ભાગ 10
BLA સેફ હાઉસ, કવેટા, પાકિસ્તાન
દિલાવરની જ્યાં સર્જરી થઈ રહી હતી એ રૂમનો દરવાજો આખરે દોઢેક કલાક બાદ ખૂલ્યો. દરવાજો ખૂલતા જ એમાંથી એક જન્નતની હૂર જેવી યુવતી બહાર આવી. આછા લીલા રંગના સલવાર કમીઝની ઉપર સફેદ કોટમાં સજ્જ એ યુવતીને જોઈને માધવ અને નગમાને ભારે વિસ્મય થયું.
આટલી સુંદર યુવતી અહીં શું કરી રહી હતી એ પ્રશ્ન એ બંનેના મનમાં પેદા તો થયો પણ એનું નિવારણ એમને તત્ક્ષણ મળી ગયું.
"તમે જ છો ને ઓફિસર નગમા અને માધવ..?" રૂમની બહાર ચિંતામગ્ન ભાવે બેસેલા માધવ અને નગમા નજીક આવીને એ યુવતીએ કહ્યું. "મારું નામ ડૉક્ટર મહરુમ ખાન છે..દિલાવર અર્ધબેહોશીની હાલતમાં સતત તમારા બંનેનું નામ જ લેતા હતા."
દિલાવરને માનથી બોલાવનાર, BLAના સેફ હાઉસમાં મોજુદ અને ઉપરથી ડૉક્ટર એવી મહરુમ ખાન પહેલી નજરે તો નગમા અને માધવને ભારે રહસ્યમય લાગી.
"હવે કેવું છે દિલાવરને..?' નગમાએ પૂછ્યું.
"આઉટ ઓફ ડેન્જર છે.." સસ્મિત મહરુમે કહ્યું. "આમ પણ એ બાબબરશેર છે, એને કંઈ થાય એવું નથી..એક બુલેટની સામે એનું શરીર હારી જાય એ અશક્ય છે."
"અલ્લાહનો લાખ લાખ શુક્ર છે કે દિલાવર ખાન સહી-સલામત છે." નગમા ખુદાનો પાડ માનતા બોલી.
"ચલો, ત્યાં હોલમાં બેસીને શાંતિથી વાતો કરીએ." હોલમાં ગોઠવેલી ખુરશીઓ તરફ આંગળી કરી મહરુમ બોલી. "દિલાવરને મેં બેહોશીનું ઇન્જેક્શન આપ્યું છે તો એને ભાનમાં આવતા ચારેક કલાક તો લાગશે."
મહરુમના પ્રસ્તાવનો સહર્ષ સ્વીકાર કરતા નગમા અને માધવ હોલમાં ગોઠવેલી ખુરશીઓ તરફ ચાલી નીકળ્યા..કાસીમ રઝા પણ એમની જોડે આવીને ગોઠવાઈ ગયા હતા.
મહરુમ સાથે ચર્ચા દરમિયાન માધવ અને નગમાને જાણવા મળ્યું કે મહરુમના પિતાજી અબ્રાહમ ખાનની આઈ.એસ.આઈ દ્વારા હત્યા કરવામાં આવી હતી, તેઓ BLAને ખાનગી રીતે નાણાકીય સહાય પૂરી પાડતા. બ્લૂચીસ્તાનના સામાજિક કાર્યકર હોવાના નાતે એમને લાગતું હતું કે બ્લૂચીસ્તાન તરફ સરકાર ધ્યાન આપે એવું જો કરવું હોય તો BLAનું સક્રિય રહેવું આવશ્યક છે.
પાકિસ્તાન સરકારને આનો અંદેશો આવી ગયો અને નકલી એન્કાઉન્ટર કરી અબ્રાહમ ખાનની હત્યા કરવામાં આવી..એ સમયે મહરુમ લંડનમાં દાક્તરીનો અભ્યાસ કરતી હતી. મહરુમ ઇચ્છત તો ત્યાંજ પોતાની પ્રેક્ટિસ આગળ વધારીને આનંદની જીંદગી પસાર કરી શકે એમ હતી..છતાં, પોતાના પિતાજીના અધૂરા સ્વપ્નને પૂર્ણ કરવા, બ્લૂચીસ્તાનના લોકોના વિકાસ હેતુ એ અભ્યાસ બાદ કવેટામાં જ સ્થાયી થઈ ગઈ.
આ દરમિયાન એની મુલાકાત દિલાવર ખાન જોડે થઈ અને દિલાવરના આગ્રહને માન આપીને એ BLAની સાથે જોડાઈ ગઈ. મહરુમ BLAમાં સક્રિય સભ્ય છે એવો પાકિસ્તાન સરકારને શક હતો પણ તેઓ કોઈ ઠોસ સબૂત ના મળવાના લીધે એનો વાળ પણ વાંકો કરી શકે એમ નહોતા. વધારામાં મહરુમ કવેટા મહિલા મંચની પ્રમુખ પણ હતી આથી એને વગર કારણે હાથ અડાડીને બ્લૂચીસ્તાનમાં હિંસા ભડકે એવું પાકિસ્તાન સત્તાધીશો નહોતા ઈચ્છતા.
મહરુમ જોડે થઈ રહેલી વાતો પરથી નગમા એના હૃદયમાં દિલાવર ખાન માટે જે કુણી લાગણી હતી એને પામી ચૂકી હતી. મુસ્તફાને ત્યાંથી ગયે લગભગ બે કલાક જેટલો સમય થવા આવ્યો હતો એટલે સેફહાઉસ પર હાજર તમામને એની ચિંતા સતાવી રહી હતી. પ્રથમ પ્રયાસે મળેલી શિકસ્ત મસૂદ માટે પચાવવી અશક્ય હતી એટલે એ નક્કી કંઈક મોટું કરવાની કોશિશ કરશે એનો પણ અંદેશો રઝાને હતો જ.
રઝાના અંદેશાને હકીકતમાં બદલતો હોય એમ ઈકબાલ મસૂદ આખરે ગુલામઅલીના ફાર્મહાઉસ પર પહોંચી ચૂક્યો હતો. સોહેલની તબીબી સારવારની તૈયારીઓ ત્યાં જ ફાર્મહાઉસ પર કરવામાં આવી. સાથે કવેટા પોલીસને જાણ કરી હાઈવે પર થયેલ અથડામણમાં જે લોકો મૃત પામ્યા હતા એમના મૃતદેહોનો નિકાલ કરવાની વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી હતી.
મસૂદ અને એના સાગરીતોનું અલીએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું. પાશાના જમણા હાથ એવા મસૂદની આગતા-સ્વાગતામાં કમી રહી જાય એવું ગુલામ અલી નહોતો ઈચ્છતો. એના વિશાળ ફાર્મહાઉસની સામે બગીચામાં ખુરશીઓ ગોઠવાઈ હતી, સામે ત્રિપાઈ પર મદિરાની સાથે ઉત્તમ નાસ્તા રાખવામાં આવ્યા હતા. ખુરશીઓ પર બેસેલા મસૂદ અને ગુલામઅલીની આસપાસ મસૂદના સાગરીતો તથા અલીના ચમચાઓ હાજર હતા.
બધાના હાથમાં મદિરાનો એક ગ્લાસ મોજુદ હતો. મસૂદે મદિરા લેવાની સ્પષ્ટ ના કહી દીધી. આટઆટલી હત્યાઓ કરનારો એ આતંકવાદી પોતાના મઝહબમાં જેને વજર્ય ગણવામાં આવી છે એવી વસ્તુનો સ્પર્શ કરવાની ના કહી રહ્યો હતો..તો પછી ઈસ્લામમાં નિર્દોષોની હત્યાનો પણ વિરોધ કરવામાં આવ્યો છે એ વાત એ ક્રૂર મસૂદને કેમ નહિ સમજાતી હોય..!
"મસૂદ મિયા, તમારા દુશ્મનોની સાથે દિલાવર ખાન હોવાનો અર્થ છે કે એ લોકો અમારા પણ દુશ્મનો જ છે." મદિરાની મોટી ઘૂંટ ભરતા ગુલામઅલી બોલ્યો.
"એમના હાથમાં અંસારીના ઘરેથી કોઈ કામની વસ્તુ લાગી હોવાનું મને લાગી રહ્યું છે.." મસૂદ બોલ્યો. " અને ઓ એવું હશે તો એ લોકો પાકિસ્તાનમાં રહેવાનું જોખમ નહિ જ ઉઠાવે.."
"હા તમારી વાત સાથે હું પણ સહમત છું મિયાં." ગુલામ અલી બોલ્યો. "આમ પણ પિંડીની ઘટના બાદ એમના ચહેરાથી આખું પાકિસ્તાન પરિચિત છે. આઈ.એસ.આઈ પણ એમને શોધી રહી છે એવામાં એ લોકો પાકિસ્તાન છોડીને ભાગી જાય એ શક્યતાઓ ચકાસવી રહી."
"પણ મને એ નથી સમજાતું કે ભાગવું હોય તો પિંડીથી એ લોકો જોખમ ખેડીને કવેટા કેમ આવ્યા." ત્રિપાઈ પર પડેલી ડિશમાંથી પાંચ-સાત ફ્રાય કાજુ ઉઠાવતા મસૂદ બોલ્યો.
"એ લોકોને એટલી તો સમજણ હશે જ કે આપણે પાકિસ્તાનનાં દરેક એરપોર્ટ પર ચાંપતી નજર રાખીશું..એવામાં એ લોકો કવેટા આવે એમાં નવાઈ શેની.?" અલી મદિરાના ગ્લાસમાં રહેલી બાકીની મદિરા પૂરી કરતા બોલ્યો. "આમ પણ જો એ લોકો BLAના સદસ્ય હોય અથવા તો BLA એમની કોઈ કારણથી મદદ કરતું હોય તો એમના છુપાવવા કે ભાગવા કવેટાથી ઉત્તમ જગ્યા બીજી કોઈ નથી."
"છુપાવવા માટે તો સમજ્યા પણ ભાગવા માટે.?" ફ્રાય કાજુ મોંમાં મૂકતા મસૂદે કહ્યું.
"હા ભાગવા માટે પણ." અલી મસૂદ તરફ થોડો સરકયો અને બોલ્યો. "કવેટાથી અફઘાનિસ્તાન ઘણી ટ્રેઈન જાય છે અને એ લોકો જો ટ્રેઈનમાં સવાર થઈ એકવાર અફઘાનિસ્તાન પહોંચે પછી આપણે અસહાય બની જઈએ એમાં કોઈ શંકાને સ્થાન નથી."
"તો પછી એ પાકિસ્તાન અફઘાનિસ્તાનને જોડતી ચમન બોર્ડર ક્રોસ કરે એ પહેલા એમનો ખાત્મો કરવો જરૂરી છે.." મસૂદ પોતાની ખુરશીમાં ટટ્ટાર થતા બોલ્યો.
"આજે રાતે આઠ વાગે ચમન સુધી જતી એક પેસેન્જર ટ્રેઈન કવેટા જવા નીકળશે.." કંઈક વિચારીને અલી બોલ્યો. "ત્યારબાદ બીજી પેસેન્જર ટ્રેઈન છેક ત્રણ દિવસ પછી છે..તો આજે જ એ લોકો પાકિસ્તાનમાંથી નીકળવાની કોશિશ કરે એના ચાન્સ અધિક છે."
"આપણે તાબડતોબ એ લોકોને રોકવાની તૈયારીઓ આરંભી દેવી જોઈએ." મસૂદના સ્વરમાં વ્યાકુળતા હતી, ઉચાટ હતો.
"તમે બેફિકર રહો..એ લોકો મારી નજરોથી બચીને ક્યાંય નહિ જઈ શકે." ખંધી સ્મિત વેરતા અલી બોલ્યો.
ગુલામઅલીએ આટલું કહી મદિરાનો બીજો ગ્લાસ ઉઠાવ્યો અને એક જ ઘૂંટડે એમાંથી મદિરા ગટગટાવી ગયો..મદિરાનો કડવો સ્વાદ જીભ ઉપર ના રહે એ હેતુથી એને ત્રિપાઈ પર પડેલી ડિશમાંથી પિસ્તા ઉઠાવ્યા અને ત્રણ-ચાર પિસ્તા ચાવી ગયો.
*********
સેફહાઉસ પરથી ડૉક્ટર અસદ આઝમને મળવા ગયાના ત્રણ કલાક બાદ મુસ્તફા પાછો આવ્યો. ગાડીના એન્જીનનો અવાજ સાંભળી રઝા, માધવ, નગમા અને ડૉક્ટર મહરુમ ખાન સેફહાઉસની બહાર આવ્યા. મુસ્તફાને પાછો આવેલો જોઈને એ લોકોએ ભારે ધરપત અનુભવી હોય એવું એમના ચહેરા પરથી સમજાતું હતું.
"શું ખબર લાવ્યો છે..?" મુસ્તફાના આવતાવેંત એક પછી એક સવાલોની ઝડી વરસાવતા રઝાએ કહ્યું. "કોઈ તકલીફ તો નથી પડીને?..શું કહ્યું ડૉક્ટરે?"
"આજે રાતે એક પેસેન્જર ટ્રેઈન ચમન બોર્ડર જવાની છે.." મુસ્તફા હજુ આટલું બોલ્યો હતો ત્યાં એને આગળ બોલતો અટકાવતા રઝાએ કહ્યું.
"પણ આજે ને આજે?"
"કેમકે બીજી ટ્રેઈન છેક ત્રણ દિવસ પછી છે." મુસ્તફા વાત આગળ ધપાવતા બોલ્યો. "સાંજે સાત વાગે બંને ઓફિસરને આઝમ સાહેબને ત્યાં પહોંચડવાના છે..આગળ બધી વ્યવસ્થા એ કરી લેશે એવું એમને કહ્યું છે."
"ત્રણ તો વાગી ગયા..હવે ખાલી ચાર કલાક છે વચ્ચે.." ચિંતિત વદને રઝાએ કહ્યું. "આટલા સમયમાં ડૉક્ટર આઝમ આ બંને ઓફિસરને સુરક્ષિત ચમન બોર્ડર પાર કરાવવાની સગવડ કરી શકશે.?"
"એમને કહ્યું છે તો એ કંઈક વિચારીને જ કહ્યું હશે." મહરુમ ખાન પ્રથમ વખત મુસ્તફા અને રઝા વચ્ચેની ચર્ચામાં ભાગ લેતા બોલી. "ડૉક્ટર આઝમની ચાલાકી શિયાળને પણ શરમાવે એવી છે."
"પણ શું આ બંને ઓફિસર..!" સવાલસૂચક નજરે માધવ અને નગમા ભણી જોતા રઝાએ કહ્યું.
"અમે તૈયાર છીએ..માથે કફન બાંધીને અહીં આવ્યા હતા ત્યારે વિચાર્યું નહોતું કે દિલાવરનો, તમારો અને ડૉક્ટર આઝમ જેવા ઉત્તમ વ્યક્તિઓનો ભેટો થશે." માધવ બોલ્યો. "જો ઉપરવાળાની ઈચ્છા હશે તો અમે ક્ષેમકુશળ બોર્ડર પાર કરીને અફઘાનિસ્તાન પહોંચી જઈશું."
"સારું, તો ચલો થોડું જમી લઈએ..પછી તમે બંને થોડો આરામ કરી લો." રઝા હેતાળ સ્વરે બોલ્યો. "આગામી ચોવીસ કલાક તમારી જીંદગીના સૌથી અગત્યના ચોવીસ કલાક સાબિત થવાના છે."
રઝાના શબ્દોમાં સચ્ચાઈ હતી, આગામી ચોવીસ કલાક માધવ અને નગમાની જીંદગીના સૌથી અગત્યના ચોવીસ કલાક તો થવાના જ હતા..પણ, સાથે-સાથે હજારો નિર્દોષ લોકોની જીંદગી સાથે પણ જોડાયેલ હતા એ જાણતા માધવ અને નગમા રઝાની પાછળ-પાછળ સેફહાઉસ તરફ ચાલી નીકળ્યા.
************
ક્રમશઃ
આગળ શું થવાનું છે એ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ દિલધડક નવલકથા "ઑપરેશન ચક્રવ્યૂહ". આ નવલકથા દર ગુરુવારે અને રવિવારે આવશે એની નોંધ લેવી.
આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.
માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.
મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.
ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ
સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.
હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની
પ્રતિશોધ અને મર્ડર@રિવરફ્રન્ટ
~જતીન.આર.પટેલ (શિવાય)