અહંકાર – 12
લેખક – મેર મેહુલ
જયપાલસિંહે ફોન ગજવામાંથી કાઢ્યો અને ડિસ્પ્લે પર નજર કરી. એ કૉલ રાવતનો હતો.
“જય હિન્દ સર..” જયપાલસિંહે કૉલ રિસીવ કરતાં કહ્યું.
“જય હિન્દ ઇન્સ્પેક્ટર..” રાવતે શાંત અવાજે કહ્યું, “જનક પાઠક ચોકીએ આવ્યો હતો ?”
“યસ સર…”
“તેં એને કંઈ કહ્યું હતું ?”
“હા સર…પોલીસને એ પોતાનાં નોકર સમજતો હતો એટલે મારે ના છૂટકે બોલવું પડ્યું..” જયપાલસિંહે કહ્યું.
“ગુડ..તે જે કંઈ પણ કર્યું છે એ બરોબર જ કર્યું છે..” રાવતે કહ્યું, “પણ એસ.પી. સાહેબનો મારામાં ફોન આવ્યો હતો એનું શું કરીશું ?”
“સાહેબને પણ એ જ કહો, જે મેં તમને કહ્યું છે…સાહેબ સમજી જશે..” જયપાલસિંહે કહ્યું.
“ઠીક છે પણ આગળથી ધ્યાન રાખજે…જ્યારે તારી પાસે એનાં વિરુદ્ધ પુરાવા હોય ત્યારે દબોચી લેજે સાલાને…” રાવતે દાંત કચકચાવીને કહ્યું.
“સમજી ગયો સર…” જયપાલસિંહે કહ્યું, “એક વાત પૂછું સર..?”
“એક નહિ, બે પૂછને..”
“સારું તો પહેલી વાત એ છે કે તમને પાઠકને કોઈ દીકરો છે એવી જાણ હતી ?”
“ના.., મને પણ હાર્દિક તેનો દીકરો છે એ જાણીને આશ્ચર્ય થયું છે..”
“ઑકે સર..” જયપાલસિંહે કહ્યું, “બીજો સવાલ એ હતો કે હવે આ કેસ હાઈપ્રોફાઈલ, મારો કહેવાનો મતલબ છે કે રાજકીય નેતાનાં દીકરાનો મર્ડર કેસ છે તો તમે મને આ કેસમાંથી હટાવવાની કોશિશ નહિ કરોને ?”
“એવું થતું એને ત્રણ વર્ષ વીતી ગયા જયપાલ…એ સમયે પોલીસને બધા મામૂલી સમજતા અને પોતાનાં ઈશારે નચાવતાં, પણ હવે સમય બદલી ગયો છે, પોલીસ માટે બધા કેસ સરખા છે અને કેસ પર કામ કરતાં ઓફિસરો પણ પોલીસ માટે મહત્ત્વનાં છે… માટે તને આ કેસમાંથી હટાવવામાં આવશે એની ચિંતા છોડીને કેસમાં ધ્યાન આપ…તું અપરાધીને પકડી પાડીશ તો માત્ર તારું જ નહીં, પુરા ડિપાર્ટમેન્ટ અને પોલીસ ફોર્સનું માન વધશે…”
“યસ સર…” જયપાલસિંહે જુસ્સામાં ઊંચા અવાજે કહ્યું.
“બેસ્ટ ઓફ લક ઇન્સ્પેક્ટર…” કહેતાં રાવતે ફોન કટ કરી દીધો.
‘થેંક્યું સો મચ સર..’ જયપાલસિંહ મનમાં બોલ્યો અને ફોન પાછો ગજવામાં સરકાવી દીધો.
ત્યારબાદ જયપાલસિંહ અને ભૂમિકા જીપમાં સવાર થઈને બેન્ક ઓફ શિવગંજનાં રસ્તે અગ્રેસર થઈ ગયાં.
પંદર મિનિટમાં જયપાલસિંહ અને ભૂમિકા ક્લસ્ટર હેડની સામે બેઠા હતાં. ક્લસ્ટર હેડ કેતન માંકડે બંને માટે પાણી મંગાવ્યું.
“બોલો ઇસ્પેક્ટર..હું શું મદદ કરી શકું તમારી ?”
“હાર્દિક પાઠક મર્ડર કેસ વિશે તમે ન્યૂઝપેપરમાં વાંચ્યું જ હશે અને કાલે અમારો એક કૉન્સ્ટબલ પણ તમારી પાસેથી સ્ટેટમેન્ટ લખાવી ગયો હતો.., તો એ સિલસિલામાં તમારી સાથે અને તમારા થોડા કર્મચારીઓ સાથે પૂછપરછ કરવાનાં હેતુથી આવ્યા છીએ…આશા રાખીએ છીએ કે તમે હેરાન નહિ થયા હોઉં..”
“એમાં શેની હેરાનગતિ ?, પોલીસને સહકાર આપવો એ દેશનાં દરેક નાગરિકની ફરજ છે…” કેતન માંકડે ડહાપણ સાથે કહ્યું, “બોલો, તમે કોની કોની સાથે પૂછપરછ કરવા ઈચ્છો છો ?”
“સૌથી પહેલા તમારી સાથે..” જયપાલસિંહે કહ્યું, સાથે ભૂમિકાએ એક ફાઇલ ખોલી, જેમાં થોડા કોરા કાગળો હતાં. ભુમિકા કાગળનાં માથાળે ‘કેતન માંકડ – ક્લસ્ટર હેડ’ લખ્યું અને બાજુમાં તારીખ લખી.
“મને ખબર હતી એ તો મને ગઈ કાલે જ તમારાં કૉન્સ્ટબલને જણાવી દીધું હતું.., તો પણ કંઈ બાકી રહી ગયું હોય તો પૂછો તમે..”
“કાલે તમે હાર્દિકનો એક કિસ્સો કહ્યો હતો જેમાં હાર્દિકે ફર્જી ડોક્યુમેન્ટ દ્વારા સાઈઠ લાખની એક લૉન અપાવી હતી અને પાછળથી હોબાળો બહાર આવતાં જે કસ્ટમરે લોન લીધી હતી તેને સજા થઈ હતી” જયપાલસિંહે કહ્યું, “હવે મારો સવાલ એ છે કે, હાર્દિક ફ્રોડ કરે છે એ જાણીને પણ તમે શા માટે નોકરીએ રાખ્યો હતો ?”
“જુઓ ઇન્સ્પેક્ટર..મારું ચાલેત તો હું હાર્દિકને ત્યારે જ ફાયર કરી ચુક્યો હોત અને એને નોકરીએ કાઢવા માટે મેં ઉપરી સાહેબો સાથે ચર્ચાવિચારણાં પણ કરી હતી.., પણ હાર્દિકનું બેકગ્રાઉન્ડ જ એટલું સ્ટ્રોંગ હતું કે મને સીધો દિલ્હીથી ફોન આવ્યો અને કેસ દબાવી દેવા જણાવવામાં આવ્યું”
“મતલબ હાર્દિકનાં પપ્પા જનક પાઠકનો જ આ કામમાં હાથ હતો..” જયપાલસિંહે કહ્યું, “બરોબર કહ્યુંને મેં ?”
“હા…તેઓએ જ હાર્દિકને બચાવવાની ભલામણ કરી હતી..”
“સમજ્યો..” જયપાલસિંહે કહ્યું, “માન્યું કે તમે એને નોકરીમાંથી નહોતાં કાઢી શકતાં પણ એ જેવી રીતે છોકરીઓ સાથે હાથચલાકી કરતો અને બીજા લોકોને હેરાન કરતો હતો…તમે એ વાતમાં તો એને ટોકી શકતાં હતાને..?”
“તમને શું લાગે ઇન્સ્પેક્ટર ?, મેં એને નહિ ટોક્યો હોય ?” કેતન માંકડે કટાક્ષમાં કહ્યું, “અઠવાડિયામાં હું એને બે વાર મારી કેબિનમાં બેસીને આવી હરકતો ન કરવા સલાહ આપતો…એ નપાવટ એક કાને સાંભળતો અને બીજા કાને કાઢી નાંખતો…આખરે કંટાળીને મેં જ છોકરીઓને એનાથી દૂર રહેવાની સલાહ આપી હતી..”
“ઓહ..” જયપાલસિંહે હુંહકાર ભર્યો, “હાર્દિક સાથે તમારે કોઈ વાર ઝઘડો થયેલો ?”
“હું એને સમજાવતો પછી પણ એ ના સુધરતો ત્યારે હું એને ગાળો આપીને ખિજાતો…, પણ એ મીંઢો થઈને બધું સાંભળી લેતો અને બીજીવાર આવી ભૂલ નહિ થાય એવું કહેતો…એનાથી વધુ અમારી વચ્ચે કોઈ ઉગ્ર વાતો ના થતી..”
“સમજ્યો..” જયપાલસિંહે કહ્યું, “છેલ્લો સવાલ, અમારી જાણકારી માટે મર્ડર થયાની રાત્રે તમે ક્યાં હતાં એ જણાવી દો”
“એ રાત્રે હું મારા ઘરે જ હતો..” કેતન માંકડે કહ્યું, “સાબિતી માટે તમે મારી પત્ની તથા મારા માતા-પિતા સાથે વાત કરી શકો છો..”
“ના.. એની કોઈ જરૂર નથી..” જયપાલસિંહે કહ્યું, “હવે તમારા કર્મચારીઓ સાથે પૂછપરછ કરવાની વ્યવસ્થા કરી આપશો..”
“તમે સ્ટોર રૂમમાં બેસો અને કોને કોને પૂછપરછ કરવાની છે એ જણાવો એટલે હું વારાફરતી તેઓને મોકલું..” ક્લસ્ટર હેડે ઊભા થતાં કહ્યું.
“આભાર..” કહેતાં જયપાલસિંહ પણ ઉભો થયો અને ભૂમિકા તરફ ફરીને કહ્યું, “વારાફરતી બધાને બોલાવી લે..”
“પહેલાં નેહા ધનવર અને ખુશ્બુ ગહરવાલને મોકલો..” ભૂમિકાએ કહ્યું.
ક્લસ્ટર હેડે સહમતી પૂર્વક માથું ધુણાવીને ટેબલ પર રહેલું બેલ દબાવી. થોડીવારમાં પ્યુન દારવાજો ખોલીને રૂમમાં પ્રવેશ્યો.
“નેહા અને ખુશ્બુને સ્ટોર રૂમમાં બોલાવી લો અને મેડમ કહે એને વારાફરતી બોલાવી લેજો..” કેતન માંકડે સૂચના આપતાં કહ્યું.
“જી સાહેબ..” કહેતા પ્યુન અરવિંદભાઈ બહાર ગયાં. જયપાલસિંહ અને ભૂમિકા પણ દરવાજો ખોલીને બાજુનાં સ્ટોર રૂમ જઈને બેઠા. બે મિનિટ બાદ નેહા અને ખુશ્બુ સ્ટોર રૂમમાં આવી.
“બેસો..” જયપાલસિંહે બેસવાનો ઈશારો કરીને કહ્યું એટલે બંને સામેની ખુરશી પર બેસી ગઈ.
“હાર્દિક સાથે તમારાં બંનેનાં કેવા સંબંધ હતાં એ જણાવો..” જયપાલસિંહ સીધો મુદ્દાની વાત પર આવી ગયો.
જયપાલસિંહનો સવાલ સાંભળીને બંનેએ એકબીજા સામે જોયું. ખુશ્બુએ નિહા સામે ઈશારો કર્યો એટલે નેહાએ જયપાલસિંહ તરફ ફરી કહેવાનું શરૂ કર્યું, “હાર્દિક એક નંબરનો હવસખોર હતો સર… ભૂલથી પણ જો તેની સામે જોવાય જતું તો એ હવસી નજરથી અમારા અંગો પર નજર ફેરવતો..જ્યારે પણ એ અમારી સાથે વાતો કરતો ત્યારે હસી મજકથી વાતો શરૂ કરતો અને ડબલ મિનિંગની ખરાબ વાતોએ આવીને અટકતો..”
“બંને સાથે આવું વર્તન કરતો કે માત્ર નેહા તારી સાથે જ ?”
“ના સર..” ખુશ્બુએ કહ્યું, “કોઈ પણ છોકરીને જોઈને એ એવી જ હરકતો કરતો..”
“જો એ આવી ખરાબ હરકતો કરતો તો તમે કોઈને ફરિયાદ કેમ નહોતાં કરતા ?”
“ફરિયાદ કરી હતી સર..” નેહાએ કહ્યું, “સીધી અમારા ક્લસ્ટર હેડને જ ફરિયાદો કરેલી પણ ક્લસ્ટર હેડે તેની સામે એક્શન લેવાને બદલે અમને તેનાથી બચીને રહેવાની સલાહ આપેલી.. અમે ગમે તેટલું ધ્યાન રાખતાં પણ એ હંમેશા મોકો વર્તીને અમારી સાથે છેડખાની કરી જ લેતો..”
“પછી તમે લોકોએ શું કરેલું ?”
“મેં તો એને પોલીસની ધમકી આપી એટલે એ મને હેરાન કરતો બંધ થઈ ગયેલો અને ખુશ્બુ ક્યારેય એકલી આ સ્ટોર રૂમમાં આવતી નહિ..” નેહાએ કહ્યું.
“ઓહ..છેલ્લે તેણે ક્યારે આવી હરકત કરેલી ?”
“તેણે છેલ્લીવાર મારી સાથે બે મહિના પહેલા આવી હરકત કરી હતી અને ત્યારે જ મેં તેને પોલીસ ફરિયાદ કરીને જેલ ભેગો કરવાની ધમકી આપેલી..”
“ખુશ્બુ તારી સાથે ?”
“મારી સાથે પણ બે મહિના પહેલા જ..”ખુશ્બુએ કહ્યું.
“સમજ્યો..” જયપાલસિંહે કહ્યું, “મર્ડર થયું એ રાત્રે તમે લોકો ક્યાં હતાં ?”
“હું તો મારા ઘરે જ હતી..” નેહાએ કહ્યું.
“હું મારી ફ્રેન્ડસ્ સાથે રાત્રે મુવી જોવા ગઈ હતી..” ખુશ્બુએ કહ્યું.
“મુવી ક્યારે પૂરું થયું હતું અને તમે લોકો ક્યારે ઘરે પહોંચ્યા હતા ?” જયપાલસિંહે પૂછ્યું.
“સાડા બાર આસપાસ મુવી પૂરું થયું હતું, ત્યારબાદ અમે ડિનર માટે રિંગ રોડ પર ગયા હતા અને લગભગ દોઢ વાગ્યે ઘરે પહોંચ્યા હતા..”
“આટલી મોડી ઘરે પહોંચે તો મમ્મી-પપ્પાને કોઈ એતરાજ નથી ?”
“મારા પપ્પા વકીલ છે અને અમે જેટલી સહેલીઓ મુવી જોવામાં હતી એમાંથી એક કૉન્સ્ટબલ હતી, રીમા સોલંકી નામ છે એનું અને એ કેસરગંજ ચોકીમાં સર્વિસ કરે છે”
“ઓહ..” જયપાલસિંહે નિઃસાસો નાંખીને કહ્યું, “તમે બંને જઈ શકો છો..”
“થેંક્યું સર..” કહેતાં બંને ઉભી થઇ અને બહાર નીકળી ગઈ. બંને બહાર આવી એટલે પ્યુન અંદર આવ્યો.
“નિશા પ્રજાપતિ અને માનસી ઓઝાને બોલાવી લો કાકા” ભૂમિકાએ કહ્યું.
પાંચ મિનિટ બાદ નિશા અને માનસી સ્ટોરરૂમમાં પ્રવેશી.
“બેસો..” જયપાલસિંહે પહેલાની જેમ બેસવા ઈશારો કર્યો.
“હાર્દિક સાથે તમારાં બંનેના કેવા સંબંધ હતા એ જણાવો..” જયપાલસિંહે પૂછ્યું.
“મારી સાથે માત્ર કામ પૂરતી જ વાતો થતી..” નિશાએ કહ્યું.
“હાર્દિકે તમારી સાથે કોઈ એવી હરકત કરેલી ?” જયપાલસિંહે પૂછ્યું, “હું શું કહેવા માગું છું એ તમે સમજો છો ને ?”
“હા સર, હું સમજું છું” નિશાએ કહ્યું, “પણ હું કન્ઝ્યુમર કેરમાં કામ કરૂં છું એટલે રોજ મારે જુદા જુદા સ્વભાવ ધરાવતાં માણસોને ફેસ કરવા પડે છે અને આને કારણે જ માણસોને જોઈને હું તેનાં ઈરાદા પારખી લઉં છું અને હાર્દિક જેવી રીતે છોકરીઓ તરફ નજર બગાડતો તેના પરથી હું તેનાં ઈરાદા પારખી ગઈ હતી અને એટલે જ હું તેની સાથે કામ પૂરતી જ વાતો કરતી..”
“ઓહહ..” જયપાલસિંહે હુંહકાર ભર્યો, “મર્ડર થયાની રાત્રે તમે ક્યાં હતા ?”
“હું એ દિવસે અમદાવાદ મારા માસીને ત્યાં પ્રસંગમાં ગઈ હતી..” નિશાએ કહ્યું, “અને હું કાલે સવારે ઓફિસે આવી ત્યારે જ મને હાર્દિકનાં મર્ડરનાં સમાચાર મળ્યા હતા”
“સમજ્યો” કહેતાં જયપાલસિંહ માનસી તરફ ફર્યો, “તમે જણાવો..”
“બધા કર્મચારીઓ ભલે હાર્દિકની બુરાઈ કરે પણ હાર્દિક મારો સારો દોસ્ત હતો..” કહેતાં માનસીનો અવાજ ભીંનો થઈ ગયો, “પુરા ડિપાર્ટમેન્ટની છોકરીઓમાં હાર્દિકને મારી સાથે જ જામતી હતી”
“ઈંટ્રેસ્ટિંગ…” જયપાલસિંહને માનસીની વાતમાં રસ પડ્યો, “એને તમારી સાથે જામતી એનું કારણ ?”
“એ મારી સાથે ઓપેન માઇન્ડથી વાતો કરતો” માનસીએ કહ્યું, “કોઈ પણ વાત હોય એ મને સાફસાફ કહી દેતો..”
“તો પછી એ સ્ટાફની છોકરીઓ વિશે પણ બધી વાતો કહેતો હશે…” આ વખતે ભૂમિકાએ કહ્યું.
“હા.. ઘણીવાર એ મને જુદી જુદી છોકરીઓ સાથે સેટિંગ કરાવવાની વાતો કરતો, હું એને ખિજાઈને ચૂપ કરાવી દેતી..”
“એણે કોઈ દિવસ તારી સાથે એવી હરકત નથી કરી ?” ભૂમિકાએ પ્રશ્નોનો દોર આગળ વધાર્યો.
“કરતોને.., પણ હું એની વાત મજાકમાં ઉડાવી દેતી..” માનસીએ કહ્યું.
“અચ્છા, મર્ડર થયું એ રાત્રે તમે ક્યાં હતા ?” જયપાલસિંહે પૂછ્યું.
“હું મારી સહેલીનાં ઘરે ગઈ હતી..” માનસીએ કહ્યું.
“શું નામ છે તમારી સહેલીનું અને ક્યાં રહે છે એ ?”
“નયના વ્યાસ એનું નામ છે અને વિવેકાનંદ સોસાયટીમાં એ પીજી તરીકે રહે છે..”
“બરોબર..” કહેતાં ભૂમિકાએ એ વાત લખી લીધી.
“તમે લોકો હવે જઈ શકો છો” જયપાલસિંહે કહ્યું.
“થેંક્યું સર એન્ડ મેડમ”કહેતાં બંને ઉભી થઇ અને બહાર નીકળી ગઈ.
બંને બહાર નીકળી એટલે ફરી પ્યુન અંદર આવ્યો.
“હવે કોને બોલવું મેડમ ?” પ્યુને પૂછ્યું.
“સંકેત રાઠોડને…” ભૂમિકાએ કહ્યું.
(ક્રમશઃ)