાગી ત્યારે રાતના સાડા ત્રણ થઈ રહ્યા હતા. કોલ નક્કી પાકિસ્તાનથી જ હોવો જોઈએ એવી ધારણા સાથે અફઝલે ફોન રિસીવ કર્યો.

"હલ્લો..." અફઝલ હજુ આટલું બોલ્યો ત્યાં સામેથી એને ઘેરો, પડછંદ સ્વર સંભળાયો.

"કૈસી હૈ સબ તૈયારી..?"

કોલ કરનાર વ્યક્તિ પોતાનો ભાઈ અને લશ્કર-એ-તોયબાનો કમાન્ડર ઈન ચીફ અકબર પાશા હતો એ વાત આટલી ગાઢ ઊંઘમાં પણ અફઝલ સમજી ગયો. નક્કી કરેલા પ્લાન મુજબ પોતાની જોડે ઈકબાલ મસૂદ જ સંપર્ક સાધવાનો હતો પણ અત્યારે અકબર પાશા સ્વયં પોતાને ફોન કરી રહ્યો હતો એનો અર્થ કે નક્કી કંઈક ના બન્યું બની ગયું છે એવો તારવી અફઝલ ફટાક દઈને પથારીમાં બેઠો થઈ ગયો.

"બહોત બઢિયા... ગ્રીન ડ્રેગન કહર બરસાને કો એકદમ તૈયાર હૈ..!" અફઝલના સ્વરમાં ઉમળકો અને ઉત્સાહ હતો.

"મસૂદ અબ નહિ રહા.." અફઝલના ઉમળકા પર પાણી ફેરવી દેતા અકબર બોલ્યો. "કુવૈતીયન પાસપોર્ટ પર આયે એક જોડેને મસૂદ ઔર ઉસકી પૂરી ગેંગકો ખતમ કર દિયા હૈ."

"કુવૈતીયન જોડેને..?" અકબર પાશાની વાત સાંભળી અફઝલને ભારે આંચકો લાગ્યો હતો એવું એવા સ્વર પરથી સ્પષ્ટ જણાતું હતું. "પર ઉન લોગોકી મસૂદ સે ક્યા દુશ્મની..?"

અફઝલે પૂછેલા આ સવાલના જવાબમાં રાવલપિંડી અને ત્યારબાદ કવેટામાં જે કંઈપણ થયું એ વિષયમાં પોતાને જેટલી માહિતી હતી એ બધી અકબરે અફઝલને જણાવી દીધી.

"મેરા અંદાજા હૈ કી વો જોડા કાફિરોકા થા.." અફઝલ બોલ્યો.

"તુમ્હારા અંદાજા ગલત નહિ હૈ..મુજે તો યકીન હૈ કી વોહ હિન્દુસ્તાનીયો કે એજન્ટ થે.." અકબરના ધીમા સ્વરમાં ભારે ગુસ્સો હતો..જે અફઝલ પારખી ગયો.

"તો અબ આગે ક્યા..?" અફઝલે ચિંતિત સ્વરે પોતાના ભાઈને પૂછ્યું.

"આગે હમે વહી કરના હૈ જો તય હુઆ હૈ..હમ હિન્દુસ્તાનકે ગાલ પર ઈસબાર એસા તમાચા રસીદ કરે કે ઇસકા દર્દ ઉનકી આનેવાલી પીઢિયા ભી યાદ રખેગી..26/11 કે બાદ 29/10 હિન્દુસ્તાનકે ઈતિહાસમેં લહુકે રંગ સે લીખી જાનેવાલી તવારીખ બનેગી."

"ઈન્સાઅલ્લાહ...એસા હી હોગા ભાઈજાન.."

"ખુદાહાફિઝ.."

આ સાથે જ અફઝલને ભારે દ્વિધા અને અકળામણમાં મૂકી અકબરે એની સાથેનો સંપર્ક વિચ્છેદ કરી નાંખ્યો. ભારતીય ગુપ્તચર સંસ્થાઓના એન્જટ છેક પિંડી અને કવેટા પહોંચી આટલો મોટું મિશન પૂરું પાડી જાય એ પોતાની યોજના માટે ક્યાંક જોખમરૂપ તો નહોતું ને..? આ પ્રશ્નનો જવાબ શોધતા-શોધતા અફઝલ પુનઃ પથારીમાં લાંબો થયો.

************

કમિશનર કચેરી, અમદાવાદ, ગુજરાત

નગમા અને માધવ બલવિંદરની જે ડાયરી લઈને આવ્યા હતા એમાં રહેલા મેઈલ આઈડીને ડિકોડ કરીને ઓપન કર્યાં બાદ એમાં મોજુદ ચોથા મેઈલમાં રહેલ એક ન્યુમેરિકલ કોડ આતંકવાદી હુમલાનું સ્થળ કયું હોવાનું છે એ જણાવવા સક્ષમ હતો પણ એ ત્યારે જ શક્ય બને એમ હતું જ્યારે આ કોડનો કોઈ ઉકેલ શોધવામાં આવે.

રાતના સાડા ત્રણ વાગી ગયા હતા અને ત્યાં હાજર દરેક અધિકારીને હવે થોડા આરામની જરૂર હતી એ જાણતા અને સમજતા શેખાવત તથા આહુવાલીયાએ વેણુ સિવાયના બાકીનાં ઑફિસર્સને ત્યાંથી જવાની રજા આપી. પોતાના સિનિયરનો આદેશ માથે ચડાવી બધા જુનિયર ઑફિસર્સ સવારે નવ વાગે ત્યાં હાજર થઈ જવાનું વચન આપી ત્યાંથી રવાના થયા. વણઝારા અને શર્માને પણ શેખાવતે મહાપરાણે આરામ કરવા ઘરે મોકલ્યા.

શેખાવત પોતે પણ શારીરિક અને માનસિક રીતે થાકી ગયા હતા એ વાત સમજતા આહુવાલીયાએ એમને પણ કમિશનર ઓફિસમાં આવેલા સોફા પર લંબાવવા આગ્રહ કર્યો. આમ પણ વેણુ શાંતિથી પોતાનું કાર્ય કરશે તો જ ધાર્યું પરિણામ મળશે એ સત્યનો સ્વીકાર કરતા હોય એમ શેખાવત હોલમાં મોજુદ સોફા પર જઈને સુઈ ગયા.

આહુવાલીયા વેણુની બાજુમાં જઈને ચૂપચાપ ગોઠવાઈ ગયા. એ નહોતા ઈચ્છતા કે વેણુને એનું કામ કરવામાં કોઈ હેરાનગતિ થાય. વેણુ એક કાગળ પર મેઈલમાંથી મળેલા ન્યુમેરિકલ નંબર લખી એને ઉકેલવાની કોશિશમાં લાગ્યો હતો.

".9 .10 1 .10 ..1 5

.5 6

..1 .4 9 .10 ..5"

વેણુ વારંવાર કોરા કાગળ પર ખૂબજ ધ્યાનથી કંઈક લખતો અને થોડી જ વારમાં કોઈ તથ્ય પર ના પહોંચતા ગુસ્સા અને અકળામણમાં એ કાગળને ફાડીને ડસ્ટબીનમાં ફેંકી દેતો. આમ ને આમ બે કલાક જેટલો સમય નીકળી ગયો; સૂર્યોદય થવા આવ્યો પણ હજુ સુધી વેણુ કે ભારતીય ગુપ્તચર સંસ્થાઓના આઈ.ટી નિષ્ણાતો કોઈ રીતે આ કોડ ઉકેલી શક્યા નહોતા. કંટાળો અનુભવતા આહુવાલીયા પણ કલાક પહેલા જ ટેબલ પર માથું ઢાળી સુઈ ગયા હતા.

ભરચક પ્રયાસો બાદ પણ મળેલી અસફળતાના લીધે વેણુનું મગજ સુન્ન મારી ગયું હતું. પોતાના સુન્ન મારેલા દિમાગને કામે લગાવવા હવે કોફીનો સહારો લેવો આવશક્ય છે એવું લાગતા વેણુએ લેપટોપની સ્ક્રીનઓફ કરી અને અવાજ કર્યાં વિના કમિશનર કચેરીના મુખ્ય હોલનો દરવાજો ખોલી બહાર ખુલ્લી હવામાં આવ્યો.

બહાર મોસમ ખુશનુમા હતી અને સૂરજની પધરામણી થઈ ચૂકી હતી. હોલની બહાર ઊભેલા સિક્યોરિટી કમાન્ડોનું અભિવાદન સ્વીકારી વેણુ કમિશનર કચેરીના દરવાજે આવીને ઊભો રહ્યો. રોડની બીજી તરફ સહેજ ડાબી બાજુ એક ચાની રેકડી ઊભી હતી; એ તરફ આપમેળે વેણુના પગ ચાલી નીકળ્યા.

"એક કડક કોફી અને ખારી.." ચાની રેકડી નજીક મૂકેલી પાટલી પર બેસતા જ વેણુએ રેકડી પર કામ કરતા એક પચાસેક વર્ષના આધેડને ઓર્ડર આપ્યો.

પાંચેક મિનિટમાં તો વેણુ માટે કોફી અને ખારીનું એક પેકેટ આવી ગયું..રાતભરનો ઉજાગરો અને વધારામાં ખાલી પેટ હોવાથી વેણુ ફટાફટ કોફી સાથે ખારી આરોગવા લાગ્યો. આ દરમિયાન રેકડી પર ગ્રાહકોની ભારે ભીડ થવા લાગી હતી..અહીં મળતા મસ્કાબન અને ચાની લિજ્જત માણવા ઘણા લોકો ત્યાં આવી રહ્યા હતા.

વેણુએ પણ એક મસ્કાબનનો ઓર્ડર કર્યો..મસ્કાબન ખાતી વખતે પણ એના મગજમાં મેઈલમાંથી મળેલો ન્યુમેરિકલ પાસકોડ જ ઘુમરાઈ રહ્યો હતો. અચાનક વેણુના કાને નાના બાળકની માફક એકથી દસની ગણતરી કરતા રેકડી પર કામ કરતા આધેડનો અવાજ પડ્યો.

"એક...બે...ત્રણ...ચાર...પાંચ...છ...સાત...આઠ...નવ...દસ..." જમણા હાથની આંગળીઓને બે વાર ગણી તેઓ દસ સુધી ગણતા પછી ડાબા હાથની એક આંગળી વાળી દેતા, પુનઃ જમણા હાથની આંગળીઓની મદદથી એક થી દસ.

રેકડીનો માલિક એમને જ્યારે કોઈ ગ્રાહકનું બિલ પૂછતો ત્યારે તેઓ કહેતા.

"ડાબા હાથની ત્રણ અને જમણા હાથની બે...મતલબ બત્રીસ,

આજ રીતે ડાબા હાથની એક અને જમણા હાથની પાંચ તો પંદર.."

આ એક નક્કી પાસકોડ હતો એ બુઝુર્ગ અને રેકડીના માલિક વચ્ચે..બુઝુર્ગ ગણતરીમાં કાચા હોવાથી એમને આ ટ્રિક વિકસાવી હતી એ વેણુ આસાનીથી સમજી ગયો..અને જેવું આ ટ્રિક એ સમજ્યો એ સાથે જ ખુશીનો માર્યો પોતાની જગ્યાએથી ઊભો થયો અને દોડીને એ બુઝુર્ગને ભેટી પડ્યો.

"કાકા, તમે તો ગજબ કરી દીધો.." ઉત્સાહમાં આવી વેણુએ એ આધેડના હાથમાં એક પાંચસોની નોટ પકડાવી દીધી.

"પણ બેટા, મેં કર્યું શ હુ..?" ક્યારેક પાંચસોની નોટ અને ક્યારેક વેણુ તરફ જોતા એ આધેડ વિસ્મયભર્યા અવાજમાં પોતાના દેશી અંદાજમાં બોલ્યા.

એમના પ્રશ્નનો ઉત્તર આપવાના બદલે વેણુએ એમના હાથને પોતાના હાથમાં લઈ એના પર એક હેતાળ ચુંબન કર્યું અને ઉતાવળા ડગલે કમિશનર કચેરી તરફ અગ્રેસર થયો.

જ્યારે વેણુ ચાની રેકડી તરફ આવ્યો ત્યારે એના ચહેરા પર ઊંઘ, હતાશા અને વ્યગ્રતા હતી પણ જ્યારે એ ત્યાંથી પાછો જઈ રહ્યો હતો ત્યારે એના મુખ પર ખુશી, ઉત્સાહ અને તરવરાટ મોજુદ હતો.

આ ઉત્સાહમાં એને હોલનો દરવાજો એટલા જોરથી ખોલ્યો કે આહુવાલીયા અને શેખાવત બંને સફાળા બેઠા થઈ ગયા...જાણે આખી દુનિયા જીતીને પાછો ફર્યો હોય એવી ખુશી સાથે હોલમાં પ્રવેશેલા વેણુને જોઈ શેખાવત અને આહુવાલીયા એકસાથે બોલી પડ્યા.

"શું થયું વેણુ...તે કોડ ઉકેલી લીધો..?"

"યસ સર...આઈ ડિકોડ ધ કોડ...વિથ હેલ્પ ઓફ વન અનએજ્યુકેટેડ ઓલ્ડ મેન..!"

આટલું બોલી વેણુ હાથમાં એક પેન અને કોરો કાગળ લઈને લેપટોપની બાજુમાં રાખેલી ખુરશીમાં ગોઠવાઈ ગયો..શેખાવત અને આહુવાલીયા પણ ગજબની ખુશી અનુભવતા એ જાણવા વેણુની સમીપ આવીને ઊભા રહી ગયા કે આખરે લશ્કર-એ-તોયબાના આતંકવાદીઓ આખરે કઈ જગ્યાએ આતંકવાદી હુમલો કરવાના હતા.?

************

ક્રમશઃ

આગળ શું થવાનું છે એ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ દિલધડક નવલકથા "ઑપરેશન ચક્રવ્યૂહ". આ નવલકથા દર ગુરુવારે અને રવિવારે આવશે એની નોંધ લેવી.

આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર  મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની

પ્રતિશોધ અને  મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)