ભાગ 20
અમદાવાદ, ગુજરાત
ચીન અને પાકિસ્તાનમાં પોતાની તમામ યોજનાઓ અને ગણતરીઓ સાચી ઠેરવી ગુજરાત પોલીસના ત્રણ કર્મઠ અધિકારી તથા રૉની એક જાંબાઝ મહિલા અધિકારી સ્વદેશ સહી-સલામત આવી રહ્યા હોવાના સમાચાર મળ્યા બાદ રૉ ચીફ રાજવીર શેખાવત મનોમન અત્યંત ખુશ હતા. છતાં, એમને પોતાની આ ખુશી વ્યક્ત નહોતી કરી.
ભુજમાં જે મિશન માટે અબ્બાસ ગનીવાલાની આગેવાનીમાં ટીમ ગઈ હતી એ પોતાના મિશનના સફળ થવાના સમાચાર પહોંચાડે પછી જ પોતે દિલ ખોલીને આનંદ વ્યક્ત કરશે એવો નીર્ધાર કરીને બેઠેલા શેખાવત પર એ સાંભળી આભ તૂટી પડ્યું કે કાળી તલાવડી ગામ નજીકના ફાર્મહાઉસ છુપાઈને બેસેલો અફઝલ પોતાના સાથીદારોને લઈને ત્યાંથી ફરાર થઈ ચૂક્યો હતો.
અફઝલે ત્યાં આચરેલા હત્યાકાંડ પરથી શેખાવતે એ અનુમાન પણ લગાવી દીધું હતું કે અફઝલને એ વાતનો અંદેશો આવી ગયો છે કે રૉ અને આઈ.બી એની પાછળ પડી છે. જુહાપુરમાં અફઝલના હમશકલની ધરપકડ બાદ અફઝલ જે રીતે નિશ્ચિન્ત હતો એના લીધે એને પકડવો સહેલો હતો પણ હવે અફઝલ કોઈકાળે આસાનીથી હાથમાં નહિ આવે એ સમજી ચૂકેલા શેખાવત જોડે હવે સમય ઓછો અને વેશ ઝાઝા જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું હતું.
ક્રાઈમ સીન પરથી અફઝલ અને એના જોડે મોજુદ તમામ સ્લીપર સેલ વિશે જે કંઈપણ જાણકારી મળે એ એકઠી કરવાનું, મૃતકોની જાણકારી મેળવવાનું અને અફઝલ ત્યાંથી નીકળીને ક્યાં ગયો હોવો જોઈએ? એનો જવાબ મેળવવાનું કામ અબ્બાસને સોંપી શેખાવત કમિશનર કચેરીના કોન્ફરન્સ રૂમમાં આમથીતેમ આંટા મારી રહ્યા હતા.
આખરે અફઝલને એમના મિશનની જાણકારી કેવી રીતે મળી હતી? એ પ્રશ્નનો જવાબ શોધવાની કોશિશ કરતા-કરતા શેખાવતે પોતાના શૂટના પોકેટમાંથી સિગરેટ કેસ નીકાળી એમાંથી એક સિગરેટ નીકાળી પોતાના બે હોઠ વચ્ચે રાખી..પેન્ટના ડાબા ખિસ્સામાંથી લાઈટર નીકાળી, સિગરેટ સળગાવી; લાઈટરને એના ઠેકાણે મૂકી શેખાવતે સિગરેટમાંથી એક ઊંડો કશ લીધો અને અત્યાર સુધી બનેલી ઘટનાઓને એક પછી એક ગોઠવવા લાગ્યા.
*********
કાલી તલાવડી નજીક ફાર્મહાઉસ
ક્યારેય નિષ્ફળતાનો સ્વાદ નહિ ચાખનાર અબ્બાસ ગનીવાલા ફાર્મહાઉસ પર પોતાના આવ્યા પહેલા સર્જાયેલા ઘટનાક્રમના લીધે ભારે ગિન્નાયેલો હતો. પાંચ-પાંચ નિર્દોષ લોકોની ઠંડે કલેજે હત્યા કર્યા બાદ ત્યાંથી ભાગી નીકળેલા અફઝલને પોતે સમય આવે મોતને હવાલે અચૂક કરશે એવી કસમ અબ્બાસ લઈ ચૂક્યો હતો.
શેખાવતની સૂચના મુજબ અબ્બાસ પોતાનો ગુસ્સો અને હતાશા ખંખેરી કામે લાગી ગયો. સ્થાનિક પોલીસ અને ફોરેન્સિક એક્સપર્ટની મદદથી અબ્બાસે ક્રાઈમ સીન અને પૂરા ફાર્મહાઉસમાં બરાબરની તપાસ આદરી. નિરૂ અંગેની પૂરી જાણકારી અબ્બાસને થોડા જ સમયમાં એક સ્થાનિક પોલીસકર્મીની મદદથી મળી ગઈ. નિરૂના તમીમ સાથે લગ્ન અને ત્યારબાદ એની પર થયેલા અત્યાચારો વિશે સાંભળી અબ્બાસ, કેવિન, રાજલ અને ગગનસિંહની હૈયું દ્રવી ઉઠ્યું. એ દરેકના મનમાંથી નિરૂ, એની અમ્મી અને બાળકો માટે એક જ પ્રાર્થના નીકળી.." એ ખુદા આ લોકોની જીંદગી આમ પણ અહીં તો દોજખ જ હતી, મહેરબાની કરી આ તમામને જન્નત બક્ષજે..!"
તમીમને અહીં આતંકવાદીઓ રોકાયા હોવાની જાણકારી હોવી જ જોઈએ એ સમજતા અબ્બાસને વધુ સમય ના લાગ્યો..તમીમની પૂરી કુંડળી નિકાળવાનું એક લોકલ પોલીસ અધિકારીને જણાવી અબ્બાસે ત્યાં ફાર્મહાઉસમાં પડેલા પાંચેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ભુજ મોકલી દીધા.
ફોરેન્સિક ટીમને ફાર્મહાઉસ પરથી ઘણી બધી ફિંગરપ્રિન્ટ મળી આવી, જેનો યોગ્ય ડેટા રેડી કરવામાં થોડો સમય લાગશે એમ કહી ફોરેન્સિક ટીમે ત્યાંથી રજા લીધી એ સાથે જ અબ્બાસ અને એના જોડે આવેલા તમામ સભ્યો પુનઃ ફાર્મહાઉસમાં શોધખોળ કરવાની પ્રક્રિયામાં લાગી ગયા.
એ લોકોને ત્યાં આવ્યાને ચાર કલાક જેટલો સમય વીતી ગયો હતો અને આટલા સમયમાં અફઝલ અને તમામ આતંકવાદીઓ સુરક્ષિત જગ્યાએ પહોંચી ગયા હોવા જોઈએ એ હકીકત સમજતા હોવા છતાં એ લોકો ક્યાં ગયા હશે? એમની આગામી યોજના શું હશે? એ લોકો હુમલો ક્યાં અને કઈ રીતે કરવાના હતા? આ સવાલોના જવાબ મેળવવાની કોશિશમાં જોડાયેલા અમદાવાદથી આવેલા તમામ સદસ્યો નિરાશા અને થાકથી લોથપોથ થઈ ચૂક્યા હતા.
આતંકવાદીઓને સાંકળતી કોઈ કડી ત્યાં નહિ જ હોય એવા નિર્ણય પર અબ્બાસ અને બાકીની વ્યક્તિઓ આવે એ પહેલા એ.ટી.એસ ના માર્કંડ નામક એક સભ્યએ બેઝમેન્ટમાં જતો એ ગુપ્ત રસ્તો શોધી કાઢ્યો જેમાં થઈને સ્લીપર સેલના સદસ્યો નીચે બેઝમેન્ટમાં જતા અને ત્યાં જ આતંકવાદી હુમલાની રૂપરેખા તૈયાર કરતા.
આ ગુપ્ત રસ્તે થઈને અબ્બાસ, ગગનસિંહ અને કેવિન સાવચેતી સાથે બેઝમેન્ટમાં આવ્યા. બેઝમેન્ટમાં જે મુજબની ગોઠવણ અને વસ્તુઓ હતી એ પરથી એ લોકોને સમજતા વાર ના થઈ કે આગામી સમયમાં ગુજરાતમાં જે આતંકવાદી હુમલો કે હુમલા થવાના છે એની તૈયારીઓ ત્યાં યોજવામાં આવી હતી.
અહીંથી નક્કી કંઈક સબૂત મળી આવશે એ ગણતરી સાથે અબ્બાસ, ગગનસિંહ અને કેવિને ત્યાં ભરચક તપાસ કરી જોઈ પણ એમને કંઈ પણ એવી વસ્તુ હાથ ના લાગી જે એમના પ્રશ્નોનું સમાધાન કરતી હોય.
"મા@#!$%%, બધી જ નિશાનીઓ અને પુરાવાઓ સાફ કરીને ગયા છે..!" વીસેક મિનિટની તપાસ છતાં હાથમાં કંઈપણ અગત્યની વસ્તુ ના લાગતા કેવિન અકળામણભર્યા અવાજે ચિલ્લાઈને બોલ્યો.
"મારે કોઈકને અહીં મારી જગ્યાએ મૂકીને જ જવું જોઈતું હતું..મારી આ ભૂલ ના જાણે હજુ કેટલા નિર્દોષોના જીવ લેશે." ગગનસિંહના અવાજમાં ભારે ગ્લાની અને પસ્તાવો હતા.
હાથમાં કોઈ કામની વસ્તુ ના લાગતા વિષાદ અનુભવતા ગગનસિંહ, અબ્બાસ અને કેવિન ત્યાંથી જઈ રહ્યા હતા ત્યારે કેવિનની નજર અચાનક એક જગ્યાએ સ્થિર થઈ. કેવિન બે ઘડી એ જગ્યાએ તકતો રહ્યો અને પછી ધીરેથી ચાલીને એ જગ્યાએ ગયો. કેવિને શું જોયું હતું એ જાણવા ઉત્સુક અબ્બાસ અને ગગનસિંહ પણ એની જોડે જઈને ઊભા રહ્યા.
બેઝમેન્ટમાં જ્યાં એક ચાર્ટ લટકતો હતો એની સામે રખાયેલા ટેબલની જમણી તરફના ભાગે ઉર્દુમાં કંઈક લખેલું હતું.
نواز.
ચાકુની ધાર વડે લાકડામાં કોતરીને લખેલા એ ઉર્દુ શબ્દો હજુ તાજા જ હતા એવું એ શબ્દોની નજીક પડેલ લાકડાના વ્હેર પરથી સમજવું સરળ હતું. પોતે ઉર્દુ જાણતા ન હોવાથી કેવિન અને ગગનસિંહે અબ્બાસ ગનીવાલાની તરફ જોયું..એ લોકોના પોતાની તરફ જોતા જ અબ્બાસ એમના સવાલસૂચક ચહેરા ભણી જોતા બોલ્યો.
"નવાઝ..!"
************
વડોદરા-કેલણપુર રોડ
ભુજથી નીકળેલા સ્લીપર સેલના સભ્યો પાંચ-પાંચની બે અલગ-અલગ ટુકડીઓમાં વહેંચાઈ ગયા. એક ટુકડી નવાઝની આગેવાનીમાં સફેદ રંગની ઈકો કારમાં કાલી તલાવડીથી નીકળી સીધી અમદાવાદ તરફ રવાના થઈ, જ્યારે બીજી ટુકડી સિલ્વર વેગેનારમાં મોરબી-સુરેન્દ્રનગરના રસ્તે વડોદરા આગળ વધી. એ લોકોની પાછળ અફઝલ પાશા પણ પોતાની હોન્ડાસીટી કારમાં સવાર થઈને વડોદરા તરફ નીકળી પડ્યો.
સ્લીપર સેલના તમામ સભ્યોએ ક્યાં એકઠા થવાનું અને આગળ શું કરવાનું હતું? એ બધું જ પ્રિપ્લાન હતું. અફઝલની આગેવાનીમાં ગુજરાતના એક ખૂબ જ જાણીતા સ્થળે હુમલો કરીને જાન-માલની વધુમાં વધુ ખુવારી કરવાની લશ્કર-એ-તોયબાની જે યોજના હતી એનું આખરી ચરણ એ લોકોએ હવે વડોદરાથી કેલણપુર જતા વચ્ચે આવતી રતનપુર મસ્જિદની નજીક આવેલા એક બંધ મકાનમાં તૈયાર થવાનું હતું.
આ મકાનમાં અગાઉથી એ તમામ સ્લીપર સેલના રહેવા અને જમવાની સગવડ થઈ ચૂકી હતી. આ ઉપરાંત આ સ્થળે આતંકવાદી હુમલામાં ઉપયોગમાં લેનાર તમામ સાધન-સામગ્રી હાજર હતી. અહીં હાજર એ તમામ વસ્તુઓની મદદથી અફઝલ એન્ડ કંપની એક ભયંકર બૉમ્બ બનાવવાની હતી જેનાંથી થનારું જાન-માલનું નુકશાન ભારત દેશ માટે ન ભૂતો ન ભવિષ્યતિ બની રહેવાનું હતું.
નવાઝ જેમાં સવાર હતો એ ઈકો કાર સૌથી પહેલા એ બંધ મકાનની પાછળ આવેલા બગીચામાં આવીને ઊભી રહી. નવાઝ ઈકોમાંથી સૌથી પહેલા ઊતર્યો અને મકાનના દરવાજા નજીક જઈને ઊભો રહી ગયો. દરવાજાની આગળ રાખેલા ડોરમેટ નીચે રાખેલી ચાવી નીકાળી નવાઝે દરવાજા પર લટકતું ખંભાતી તાળું ખોલ્યું, ત્યારબાદ ચારે તરફ જોયું. બધું સહી-સલામત લાગતા એને ઈકોમાં બેસેલા પોતાના સાગરીતોને પોતાની પાછળ મકાનમાં પ્રવેશવાનો ઈશારો કરી દીધો.
નવાઝ મકાનમાં પ્રવેશ્યો એ સાથે જ એની સાથે આવેલા બાકીનાં ચારેય સદસ્યો એક પછી એક મકાનની અંદર ઘૂસી ગયા.. એમના અંદર પ્રવેશતા જ નવાઝે મકાનનો દરવાજો બંધ કર્યો. બે માળનું એ જૂનું પણ ભવ્ય મકાન હતું, જેની અંદર તમામ પ્રકારની ભૌતિક સુખ-સુવિધાઓની વસ્તુઓ મોજુદ હતી.
"સૈયદ..તું રસોડામાં જઈને ચા મૂક. ચા તૈયાર થાય ત્યાં સુધી બાકીના લોકો ફ્રેશ થઈ જાઓ.." નવાઝનો આદેશ મળતા જ એના તમામ સાગરીતો સૂચના મુજબ કામે લાગી ગયા.
એમના ત્યાંથી જતા જ નવાઝે પોતાના ખિસ્સામાંથી મોબાઈલ ફોન નીકાળ્યો અને એના અંદર પોતાના ખિસ્સામાં રાખેલી પોલીથીનની નાનકડી બેગમાંથી માર્કર વડે ચાર નંબર અંકિત કરેલું કાર્ડ નીકાળી ફોનમાં ભરાવી, ફોન સ્વીચ ઓન કર્યો.
ફોન ચાલુ થતા જ નવાઝે પહેલા અફઝલ અને પછી બીજી ટુકડીની આગેવાની લઈ રહેલા પોતાના વસીમ ઉર્ફ ટાઈગર નામનાં સાથીદારને કોલ કરી પોતે હેમખેમ પોતાના ગુપ્ત સ્થાને પહોંચી ગયો હોવાની માહિતી આપી દીધી.
એમની સાથે વાતચીત કર્યાં બાદ નવાઝે પોતાના મોબાઈલ ફોનને પુનઃ સ્વીચઓફ કર્યો અને ફોનમાં રહેલું સીમકાર્ડ નીકાળી એને બંને દાંત વડે થોડું ચાવીને કચરાપેટીમાં નાંખી દીધું.
"સૈયદ... ચા કડક બનાવજે..!" રસોડામાં ચા બનાવી રહેલા સૈયદને ઉદ્દેશી નવાઝ બોલ્યો અને હોલમાં રાખેલા સોફામાં જઈને ગોઠવાઈ ગયો.
આતંકવાદી હુમલામાં પોતાનો જીવ પણ જવાનો હતો, એ સત્ય જાણવા છતાં નવાઝ જે બેફિકરાઈથી બેઠો હતો એ અચરજ પમાડે એવું હતું. અફઝલ પાશાના જમણા હાથ સમાન નવાઝ પર આતંકવાદી હુમલાને સફળ બનાવવાની સૌથી મોટી જવાબદારી હતી પણ પોતાનું નામ મનફાવે ત્યાં લખવાની એની નાનપણની આદત એમના માટે કેટલી જોખમરૂપ બનવાની હતી એ તો આવનારો સમય જ જણાવી શકે એમ હતો.
************
ક્રમશઃ
આગળ શું થવાનું છે એ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ દિલધડક નવલકથા "ઑપરેશન ચક્રવ્યૂહ". આ નવલકથા દર ગુરુવારે અને રવિવારે આવશે એની નોંધ લેવી.
આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.
માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.
મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.
ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ
સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.
હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની
પ્રતિશોધ અને મર્ડર@રિવરફ્રન્ટ
~જતીન.આર.પટેલ (શિવાય)