Operation Cycle Season 2 - 8 in Gujarati Thriller by Jatin.R.patel books and stories PDF | ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન 2 - 8

Featured Books
Categories
Share

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન 2 - 8

ભાગ 8

અમદાવાદ, ગુજરાત

"હેલ્લો ડૉક્ટર.." જેવો ડૉક્ટર અક્ષય પટેલે શેખાવતનો કોલ રિસીવ કર્યો એ સાથે જ ઉષ્માભેર શેખાવતે પોતાની ઓળખાણ આપતા કહ્યું. "હું રૉ ચીફ રાજવીર શેખાવત વાત કરી રહ્યો છું."

કેવિનનો નંબર ડૉક્ટર પટેલ જોડે હતો એથી પોતાની સાથે વાત કરનાર વ્યક્તિ રૉ ચીફ રાજવીર શેખાવત હોય એ વાત ડૉક્ટર માટે પચાવવા યોગ્ય હતી; બાકી કોઈ અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હોત અને એ કોલ કરનાર પોતાની ઓળખાણ રૉ ચીફ તરીકે આપે તો એ સાચું બોલે છે કે ગપ હાંકે છે એની તપાસ કરાવ્યા વિના ડૉક્ટર પટેલ વાત આગળ ના વધારત..!!

"મારા અહોભાગ્ય કે તમારા જેવી દેશની વિરલ વિભૂતિ સાથે વાત કરવાનો અવસર સાંપડ્યો." ડૉક્ટર અક્ષય પટેલની વાણીમાં રાજવીર શેખાવત જેવી દેશની ટોચની હસ્તી સાથે વાત કરવાનો રાજીપો હતો, ઉમળકો હતો.

"ડૉક્ટર, હમણા કેવિન તમારી જોડેથી જે પોસ્ટમોર્ટમ રિપોર્ટ.." શેખાવત પોતાની વાત પૂરી કરે એ પહેલા ડૉક્ટર પટેલે આવેગમાં આવીને એમની વાતને વચ્ચેથી કાપતા કહ્યું.

"આઈ નો સર કે એ પોસ્ટમોર્ટમ કોનું થયું એ વ્યક્તિની ઓળખ ખાનગી રાખવાની છે."

પોતાની વાતને પૂરી સાંભળ્યા પહેલા ડૉક્ટર પટેલે લગાવેલા અનુમાનને લીધે શેખાવતને ડૉક્ટર પર ખીજ તો ચડી પણ પોતાના મનને શાંત રાખી એમને વિવેકથી કહ્યું.

"હા એ વાત તો છે જ..સાથે મારે તમને પોસ્ટમોર્ટમ વિશે અમુક પ્રશ્નો પૂછવા હતા."

"બોલોને સાહેબ, હું આપની શું સહાયતા કરી શકું." માનભેર ડૉક્ટરે કહ્યું.

"તમને પાશાની પુરી બોડીનું એક્ઝેમાઇન કર્યું..બરાબરને?"

"હા."

"એક્સરે પણ લીધા હશે."

"એ તો લેવા જ પડે ને..આટલા ખૂંખાર ટેરરિસ્ટનું પોસ્ટમોર્ટમ કરવામાં નાની અમથી વસ્તુ પણ મિસ થાય એવું પોષાય ખરું..!"

"એક્સરેમાં પાશાના પગના ભાગમાં સર્જરી બાદ નાખવામાં આવતી સ્ટીલ પ્લેટ કે સળિયાના કોઈ ચિહ્નો."

"હમમમ.. ના એવું તો કંઈ મળ્યું નથી."

"તમે સ્યોર છો."

"યસ..સ્યોર એન્ડ કોન્ફિડન્ટ."

"થેન્ક્સ ડૉક્ટર.. વધુ કંઈ કામ હશે તો કોલ કરીશ."

ડૉક્ટર અક્ષય પટેલ સાથે વાતનો અંત કર્યાં બાદ રાજવીર શેખાવતે કેવિનનો ફોન એને સુપ્રત કર્યો. પોતાની તરફ સવાલસૂચક નજરે જોઈ રહેલા વણઝારા અને શર્મા ભણી શેખાવતે જોયું..કેવિન પણ પોતાની તરફ મીટ માંડીને ઊભો હતો એનો પણ ખ્યાલ શેખાવતને હતો જ.

શેખાવત પોતાની જગાએથી ઊભા થયા અને કેસમાંથી સિગરેટ નીકાળી રૂમની બારી તરફ ગયા..સિગરેટ પેટાવીને એમને બે હોઠ વચ્ચે દબાવી અને કંઈક વિચારતા હોય એવા ભાવ સાથે બારીની બહાર, બગીચામાં આવેલા આસોપાલવના વૃક્ષની તરફ જોઈ રહ્યા. નક્કી કંઈક તો અજુગતું બન્યું હોવાના એંધાણ શર્મા, વણઝરા અને કેવિનને એમના ચહેરાના ભાવ પરથી આવી ચૂક્યા હતા.

અર્જુન, નાયક, નગમા અને માધવ અત્યારે મુશ્કેલીમાં હતા એ અંગેનો થોડો ઘણો ખ્યાલ શર્મા અને વણઝારાને હતો પણ કેવિનને એ અંગેનો જરા અમથો પણ અણસાર નહોતો. અલબત્ત આજ પહેલા એને પોતાના સિનિયર અધિકારીને આવી ચિંતિત પરિસ્થિતિમાં જોયા નહોતા, આથી જ એને ભારે થડકારો પેઠો હતો.

"સર, એનિથિંગ સિરિયસ..!" શેખાવતે જેવી જ સિગરેટ પૂરી કરી એને બારી બહાર ફેંકી એ સાથે જ વ્યાપ્ત સન્નાટાનો ભંગ કરતા કેવિને પૂછ્યું.

"યસ વેરી વેરી સિરિયસ.." પોતાના માથાને નકારમાં હલાવતા-હલાવતા શેખાવત પુનઃ રોલિંગ ચેરમાં આવીને ગોઠવાયા.

"અર્જુન અને બીજા ઓફિસરને તો કંઈ.." શર્મા બોલવા જતા હતા પણ એમની વાતને અડધેથી અટકાવી શેખાવતે કહ્યું.

"નો..નો, ધે ઓલ આર સેફ..હા થોડી પરિસ્થિતિ વણસી છે પણ એ લોકો હેમખેમ ઇન્ડિયા આવે એની પૂરતી ગોઠવણ અને તૈયારીઓ થઈ ચૂકી છે."

"તો પછી બીજું શું બન્યું છે..? વણઝારાએ અધીરાઈ દર્શાવતા સવાલ કર્યો. "પાશાને સંબંધી કોઈ વાત તો નથી ને..?"

"હા મારી ચિંતાનું કારણ પાશા જ છે.." આ બોલતી વખતે શેખાવતનો અવાજ ઊંચો અને તરડાયેલો હોવાનું ત્યાં હાજર બાકીના લોકોને મહેસુસ કર્યું.

"પણ એ તો અત્યારે મડદાઘરમાં છે.." કેવિન બોલ્યો.

"જે વ્યક્તિ મડદાઘરમાં છે એ પાશા નથી.." શેખાવતના આ શબ્દો સાંભળી વણઝારા, કેવિન અને શર્માના ચહેરા પર આશ્ચર્યનું મોજું ફરી વળ્યું. વજ્રાઘાત અનુભવતા એ ત્રણેય વિસ્ફારીત નજરે શેખાવત તરફ જોવા લાગ્યા.

"એ પાશા નથી..પણ એનો હમશકલ છે."

"શું પાશાનો હમશકલ.. પણ આટલી બધી સમાનતાઓ." કેવિનના અવાજમાં દુનિયાભરનું અચરજ હતું.

"શક્યવત એ કુદરતી હમશકલ નથી..પણ પાશાની કદકાઠી ધરાવતી વ્યક્તિને પ્લાસ્ટિક સર્જરી થકી એ વ્યક્તિને પાશા જેવી બનાવાઈ હતી." શેખાવતના અવાજમાં પારાવાર ગુસ્સો હતો.

"એ બાબતે તમે આટલા ચોક્કસ કઈ રીતે છો.?" વણઝારાએ પ્રસંગોચિત પ્રશ્ન કર્યો.

"આજથી સાત વર્ષ પહેલા પાશા સાથે ભયંકર અકસ્માત થયો હતો..પુરપાટ વેગે જતી એની કારનું ટાયર ફાટતા એની કાર એક વૃક્ષ જોડે અથડાઈ હતી જેમાં એના પગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો." પોતાની સામે રાખેલા ગ્લાસમાંથી પાણીના બે ઘૂંટ ભરી શેખાવતે વાત આગળ વધારી.

"એના પગની સર્જરી કરવામાં આવી હોવાના પાકા સમાચાર મળ્યા હતા અને સર્જરી વખતે એના જમણા કે ડાબા પગમાં સ્ટીલ પ્લેટ કે રોડ હોવાની માહિતી અમારા સૂત્રો થકી મળી હતી."

"પણ એવું ના બને કે એક્સિડન્ટના સાત વર્ષો બાદ એને એ પ્લેટ નીકાળી દીધી હોય." શર્માએ પૂછ્યું.

"જે મુજબની માહિતી મળી હતી એ પરથી સ્પષ્ટ હતું કે આજીવન પાશાને એ પ્લેટ સાથે જ જીવવું પડે." શેખાવતે સ્પષ્ટતા કરતા કહ્યું. "અને જો તમે કહ્યું એવું બન્યું હોય તો પણ.."

"એક્સરેમાં એની ખબર પડ્યા વિના ના રહે કે જે-તે જગ્યાએ અમુક સમય પહેલા પ્લેટ કે રોડ હતી." દલા તલવાડીની માફક શર્મા જાતે જ પોતાના સવાલનો જવાબ આપી રહ્યા હતા.

"આર યુ રાઈટ.. આથી જ હું કહું છું કે આત્મહત્યા કરનાર અફઝલ પાશા નહિ પણ એનો જાણીજોઈને ઊભો કરવામાં આવેલો એનો હમશકલ હતો." શેખાવતના શબ્દોમાં આછી ધ્રુજારી હતી અને મુખ પર ગંભીરતા.

"આમ કરી આપણને આબાદ છેતરવામાં આવ્યા છે..નક્કી, અફઝલ પાશા ખૂબ જ મોટું પ્લાનિંગ કરીને બેઠો છે." કેવિનના આ વાક્યમાં મોટી દુર્ઘટના થવાનો અંદેશો હતો.

"હવે શું કરીશું..?" વણઝારાના ચહેરા પર હવે ચિંતાના વાદળો ઘેરાઈ ચૂક્યા હતા, પોતાના પચ્ચીસ વર્ષના કેરિયરમાં આટલું મોટું પ્લાનિંગ ક્યારેય એમને જોયું નહોતું જેવું પ્લાનિંગ અફઝલે પોતાની જાતને રૉની પકડમાંથી બચાવવા કર્યું હતું.

"ડીઆઈજી, તાબડતોડ તમારા ચુનંદા ઓફિસરોને સૂચના આપો, એમને જણાવો કે રાજ્યના તમામ ધર્મસ્થાનો, એરપોર્ટ, રેલવે સ્ટેશન પર ચાંપતી નજર રાખે..કોઈપણ શકમંદ દેખાય તો એની ધરપકડ કરે..જો એવી વ્યક્તિ ભાગવાની કોશિશ કરે તો એને શૂટ કરવાનો પણ હુકમ આપી દો." પોતાનાથી થયેલી ભૂલનું પરિણામ નિર્દોષ લોકોએ ભોગવવું ના પડે એ વિચારી શેખાવતે સમગ્ર ગુજરાત રાજ્યને તાકીદે હાઇએલર્ટ પર મૂકવા ડીઆઈજી રુદ્ર પ્રતાપ શર્માને જણાવ્યું.

પોતાને સોંપેલાં કાર્યને અંજામ આપવા રુદ્રપ્રતાપ શર્મા પોતાના સ્થાનેથી ઊભા થયા અને શેખાવતની રજા લઈને પોતાની કેબિન તરફ ચાલી નીકળ્યા. ગુજરાતના મુખ્યમંત્રી કે રાજ્યપાલને પોતે આ અંગે સમજાવી દેશે એવું પણ શેખાવતે કહ્યું હતું, જેથી પોતાના કામને શર્મા યોગ્ય રીતે ન્યાય આપી શકે.

"કમિશનર, અમદાવાદ ગુજરાતનું સૌથી મહત્વનું અને સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર હોવાના કારણે અમદાવાદમાં જ આતંકવાદી હુમલો થવાની શક્યતાઓ વધુ છે.." ડીઆઈજી શર્માના ત્યાંથી જતા જ શેખાવતે કમિશનર વણઝારાને ઉદ્દેશીને કહ્યું. "અમદાવાદની સુરક્ષા કરવાની જવાબદારી તમારે ઉઠાવવી પડશે..આઈ હોપ તમે એ જવાબદારી યોગ્ય રીતે નિભાવી શકશો."

પોતે આ પરિસ્થિતિમાં શું બોલે, શું ના બોલે એ જ કમિશનર વણઝારાને નહોતું સમજાઈ રહ્યું..આમ છતાં એમને પોતાની જાતને શક્ય એટલી સ્વસ્થ બનાવતા કહ્યું.

"મી એન્ડ માય ટીમ ટ્રાય ધેર લેવલ બેસ્ટ..!"

"સારું તો તમે તમારું કામ કરો..હું મારે આગળ શું કરવું એનું આયોજન કરું.." આ સાથે જ રાજવીર શેખાવત શક્તિસિંહ વણઝારાની કેબિન બહાર નીકળી ગયા, કેવિન પણ એમને અનુસરતો એમની પાછળ ચાલવા લાગ્યો.

પોતાને જાત પર અત્યારે રાજવીર શેખાવતને ગુસ્સો આવી રહ્યો હતો. એક આતંકવાદીના છટકામાં પોતે આબાદ ફસાઈ ગયા એનો ક્રોધ એમના ચહેરાની તંગ રેખાઓ અને હિંગળોક આંખો પરથી સ્પષ્ટ જણાતો હતો.

શેખાવતનો આ ગુસ્સો કોના માટે જોખમી સાબિત થવાનો હતો એ અંગેનો જવાબ તો આવનારો સમય જ આપી શકે એમ હતો.

*********

ભુજથી વીસ કિલોમીટર દૂર, ગુજરાત

જેહાદ અને કોમના નામે પોતાના તમામ સાગરિતોની ઉશ્કેરણી કર્યાં બાદ અફઝલ પાશાએ ફાર્મહાઉસની નીચેના હોલમાં બેસેલા પોતાના તમામ સાગરીતોને ઉદ્દેશીને કહ્યું.

"પરમદિવસે આપણે અહીંથી નિકળીશું અને એ સાથે જ આપણા મિશનનું છેલ્લું ચરણ શરૂ થઈ જશે..એ પહેલા.." આટલું કહી અફઝલ ઘડીભર અટક્યો અને બોલ્યો.

"એ પહેલા તમારે જેટલા જલસા કરવા હોય એ કરી લો.." ત્યારબાદ તેને નવાઝ તરફ જોઈને કહ્યું.

"નવાઝ, આ લોકોને ઉત્તમ ભોજનની સાથે શરાબ પણ આપજે..અલ્લાહ જોડે ગયા પહેલા આ લોકો બે દિવસ મોજ કરી લે એવી મારી ઈચ્છા છે."

"બીજું કંઈ.." નવાઝે કહ્યું.

"રાતે પેલી બે છોકરીને અહીં બોલાવી લેજે, શરાબની સાથે આ લોકો શબાબની મજા લે એમાં ખોટું શું છે." અફઝલના આ શબ્દો સાંભળી ત્યાં મોજુદ દરેક સ્લીપર સેલની આંખોમાં વાસનાનું ઘોડાપૂર ઊમટી પડ્યું.

"તમે અહીં જ રહો..હું ઉપર જાઉં છું." આટલું કહી અફઝલ બેઝમેન્ટમાંથી ઉપર જતા દાદરા તરફ ચાલી નીકળ્યો..સીધા ચાલતા અફઝલનો પગ દાદરો ચડતી વખતે સહેજ લંગડાયો. અફઝલ ઉપર પહોંચ્યો અને રસોડા તરફ નજર કરી..રસોડામાં રસોઈ કરતી યુવતીએ અફઝલ ભણી જોયું એટલે અફઝલે કહ્યું.

"નીચે જમવાનું પહોંચાડી દીધા બાદ મારા કમરામાં આવી જજે..આજે તો તને નીચોવી ના નાંખું તો.." અફઝલના અવાજમાં કામવાસના ડોકાતી હતી પણ એ યુવતીની બાજુમાં ઊભેલી મહિલાનો ખ્યાલ આવતા જ અફઝલે પોતાની જીભ પર લગામ મૂકી અને ટૂંકમાં બોલ્યો.

"જલ્દી આવજે ઉપર."

આટલું કહી એ પ્રથમ માળે લઈ જતા દાદરા તરફ અગ્રેસર થયો..દાદરો ચડતી વખતે પુનઃ એનો પગ સહેજ લંગડાયો. આ લંગડાતો પગ એની ઓળખ છતી કરવાનો હતો એની ખબર અફઝલને હોત તો પોતાનું રૂપ ધરનારા રહેમાનના ચહેરાની સાથે એના પગની સર્જરી પણ એ નક્કી કરાવી દેત.

પણ કહ્યું છે ને કે ધાર્યું ઘણી જ થાય.. ઉપરવાળાની મરજી વિના કશુંય શક્ય નથી.

************

ક્રમશઃ

આગળ શું થવાનું છે એ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ દિલધડક નવલકથા "ઑપરેશન ચક્રવ્યૂહ". આ નવલકથા દર ગુરુવારે અને રવિવારે આવશે એની નોંધ લેવી.

આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર  મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની

પ્રતિશોધ અને  મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)