"આજ કી નારી સબપે ભારી" આજના સમયની બહુ પ્રખ્યાત પંક્તિ છે.પરંતુ આજ કી નારી સબપે ભરી થઇ છે કે પછી તેને ભારી થવા માટે મજબુર કરવામાં આવી છે.આ વાતનો વિચાર આપણામાંથી બહુ ઓછા લોકોને આવ્યો હશે.
સ્ત્રી એ વહાલનો દરિયો છે ,મમતાની મૂર્તિ છે પરંતુ આજે તે લાગણીના સાગરમાં આગની જ્વાળા ઉભરીને બહાર આવવા મંડી છે તેની પાછળ કેટલાક ગંભીર કારણો છુપાયેલા છે.જતો કરનાર સ્ત્રી સ્વભાવ આજ આંખમાં પ્રતિશોધની ભાવના લઇ ફરતું થયું છે.આ વાત સાંભળવામાં અને વાંચવામાં ખુબ સરળ અને અર્થહીન લાગે છે પરંતુ વાસ્તવિક રીતે જોવા જોવા જઇયે તો આપડા સમાજ માટે તે ખુબ શરમજનક વાત છે જેના લીધે સ્ત્રીની સંવેદના વેદનામાં પરિવર્તિત થઇ છે અને જેનું પરિણામ આજે આપણી દ્રષ્ટિ સામે છે.
સ્ત્રી લક્ષ્મી ,સરસ્વતી ,અન્નપૂર્ણા જેવા અનેક રૂપો ધરાવે છે પરંતુ આજે તે તેનું મહાકાળી રૂપ બતાવવા ઉપર આવી પહોંચી છે આવું થવા પાછળનું કારણ શું હોઈ શકે...!!"મન હોય તો માળવે જવાય" આ ઉક્તિથી આપણે સૌ સારી રીતે અવગત છીએ.પરંતુ આ મનને જ જયારે મારી નાખવામાં આવે છે ત્યારે સંવેદના વેદનામાં પરિવર્તિત થાય છે અને તે વેદનામાંથી આજે કેટલી મહાકાળીઓ જન્મ લઇ ચુકી છે અને પ્રતિશોધ લેવા તત્પર બની છે
"ગૃહલક્ષ્મી" રૂપમાં આપણે સ્ત્રીને બહુ મોટુ માન આપી દીધુ પરંતુ તે ગૃહલક્ષ્મીને મોટા ભાગના લોકો સ્થાન નથી આપી શક્યા.પુરુષનું જીવન સરળ છે તેવું ન કહી શકાય પરંતુ સ્ત્રીજીવન સાથે સરખામણી કરી શકાય તે દરજ્જાનું પણ ન કહી શકાય છે.સ્ત્રીના બાળપણથી લઇ વૃધ્ધા અવસ્થા સુધીના દરેક તબક્કામાં યોગદાન,બલિદાન અને ક્યાંક ક્યાંક અપમાન પણ સમાયેલા જોવા મળે છે.જે સ્ત્રી લક્ષ્મી,અન્નપૂર્ણાના રૂપમાં પરિવારનું ભરણપોષણ કરવા અને પરિવારને એકસાથે બાંધી રાખવા તત્પર છે તે જયારે તેની નાની એવી ઈચ્છાઓ પુરી કરવા આગળ આવે છે ત્યારે સમાજની દ્રષ્ટિ તેના પ્રત્યે ક્રૂર બની જાય છે.
એક માતા પોતાના બાળક માટે 5 મિનિટ પણ મોડું ન થાય તેની પુરી કાળજી લે છે,એક પત્ની તેનો પતિ સમયસર કામ પર પહોંચી શકે તે માટે પોતાના બધા મોજ-શોખ ,પીડા ભૂલી કામમાં પરોવાઈ જતી હોય છે.તેની ગમે તેવી ખરાબ સ્થિતિ હોય પરંતુ તેની પીડાની અસર તેના પરિવાર ઉપર આવતા દેતી નથી પરંતુ શરમજનક પળ ત્યારે આવે છે જયારે સ્ત્રીની લાગણીને સમજવાની અને તેને હૂંફ આપવાની વારી આવે છે ત્યારે તે પરિવાર કેમ સમાજના નિયમો પાછળ રગવાયો બની ગાંડી દોટ મૂકે છે.
સ્ત્રીને શોભા આપે તેવું વર્તન કરવું જરૂરી છે,તેના માટે સમાજમાં શોભા આપે તેવા પોશાક પહેરવા જરૂરી છે સમાજ દ્વારા આવા અનેક નિયમો બનાવવામાં આવ્યા છે.સ્રીની ખુશી જળવાઈ રહે ,તેના શરીરને આરામ મળી રહે તે માટે અઠવાડિયે એક વખત પુરુષ જેમ સ્ત્રીને પણ રસોડામાંથી રજા આપવી તેવા કોઈ નિયમોનું સર્જન કેમ નથી કરવામાં આવ્યું .???વિચાર જરૂર કરજો ક્યારેક આ બાબત ઉપર ક્યાંકતો તમને ભાસ થશે કે સમાજ વ્યવસ્થામાં ક્યાંક ખામી તો અવશ્ય છે જ.સમાજ વ્યવસ્થા મનુષ્ય સુખીથી અને ન્યાયપૂર્વક જીવન જીવી શકે તે માટે ઉભી કરવામાં આવે છે તો તેમાં સર્વેના હિતોને ધ્યાનમાં લીધેલા હોવા જોઈએ ,સ્ત્રી-પુરુષને સમાન રીતે ધ્યાનમાં લઇ નિયિમોનું સર્જન થયેલું હોવું જોઈએ.
લોકોની માનસિકતા ખરાબ થતી જાય છે તેવું આપણે આજકાલ બહુ સાંભળવા મળે છે તેનું એક ઉદાહરણ હું તમને આપુ,આજે આપનો દેશ ગણો આગળ વધી ગયો છે સ્ત્રી ગણી આગળ વધી છે પરંતુ હજી આજ પણ કેટલી બધી લક્ષ્મી ઘૂંઘટ પાછળ આંસુ સંતાડી બેઠી છે અને કેટલીક વિમાનની કમાન હાથમાં લઇ દેશ-વિદેશમાં ભ્રમણ કરતી થઇ છે.આવી હજારો લક્ષ્મીના ઘૂંઘટ પાછળના આંસુઓને અવગણી ,આગળ નીકળેલી સ્ત્રીને "આજ કી નારી સબ પે ભરી"કહી હાંસીપાત્ર બનાવી દેવાય છે.આ આપણી કઈ કક્ષાની વિચારસરણી છે સમાજની માનસિકતા કેટલી હદે નીચી ઉતારી છે સ્પષ્ટ જોઈ શકાય છે
આ બધી વાતો અવશ્ય કડવી લાગી હશે.પરંતુ જે સ્ત્રીની સંવેદનાનો સન્માન નથી કરી શક્યા તો પછી તેની આવડતથી આગળ વધેલી અને હોદા પર પહોંચેલી સ્ત્રીની ગૃણા અને ઉપેક્ષા કરવાનો અધિકાર પણ સમાજને નથી. સ્ત્રીની સંવેદનશીલતાની હદ આપણે સૌ એ જ વટાવી છે તો હવે તેની વેદનામાંથી ઉભરેલી આગને સહેન કરવાનું અવસર પણ આપણા જ ફાળે આવવાનું છે.
બસ થોડો વિચાર કરજો આ બાબત ઉપર સ્ત્રી જીવનની સંવેદનાથી વેદના સુધીની સફરને રોકવામાં આવશે તો કદાચ ફરી આપણે સ્ત્રી ગૃહલક્ષ્મી અને અન્નપૂર્ણા રૂપમાં પાછી જોવા મળશે.