મીરાં એના પપ્પાને એરપોર્ટ પર છોડી ઘરે પહોંચી હતી. બે દિવસ થઈ ગયા હતા. મોહિતે ભાવનગર ફોન કરી એના પપ્પા ત્યાં પહોંચ્યા કે નહીં એ જાણકારી મેળવી પણ ત્યાં તો નવું જ જાણવા મળ્યું કે હજુ એના પપ્પા અમદાવાદ સુધી પણ નથી પહોંચ્યા. હવે આગળ...
( બે દિવસ પહેલાની ઘટના )
ક્રિશ અને રાહુલભાઈ મુંબઈ પહોંચી જાય છે. એરપોર્ટની બહાર બેય એકબીજાને હાથ હલાવી આવજો કહે છે. રાહુલભાઈનો એક મિત્ર એને લેવા આવવાનો હતો ભાવનગરથી. એ મિત્ર પહોંચે ત્યાં સુધી પોતે ફ્રેશ થઈને રેડ્ડી રહે એવા વિચાર સાથે નીકળવાની તૈયારી કરે છે. ક્રિશ એને પોતાના નંબર આપે છે. ક્રિશને તો એની બહેન મુંબઈ જ હતી તો તે એની ઘરે જવા નીકળી જાય છે.
મલાડમાં રહેતી બહેનના ઘરે ક્રિશ પહોંચવા આવે છે કે એના ફોનમાં રીંગ વાગે છે. નંબર સાવ અજાણ્યો હતો. એણે કોલ રિસીવ કર્યો અને સામે છેડેથી અવાજ આવ્યો કે " આપે જે વ્યક્તિને આ નંબર આવ્યો હતો એ બેહોશ થઈ ગયા છે. હું એ કારનો ડ્રાઈવર બોલું છું. આપ નંબર આપતા હતા એ સમયે મારું ધ્યાન તમારા તરફ ખેંચાયું હતું કારણ આપણા બેયના ફોન નંબરમાં માત્ર એક જ આંકડાંનો ફર્ક છે. આપ જલ્દી આવી જાવ. હું હજી એરપોર્ટથી બહુ દૂર નથી નીકળ્યો."
આટલું બધું એક શ્વાસે એ ડ્રાઈવર બોલી ગયો કે ક્રિશ હેબતાઈ ગયો. એણે ડ્રાઈવરને નજીકની હોસ્પિટલમાં રાહુલભાઈને એડમીટ કરવા કહ્યું. એણે પોતે રાકેશભાઈને જાણ કરવાનું વિચાર્યું. રાકેશભાઈની એક ટેવ હતી કે અમુક સમયે એનો ફોન એ જાતે જ સ્વિચ ઓફ કરતાં.
( હોસ્પિટલ)
ક્રિશને અત્યારે જરૂરિયાતના સમયે રાકેશભાઈની ટેવ નડી. થોડીવાર પછી 'નવરોજી હોસ્પિટલ'માં દાખલ કર્યા છે એવો ફોન ડ્રાઈવરનો આવી ગયો. ક્રિશ પહોંચે છે એટલે ડ્રાઈવર એનો સરસામાન સોંપી નિકળવાની તૈયારી કરતા કહે છે કે " એ કોઈને ફોન કરતા હતા ત્યાં જ મોંમાંથી ફીણ નીકળવા લાગ્યા. આખું બોડી ધ્રુજવા લાગ્યું. એ સ્થિતિમાં એનાથી ફોન જ સ્વિચ ઓફફ થયો. મેં એટલે તમને ફોન કર્યો. હવે હું નીકળું છું." એ ભલા ડ્રાઈવરને ક્રિશે ભાડાંનું પૂછ્યું તો તે બે હાથ જોડી નીકળી જ ગયો.
ક્રિશે પણ રાકેશભાઈને સતત ફોનનો મારો ચલાવ્યો પણ આજ એના શેઠે આદું ખાઈને જાણે ફોન ચાલુ ન કરવાની હઠ લીધી હોય એવું જ લાગતું હતું. લગભગ સાતેક કલાક પછી રાહુલભાઈને હોંશ આવ્યો. એણે પોતાની જાતને નળીઓમાં બંધાયેલી જોઈ. એ પોતાના હાથ પગ હલાવવામાં અસમર્થ હતા. ત્યાં તો એની સામે ક્રિશ આવીને ઊભો રહ્યો. ક્રિશે એની સામે જોઈને કહ્યું " તમે સલામત છો વડીલ.." એ રાતે ક્રિશ ત્યાં જ રોકાયો. બીજે દિવસે તબિયત સુધરી પરંતુ, એટલી પણ નહીં કે એકલા મૂકી શકાય. ચોથા દિવસે રજા મળી હવે શું કરવું એ વિચારતા વિચારતા એ એની બહેનને ત્યાં લઈ જવાનું નક્કી કરે છે.
( મલાડ- મુંબઈ)
ક્રિશ એની બહેનને ત્યાં રાહુલભાઈને લઈ ગયો. ભારતની ભૂમિમાં માણસાઈ તો કણકણમાં હોય જ એને સાર્થક કરતી એ ભાઈબહેનની સેવાથી રાહુલભાઈ ચાર દિવસમાં સાજા થઈ ગયાં હતા. રાહુલભાઈ સાવ સ્વસ્થ થયા એટલે ક્રિશે રાહતનો શ્વાસ લીધો.
આજે ક્રિશે તેમની સામે ઘટસ્ફોટ કર્યો કે 'તમને માઈલ્ડ પેરેલિસિસનો એટેક આવ્યો હતો. ડ્રાઈવરની સમયસૂચકતાએ તમારો જીવ બચ્યો.' સાથે સાથે એ પણ કહ્યું કે " તમારા ઘરના કોઈ સભ્યોના નંબર મારી પાસે ન હતાં એટલે મેં જાણ નથી કરી. આપનો ફોન સ્વિચ ઓફફ અને લોક્ હતો. આપ પહેલા ત્યાં વાત કરી લો.
(ન્યુયોર્ક)
સતત ચિંતામાં ચાર દિવસ કાઢ્યાં પછી ઘરના ફોનની રીંગ વાગે છે. સંધ્યા ફોન ઊંચકે છે ત્યાં તો એના પપ્પાજી પોતે ક્ષેમ કુશળ છે એ વાત જાણી. બોલવામાં થોડા શબ્દો લડખડાતા હોય એવું લાગ્યું ત્યાં જ ક્રિશે ફોન હાથમાં લઈને વાત કરવાનું ચાલું કર્યું કે "કાકા, મારી સાથે હતા ફ્લાઈટમાં. અમે છૂટાં પડ્યાં કે એમને પેરેલિસિસનો એટેક આવ્યો હતો. અત્યારે સાવ સારૂં છે. ચિંતા ન કરતા. મોહિતભાઈ કે રાજુકાકાને કહેજો કે એમને લેવા આવે."
સંધ્યાએ આ વાત ઘરના સભ્યોને કરી અને રાજુભાઈ એ રાતે જવા જ નીકળી ગયા. મીરાં ખુબ રડી. એને વિચાર્યું કે ' ક્રિશ ન હોત સાથે તો શું ઘટના ઘટત? ' એણે કાનુડાનો આભાર માન્યો અને રડતા રડતા મોરપંખને કપાળે રાખીને બોલી "સદાય સાથ દે જે મારે વાલા.."
ઊંઘ તો નહોતી જ આવવાની એને પપ્પાના સમાચાર સાંભળ્યા પછી. એ ક્રિશને મળવા ઉતાવળી બની આભાર વ્યક્ત કરવા માટે.. એ પોતાની જાતને કોસવા માંડી કે 'કાશ, ક્રિશ સાથે એકવાર વાત થઈ જાત તો ! '
હવે આગળ જોઈશું કે ક્રિશ અને મીરાં ફરી કયારે મળશે...
------------ ( ક્રમશઃ) -------------
લેખક : શિતલ માલાણી
૨૪-૧૦-૨૦૨૦.