Operation Cycle Season 2 - 18 in Gujarati Thriller by Jatin.R.patel books and stories PDF | ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન 2 - 18

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન 2 - 18

ભાગ 18

ચમન બોર્ડર, અફઘાનિસ્તાન-પાકિસ્તાન બોર્ડર

પોતાના મનમાં રહેલી શંકાઓ અને અનુમાનને સાચું ઠેરવવા ગુલામઅલી ચમન બોર્ડર પહોંચવા આવેલી ચમન એક્સપ્રેસને અટકાવીને એના ગુડ્ઝ કંપાર્ટમેન્ટમાં તલાશી લેવાનું શરૂ કરી ચૂક્યો હતો. ટ્રેઈનમાં જોડેલા બંને ગુડ્ઝ કંપાર્ટમેન્ટમાં થોકબંધ પોટલાઓ મોજુદ હતા, જેની પાછળ છુપાવવું સરળ હતું.

આ પોટલાઓ પર એના નામના સ્ટીકર હતા જેની માલિકીના આ પોટલા હતા, પોતે જે ડબ્બામાં હતો એમાં રહેલા ઘણાખરા પોટલા પર એ.આઝમ લખેલું જોઈ અલીને પોતાના અનુમાન અંગે પાકો વિશ્વાસ બેસી ગયો અને એ વધુ તીવ્રતાથી સામાનના પોટલા અહીં-તહીં ફેંકવા લાગ્યો. બાજુના ડબ્બામાં એના સાગરીતો પણ આવું જ કંઈક કરી રહ્યા હતા.

વિશાળ ગુડ્ઝ કંપાર્ટમેન્ટમાં રહેલા આ વજનદાર પોટલાઓ ખસેડી એની વચ્ચે માધવ અને નગમા છૂપાયા છે કે નહિ? એ જાણવામાં ખાસ્સો એવો અડધો કલાક વીતી ગયો પણ ગુલામઅલીના હાથ કંઈ ના આવ્યું.

"આખરે એ મા#$@%&@@ ગયા ક્યાં..? ખાલી હાથે ડબ્બામાંથી ઉતરતા અલી મસમોટી ગાળો ભાંડતા બોલ્યો. "આ આઝમે કંઈક તો ગેમ રમી જ છે...હું એને જીવતો નહિ મુકું..!"

પોતાને સતત મળેલી અસફળતા બાદ અકળાયેલા આઈએસઆઈના કમાન્ડરનો ગુસ્સો યોગ્ય હતો એ સમજતા ઈકબાલ મસૂદે એને થોડો સમય પોતાનો ગુસ્સો નિકાળવા દીધો...ત્યારબાદ અલીના ખભે હાથ મૂકીને કહ્યું.

"દોસ્ત, તારા તરફથી એ કાફીરોને પકડવા પૂરતી મદદ કરી જ છે..હવે સફળતા કે નિષ્ફળતા મળવી એ આપણા હાથમાં થોડી છે."

મસૂદ પોતે પણ ગુસ્સો અને અકળામણ અનુભવી રહ્યો હતો છતાં એના ચહેરા તથા વાણીમાં એ વ્યક્ત નહોતું થઈ રહ્યું..પોતાના મનના ભાવોને કાબુમાં રાખવાની આતંકવાદીઓની આ કુશળતાનો પરિચય અલીને આજે રૂબરૂમાં થઈ રહ્યો હતો.

"સારું..તો પછી હવે ટ્રેઈનને જવાનો હુકમ આપી દો." પોતાના એક સાગરીત ભણી જોઈ અલી બોલ્યો.

અલીનો હુકમ માથે ચડાવી એ વ્યક્તિ ફટાફટ ટ્રેઈનના મુખ્ય એન્જીન તરફ આગળ વધી..ત્યાં પહોંચી એને ટ્રેઈનના ચાલક બશીરખાનને ટ્રેઈન ચાલુ કરવાનો હુકમ આપી દીધો હતો. એનો હુકમ સાંભળી બશીરખાન અને એના મદદનીશ દ્વારા ટ્રેઈનના એન્જીનને પુનઃ શરૂ કરવાની કવાયત હાથ ધરવામાં આવી. આ દરમિયાન અલીના અન્ય સાગરીતોએ ટ્રેઈનના ગુડ્સ કંપાર્ટમેન્ટને વાખીને એનો આંગળીયો બંધ કરી દીધો.

ટ્રેઈનનું એન્જીન ધીરે-ધીરે ચાલુ થઈ રહ્યું હતું..જેનો ધ્વનિ સાંભળી રહેલા મુસાફરોને હાશ થઈ રહી હતી. આ પળોજણમાંથી છૂટવાનો આનંદ એમના ચહેરા પર સાફ વર્તાતો હતો.

હારેલા યોદ્ધાની માફક ઈકબાલ મસૂદ, ગુલામ અલી અને એમના તમામ સાગરીતો નજીક પાર્ક કરેલી જીપ તરફ અગ્રેસર થયા. પોતાને પુનઃ થાપ આપીને કતારના પાસપોર્ટ પર પાકિસ્તાન આવેલું ભેદી યુગલ ક્યાં ગાયબ થઈ ગયું હતું એ વિચારી મસૂદનું મગજ સુન્ન હતું અને પગ ભારે.

એકતરફ ટ્રેઈન ધીરે-ધીરે ગતિ પકડી રહી હતી અને બીજી તરફ અલી અને મસૂદ પોતાના સાગરીતો સાથે જીપમાં સવાર થઈ ચૂક્યા હતા..જીપના ચાલક જીપને સ્ટાર્ટ કરવાની તૈયારીમાં જ હતા ત્યાં અચાનક એક ગોળી આવીને મિર્ઝાની ખોપડીમાં અને એક ગોળી ગુલામઅલીની છાતીમાં ઉતરી ગઈ.

આ બંને ગોળીઓના નિશાન એટલા આબાદ હતા કે અલી અને મિર્ઝાનું પ્રાણપંખેરું ક્ષણવારમાં ઉડી ગયું..ગોળીઓ કઈ દિશામાંથી આવી એનું અનુમાન મસૂદ લગાવે એ પહેલા તો બે રાઉન્ડ ફાયરિંગ થયું અને કુલ ચાર ગોળીઓ એમના બીજા ચાર સાગરીતોનું ઢીમ ઢાળી ચૂકી હતી.

સ્નાયપર ગનમાંથી છૂટતી આ ગોળીઓથી બચવું કે આ હુમલો કરનાર લોકોનો પ્રતિકાર કરવો એ અસમંજસમાં મસૂદે હાથમાં મશીનગન હોવા છતાં ત્યાંથી ભાગી નીકળવામાં જ શાણપણ સમજ્યું અને બંને જીપના ડ્રાઈવરોને જીપ હંકારવાનો હુકમ કર્યો.

મસૂદની આજ્ઞાનું પાલન કરતા બંને જીપના ચાલકોએ જીપ ચાલુ કરી...આ દરમિયાન મસૂદની નજર ટ્રેઈનના એન્જીન રુમના ડબ્બા પર બેસેલી બે માનવાકૃતિ પર પડી. એ બંને કોણ હોઈ શકે છે એ ના સમજે એવો મૂર્ખ મસૂદ નહોતો! આમ છતાં આ સંજોગોમાં ત્યાંથી ભાગી નીકળવામાં જ ડહાપણ હોવાનું સમજાતા એને પ્રતિકાર કરવાની ઈચ્છા મનમાં જ દબાવી દીધી.

જીપ ટ્રેઈનથી લગભગ પાંચસો મીટર દૂર પહોંચી ચૂકી હતી, મસૂદ અને બાકીના લોકો હાલ તો પોતાના જીવિત બચવાનો મનોમન આનંદ મનાવી જ રહ્યા હતા ત્યાં એક ગોળી મસૂદની બોચીમાંથી એના કપાળની આરપાર થતી નીકળી ગઈ અને એક ગોળીએ બીજી જીપના ડ્રાઈવરને જીવલેણ ઈજાગ્રસ્ત કરી મૂક્યો.

મસૂદ એક સેકંડમાં તો બોત્તેર હૂરો જોડે પહોંચી ગયો અને બીજી જીપ પરનું ડ્રાઈવરનું સંતુલન બગડ્યું અને એ જીપ રસ્તામાં આમ તેમ ફંટાઈને રસ્તામાં આવતા એક વૃક્ષ જોડે ધડાકાભેર અથડાઈ.

બે-ત્રણ મિનિટ ભજવાયેલા આ ખેલમાં મસૂદ, ગુલામઅલી અને મિર્ઝા સહિત અન્ય પાંચ વ્યક્તિઓ મળીને કુલ આઠ વ્યક્તિઓ સ્વધામ પહોંચી ચૂકી હતી અને બીજી ત્રણ જીવલેણ ઈજાગ્રસ્ત થઈને પોતાનો અંતિમ શ્વાસ લઈ રહી હતી.!

બે કલાક પહેલા..

ગુલામઅલીને જ્યારે અસદ આઝમની કાર આંતરીને તપાસ કરવા છતાં કંઈ હાથ ના લાગ્યું એટલે એ ધૂંવાપૂંવા થઈને નીકળ્યો હતો એ જોઈ આઝમ સમજી ચૂક્યા હતા કે અલી પુનઃ ટ્રેઈનની તપાસ માટે જશે.

આઝમ જમાનાના ખંધેલ માણસ હતા આથી એમને તુરંત ચમન એક્સપ્રેસ ટ્રેઈનના ડ્રાઈવર બશીર ખાનને કોલ લગાવી ગુડ્ઝ કંપાર્ટમેન્ટમાં છુપાઈને બેસેલા માધવ અને નગમાને એન્જીન રૂમમાં છુપાવવા જણાવ્યું. પોતાના અબ્બાની સડો પડી ગયેલી કિડનીનું મફતમાં ઑપરેશન કરનાર આઝમને બશીરખાન ભગવાન ગણીને પૂજતો, આથી એને જેવી ટ્રેઈન આગળનાં સ્ટેશન પર અટકી એ સાથે જ બંને ગુડ્ઝ કંપાર્ટમેન્ટ ખોલી માધવ અને નગમાને એન્જીન રૂમમાં છુપાવી દીધા.

એન્જીન રૂમમાં તપાસ કરવાનું અલીને નહિ સુઝે એવી આઝમની ગણતરી ઉચિત હતી. અલી અને મસૂદે જ્યારે ટ્રેઈનને અટકાવી ત્યારે બશીરખાને માધવ અને નગમાને સલામતી ખાતર એન્જીન રૂમમાં રાખેલા કોલસાના ઢગલા પછીતે છુપાવી દીધા.

જ્યારે અલી અને મસૂદના હાથમાં કંઈ ના આવ્યું અને એ લોકો પાછા જવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે નગમા અને માધવે એ લોકોને આખરી સબક શીખવાડવાનું મન બનાવી લીધું. બશીરખાનની આનાકાની છતાં એ લોકો પોતાના બેગમાં રાખેલા હથિયારોમાં મોજુદ સ્નાયપર ગન લઈને એન્જીન રૂમના ડબ્બાની ઉપર ચડી ગયા.

અલી કે મસૂદ વધુ કંઈ સમજે એ પહેલા તો નગમાએ અલી અને માધવે મિર્ઝાનું નિશાન લઈને એમના રામ રમાડી દીધા..બીજી બે વખત ગોળી ચલાવી એમને બીજા ચાર સાગરીતોને પણ એમની જોડે મોકલી દીધા. આમછતાં મસૂદ હજુ જીવિત હતો અને હજુ એ નવી કોઈ ઉપાધિ સર્જી શકે એમ હતો એ જાણતા માધવ અને નગમાને ત્યાંથી જીવ બચાવવા ભાગતા મસૂદને પણ પોતાના બાકીનાં સાથીદારો જોડે પહોંચાડી દીધો.

આ સાથે જ માધવ અને નગમાએ પોતાને સોંપવામાં આવેલા ઑપરેશન ચક્રવ્યૂહના પાકિસ્તાન અધ્યાયનું ભવ્યતાથી સમાપન કર્યું. પાકિસ્તાન બોર્ડર વટાવીને જેવી જ ચમન એક્સપ્રેસ અફઘાનિસ્તાનમાં પ્રવેશી એ સાથે જ માધવ અને નગમાએ એકબીજાને ગળે લગાવીને પોતાના મિશનના સફળ બનવાની શુભેચ્છાઓ પાઠવી.

આ શુભેચ્છાઓ આપતી વખતે નગમાએ પણ માધવ પ્રત્યે એ લાગણી અનુભવી જે માધવ ઘણા દિવસથી એના માટે અનુભવી રહ્યો હતો. ઑપરેશન ચક્રવ્યૂહ આ બંને કર્મઠ ઓફિસર્સની જીંદગીમાં કયો અધ્યાય આરંભવાનું હતું એ તો આવનારો સમય જ જણાવી શકે એમ હતો.

********

કાલી તલાવડી, ગુજરાત

ગુજરાત એ.ટી.એસ ચીફ અબ્બાસ ગનીવાલાના વન..ટુ એન્ડ થ્રી બોલતા જ હથિયારો અને બુલેટપ્રુફ જેકેટથી સજ્જ તમામ અધિકારીઓ અલગ-અલગ રીતે ફાર્મહાઉસમાં પ્રવેશ્યા.

અબ્બાસ મુખ્ય દરવાજેથી, કેવિન અને રાજલ ફાર્મહાઉસની પછીતે આવેલ દરવાજેથી અને ગગનસિંહ જમણી તરફ પડતા ડાઈનીંગ હોલની બારીમાંથી ફાર્મહાઉસની અંદર પ્રવેશ્યો.

ખૂબ જ સાવચેતી સાથે અવાજ કર્યાં વિના એ તમામ ઑફિસર્સ દ્વારા ફાર્મહાઉસના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા તમામ રૂમની તલાશી લેવામાં આવી..ગ્રાઉન્ડ ફ્લોર પરથી એમના હાથમાં કંઈ ના આવ્યું એટલે એ લોકોને ભારે નવાઈ લાગી..જેમાં ફાર્મહાઉસ પર સતત બે દિવસથી નજર રાખતો ગગનસિંહ પણ આ જોઈ ભારે અચંબિત હતો.

એટીએસનાં તમામ સભ્યો કેવિન, રાજલ અને ગગનસિંહ આતંકવાદીઓ ક્યાં હોઈ શકે છે? એની ચર્ચા કરવા ફાર્મહાઉસના ગ્રાઉન્ડ ફ્લોર પર બનેલા હૉલમાં એકત્રિત થયા હતા ત્યાં એ લોકોના કાને એક નાના બાળકના રડવાનો અવાજ પડ્યો.

પ્રથમ માળે આવેલા રૂમમાંથી આ અવાજ આવતો હોવાનું સમજાતા એમનામાંથી કોઈને વાર ના થઈ.

"કેવિન અને તમે ત્રણ લોકો મારી સાથે આવો.." અબ્બાસે કેવિન અને એટીએસના ત્રણ અધિકારીઓને ઉદ્દેશીને કહ્યું. "રાજલ તમે અને ગગનસિંહ અમારા બીજા ઑફિસર્સ સાથે નીચે બેકઅપ માટે ઊભા રહો."

કોણ શું પ્રતિક્રિયા આપે છે એની રાહ જોયા વિના જ અબ્બાસ પ્રથમ માળે જતા દાદર તરફ હળવેકથી આગળ વધ્યો. હાથમાં પોઈન્ટ નાઈન એમ.એમની જર્મન બનાવટની રિવોલ્વર લઈને અબ્બાસ સાવધાની સાથે બાળકનો રડવાનો અવાજ જ્યાંથી આવતો હતો એ તરફ આગળ વધ્યો; કેવિન અને એ.ટી.એસના અન્ય ત્રણ અધિકારીઓ પણ એને અનુસરતા દાદર ચડવા લાગ્યા.

દાદર ચડીને ડાબી તરફ આવેલા એક બંધ રૂમમાંથી બાળકના રડવાનો અવાજ આવી રહ્યો હતો..જે સાંભળી અબ્બાસે પોતાની પાછળ આવતા કેવિન અને એટીએસ ઓફિસર્સને ઈશારાથી બે-બેની ટુકડીમાં પોતાની જમણી અને ડાબી તરફ ગોઠવાઈ જવાનો સંકેત કર્યો..હાથમાં રિવોલ્વર ધારણ કરેલા એ તમામ અબ્બાસના કહ્યા મુજબ બે-બેની ટીમમાં ગોઠવાઈ ગયા.

એ લોકો રૂમના દરવાજા સુધી પહોંચ્યા ત્યાં સુધી પણ બાળકના રડવાનો અવાજ એકધાર્યો સતત ચાલુ જ હતો..નક્કી કંઈક અજુગતું બની ગયું હોવાના ભણકારા અબ્બાસને થવા લાગ્યા હતા. અબ્બાસની છઠ્ઠી ઈન્દ્રિય એને સુચવી રહી હતી કે એને આગળ કંઈક ભયાવહ વસ્તુનો સામનો કરવાનો છે.

ઈશારાથી પોતાના સાથીદારોને પોતાના બેકઅપમાં તૈયાર રહેવાનું જણાવી અબ્બાસે પૂરી તાકાતથી દરવાજાને લાત મારીને દરવાજો ખોલી નાંખ્યો.

************

ક્રમશઃ

આગળ શું થવાનું છે એ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ દિલધડક નવલકથા "ઑપરેશન ચક્રવ્યૂહ". આ નવલકથા દર ગુરુવારે અને રવિવારે આવશે એની નોંધ લેવી.

આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર  મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની

પ્રતિશોધ અને  મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)