ભાગ 5
ચુવાંગજિયાંક્ષુ આઈલેન્ડ, શાંઘાઈ, ચીન
શેખના વેશમાં આવેલા અર્જુન અને નાયક પોતાની ફેક્ટરી અંગે બીજા કોઈને માહિતગાર ના કરે એ હેતુથી યાંગ લી પોતાના ત્રણ સાગરીતો લ્યુકી, બોથા અને ટીમ સાથે સ્પીડબોટમાં બેસી હેંગસાથી ચુવાંગજિયાંક્ષુ આઈલેન્ડ ભણી નીકળી ચૂક્યો હતો. જેક નામનો એમનો માણસ અર્જુન અને નાયકને લઈને દરિયાના જે રસ્તે ચુવાંગજિયાંક્ષુ તરફ ગયો હતો એ જ રસ્તે લી આગળ વધી રહ્યો હતો.
લી માટે કામ કરતો ડ્યુક નામનો મવાલી ચુવાંગજિયાંક્ષુના પોર્ટ નજીક પોતાના પાંચ હથિયારધારી માણસોને લઈને ગોઠવાઈ ચૂક્યો હતો. લગભગ દસેક મિનિટ બાદ ડ્યુકે હેંગસા તરફથી આવી રહેલી સ્પીડબોટનો અવાજ સાંભળ્યો. દરિયાના પાણીને ચીરીને આગળ વધતી સ્પીડબોટની ધરધરાટી સાંભળી ડ્યુકે પોતાના માણસોને સાબદા કર્યાં.
અવાજની દિશામાં ડ્યુકે જોયું તો એક સ્પીડબોટ પોતે જ્યાં ઊભો હતો એ દિશામાં આવી રહી હતી. આ સ્પીડબોટ નક્કી જેક લઈને આવતો હશે અને એમાં જ લીના પેલા બે શેખ દુશ્મનો બેસેલા હશે એવી ધારણા ડ્યુકે કરી લીધી.
જેવી બોટ ચુવાંગજિયાંક્ષુ આઈલેન્ડના કિનારાથી ચારસો-પાંચસો મીટર છેટે પહોંચી એ સાથે જ ડ્યુકે બોટની ઉપર બેસેલી બે માનવાકૃતિ જોઈ. માથે ઈગલ અને ગટકા પરથી ડ્યુકને અંદાજો આવી ગયો કે પાકુ એ બંને શેખ જ હતા. જેનો અર્થ ડ્યુકે કાઢ્યો કે એમને રસ્તામાં જેક અને જેકની જોડે હાજર બોટના ચાલકનું કામ તમામ કરી એમને રસ્તામાં જ ક્યાંક દરિયામાં પધરાવી દીધા હોવા જોઈએ.
"સ્ટોપ...સ્ટોપ.. અધરવાઇઝ આઈ વીલ શૂટ યુ..!." જેવી બોટ કિનારાથી બસો મીટર દૂર પહોંચી એ સાથે જ ડ્યુક પોતાની મશીનગનનું નાળચુ બોટ તરફ કરી ઊંચા સાદે બોલ્યો.
પોતાની આ ધમકીની ધારી અસર ઉપજી નથી એ જોઈ છંછેડાયેલા ડ્યુકે બોટની આગળ દરિયાના પાણીનું નિશાન લઈ મશીનગનમાંથી ગોળીઓનો એક રાઉન્ડ ફાયર કર્યો. બોદા અવાજ સાથે પાણીમાં ધરબી ચૂકેલી ગોળીઓનો અવાજ વિચિત્ર રીતે વાતાવરણમાં પડઘાયો.
"સ્ટોપ..સ્ટોપ.." ડ્યુક જોરજોરથી ઘાંટા પાડી રહ્યો હતો પણ બોટ અટકવાનું કે ધીરી પડવાનું નામ નહોતી લઈ રહી. પોતાની ધમકીને બોટમાં બેસેલા શેખ ગણકારતા જ નથી એ જોઈ માથાફરેલ ડ્યુક અકળાઈ ઊઠ્યો. એને પોતાની મશીનગનનું નિશાન બોટ તરફ લીધું, એની જોડે ઊભેલા એના માણસો પણ ડ્યુકને અનુસર્યા.
"લાસ્ટ ટાઈમ આઈ સે સ્ટોપ ઈટ..!" ક્રોધવેશ ડ્યુક બોલ્યો..પોતાની આ ધમકી પણ બોટમાં બેસેલા બંને શેખ પર અસર નથી કરી રહી એ જોઈ ડ્યુકે પોતાના સાથીદારો તરફ જોયું અને આદેશઆત્મક સૂરમાં બોલ્યો.
"ફાયર...!"
આ સાથે જ ડ્યુક અને એના માણસોએ બોટમાં બેસેલા અર્જુન અને નાયકને ગોળીઓથી ચાળણી કરી દીધા.. ગોળીઓ વાગતા જ એમના શરીરમાંથી નીકળતા રક્ત અને માંસના લોચા જોઈ ડ્યુક વધુ ઉન્માદમાં આવી ગોળીઓ વરસાવવા લાગ્યો.
અચાનક ડ્યુકને ભાન થયું કે બોટ કિનારાથી માંડ વિસેક મીટર છેટે હતી પણ એની ગતિ એકધારી જ હતી અને ચંદ સેકંડોમાં એ કિનારે બનેલી દીવાલ સાથે અથડાવવાની હતી.
"ભાગો..!" બોટની કિનારા જોડેની અથડામણથી થનારા બ્લાસ્ટથી બચવા ડ્યુક તીવ્રતાથી કિનારાથી દૂર ભાગ્યો..એના માણસો પણ એને અનુસરતા કિનારાની વિરુદ્ધ તરફ દોડી નીકળ્યા.
હજુ તો એ લોકો સાત-આઠ ડગલા દૂર પહોંચ્યાં હતા ત્યાં જ સ્પીડબોટ ધડાકાભેર દરિયાકિનારાની જોડે બનેલી કોન્ક્રીટની દીવાલ સાથે અથડાઈ. બીજી જ ક્ષણે એક જોરદાર બ્લાસ્ટ સાથે આસપાસની ધરા ધ્રૂજી ઊઠી. પોતે પાંચ-સાત સેકંડ પણ મોડા પડ્યા હોત તો એમનું શરીર બ્લાસ્ટથી પેદા થયેલી ગરમીથી ઝૂલસી ગયું હોત, આ વિચાર મનમાં આવતા જ ડ્યુક અને એના માણસોના કપાળે પ્રસ્વેદ બિંદુઓ ઉપસી આવ્યા.
ડ્યુક થોડી ક્ષણો બાદ ઊભો થયો અને સાચવીને જે જગ્યાએ બોટ અથડાઈ હતી એ તરફ અગ્રેસર થયો. ધડાકાના અવાજથી પોર્ટ પર હાજર ચાઈનીઝ પોલીસના બે કર્મી અને નજીકની ગોદામોમાં કામ કરતા લોકો પણ એ દિશામાં આવ્યા હતા. ડ્યુક અને એના માણસોને જોઈ ચીની પોલીસકર્મીઓ સમજી ગયા કે નક્કી આ બધું જિયોન્ગ લોન્ગનું જ કરેલું હશે. આથી એમને બાકીનાં લોકોને ઘટનાસ્થળેથી ખસેડવાનું શરૂ કરી લીધું. આ પોલીસકર્મીઓને પણ બીજા લોકોની માફક દુનિયાના સૌથી મોટા ડ્રગ્સ વિક્રેતાની ગુડ લિસ્ટમાં રહેવું પસંદ હતું.
ડ્યુકે કિનારે જઈને જોયું તો બોટની દીવાલ સાથેની અથડામણથી એ જગાએ મોટું બાકોરું પડી ગયું હતું. દરિયાના પાણીમાં તૂટેલી બોટના અવશેષો પડ્યા હતા અને એમાંથી હજુ અમુક સળગી પણ રહ્યા હતા. થોડે દૂર છીછરા પાણીમાં બે મૃતદેહો તરી રહ્યા હતા, જે નક્કી લીના દુશ્મન એવા શેખના હોવાનું અનુમાન ડ્યુક કરી રહ્યો હતો.
બ્લાસ્ટના લીધે એ બંને મૃતદેહ સારા એવા દાઝી ચૂક્યા હતા પણ એમના માથે બાંધેલી ઈગલ અને ગટકાને જોયા બાદ ડ્યુક જેવા માથાફરેલ માણસ માટે વધુ વિચારવાનું વધ્યું જ નહોતું. કાશ એને ધ્યાનથી જોયું હોત તો એને માલૂમ પડી જાત કે પોતે જેની હત્યા કરી એ બીજું કોઈ નહિ પણ એમનો જ સાગરીત જેક અને જેકનો સાથી હતો.
હકીકતમાં કંઈક આવું બન્યું હતું..
અર્જુન અને નાયક જ્યારે હુસેની અને રહેમાનીનો વેશ ધરી જ્યારે લોન્ગની સાથે એની ખુફિયા ઓફિસમાં બેઠા હતા ત્યારે અર્જુને ખૂબ ચાલાકીથી એક માઈક્રો રેકોર્ડર ચીપ નીકાળી એને લોન્ગ જ્યાં બેસતો એ ખુરશીની સામે મોજુદ રાઉન્ડ ટેબલ નીચે ચિપકાવી દીધી હતી. લોન્ગની આતંકવાદી હુમલા અંગે બીજા કોઈ જોડે શું ચર્ચા થાય છે એ જાણવા હેતુ અર્જુને એ ચીપ ત્યાં લગાવી હતી.
જ્યારે લોન્ગ પર પેનિંગનો કોલ આવ્યો ત્યારે અર્જુન અને નાયકને લઈને જેક ચુવાંગજિયાંક્ષુ તરફ નીકળી ચૂક્યો હતો. પોતાના માથે બાંધેલ ઈગલમાં સિફતથી છુપાવેલ ઈયરપોડમાં અર્જુને લોન્ગની પેનિંગ જોડે થતી વાતચીતનો સ્વર સાંભળ્યો..વાતચીત ચાઈનીઝમાં હતી પણ અમુક શબ્દો પરથી અર્જુન સમજી ગયો કે પોતાનો ભાંડો ફૂટી ગયો છે.
અર્જુને નાયકને ઈશારાથી જ આગળ જે કરવાનું હતું એ અંગે જણાવી લીધું..નાયક અને અર્જુનને ચીન આવ્યા પહેલા રૉ દ્વારા માર્શલ આર્ટની ટ્રેઇનિંગ આપવામાં આવી હતી. આ ટ્રેઈનિંગમા ગરદન અને ખભા વચ્ચે ચોપ કરીને કોઈપણ વ્યક્તિને બેહોશ કરવાની જે તાલીમ અપાઈ હતી એનો બખૂબી ઉપયોગ કરતા અર્જુને જેકને અને નાયકે બોટના ચાલકને બેહોશ કરી દીધા.
એમના બેહોશ થતા જ અર્જુને જેકનો મોબાઈલ દરિયામાં પધરાવી દીધો. ત્યારબાદ એને અને નાયકે પોતપોતાનો શેખ લોકોનો પહેરવેશ ઉતારી દીધો અને ફટાફટ જેક અને બોટના ચાલક સાથે કપડાની અદલા-બદલી કરી લીધી.
પોતાનો પીછો પણ થશે અને ચુવાંગજિયાંક્ષુ પર એમને રોકવામાં પણ આવશે આ બંને વાત અંગેની ધારણા સાથે અર્જુને આ બધું કર્યું હતું. જેવી બોટ ચુવાંગજિયાંક્ષુ તરફ જતા સીધા રસ્તે એક કિલોમીટર દૂર પહોંચી એ સાથે જ અર્જુને બોટના સ્ટેયરિંગમાં એક લાકડું ભરાવી એને સ્થિર કરી દીધું તથા જોડેજોડે એક બોટમાં પડેલા એક પથ્થરને એક્સીલેટર પર રાખી દીધો..આમ કરવાથી બોટ એકધારી ગતિમાં નાકની સીધમાં આગળ વધે એવી અર્જુનની ગણતરી હતી.
જેક અને બોટ ચાલકને બેહોશીની હાલતમાં જ બોટ પર શક્ય એટલા સીધા બેસાડી અર્જુન અને નાયકે દરિયામાં છલાંગ લગાવી દીધી. અર્જુનની ચાલાકીમાં ડ્યુક આબાદ ફસાયો અને એને આવેશમાં આવી પોતાના જ સાથીઓનું કાસળ કાઢી નાંખ્યું.
એકતરફ ડ્યુક એ દિવાસ્વપ્નમાં રાચતો હતો કે યાંગ લીનું સોંપેલું કાર્ય ઉત્તમ રીતે કરીને પોતે હવે લીની સાથે લોન્ગનો ખાસ બની શકશે તો બીજી તરફ અર્જુન અને નાયક દરિયામાં લગભગ સવા કિલોમીટર જેટલું તરીને ડ્યુક જ્યાં હતો એની ઉત્તર પૂર્વ દિશામાં આવતા ચુવાંગજિયાંક્ષુ આઈલેન્ડના એક ખૂબ જ ઓછા ઉપયોગમાં લેવાતા પોર્ટ પર આવી પહોંચ્યા.
દરિયામાં કૂદતા પહેલા અર્જુને પોતાની જોડે રહેલા ગેઝેટ અને મોબાઈલને એક ખાસ વોટરપ્રૂફ બેગમાં રાખી દીધા હતા, જેના લીધે જ એ બધા ઈલેક્ટ્રિકલ ઈકવુપમેન્ટ હજુપણ કાર્યરત અવસ્થામાં હતા. અર્જુન અને નાયક ખૂબજ સાવધાની સાથે પોર્ટ પર પહોંચ્યાં. એ લોકોએ પણ ગોળીબારનો ધ્વનિ અને ત્યારબાદ બ્લાસ્ટનો અવાજ સાંભળ્યો હતો, જે પરથી ત્યાં જે કંઈપણ બન્યું એનું યોગ્ય અનુમાન અર્જુને અને નાયકે લગાવી દીધું હતું.
અર્જુને પોતાનો મોબાઈલ નીકાળી શાહિદને કોલ કર્યો..શાહિદે જેવો કોલ રિસીવ કર્યો એ સાથે જ અર્જુને ટૂંકમાં એને બધું જણાવી દીધું. શાહિદ ચુવાંગજિયાંક્ષુ આઈલેન્ડ પર જ હતો, પણ દરિયા કિનારાથી એ એકાદ કિલોમીટર દૂર હતો; અર્જુનના કહેવાથી જ એને આવું કર્યું હતું. જેથી કરીને વિપદા સમયે નાહકનું એને કોઈ તકલીફમાં મુકાવું ના પડે.
શાહિદને કોલ કરી અર્જુને તાત્કાલિક એ અને નાયક જ્યાં હતા ત્યાં આવવા જણાવી દીધું. બે મિનિટની અંદર શાહિદ ત્યાં આવી પહોંચ્યો. અર્જુન અને નાયક ફટાફટ કારમાં ગોઠવાયા એ સાથે જ અર્જુને રાજવીર શેખાવતનો નંબર ડાયલ કરીને અહીંની સઘળી પરિસ્થિતિ અંગે જણાવી દીધું.
અર્જુનની વાત શાંતિથી સાંભળ્યા બાદ શેખાવતે અર્જુનને એ જ્યાં રોકાયો હતો એ શાંઘાઈ પેરેડાઈઝ હોટલ તરફ જવાની સાફ મનાઈ ફરમાવી દીધી, લોન્ગને જો ખબર પડે કે પોતાને ઉલ્લુ બનાવી ગયેલા બંને શેખ જીવિત છે તો નક્કી એ અર્જુન અને નાયકને મોતને ઘાટ ઉતારવા પોતાના માણસોને એના હોટલરૂમમાં મોકલશે એવી ગણતરી શેખાવતની હતી. ત્યારબાદ શેખાવતે પોતે કંઈક સુદૃઢ આયોજન કરી પાંચેક મિનિટમાં અર્જુનનો સંપર્ક સાધશે એમ કહી કોલ ડિસ્કનેક્ટ કરી દીધો.
અમદાવાદમાં હાજર શેખાવત માટે એક પછી એક નવી મુશ્કેલીઓ ઊભી થઈ રહી હતી. પહેલા અફઝલ પાશાની એમની નજરો સામે કરેલી આત્મહત્યા અને હવે અર્જુન તથા નાયકની અસલિયત અંગે લોન્ગને મળેલી માહિતી, આ બે બનવોએ શેખાવતના દિમાગનું દહીં કરી દીધું.
આ સંજોગોમાં પોતાને શું કરવાનું છે એ અંગે ગહન વિચાર કરતા શેખાવતે પહેલા રૉ આઈટી ટીમના મુખ્ય હેડ વેણુને કોલ લગાવ્યો..વેણુને અમુક સૂચનો આપ્યા બાદ શેખાવતે તાઈવાનનો એક નંબર લગાવ્યો. જેવો જ કોલ રિસીવ થયો એ સાથે જ સામેથી ઝીણો અને દબાયેલો અવાજ શેખાવતને સંભળાયો.
"હેલ્લો મિસ્ટર શેખાવત, લાગે છે કંઈક મોટી પ્રોબ્લેમ ઊભી થઈ છે...બોલો મારે શું કરવાનું છે."
જેનો જવાબ આપતા રાજવીર શેખાવતે કહ્યું.
"યસ મિસ્ટર વિલાડ, જેનો ડર હતો એ જ થયું છે..હવે નાછૂટકે આપણે પ્લાન બી અમલમાં મૂકવો જ પડશે."
************
ક્રમશઃ
આગળ શું થવાનું છે એ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ દિલધડક નવલકથા "ઑપરેશન ચક્રવ્યૂહ". આ નવલકથા દર ગુરુવારે અને રવિવારે આવશે એની નોંધ લેવી.
આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.
માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.
મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.
ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ
સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.
હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની
પ્રતિશોધ અને મર્ડર@રિવરફ્રન્ટ
~જતીન.આર.પટેલ (શિવાય)