Operation Cycle Season 2 - 2 in Gujarati Thriller by Jatin.R.patel books and stories PDF | ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન 2 - 2

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

Categories
Share

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન 2 - 2

ભાગ 2

કવેટાથી દસ કિમી દૂર, ઇન્ડસ હાઇવે, પાકિસ્તાન

એજન્ટ નગમા, માધવ દેસાઈ, દિલાવર ખાન અને મુસ્તફા રાવલપિંડીમાંથી સહી-સલામત બહાર નીકળીને કવેટા તરફ અગ્રેસર થઈ ચૂક્યા હતા. કવેટાથી એ લોકો પાકિસ્તાનમાંથી નીકળી ભારત પાછા જવાની યોજના અમલમાં મૂકવાના હતા. પણ, એ માટે એમનું કવેટા પહોંચવું અત્યંત આવશ્યક હતું.

પોતે હવે સુરક્ષિત છે એમ માનતા એ લોકોને અંતરિયાળ રસ્તેથી લઈને મુસ્તફા કવેટાથી નજીક આવી પહોંચ્યો હતો. હવે માત્ર પંદરેક કિલોમીટર જેટલું અંતર બાકી હતું. આ દોડાદોડીમાં નગમા અને માધવ બલવિંદરની ડાયરીમાંથી મળેલા મેઈલ આઈડી અંગે વધુ જાણકારી નહોતા મેળવી શક્યા. વહેલી તકે આ અંગે રૉ ચીફ રાજવીર શેખાવતને જણાવવું જરૂરી હતું પણ એ માટે એમને સલામત રીતે કવેટામાં આવેલી ડોકટર અસદ આઝમની ક્લિનિક પર પહોંચવાનું હતું.

મુસ્તફા બહુ સિફતથી ઈનોવાને કવેટા તરફ ભગાવી રહ્યો હતો. પોતાને હવે કોઈ નવી ઉપાધિનો સામનો નહિ કરવો પડે એમ વિચારી નગમા અને માધવ પોતાના અસલી લૂકમાં આવી ગયા હતા.

આ તરફ ઈકબાલ મસૂદ પોતાના ખાસ ચુનંદા સાગરીતોને લઈને ઈન્ડસ હાઈવે પર કવેટા તરફ આગળ વધી રહ્યો હતો. એ લોકો હવે કવેટાથી એક કલાકના અંતરે હતા.

"સોહેલ, એ લોકો રાવલપિંડી પોલીસ અને આઈએસઆઈને ચકમો આપીને પિંડી છોડીને નીકળી ગયા એ વધુ પડતું અજુગતું નથી લાગતું.!" ડ્રાઈવર સીટની બાજુમાં બેસેલા મસૂદે જીપ હંકારી રહેલા સોહેલ નામનાં આતંકીને ઉદ્દેશીને કહ્યું.

"હા ભાઈ તમારી વાત સાચી છે..જે રીતે બશીર ખાને પિંડીના બહાર જતા દરેક રસ્તા, રેલવે સ્ટેશન, એરપોર્ટની નાકાબંધી કરી હતી એ પરથી તો એવું જ લાગતું હતું કે એ હરામીઓ નક્કી પકડાઈ જશે." જીપને હંકારી રહેલા સોહેલે આદત મુજબ પોતાના આકાના હા માં હા ભેળવી.

"મિર્ઝા, તને શું લાગે છે.?" ખુલ્લી જીપની પાછળની સીટમાં બેસેલા છ લોકોની વચ્ચે બેસેલા મિર્ઝાને ઉદ્દેશી મસૂદે પૂછ્યું. ઈજાગ્રસ્ત હોવા છતાં મિર્ઝા જીદ કરીને મસૂદની સાથે કવેટા આવવા નીકળેલા આતંકીઓ જોડે જોડાયો હતો.

"ભાઈ તમારી વાત સાચી છે..પણ એ લોકો પિંડીમાં છુપાઈને રહેવાનું જોખમ ઉઠાવે એની શકયતા સાવ ઓછી છે." મિર્ઝાએ પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા કહ્યું. "એ લોકોની જગ્યાએ હું હોઉં તો છુપાઈ રહેવાની કોશિશમાં જીવ ગુમાવ્યા વિના ભાગવાની કોશિશ અવશ્ય કરું..અને પોલીસ એ લોકોને શોધે છે એની એમને ખબર ના હોય એની શકયતા પણ સાવ નહિવત છે."

મિર્ઝાનો જવાબ સાંભળી મસૂદે એક સિગરેટ સળગાવી અને એનો ઊંડો કશ લીધો..સિગરેટનો એક કશ લીધા બાદ સિગરેટને મિર્ઝા તરફ લંબાવતા મસૂદે કહ્યું.

"મિર્ઝા, તારા કહ્યા મુજબ એ લોકો જોડે એક ઈનોવા હતી જેનું પાસિંગ કવેટાનું હતું. જેનો અર્થ નીકળે કે એ લોકો જો પિંડીથી ભાગ્યા હશે તો અવશ્ય કવેટા તરફ જશે..બરોબરને?"

"હા ભાઈ..!" મિર્ઝા હકારમાં જવાબ આપતા બોલ્યો.

બે મિનિટ સુધી આંખો બંધ કરી મસૂદ કંઈક મનોમંથન કરતો રહ્યો..અચાનક, કંઈક યાદ આવ્યું હોય એમ એને પોતાની આંખો ખોલી અને ખિસ્સામાંથી મોબાઈલ નીકાળી એક નંબર ડાયલ કર્યો. ત્રણ-ચાર રિંગ વાગ્યા બાદ સામે છેડેથી કોલ રિસીવ થયો.

"અસલ્લા વાલેકુમ મસૂદ મિયા." સામેથી એક બુલંદ અવાજ મસૂદના કાને અફડાયો. "ઘણા વખતે યાદ કર્યાં, કંઈ નવાજુની..!"

"ગુલામઅલી, આપણા મુલકના દુશ્મનો સામે, કાફિરો સામે અમે જે જંગ શરૂ કરી છે એમાંથી નવરાશ જ નથી મળતી." મસૂદે શબ્દોની યોગ્ય ગોઠવણી કરતા કહ્યું.

ગુલામઅલી આઈ.એસ.આઈનો બ્લૂચીસ્તાન ખાતેનો કમાન્ડર હતો. બ્લૂચીસ્તાન લિબરેશન આર્મીના બળવાખોરોને કાબુમાં લેવા પાકિસ્તાન હાઈ કમાન્ડ દ્વારા ગુલામઅલીને ખાસ કવેટામાં મુકવામાં આવ્યો હતો. સવા છ ફૂટ કદ અને કેશ વિહોણું માથું ધરાવતો ગુલામ ખૂબ જ ખૂંખાર અને ક્રૂર હતો. એના જીવનની ડિક્શનરીમાં દયા જેવો શબ્દ જ નહોતો. પોતાના શકમાં આવતા દરેક લોકોના એ હાલ બેહાલ કરી નાંખતો. ઉપરાંત એ એક નંબરનો નસેડી અને લંપટ પણ હતો.

"તમારી વાત સાચી છે ભાઈ.." અલીએ કહ્યું. "બોલો અચાનક કોલ કરવાનું ખાસ કારણ."

ગુલામ અલીને મસૂદે ટૂંકમાં પિંડીમાં બનેલી ઘટનાઓ અંગે જણાવી દીધું. ગુલામઅલી પિંડીમાં ક્રાઈસ્ટ ચર્ચ નજીક બનેલી દુર્ઘટના અંગે તો જાણતો હતો પણ એ ઘટના માટે જવાબદાર વ્યક્તિઓ કવેટા તરફ આવી હશે એ સાંભળી અલી અવાચક અને સ્તબ્ધ રહી ગયો. એમાં પણ જ્યારે પોતાની પર નજર રાખતા અને આતંકવાદીઓથી પીછો છોડાવવામાં પોતાની જીંદગીથી હાથ ધોનાર હમીદ અંસારી નામની વ્યક્તિના ઘરમાં પણ એ લોકો ગયા હતા એ વાત મસૂદે અલીને જણાવી ત્યારે અલીને પણ એ લોકો સંદિગ્ધ લાગ્યા.

"બોલો મારે એ લોકોનું શું કરવાનું છે?" અલીએ પૂછ્યું.

"આમ તો હું પણ મારા સાથીઓ સાથે કવેટા આવી જ રહ્યો છું પણ એ લોકોને કવેટામાં કોઈ આશરો ના આપે એનું ધ્યાન તારે રાખવાનું છે." મસૂદે કહ્યું. "શક્ય હોય તો એ લોકોને જીવિત પકડવાના છે..ના છૂટકે જ એમને શારીરિક નુકશાન પહોંચાડજે." મસૂદના સ્વરમાં છૂપી ચેતવણી હતી. ગુલામઅલીના સ્વભાવમાં રહેલી ક્રૂરતાથી મસૂદ વાકેફ હતો.

"હું પ્રયત્ન કરીશ કે તમારા ખાસ મહેમાનોને કોઈ તકલીફ ના પહોંચે." સામે પક્ષે પોતાની આદતથી મજબૂર અલીના સ્વરમાં છૂપો કટાક્ષ હતો.

"જો તારા ધ્યાનમાં કંઈ આવે તો તુરંત મને જણાવજે..ખુદાહાફીઝ..!" મસૂદે કહ્યું.

"ખુદાહાફીઝ."

આ સાથે જ ગુલામઅલી અને ઈકબાલ મસૂદ વચ્ચેનો સંબંધ વિચ્છેદ થઈ ગયો.

ગુલામઅલી ભલે ક્રૂર હતો, મનમોજી હતો..પણ એ નગમા અને માધવને કોઈપણ કવેટામાં છુપાવવા નહિ દે એ વાત મસૂદ સારી રીતે સમજતો હતો. અલીની કાર્યદક્ષતા પર મસૂદને ભરોસો હતો. આથી જ અલી સાથે વાત કર્યાં બાદ મસૂદના મુખ પર રાહતના ભાવ જણાતા હતા.

હમીદના ઘરમાં એવું તે શું હતું કે આ રીતે ત્રણ લોકો એના ઘરની જડતી લેવા આવે? કુવૈતથી આવેલા બે નાગરિકોને હમીદ સાથે શું મતલબ? એ.કે ફોર્ટી સેવનથી સજ્જ પોતાના સાગરીતોને રિવોલ્વરની મદદથી મોતને ઘાટ ઉતારનાર લોકો આખરે કોણ હતા? એમની સાચી ઓળખ શું છે? એ સવાલો અંગે વિચારતા-વિચારતા મસૂદનું મગજ ચકરાવે ચડી ગયું હતું.

નજીકમાં એ લોકો ગુજરાતમાં આતંકવાદી હુમલો કરવાની યોજનાને અમલમાં મૂકવા જઈ રહ્યા હતા ત્યારે જ પિંડીમાં આ બધી ઘટનાઓ કેમ બની હતી? આ સવાલ મસૂદને સૌથી વધુ તંગ કરી રહ્યો હતો. પિંડીની ઘટના બાદ અકબર પાશાએ પોતાની જોડે કેમ સંપર્ક નહોતો સાધ્યો એ અંગે પણ મસૂદ જાતભાતની શંકા-કુશંકાઓ સેવી રહ્યો હતો. અકબર પાશા જોડે એકવાર પિંડીમાં જે કંઈપણ બન્યું હતું એની ચર્ચા કરવાની પણ મસૂદને ઈચ્છા થઈ, પણ સામે ચાલીને પોતે ક્યારેય પાશાનો સંપર્ક કરશે નહીં એવી સ્પષ્ટ ચેતવણી મળી હોવાથી મસૂદ પાશાને કોલ કરી શકે એમ નહોતો. અકબર પાશાની વાત ઉથામવાની હિંમત મસૂદનામાં નહોતી.

મસૂદની ખુલ્લી જીપ ફૂલ ગતિમાં કવેટા તરફ આગળ વધી રહી હતી. મસૂદ છેલ્લા અડધા કલાકમાં એક પછી એક ત્રણ સિગરેટ ફૂંકી ચૂક્યો હતો.

"સોહેલ, જીપ ઊભી રાખ..!" એકાએક તંદ્રામાંથી બહાર આવતો હોય એમ મસૂદ ચિલ્લાઈને બોલ્યો.

સોહેલે પોતાના આકાના આદેશને માથે ચડાવી જીપને બ્રેક કરી..જે ગતિમાં જીપ ભાગી રહી હતી એના લીધે બ્રેક મારતા જ ચૂડ... કરતો ધ્વનિ પેદા થયો અને આંચકા સાથે જીપ થોભી ગઈ. જીપ અટકતા જીપમાં બેસેલા બાકીના લોકોમાં પણ સંચાર થયો હોય એમ એ બધા પણ મસૂદે અચાનક જીપ કેમ અટકાવી એ જાણવા આતુર બન્યા.

મસૂદ જીપ અટકતા જ જીપમાંથી નીચે આવ્યો. હાઈવેની ડાબી તરફ રસ્તા એક સિંગલ પટ્ટી રોડ હતો, જે મસૂદે જ્યાં જીપ થોભાવી ત્યાં ઈન્ડ્સ હાઈવેને આવીને મળતો હતો. અહીં પચાસ મીટર દૂર કવેટા દસ કિમિ દર્શાવતો એક પથ્થર હાઈવેની બાજુમાં મોજુદ હતો.

મસૂદની પાછળ-પાછળ એના તમામ સાગરીતો પણ જીપની નીચે ઉતરી આવ્યા. આખરે મસૂદ શું વિચારતો હતો એ જાણવાની દરેકને ઉત્કંઠા હતી.

"ભાઈ, શું થયું..?" મિર્ઝાએ બધાના મનમાં ચાલતો પ્રશ્ન મસૂદને પૂછી લીધો.

"મિર્ઝા, એ લોકો પિંડીથી ભાગીને જો કવેટા તરફ આવે અને પિંડીથી અહીં સુધી સુરક્ષિત આવી શકતા હોય તો નક્કી તેઓએ હાઇવેનો ઉપયોગ ના જ કર્યો હોય." મિર્ઝાના સવાલનો જવાબ આપતા મસૂદ બોલ્યો. "એ લોકો કવેટા આવવા નક્કી હાઇવેને સમાંતર એવો અંતરિયાળ રસ્તો પસંદ કરે જે એમને છેક કવેટા સુધી લાવે અને કોઈ નાકાબંધી એમને પકડી ના શકે."

"અને આ રસ્તો એ માટે પરફેક્ટ છે.." વચ્ચે ટાપસી પૂરાવતા સોહેલ બોલ્યો. "ચોંતરા, ચાકવાલ, લાવા, ભખ્ખર, મુઝફ્ફર નગર અને લોરનાઈ થઈને આવતો આ દુર્ગમ રસ્તો કોઈપણ જાતની રોકટોક વિના એ લોકોને છેક અહીં કવેટાની હદમાં લાવી શકે છે."

"આ રસ્તાનો ઉપયોગ કરીને જો એ લોકો કવેટા આવતા હોય, જેની શક્યતા વધુ છે..તો તેઓને અહીં આવતા આપણાથી ત્રણેક કલાક વધુ લાગી જ જાય." કંઈક ગણતરી કરતા મસૂદ બોલ્યો. "એ લોકોના કવેટા આવવા નીકળ્યાના મહત્તમ બે કલાકમાં તો આપણે પણ કવેટા આવવા નીકળી ગયા હોઈશું..તો એનો મતલબ કે એ લોકો આ રસ્તે આવતા હશે તો કલાક-દોઢ કલાકમાં અહીં આવી પહોંચશે."

"પણ જો ભાઈ એ લોકો આ રસ્તે નહિ આવે તો..?" મિર્ઝાની જોડે ઊભેલો એક સુકલકડી દેહ ધરાવતો વ્યક્તિ બોલ્યો.

"તો એમનું સ્વાગત કરવા ગુલામઅલી કવેટામાં તૈયાર જ છે.." મસૂદના સ્વરમાં ગજબનો આત્મવિશ્વાસ હતો કે નગમા, માધવ, દિલાવર અને મુસ્તફા એને અનુમાન લગાવ્યું એ જ રસ્તેથી આવશે.

મસૂદે સોહેલને જીપને રસ્તાથી થોડે દૂર ઊભી રાખવાનો અને પોતાના બાકીના સાગરીતોને યોગ્ય જગ્યા લઈ ગોઠવાઈ જવાનો આદેશ આપ્યો. મસૂદનો આદેશ માથે ચડાવી એના તમામ સશસ્ત્ર સાગરીતો યોગ્ય સ્થાન લઈ ગોઠવાઈ ગયા. દિવસનો સમય હતો અને વાહનોની અવરજવર ચાલુ હતી એટલે એ લોકોએ પોતપોતાના હથિયારોને છુપાવી રાખ્યા હતા.

મિર્ઝા ઈજાગ્રસ્ત હોવાથી એને જીપમાં બેસવાનું કહી મસૂદ પોતાના બાકીના સાગરીતો જોડે આવીને ગોઠવાઈ ગયો. અત્યારે એ દરેકનાં હાથમાં જર્મન બનાવટની ખાસ રિવોલ્વર તૈયાર હતી, આ ઉપરાંત એમની જોડે અત્યાધુનિક મશીનગન પણ હતી, જેનો ઉપયોગ પણ સમય આવે મસૂદ એન્ડ કંપની કરવાની જ હતી.

પોતાનું સ્વાગત કરવા મસૂદ અને એના સાથીદારો સુસજ્જ થઈને ઊભા હતા એ વાતથી બેખબર મુસ્તફા ઈનોવાને પુરપાટ વેગે હંકારી કવેટા તરફ દોડાવી રહ્યો હતો.

સિંહના મુખમાં સામે ચાલીને હરણા સપડાય એવું જ કંઈક બનવા જઈ રહ્યું હતું..મોતને સામે ચાલીને ગળે લગાવવા જતા નગમા અને માધવ પર ઑપરેશન ચક્રવ્યૂહની સફળતા અને નિષ્ફળતાનો આધાર હતો. એ આધાર ટકવાનો હતો કે તૂટવાનો હતો એ રહસ્ય પરથી નજીકમાં પડદો પડી જવાનો હતો.

************

ક્રમશઃ

આગળ શું થવાનું છે એ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ દિલધડક નવલકથા "ઑપરેશન ચક્રવ્યૂહ". આ નવલકથા દર ગુરુવારે અને રવિવારે આવશે એની નોંધ લેવી.

આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર  મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની

પ્રતિશોધ અને  મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)