Operation Cycle Season 2 - 7 in Gujarati Thriller by Jatin.R.patel books and stories PDF | ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન 2 - 7

Featured Books
Categories
Share

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન 2 - 7

ભાગ 7

અમદાવાદ, ગુજરાત

વિલાડ નામક વ્યક્તિ સાથે વાત કર્યાં બાદ રાજવીર શેખાવતના ચહેરા પર રાહતના ભાવ ઉપસી આવ્યા. એમને અર્જુનને કોલ બેક કર્યો.

"બોલો સર, હવે અમારે આગળ શું કરવાનું છે?" શેખાવતનો કોલ રિસીવ કરતા જ અર્જુને વ્યાકુળતાથી પૂછ્યું.

"અર્જુન, લોન્ગની પહોંચ બહુ ઊંચે સુધી છે એટલે આપણે જે રીતે તમારા ભારત પાછા આવવાની યોજના બનાવી હતી એ મુજબ આગળ નહિ વધી શકાય." શેખાવતે આગળ અર્જુનને શું કરવાનું હતું એ અંગે વ્યવસ્થિત સમજાવવાનું શરૂ કર્યું. "મારો કોલ પૂર્ણ થાય એ સાથે જ તું તારા રૂમમાં રહેલ તારા અને નાયકના ત્યાં પડેલા સામાનને ડિસ્ટ્રોય કરી નાંખજે."

"ત્યારબાદ તમે જ્યાં છો ત્યાંથી સીધા જિશાન ડિસ્ટ્રીકટ પહોંચો..જિશાનથી ફેરી મારફતે ફુશાન પહોંચો. ત્યાં પહોંચી હું જે નંબર મોકલાવું એ નંબર પર કોલ કરવાનો, એ નંબર વિલાડ કેનરી નામના વ્યક્તિનો છે. આગળ ક્યાં જવાનું છે અને શું કરવાનું છે એ બધું વિલાડ સમજાવી દેશે."

"ઓકે સર..હું તમને લોન્ગની ડ્રગ્સ ફેક્ટરીની લોકેશન મોકલાવું છું..તમે એને ઈન્ટરપોલને ફોરવર્ડ કરી દેજો. જેથી લોન્ગને એવું લાગે કે હું અને નાયક ઈન્ટરપોલના જ એજન્ટ હતા." અર્જુને કહ્યું.

"સ્યોર, જય હિંદ.!"

"જય હિંદ.!" આટલું કહી અર્જુને શેખાવત સાથેનો સંપર્ક વિચ્છેદ કરી દીધો.

શેખાવતે કહ્યા પ્રમાણે અર્જુને શાહિદને જિશાન આઈલેન્ડ જવા જણાવી દીધું. સાથે-સાથે એને કારમાં પડેલી પોતાની બેગમાંથી એક નાનકડું રિમોટ જેવું મશીન કાઢ્યું..જે સેટેલાઇટ થકી અર્જુનના હોટલ શાંઘાઈ પેરેડાઈઝમાં પડેલા સામાનની વચ્ચે ગોઠવેલા પ્લાસ્ટિક એક્સપ્લોઝીવ જોડે કનેક્ટેડ હતું. અર્જુને જેવું રિમોટ પર મોજુદ લાલ બટન દબાવ્યું એ સાથે જ રૂમના બાથરૂમમાં રહેલી બે બેગમાં વિસ્ફોટ થયો અને નાયક તથા અર્જુનની સાચી ઓળખાણ સાથે સંલગ્ન બધી જ નિશાનીઓનો એક ઝાટકે ખાત્મો થઈ ગયો.

**********

અર્જુન અને નાયકને સહીસલામત ભારત પાછા લાવવાની યોજના યોગ્ય રીતે પૂરી પડશે કે નહિ, એનું શેખાવત મનોમન ચિંતન કરી રહ્યા હતા ત્યાં એમના ફોન પર એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો. પાકિસ્તાનનો નંબર હોવાથી શેખાવતે થોડા ખચકાટ સાથે ફોન રિસીવ કર્યો.

"કાસીમ રઝાની સલામ કબૂલ કરો શેખાવત સાહેબ.." સામેથી કાસીમ રઝાનો ચિત-પરિચિત અવાજ સાંભળી શેખાવતને હાશ થઈ હોય એવું એમના મુખ પરથી પ્રતીત થયું.

"કાસીમ, આ સાહેબ લગાવવાની જરૂર નથી.. મેં કેટલી વાર કહ્યું કે તું મને નામથી બોલાવી શકે છે." એક મિત્ર જોડે વાત કરી રહ્યા હોય એવા ભાવ સાથે શેખાવતે કહ્યું.

"તમારા બંને એજન્ટ અત્યારે કવેટામાં છે.."

"કોણ..?"

"નગમા અને માધવ."

"પણ અચાનક કવેટામાં કેમ..?" રાવલપિંડીમાં શું બન્યું હતું એ વાતથી શેખાવત અજાણ હતા એવું એમના આ સવાલ પરથી સાફ સ્પષ્ટ હતું.

"લો હું નગમાને કોલ આપું.." કાસીમના આમ બોલતા જ દસેક સેકંડમાં નગમાનો અવાજ શેખાવતના કાને પડ્યો.

"જય હિંદ.. સર.."

"જય હિંદ ઓફિસર..!" શેખાવતે કહ્યું. "અચાનક કવેટા જવાનું કોઈ ખાસ કારણ..ક્યાંક કોઈ સમસ્યા તો નહોતી ઊભી થઈને."

જવાબમાં નગમાને અત્યાર સુધી બનેલા ઘટનાક્રમ અંગે રાજવીર શેખાવતને જણાવી દીધું. નગમાએ જાણીજોઈને આ દરમિયાન ઈમેલ આઈડી શું હતો એનો ઉલ્લેખ નહોતો કર્યો, કેમકે કાસીમ રઝા અને એના માણસોની હાજરીમાં એ અંગે જણાવતા નગમાને ખચકાટ થાય એ દેખીતું હતું.

નગમાની વાત સાંભળ્યા બાદ શેખાવતને એની અને માધવની ચિંતા તો પેઠી પણ એ બંને અત્યારે કાસીમ રઝા જોડે હોવાથી શેખાવતને મહદઅંશે એમની સુરક્ષા અંગેની ધરપત હતી.

"નગમા, તું અને માધવ રઝાના કહ્યા મુજબ વર્તશો..એમની કોઈ વાતનું ઉલ્લંઘન નહિ કરો." નગમાને નસીયત આપતા શેખાવતે કહ્યું. "એ તમને સહી-સલામત કાબુલ પહોંચાડવાની વ્યવસ્થા કરશે..હું ત્યાં સુધીમાં કાબુલ  સ્થિત ભારતીય દૂતાવાસમાં કાર્યરત મિત્રા જોડે વાત કરીને તમને તાત્કાલિક ઈન્ડિયા લાવવાની સગવડ કરું છું."

"ઓકે, સર...તમે કહ્યું એમજ થશે."નગમાએ કહ્યું.

"ટેક કેયર ઓફ યોરસેલ્ફ એન્ડ માધવ..!" શેખાવતે સ્નેહ નીતરતા સૂરમાં કહ્યું. "જય હિંદ."

"જય હિંદ સર."

 

રાજવીર શેખાવત સાથે ચર્ચા કર્યાં બાદ મુસ્તફાના આવવાની રાહ જોતા-જોતા માધવ અને નગમા દિલાવર ખાનની સર્જરી થઈ રહી હતી એ રૂમની બહાર ચિંતામગ્ન ભાવ સાથે બેઠા..પોતાને બચાવવા જીવની બાઝી લગાડનાર દિલાવર માટેની લાગણી એમના વર્તનમાં સ્પષ્ટ જણાતી હતી.

********

ચીનમાંથી અર્જુન અને નાયકને સુરક્ષિત ભારત પાછા લાવવાની યોજના અમલમાં મૂક્યા બાદ શેખાવત માટે હવે નગમા અને માધવને પાકિસ્તાનમાંથી વાયા અફઘાનિસ્તાન થઈને ભારત પાછા લાવવાની તૈયારીઓ આરંભવાનો પણ સમય આવી ગયો હતો. શેખાવતે અમદાવાદ કમિશનર ઓફિસની અંદર બેઠા-બેઠા જ કાબુલ ખાતે આવેલા ભારતીય દુતાવાસમાં કામ કરતા ઈન્ડિયન એમ્બેસેડર જાનકીનંદન મિત્રાનો નંબર મેળવ્યો.

"કેમ છો શેખાવત સાહેબ..!" શેખાવતનો કોલ રિસીવ થતા જ સામેથી એક રણકતો અવાજ ફોનમાં પડઘાયો. "લાગે કે મારે કોઈ ભારતીય જાસૂસને ભારત મોકલવાની વ્યવસ્થા કરવાની છે."

મિત્રાના શબ્દો પરથી એ વાત ક્લિયર હતી કે અગાઉ પણ એ પોતાના હોદ્દાની રુએ માધવ અને નગમા જેવા જાંબાઝ ભારતીય જાસૂસોના સ્વદેશ પુનરાગમનની વ્યવસ્થાઓ કરી ચૂક્યો હતો.

"હા, એવું જ કંઈક છે.." આટલું કહી શેખાવતે નગમા અને માધવ અંગે બધું ટૂંકમાં જણાવી દીધું. શેખાવતની વાત કાન સરવા કરીને સાંભળ્યા બાદ મિત્રાએ વિશ્વસ્થ સ્વરે કહ્યું.

"બેફિકર રહો શેખાવત સાહેબ.. તમારા બંને ઓફિસર સુરક્ષિત ઈન્ડિયા પહોંચી જશે એની બધી જવાબદારી મારી."

"થેન્ક્સ મિત્રા..મને આનંદ છે કે તમારા જેવા વફાદાર લોકો વિવિધ દેશોનાં દૂતાવાસમાં સેવા આપો છો."

"સર, આ તો અમારી ફરજ છે..તમે લોકો દેશની રક્ષા માટે જે કંઈપણ કરો છો એની સામે હું જે કરું છું, કે કરવાનો છું એ ખૂબ નાની બાબત છે."

"સારું તો બીજા કોઈ નવા સમાચાર મળશે તો જણાવીશ..જય હિંદ."

"જય હિંદ." આ સાથે જ મિત્રા અને શેખાવત વચ્ચેનો સંપર્ક વિચ્છેદ થઈ ગયો.

ચીન અને પાકિસ્તાન બંને જગ્યાએ ગયેલા પોતાના જાંબાઝ ઓફિસરો જે આપત્તિમાં મૂકાયા હતા એમાંથી એમને ઉગારવાની વ્યવસ્થા તો શેખાવત કરી ચૂક્યા હતા છતાં એમના મનનો ઉચાટ ઓછો નહોતો થયો.

મનની વ્યાકુળતા અને વ્યગ્રતા ઓછી કરવા શેખાવત કમિશનર ઓફિસની બહાર નીકળ્યા અને પોતાના કોટના પોકેટમાં રહેલી કેસની અંદરથી એક સિગરેટ નિકાળીને પેટાવી. સિગરેટના કશ લેતા-લેતા શેખાવત મનોમન પોતાના ઓફિસરોના સુરક્ષિત પાછા આવવાની પ્રાર્થના કરી રહેલા શેખાવતના મનમાં ઘણા એવા પ્રશ્નો હતા જેનો જવાબ માધવ, નગમા, અર્જુન અને નાયકના પાછા આવ્યા પછી જ મળી શકે એમ હતો.

"શેખાવત સર, અફઝલ પાશાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયો છે.." કેવિનનો અવાજ સાંભળી શેખાવતે મૂંડી ઘુમાવી પાછળ નજર કરી; કેવિન હાથમાં એક કવર લઈને કમિશનર વણઝારાની કેબિન બહાર આવેલા પેસેજમાં ઊભો હતો.

ઈશારાથી કેવિનને ત્યાં જ ઊભા રહેવાનું કહી શેખાવતે સિગરેટને જમીન પર નાંખી, પોતાના બુટ વડે મસળી દીધી. ત્યારબાદ તેઓ કેવિન તરફ આગળ વધ્યા. વણઝારાની કેબિનમાં પ્રવેશ્યા પહેલા જ શેખાવતે કેવિનના હાથમાંથી એ કવર લઈ લીધું હતું, જેમાં અફઝલ પાશાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ હતો.

વણઝારા અને શર્મા હજુ પણ વણઝારાની કેબિનમાં બેસીને કંઈક મંત્રણા કરી રહ્યા હતા, શેખાવત અને કેવિનને અંદર આવતા જોઈ એમને પોતાની વાતચીત અટકાવી દીધી. વણઝારાની સામે રોલિંગ ચેરમાં બેસતા જ શેખાવતે કેવિને લાવેલા કવરમાંથી પોસ્ટમોર્ટમ રિપોર્ટ નીકાળી એને ધ્યાનપૂર્વક વાંચવાનું શરૂ કર્યું.

બે-ત્રણ મિનિટ બાદ શેખાવતે વણઝારા અને શર્મા ભણી જોતા કહ્યું.

"પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ પાશાનું મોત હુરેબાથી જ થયું છે..એનો એક દાંત પ્લાસ્ટિકનો હતો અને એમાં હુરેબા નામક વિષને રખાયું હોવું જોઈએ. આ સિવાય પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કંઈ ખાસ નથી."

"કેવિન, ડોક્ટરે તને બીજું કાંઈ ખાસ જણાવ્યું..?" શેખાવતે પોતાની બાજુમાં ઊભેલા કેવિનને ઉદ્દેશીને પૂછ્યું.

"ના, બીજું તો ડૉક્ટર સાહેબે કંઈ નથી જણાવ્યું." કેવિને જવાબ આપીને સામો સવાલ કર્યો. "કંઈ જણાવવા જેવું હતું.?"

"હા, એક વાત હમણા જ મને યાદ આવી છે." શેખાવતના અવાજમાં કંઈક ગેબીપણું હતું. "કોને કર્યું હતું પાશાનું પોસ્ટમોર્ટમ?"

"હમમમ.. ડૉક્ટર પટેલ..ડૉક્ટર અક્ષય પટેલ." કેવિન મગજ પર જોર આપીને બોલ્યો.

"એમનો નંબર."

"હું લઈને આવ્યો છું.." કેવિને ખિસ્સામાંથી મોબાઈલ નિકાળતા કહ્યું. "લગાવી આપું.."

"હા."

આ સાથે જ કેવિને પોતાના ફોનમાંથી પાશાનું પોસ્ટમોર્ટમ કરનારા મુખ્ય ડૉક્ટર અક્ષય પટેલનો નંબર ડાયલ કરી ફોન પોતાના સિનિયર એવા શેખાવત તરફ લંબાવી દીધો.

આખરે રાજવીર શેખાવતને સીધી અને સરળ લાગતી આત્મહત્યાના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શું ખૂટતું લાગ્યું હતું એ જાણવાની ભારે આતુરતા સાથે ડીઆઈજી શર્મા, કમિશનર વણઝારા અને રૉ ઓફિસર કેવિને પોતપોતાના કાન સરવા કર્યાં.

************

ક્રમશઃ

આગળ શું થવાનું છે એ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ દિલધડક નવલકથા "ઑપરેશન ચક્રવ્યૂહ". આ નવલકથા દર ગુરુવારે અને રવિવારે આવશે એની નોંધ લેવી.

આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર  મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની

પ્રતિશોધ અને  મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)