Maneka - a first - 2 in Gujarati Women Focused by Sujal B. Patel books and stories PDF | મેનકા - એક પહેલી - 2

Featured Books
Categories
Share

મેનકા - એક પહેલી - 2







મેનકા સવારે ઉઠીને શૂટિંગ પર જવાં તૈયાર થતી હતી. એ સમયે જ તેનાં ઘરનાં દરવાજે કોઈએ દસ્તક દીધી. મેનકાએ ઉભાં થઈને દરવાજો ખોલ્યો.

"એય, આ જો તું જે માનવ મહેતાની ફિલ્મની હિરોઈન હતી ને...એ માનવ મહેતાનું કાલ રાતે મર્ડર થઈ ગયું." મેનકાના ઘરની સામે રહેતી અંજલીએ આવીને કહ્યું.

અંજલી મેનકાથી ત્રણ વર્ષ મોટી હતી. તેની પાસે દુનિયાભરની ખબરો રહેતી. મેનકા તેની ઘરે ન્યૂઝ પેપર નાં મંગાવતી. તેનું એકમાત્ર કારણ અંજલી જ હતી. કેમ કે, અંજલી રોજ સવારે જે સનસનીખેજ ખબરો હોય. એ મેનકાને આવીને સંભળાવતી.

મેનકાએ અંજલીની વાતનો કોઈ જવાબ નાં આપ્યો. અંજલી પેપર સાથે જ મેનકાના ઘરની અંદર ઘુસી ગઈ. મેનકાએ અંજલી માટે ચા અને પોતાનાં માટે કોફી બનાવી. અંજલીની રોજ સવારની ચા મેનકાની ઘરે જ બનતી.

માનવની ઘરની બહાર લોકોનું ટોળું એકઠું થયું હતું. ઘરની અંદર પોલીસ ઈનક્વાયરી ચાલું હતી. આખાં ઘરની તપાસ થઈ રહી હતી. ઘરની બધી વસ્તુઓ તેની જગ્યાએ જ હતી. દરવાજા પાસે જ માનવની લાશ પડી હતી. દરવાજેથી ઘરનાં પગથિયાં સુધી લોહીનાં રેલા હતાં.

પોલિસે બહું મહેનત કરી. છતાંય તેનાં હાથમાં કોઈ સબૂત નાં આવ્યું. પોલીસ માનવની લાશ લઈને, તેનાં ઘરની બહાર ક્રાઈમ એરિયાનુ બોર્ડ લગાવીને જતી રહી.

મેનકા તૈયાર થઈને શૂટિંગના સેટ પર પહોંચી ગઈ હતી. બધાં લોકો ઉદાસ હતાં. ફિલ્મ બસ તૈયાર થવાની કતાર પર હતી. થોડાં દિવસનાં શૂટિંગ પછી તેનાં રિલીઝ થવાની તારીખ પણ બહાર પાડવાની હતી. એવામાં અચાનક જ પ્રોડ્યુસરના મર્ડરના સમાચાર સાંભળીને બધાં હતાશ થઈ ગયાં હતાં.

"મેનકા, હવે તું જ કંઈક કરી શકીશ." ફિલ્મમાં જે મેનકા સાથે મુખ્ય અભિનેતા હતો. તેણે મેનકા પાસે જઈને કહ્યું.

મેનકાએ ફિલ્મ માટે બહું મહેનત કરી હતી. ફિલ્મમાં કામ કરતાં દરેક વ્યક્તિએ મહેનત કરી હતી. ફિલ્મ એ રીતે માત્ર એક અણબનાવથી રિલીઝ થતી અટકી જાય. એ બધાં માટે એક ખરાબ ઘટનાં હતી.

મેનકાએ ફિલ્મને રિલીઝ કરવા માટે અન્ય પ્રોડ્યુસર સાથે વાત કરવાનું વિચાર્યું. કોઈ પણ પ્રોડ્યુસર બીજાં પ્રોડ્યુસરે બનાવેલી ફિલ્મ રિલીઝ કરવા એટલી આસાનીથી માને નહીં. એ વાત મેનકા જાણતી હતી. પણ તેનાં માટે એક કોશિશ કરવી જરૂરી હતી.

મેનકા સેટ પરથી પોતાની ઘરે ગઈ. તે ઘણાં પ્રોડ્યુસરને ઓળખતી હતી. પણ તેને કોઈ ગુજરાતી પ્રોડ્યુસરની જરૂર હતી. જે સ્વભાવથી અને કામથી બંને રીતે સારાં હોય. કેમ કે, ફિલ્મ ગુજરાતી હતી. તેની પાછળ ઘણાં લોકોનું સપનું જોડાયેલું હતું.

મેનકાએ આખો દિવસ કેટલાંય પ્રોડ્યુસરો સાથે વાત કરી. પણ બધાં કોઈને કોઈ બહાનું બનાવીને શૂટિંગ આગળ વધારવાની નાં પાડી દેતાં હતાં. કોઈ બીજાંની અધૂરી ફિલ્મ પાછળ મહેનત કરવાથી બધાં ડરતાં હતાં. ફિલ્મ પૂરી થયાં પછી કોઈ બબાલ થાય. એવું કોઈ ઈચ્છતું ન હતું. બધાંની પોતાની ઈજ્જત હોય છે. જે કોઈ ગુમાવવા માગતું ન હતું.

મેનકાને બહું મહેનત કર્યા પછી આખરે એક એવો પ્રોડ્યુસર મળી જ ગયો. જે ફિલ્મ પૂરી કરીને તેને રિલીઝ કરવા સુધીની તમામ જવાબદારી પોતાની માથે લેવાં તૈયાર હતો. જેમાં ખુશીની વાત એ હતી, કે એ પ્રોડ્યુસર માનવની ફિલ્મ પૂરી કરીને બીજી એક ફિલ્મ પણ મેનકા સાથે કરવાં માંગતો હતો.

મેનકાને તો એક તીરથી બે શિકાર જેવું કામ થયું હતું. તેણે બીજાં જ દિવસે પ્રોડ્યુસર સાથે મિટિંગ પણ નક્કી કરી લીધી.

મેનકાનો બધાં સાથે વાત કરવામાં જ આખો દિવસ પસાર થઈ ગયો. રાતનાં આઠ વાગી ગયાં હતાં. તેણે બહારથી જ પોતાનાં માટે જમવાનું ઓર્ડર કરી લીધું. મેનકાને રસોઈ બનાવતાં નાં આવડતી. તેની ઘરે કામવાળી બાઈ કામ કરવાં આવતી. પણ થોડાં દિવસથી તે રજા પર હતી. જેનાં લીધે મેનકા બહારનું જ જમતી હતી.

બીજાં દિવસે સવારે મેનકા પોતાનું મનપસંદ પર્સ લઈને, તેમાં ચોકલેટનો ડબ્બો નાંખીને, પ્રોડ્યુસરની ઓફિસે જવા નીકળતી હતી. ત્યાં જ તેને ઘર બહાર લોકોનું ટોળું જોયું. મેનકા માટે એ કોઈ નવી વાત ન હતી. મેનકા ઘરનો મેઈન ગેટ ખોલીને બહાર નીકળી. લોકોએ તેની સાથે સેલ્ફી પડાવી.

"મેમ, આપની નવી ફિલ્મ રિલીઝ થવાની હતી. પણ માનવ શાહનું હાલ જ મર્ડર થઈ ગયું છે. એવામાં તમારી ફિલ્મ રિલીઝ થશે, કે અટકી જશે??" ટોળામાંથી એક છોકરાએ સવાલ કર્યો. મેનકા એ છોકરાંને શોધવાં લાગી. ત્યાં અચાનક જ એ છોકરો તેની સામે આવીને ઊભો રહી ગયો.

"ફિલ્મ રિલીઝ થશે. તેની પાછળ બધાંની મહેનત જોડાયેલી છે. એક વ્યક્તિનાં જવાથી કાંઈ અટકી નથી જતું." મેનકા એ છોકરાં તરફ એક નજર કરીને, તેને જવાબ આપીને કારમાં બેસી ગઈ. કારનો દરવાજો બંધ કરી. તેણે પ્રોડ્યુસરની ઓફિસ તરફ કાર ચલાવી.

મેનકાને મળવાં માટે પ્રોડ્યુસર ખુદ તેમની ઓફિસની બહાર ઉભાં હતાં. મેનકાના આવતાં જ તેમણે મેનકાના હાથમાં ફુલોનો ગુલદસ્તો આપી તેનું સ્વાગત કર્યું.

"આપણે ઓફિસમાં જઈને વાત કરીએ." અખિલ જાદવે કહ્યું.

અખિલ જાદવ... રંગે ગોરા, ને છ ફુટ ઉંચાઇ ધરાવતાં હતાં. છેલ્લાં વીસ વર્ષથી તેઓ ફિલ્મો બનાવતાં હતાં. તેમની બધી ફિલ્મો સુપરહિટ ગઈ હતી. એમાં શંકાને કોઈ સ્થાન ન હતું. પણ તેમણે એક પણ ફિલ્મ મેનકા સાથે કરી ન હતી. એનાં લીધે જ તેઓ મેનકાને મળવાં અધીરા બન્યાં હતાં.

પચાસ વર્ષની ઉંમરના અખિલ જાદવ એક અલગ જ વ્યક્તિત્વ ધરાવતાં હતાં. વીસ વર્ષમાં કેટલાંય અવનવાં લોકો સાથે કામ કર્યા પછી કોની સાથે કેવી રીતે વાત કરવી. એ તેઓ સારી રીતે શીખી ગયાં હતાં.

"અખિલસર, તમે માનવ શાહની અધૂરી ફિલ્મ પૂરી કરવાં હાં પાડી. એ બદલ તમારો ખુબ ખુબ આભાર." મેનકાએ વાતની શરૂઆત કરી.

"એમાં શું આભાર!? તમારી સાથે કામ કરવાનો મોકો મળશે. એ વાત મારાં માટે બહું મોટી છે." અખિલ જાદવ મેનકાને લઈને કંઈક વધારે જ ઉત્સાહિત હતાં.

"તો આપણે શુટિંગ ક્યારે શરૂ કરીશું. એ અંગે વાતચીત કરી લઈએ??" મેનકાએ બીજી વાત નાં કરતાં મુદ્દાની વાત કરી.

"બસ બે દિવસમાં હું મારાં અધૂરાં કામ પૂરાં કરી લઉં. પછીથી શૂટિંગ શરૂ કરીએ." અખિલ જાદવે એક નજર તેનાં ટેબલ પર પડેલી ફાઈલો તરફ કરીને કહ્યું.

"ઓકે, તો બે દિવસ પછી સીધાં સેટ પર મળીએ." મેનકા વાતને પૂર્ણવિરામ આપીને, ઓફિસનો દરવાજો ચીરીને બહાર નીકળી ગઈ.

મેનકાનો સ્વભાવ પહેલેથી જ એવો હતો. તેને વધું વાત કરવાની આદત ન હતી. કામથી જ કામ રાખનારી મેનકા દેશ-વિદેશમાં પ્રખ્યાત હતી. પણ તેને એ વાતનો કોઈ ઘમંડ ન હતો. તેનાં માટે એ વાત એટલી મોટી પણ ન હતી, કે તે પોતાનો બધો સમય પોતે એક સેલિબ્રિટી છે. એ વિચારમાં જ કાઢી નાખે.

મેનકા અખિલ જાદવની ઓફિસેથી નીકળીને આંબાવાડી વિસ્તારમાં આવેલ એક ઘર સામે આવી પહોંચી. તેની કારનો અવાજ સાંભળીને જ એક નાની એવી પાંચ વર્ષની છોકરીએ ઘરનો દરવાજો ખોલ્યો.

"મેના આવી દઈ...મેના આવી દઈ..." એ છોકરી પોતાની તોતડી ભાષામાં બોલતી બોલતી મેનકા તરફ દોડી.

મેનકાએ સામે દોડીને તેને પોતાના ગળે લગાવી લીધી. પછી મેનકા તેને તેડીને ઘરની અંદર ગઈ. સોફા પાસે એક છોકરો ઊભો હતો. જે ઉંમરમાં મેનકા જેવડો જ લાગતો હતો.

"સ્વીટી વધું પરેશાન તો નથી કરતી ને??" મેનકાએ એ છોકરાંને પૂછ્યું. એ છોકરાએ માત્ર નકારમાં માથું હલાવ્યું.

મેનકા સ્વીટીને સોફા પર બેસાડીને એ છોકરાંને ગળે વળગી ગઈ. સ્વીટી સોફા પર બેઠાં બેઠાં મરક મરક હસતી હતી. ત્યાં જ એક ત્રીસેક વર્ષનો પુખ્ત વયનો વ્યક્તિ ઘરનાં મુખ્ય દરવાજેથી અંદર આવ્યો.

"મેનકા, તું ક્યારે આવી??" તે વ્યક્તિએ આવતાવેંત જ મેનકાને પૂછ્યું.

"બસ હમણાં જ આવી કેતન જીજુ." મેનકાએ તેનું જીજુ કહીને સંબોધન કર્યું.

મેનકાનો જવાબ મળતાં જ કેતન કિચનમાં જતો રહ્યો. મેનકા સ્વીટી સાથે રમવા લાગી. તેણે ઘરેથી લાવેલી ચોકલેટ પોતાનાં પર્સમાથી કાઢીને સ્વીટીને આપી. એ જોઈને સ્વીટી ફરી એકવાર મેનકાને ગળે વળગી ગઈ.

"કાર્તિક, તારી ઓફિસનુ કામ કેવું ચાલે છે?? કોઈ મદદની જરૂર હોય તો કહેજે. હમણાં બે દિવસ હું ફ્રી છું." મેનકાએ ઘણાં સમયથી પોતાને નિહાળી રહેલાં કાર્તિકને કહ્યું.

"બધું બરાબર ચાલે છે. બસ તારાં સાથની જરૂર છે." કાર્તિકે મેનકાની પાસે બેસીને કહ્યું.

કાર્તિકની વાત સાંભળીને મેનકા એકદમ ચુપ થઈ ગઈ. થોડીવાર પહેલાં તેનાં ચહેરા પર જે‌ સ્માઈલ હતી. એ અચાનક જ ગાયબ થઈ ગઈ.

(ક્રમશઃ)