**પ્રકાર:વાર્તા
લેખકનું નામ: બંસી આર મોઢા
શિર્ષક: કુઊઊઊ..**
💐💐💐💐💐💐💐
શનિવાર ની સાંજ પડી. પીહુએ ઘરે આવીને તરત જ કુંજન ને બુમ પાડી.
“કુંજન આવી ગઈ કે?”
“હા પીહુ, તારી જ વાટ જોતી હતી. કાલની ચિંતા ન હતી એટલે હું તો વહેલી જ આવી ગઈ હતી.”
“હા! હું પણ રવિવાર ની જ વાટ જોતી હોઉં છું. ભગવાન ભલું કરે આ બંને મિત્રોનું જેણે આપણો વિચાર કર્યો. બાકી આ જમાનામાં માણસજાત એટલે સૌથી નિર્દય અને…..”
“બસ કર પીહુ હવે! આપણને તો આ પૃથ્વી પર સૌથી ઉત્તમ મિત્રો પ્રાપ્ત થયાં છે ને! તો પછી શું કામ નીંદા કરવી જોઈએ?”
“તારી વાત તો સાચી કુંજન, પણ ખરેખર મને તો આ બે મિત્રો સિવાય કોઈનો ભરોસો નથી. શું આપણને અનુભવ નથી થયા માનવ ના રૂપમાં દાનવ ના? આ બંને મિત્રો થી પણ શરુઆત માં તો ડર જ લાગતો ને કુંજન? આ તો ઈશ્વર ની કૃપા! નહીં તો કયાંક આ બંને પણ….”
“જે વાત ને કોઈ અવકાશ જ નથી એના વિશે વિચારીને ચિંતા શું કામ કરવી? ચલ બધી ચિંતા છોડીને હવે આરામ કરીએ”
“કાલે તો આરામ જ છે ને!”
પીહુ અને કુંજન ખડખડાટ હસી પડ્યા અને આરામ થી પોતાના ઘરમાં જઈને ઘસઘસાટ ઉંઘી ગયા.
____________
શ્રેય અને માનવ આજે દર રવિવાર ની જેમ રોજ કરતાં પણ વહેલાં ઊઠી ગયાં.
શ્રેય “કુઊઊઊ કુઊઊઊ ”
એમ બારીમાંથી જોઈને બે વખત બોલ્યો એટલે માનવ પણ તેનાં રૂમની બારીમાંથી બહાર ડોકું કાઢ્યું અને “કુઊઊઊઊ… કુઊઊઊ” કહી પ્રત્યુતર વાળ્યો.
બંનેએ હાથનો ઈશારો કરી અને એકબીજાને વાડામાં આવવા ઈશારો કર્યો.
વાડો. વાડો એટલે શ્રેય અને માનવ ના ઘરની સૌથી મહામુલી જગ્યા. વાડો એટલે જયાં શ્રેય અને માનવના સવાર અને સાંજ પડે.
શ્રેય અને માનવ પાક્કા ભાઈબંધ. બંનેનાં ઘરની એક તરફ વાડાની મોટી જગ્યા.અને બંનેના વાડાની વચ્ચે એક દિવાલ. બંનેનાં પપ્પા એક જ કંપનીમાં. એક જ સરખાં હોદ્દા પર. એટલે જ્યારે કંપની એ કવાટર બનાવ્યાં ત્યારે B વિંગ ના આ બંને કવાટર્સમાં એક જ દિવસે સામાન આવ્યો. શ્રેય અને માનવ ના પપ્પા તો એકબીજાને ઓળખતા જ હતાં હવે બંનેની મમ્મી પણ એકબીજાને ઓળખવા લાગી. અને બંનેની મમ્મી ને સૌથી મોટો સંતોષ એ થયો કે પોતે નોકરી પર જશે ત્યારે હવે શ્રેય અને માનવ ની ચિંતા જ નહીં. બંને કંપનીની જ સ્કુલમાં અને હવે પપ્પા ની ભલામણ થી એક જ કલાસમાં.
શ્રેય અને માનવ થોડાં જ સમયમાં એકબીજાના પર્યાય બની ગયાં કાં તો એમ કહો પુરક બની ગયાં. માનવ ચિત્રો સરસ દોરે તો શ્રેય રમતમાં આગળ. માનવનું ગણિત જોરદાર તો શ્રેયની ઈંગ્લીશ માં જોરદાર પકડ. તોફાન મસ્તી થોડાં ને બંને કામ કરે ઝાઝું . એકબીજાને મદદરૂપ થાય. હા! એક વાત બંનેમાં સરખી. બંનેને પ્રકૃતિ ખુબ જ ગમે. રવિવાર એટલે ઝાડ અને પાન,ફુલ અને પતંગિયા,પંખી અને પરબ. બસ આ જ વાતો અને આ જ કામ.
શરુઆતમાં જયારે તેઓ નવાં કવાટર્સ માં રહેવા આવ્યાં ત્યારે વાડો એકદમ નિર્જન અને નિર્જીવ લાગે. પણ શ્રેય અને માનવે તેમાં જીવ પૂર્યો. પહેલાં સફાઈ પછી કુંડા અને નાના નાના છોડ. અને એક દિવસ બંનેને આવ્યો એક વિચાર.
“શ્રેય, આપણે આપણાં વાડાને તો સુંદર બનાવી દીધો પણ આપણે એકબીજાને વાડામાં જોઈ શક્તા નથી.. ચાલને કાંઈક એવું કરીએ કે આપણે એકબીજાના વાડામાં આવવું હોય તો ઘરમાં બેલ ન મારવી પડે. આપણે આ વાડામાંથી જ એકબીજાને મળી શકીએ” માનવે બાળ સહજ મૈત્રી ભાવ દર્શાવ્યો
“હા માનવ ! એક કામ કરીએ.. આપણે બંને એક એવું વૃક્ષ વાડાના દિવાલની પાસે જ વાવીએ જેથી એ ઝાડ મોટું થાય તો આપણે તેનાં પર ચડીને એકબીજાનાં વાડામાં જઈ શકીએ”
શ્રેય ની આંખો પણ ચમકી અને પછી તો અભિયાન શરું થયું
“કયું વૃક્ષ વાવશું? “
“મજબુત હોવું જોઈએ ને…”
“જલદીથી મોટું પણ થાય એવું હો!”
“અને એ સુંદર પણ હોય એટલે આપણો વાડાની સુંદરતા પણ વધી જાય”
પછી તો પુસ્તકો ને ઈન્ટરનેટ પરથી કયું વૃક્ષ વાવવુ એની શોધખોળ શરું થઈ. મમ્મી પપ્પા ને શિક્ષકો ની સલાહ લેવાઈ. અને અંતે બંનેએ નક્કી કર્યું “ગુલમહોર નું ઝાડ”
બધી જ તૈયારીઓ થઈ ગઈ. પણ આ વૃક્ષ નો છોડ કે બીજ મળશે કયાં? ફરી અભિયાન શરું થયું. અંતે હાથ લાગ્યો એક નર્સરી નો નંબર. અને એ પણ ફ્રી માં ઘરે આવીને વાવી જાય એવી સંસ્થાની નર્સરી નો. અને પછી બંનેનાં ઘરે વવાઈ ગયાં ગુલમહોર ના છોડ. રોજ બંને જુએ કે છોડ કેટલાં મોટાં થયા? શું થયું? ખુબ માવજત કરે બંને. ચોથા ધોરણમાં ભણતાં શ્રેય અને માનવ હવે આઠમાં ધોરણમાં આવી ગયાં હતાં. હવે રવિવાર સિવાય સમય પણ ન મળતો વાડામાં જવાનો. જે ઉદ્દેશ્ય થી છોડ વાવ્યાં હતાં એ તો ભૂલાઈ પણ ગયું હતું બંનેને.
શ્રેય અને માનવના મમ્મી પપ્પા નોકરી કરતા હોય એને શ્રેય અને માનવ માટે સમય પણ ઓછો મળતો અને એમને મન આ બંનેની વાતો એટલે કોઈ દંતકથાઓ જેવી. એટલે આ બંનેની વાડાની પ્રવૃત્તિ ઊપર એ લોકો ભાગ્યે જ ધ્યાન આપે. ક્યારેક તહેવારો કે પ્રસંગોમાં સેલ્ફી કે ફોટો પડાવવા અને ક્યારેક કાળઝાળ ગરમીમાં હવા ખાવાનું સ્થળ એટલે એમનાં માટે વાડો. જોકે શ્રેય અને માનવ પણ હવે અભ્યાસમાં એટલાં ખોવાયેલા રહેતાં કે બસ રવિવારે જ વાડા માં જવાનો સમય મળતો.
પણ એક રવિવારે વાડામાંથી રમીને બંને પોતપોતાના ઘરે આવ્યાં ત્યાં જ ટીવી પર સમાચાર સાંભળ્યાં કે “કાલથી વિદ્યાર્થીઓ એ શાળામાં આવવાનું નથી”
મહામારી કે રોગચાળો શું હશે એ ભગવાન જાણે પણ શ્રેય અને માનવ માટે હવે સમય જ સમય હતો. ઘણા સમય પછી એવો સમય આવ્યો કે બંને હવે રોજ વાડામાં જતાં.
નાનપણથી જે સપનું જોયું હતું તે ઝાડ પર ચડવાના સ્વપ્ન ને પુરું કરવાં બંનેએ તૈયારી શરુ કરી. મમ્મી પપ્પા ને તો કપરાં સમયમાં પણ નોકરી શરું જ હતી. એટલે જેવાં બધાં નોકરી પર જાય કે આ બંને પોતાનું અભિયાન શરૂ કરે.
એક દિવસ પડતાં આખડતા પણ બંને ઝાડ પર ચડી ગયાં અને બંનેની ખુશીનો કોઈ પાર ન રહ્યો.
શ્રેય એ કુઊઊઊઊ કુઊઊઊ.. કરવાનું શરું કર્યું તો સામે માનવે પણ ઊતર આપ્યો “કુઊઊઊ કુઊઊઊ…”
બસ પછી તો આ જ કોડવર્ડ બની ગયો બંનેનો. રોજ જે વહેલું ઊઠીને તૈયાર થઈ જાય એ કુઊઊઊ કરીને બીજાને ઊઠાડે. અને પછી બંને પોતપોતાના ગુલમહોર ઊપર ચડે.
આવાં જ એક દિવસે માનવે શ્રેય ને કહ્યું “એ જો અહીં કોઈક પંખી નો માળો.”
“હા માનવ. કેવો મસ્ત છે. પણ હજું અધુરો લાગે છે. મને એમ લાગે છે આ સુગરીનો માળો છે.”
“શ્રેય! એક વાત કહું? “
“બોલ ને દોસ્ત”
“આપણે થોડા દિવસ ઝાડ પર ન ચડવું જોઈએ. નહિંતર આ જે કોઈ પંખી હશે એ અહીં આવતા ડરશે. આપણે રોજ વાડામાં આવશુ પણ અવાજ કર્યાં વિના જોઈશુ”
દિવસો પસાર થતાં. શ્રેય અને માનવ એ દિવસે ભેટી પડ્યા જે દિવસે એક નહીં પણ બે સુગરી ના માળા બંધાયા. બંનેનાં ગુલમહોર પર.
એક દિવસ બંને એ નક્કી કર્યું કે આ માળાની સુગરીઓ ને હેરાન ન કરવી પણ એને આપણે કાંઈ અગવડ ન પડે એ ધ્યાન રાખવું અને એની સાથે ફ્રેન્ડશીપ કરવી.
પછી તો પરબ અને ચણવા દાણા માટે માટીના કુંડાની વ્યવસ્થા થઈ. સુગરી પણ કેવી સુંદર. બંને એ નક્કી કર્યું કે આપણે એકબીજાના ગુલમહોર ની સુગરી ના કાંઈક નામ પાડીએ.
“કુંજન”
“પીહુ”
અને પછી તો શરૂઆત થઈ એ વિચારવાની કે પંખી સાથે દોસ્તી કરવી કેમ..?
શરુઆતમાં તો બંને વાડામાં જતાં ત્યાં જ બંને સુગરીઓ ધ્રુજતી ધ્રુજતી માળામાં લપાઈ જતી.
પણ માનવ અને શ્રેય હાર માન્યા વિના રોજ જાય. “પીહુ… મારી પીહુ”
“કુંજન…. એ કુંજન”
આવા શબ્દો વાડામાં ગુંજે ને પછી કુંડા માં દાણા પાણી આવે. ધીરે ધીરે સુગરીઓ પણ સમજી ગઈ કે આ બંને છોકરાઓ ખરેખર હેરાન કરવાં નહીં પણ પોતાની સાથે હળવા મળવાં માંગે છે.
પછી તો શ્રેય અને માનવ ઝાડ પર ચડે તો પણ બંને ડરે નહીં ને ધીરે ધીરે એ પણ સમજાય ગયું કે કોનું નામ પીહુ છે અને કોનું કુંજન હવે તો બંને આ મિત્રો ના હાથ પર પણ આવીને બેસી જાય. ચારેય વચ્ચે એવી દોસ્તી બંધાઇ કે જાણે મનુષ્ય પંખીની અને પંખી મનુષ્ય ની ભાષા સમજવા લાગ્યા હોય.
એક દિવસ શ્રેય અને માનવે જોયું કે સુગરીઓ એ તો ઈંડા મુકયા છે. શ્રેય અને માનવ હવે માત્ર એને દાણા પાણી આપી કુઊઊઊ બોલીને ચાલ્યાં જતાં જેથી બંને સુગરીઓ ને સાંત્વના પણ મળે કે મિત્રો આસપાસ જ છે અને ઝાઝી ખલેલ પણ ન પહોંચે.
એક સવારે સુગરીઓ જોરજોરથી પોતાની ભાષામાં કલબલાટ કરવા લાગી. શ્રેય અને માનવ ને ધ્રાસકો પડ્યો અને બંને દોડી ને આવ્યા અને ઝાડ પર ચડી માળામાં જોવા લાગ્યાં. જોયું તો નાના નાના બચ્ચા કલરવ કરી રહ્યા હતાં. શ્રેય અને માનવ ખુશ થઇ ગયા કે પંખી સાથે પણ જો દોસ્તી કરવામાં આવે તો તે પણ પોતાની ખુશીઓ વહેચે છે.
માનવ અને શ્રેયે એક વખત કયાંક આત્મનિર્ભર શબ્દ સાંભળ્યો અને તે દિવસથી પીહુ અને કુંજન ને દરરોજ દાણા નાખવાનું બંધ કર્યું . તેને પોતાની ભાષામાં બંને સુગરીઓ ને સમજાવી દીધું કે જો તમને રોજ આમ જ તૈયાર દાણા મળશે તો તમે તમારી રીતે દાણા શોધવાની શકિત ખોઈ બેસસો એટલે રવિવારે જ દાણા મળશે.
અને જાણે સુગરીઓ પણ સમજદાર. દરરોજ દાણા શોધી આવે ને એને પણ કેમ ખબર પડી જતી હશે કે આજે રવિવાર. તેઓ શાંતિથી માળમાં જંપી રહે અને કુઊઊઊ અવાજ આવતાં જ માળાની બહાર નીકળે. પછી આખો રવિવાર સુગરીઓ ને આ બંને સાથે ને સાથે. સુગરીઓ ના બચ્ચા ને પાંખો આવી ને એ ઊડી ગયાં પણ સુગરીઓ તો જાણે અહીં જ રહેવાનું નક્કી કર્યું હોય તેમ કયાંય ગઈ નહીં.
___________
આવાં જ એક રવિવારે કુઊઊઊ સંભળાયું…
“કુંજન.. કુઊઊઊ સંભળાયું ને! હમણાં માનવ અને શ્રેય આવતાં જ હશે”
“હા.. પણ પીહુ! આ બહારના દરવાજેથી અવાજ કેમ આવે છે?”
“જોઈ લઉં…. અરે કુંજન જલદીથી માળામાં છુપાઈ જા. આ તો કોઈ બીજું જ આવી રહ્યું છે. કોઈ મોટાં મોટાં માણસો છે”
કુંજન અને પીહુ માળામાં છુપાઈ ગયા. શ્રેય અને માનવ વાડામાં પહોંચ્યા તે પહેલાં જ શ્રેય તેના પપ્પા અને તેની સાથે બે ત્રણ માણસો ને વાડામાંથી પાછાં જતાં જોઈ રહ્યો.
બંને ઝાડ પર ચડ્યાં. પણ બંને સુગરીઓ ને ન જોઈ.
“પીહુ”
“કુંજન”
બંને સુગરીઓ ધ્રુજતી ધ્રુજતી બહાર આવી.
“શું થયું પીહુ? શું થયું કુંજન?”
“આમ ડરો છો કેમ? અરે એ તો પપ્પા હતાં. ચાલ્યાં ગયા. જુઓ આ દાણા મુકીએ છીએ .બંને ખાઈ લેજો.”
“તમને બંનેને તો કેમ સમજાવું પણ આજે બહાર જવાની છુટછાટ મળી છે તો મારે અને શ્રેય ને મમ્મી પપ્પા જોડે બહાર જવાનું છે. પણ અમારે તો રજા જ છે તો કાલે આખો દિવસ સાથે રમીશું.”
“ચિંતા ન કરો. અહીં કોઈ નહીં આવે. આ વાડો ઘરની અંદર છે એટલે બિન્ધાસ્ત રહો.”
માનવ અને શ્રેય બંનેને ગાડીમાં બેસી બહાર જતા જોઈ સુગરીઓ રાડારાડ કરવા લાગી.
“કુંજન…! આપણે આટલું કહ્યું તો પણ આ બંને કેમ સમજ્યાં નહીં?”
“પીહુ.. આ જ આપણી લાચારી છે કે આપણે મનુષ્ય ની ભાષા સમજીએ છીએ પણ મનુષ્ય આપણી ભાષા નથી સમજી શકતા”
“કુંજન, હવે કેમ સમજાવીશુ આ બંનેને કે શ્રેય ના પપ્પા ગુલમહોર નું ઝાડ કાપવાની વાત કરી રહ્યા હતા”
“પીહુ… મને લાગે છે આ મનુષ્ય કયારેય આપણી વાત નહીં સમજે”
“હા કુંજન.. હું કાલે જ કહેતી હતી ને કે આ માણસજાત…!”
“હા પીહુ.. કયારેક ચાઈનીઝ દોરીથી વિંધી નાખે. કયારેક હોળીની ઝાળમા આપણાં માળામાં ભુંજાઈ જાય”
“કયારેક સ્પીકરના અવાજોથી બચ્ચાઓ બી જાય અને આ મોબાઈલ ના રેડીએશન થી તો આપણાં કેટલાંય પંખીઓ ની આખી જાત જ નાશ પામવા તરફ છે”
“આપણે માળો બાંધવા કેટલીયે મહેનત કરીએ અને આ લોકો દિવાળી માં સફાઈ ના નામે આપણો જ સફાયો બોલાવી દે છે.”
“લગ્ન અને અન્ય સમારોહમાં કાન ફાડી નાખે એવા અવાજે ગીત વગાડીને આપણને આખી રાત ડરાવે છે.”
“પીહુ! આપણે કયાં કશું વધું માગીએ છીએ? બસ આપણાં જ ઘરમાં આપણને શાંતિથી રહેવા દે. વૃક્ષો કાપીને આપણું રહેઠાણ ન છીનવે”
“આ મનુષ્ય જાત કયારેય નહીં સમજે કે ઈશ્વરે આ ધરતી ફક્ત એનાં માટે નથી બનાવી. બીજા જીવોને પણ રહેવાનો આ પૃથ્વી પર એટલો જ અધિકાર છે.”
“હા પીહુ. અને આપણે આ મનુષ્ય ને ગમી જઈએ તો પણ તકલીફ..એના આપણને પસંદ કરવાના કારણો ને પરિણામ બંનેમાં આપણો જ ભોગ! કાં તો પીંજરામાં નાખી દે અને કાં તો ભઠ્ઠા માં”
“કુંજન આ માનવ અને શ્રેય પણ મોટા થઈને કયાંક…”
“ના પીહુ! એવુ નહીં બોલ એ ખરેખર આપણાં સારા જ નહીં સાચા મિત્રો છે.. એ સચ્ચાઈ નો જ સાથ આપશે”
“હા કુંજન! ઈશ્વર આ બધું નહીં જોતાં હોય? શું આપણી સાથે ન્યાય નહીં થાય?”
“પીહુ! ચાલ કાલે આપણે પણ લડી લઈએ… મનુષ્ય સરહદ અને સંપત્તિ માટે લડે છે આપણે આપણાં આશિયાના માટે લડીને કાં તો આઝાદ થઈ જઈએ અને કાં તો શહીદ! હા પીહુ! કાલે આપણી ભાષા જો માનવ અને શ્રેય સમજી શકે તો હું આઝાદ અને ન સમજી શકે તો હું શહીદ.”
“એટલે?”
“ જો માનવ અને શ્રેય આપણી ભાષા સમજી જશે તો મને કોઈ પણ રીતે બચાવી લેશે અથવા પ્રયત્ન તો કરશે જ તો હું આઝાદ અને જો નહીં સમજે અને ઝાડ કપાઈ જશે તો પણ હું ઊડીશ નહીં. હું ઝાડ સાથે જ…”
“એવું નહીં બોલ કુંજન!”
“હા પીહુ. માનવ અને શ્રેય એ આપણો હમેશાં સાથ આપ્યો છે. હું આ વૄક્ષ છોડીને હવે કયાંય જઈ શકું એમ નથી. જો આ વૃક્ષ કપાઈ જાય તો શ્રેયને ઓછું ન આવે એ જોજો. તારાં અને માનવ ના ગુલમહોર પર એને પણ એટલો જ હક આપજો”
“આ તારું ને મારું ને એ શું બોલે છે કુંજન? મનુષ્ય ની ભાષા બોલે છે કે શું? જો હું તને મારાં માળામાં બોલાવી લઉં તો એક જ મિનિટ થશે. પણ એમ કરીશું તો આ વૃક્ષ નું શું? આપણે મનુષ્ય ની જેમ ફક્ત આપણો સ્વાર્થ જ નથી જોવાનો. એટલે હું પણ કાલ સવારથી તારાં માળામાં જ આવી જઈશ. જીવવું તો પણ સાથે ને શહીદ થશું તો પણ સાથે”
કુંજન ઊડીને પીહુની પાસે આવી ગઈ અને બંને પાંખો વડે ભેટી પડી. બંનેની આંખમા સંતોષના આંસુ હતાં”
બીજે દિવસે સવારે પીહુ અને કુંજને કલબલાટ કરી મુક્યો.
શ્રેય અને માનવ વિચારી રહ્યાં “આજે તો સોમવાર છે.. પીહુ અને કુંજન તો દાણા લેવા નીકળી ગયા હોય અત્યારે! આ કલબલાટ કેમ કરે છે?”
બંનેની બારીમાંથી એકસાથે અવાજ આવ્યો “કુઊઊઊ… કુઊઊઊ..”
શ્રેય વાડામાં આવતાં જ દંગ રહી ગયો. માનવ પણ ઝાડ ઊપર ચડ્યો કે કુહાડી સાથે ત્રણ ચાર માણસો ને જોઈને ચીસ પાડી ઊઠ્યો.
બંનેને આમ હાંફળા ફાંફળા થતાં જોઈને શ્રેય ના પપ્પા એ હસીને પુછ્યુ
“શું છે શ્રેય? માનવ? .. અરે તમારે આ વૃક્ષ સાથે એક સેલ્ફિ લેવી હશે હે ને! અરે એમાં શું ચલ માનવ તું પણ આવી જા! તને તો કાંઈ સારું ઝાડ પર ચડતાં આવડી ગયું છે હે! ચલો તમે બંને આવી જાઓ પછી ઝાડ કાપીએ. કાંઈ ઊતાવળ નથી. આજે રજા જ લીધી છે મેં”
શ્રેય ના પિતા હજું કાંઈ બોલે એ પહેલાં જ શ્રેય ઝાડ પર ચડી ગયો. અને માનવ પણ એક છલાંગ લગાવી શ્રેય ના ગુલમહોર પર આવી ગયો.
“પીહુ,કુંજન ચિંતા ન કરો અમે સમજી ગયાં કે કાલે અને આજે તમે કલબલાટ કેમ કરી રહ્યા હતા!”
“હા! હવે ડરતાં નહીં.. અમે છીએ ને!”
શ્રેય અને માનવ એ એક ઈશારો કર્યો ત્યાં જ પીહુ અને કુંજન તેનાં હાથ પર આવીને બેસી ગઈ. શ્રેય ના પપ્પા તાળીઓ વગાડીને બંનેને વધાવવા લાગ્યાં.
“વાહ! તમે તો મોગલી ને ટાર્ઝન ની જેમ ચકલીઓની ભાષા પણ સમજો છો હે! સારું થયું તમે આ બંને ચકલીઓને બહાર કાઢી લીધી. મને ન હતી ખબર કે તેનાં માળા છે અહીં…. સારું ચલો હવે નીચે આવો એટલે પછી ઝાડ કાપીએ..”
“ના પપ્પા! આ ઝાડ નહીં કાપતાં. આ ઝાડ અમે બંનેએ એક જ દિવસે વાલેવું છે. અહીં આ પીહુ ને કુંજન….”
શ્રેય હજુ તો કાંઈ વાત કરે એ પહેલાં જ શ્રેય ના પપ્પા એ માનવના પપ્પા ને ફોન કર્યો અને તેને પણ બોલાવી લીધાં. માનવે પણ તેના પપ્પા ને સમજાવવા પ્રયત્ન કર્યો કે અંકલ ઝાડ ન કાપે પણ ત્યાં જ શ્રેય ના પપ્પા તાડુકી ઊઠ્યા
“શું ઝાડ ઝાડ કરો છો? અમને પુછ્યુ હતું આ ઝાડ વાવ્યા પહેલાં? અરે મૂળ ઊંડા જશે તો દિવાલ તુટી જશે”
“તો સારું ને અંકલ! મારે ને શ્રેય ને ઝાડ પર ચડવું નહીં પડે.”
ત્યાં જ માનવના પપ્પા પણ માનવને નીચે ઊતરવા નો ઈશારો કરીને બોલ્યાં
“અરે આ લોકોની સ્કુલ શરું થઈ જાય તો સારું હવે! નવરાં બેઠાં નખ્ખોદ વાળશે બંને. અરે આ પાણીનાં ટાંકા પણ તુટી જશે કોઈક દિવસ. અને આ ચકલીઓને પાંખો આપી છે એટલે એ તો ઊડી જશે પણ તમે હેઠા પડશો તો હાંડકા ખોખરા થઈ જશે. નીચે આવો બંને…. અને ભાઈ હું પણ એ જ વિચારતો હતો કે આ ઝાડનુ કાંઈક કરવું પડશે. તો ભેગાભેગ આ ગુલમહોર ને પણ કાપી જ નાખો. આ વાંદરાઓ કયારેક અમે નહીં હોઈએ ત્યારે ચડીશુ તો હાંડકા ભાંગશે”
“યોગ્ય સમયે વિચારી લીધું ભાઈ! હું તમને એ જ કહેવાનો હતો”
“ચાલો બંને નીચે ઊતરો નહીં તો અમારે સીડી મંગાવી ને તમને ઉતારવા પડશે”
શ્રેય અને માનવ એકબીજા સામું જોઈ રહ્યા. તેને ખબર હતી કે આજે પપ્પા આગળ આપણું નહીં ચાલે.
તેઓએ શાંતિથી કહ્યું “પીહુ, કુંજન તમે ચિંતા ન કરતાં. અમે આજે જ કયાંક થી માળાની વ્યવસ્થા કરીશું . અને બાકી અમારું ઘર તો છે જ. ઝાડ ને નહીં બચાવી શકીએ પણ તમને તો બચાવીશુ જ. ચાલો અમારી સાથે જ”
પીહુ અને કુંજન એકબીજાની આંખો માં જોઈ રહી. આ બંનેનો પ્રેમ જોઈ અત્યારે તેની સાથે જ તેના હાથ પર બેસીને નીચે ઊતરી જઈએ..
ચારેય મિત્રો સાથે નીચે આવ્યાં
શ્રેય અને માનવ ના પપ્પા બોલી ઊઠ્યાં
“વાહ્! હવે તો ચિંતા નથી ને તમારી ચકલીઓ સેફ છે. ચાલો એક ફોટો પાડી દઊં તમારા ચારેયનો.. સ્ટેટસ માં ને ફેસબુક માં 1000 લાઈક થવાની જોજો…”
વૃક્ષ કાપવાની શરૂઆત થઈ. શ્રેય અને માનવ ના પપ્પા તેઓને પોતાનું ધ્યાન રાખવાનું કહી ચા પીવા અંદર ગયાં અને મજુરોને કહેતાં ગયા ”ઝાડ કપાઈ જાય એટલે બધું સાફ કરીને પછી જજૉ”
શ્રેયના ગુલમહોર ને પહેલા કાપવાનું શરું થયું. કુહાડી ના ઘા પર ઘા પડતાં ગયાં. હવે જે ડાળી પર કુંજન નો માળો હતો ત્યાં પહેલી કુહાડી પડી. ડાળી મજબુત હતી. થોડાં ઘા પછી પીહુ અને કુંજન ને ખ્યાલ આવી ગયૉ કે આ ઘા છેલ્લો હશે. તેણે પોતાની ભાષામાં થોડો કલબલાટ કર્યો. શ્રેય અને માનવ વિચારવા લાગ્યા કે શું વાતો કરતી હશે આ બંને? કદાચ છેલ્લી વાર પોતાના માળા ને જોઈ લેવાની ઈચ્છા થતી હશે બંનેને.
શ્રેય અને માનવ એકબીજા સામે જોયું ત્યાં જ ફફડાટ થયો અને સુગરીઓ માળામાં લપાઈ ગઈ. અને એક છેલ્લા ઘા એ ડાળી ધડામ દઈને નીચે પડી. એક અંતિમ આક્રંદ કાને પડયું. શ્રેય અને માનવ દોડીને ડાળ પાસે પહોંચી ગયાં. બે ચોંટેલી પાંખો સિવાય કશું જ જોવાની હિંમત ન કરી શક્યા બંને. છતાં પણ કોઈ આવે તે પહેલાં પોતાની આ જીગરજાન મિત્રો ને બહાર કાઢી અગ્નિ સંસ્કાર કરવાની હિંમત કરી. અને એ રાખ ને એના પરબ માટે મુકેલા કુંડા માં સાચવીને વાડામાં જ એ કુંડાને દાટી દીધું .
સાંજે બંને મિત્રો પોતપોતાની બારીમાંથી એકબીજાને જોઈ રહ્યા.
બંનેની આંખોમાં આંસુ હતાં. અને અંદરથી આવાજ આવતો હતો.
“વાહ્! એક જ કલાકમાં 100 લાઈક… વોટ્ અ ફોટો.. ચલો માનવના પપ્પા ને પણ મોકલું. પહેલાં કાંઈક મસ્ત લખી નાખું.
“ અમારો જેવો જ પ્રકૃતિ પ્રેમ… વારસદારોમાં પણ.. Save Environment and Environment save us… ”
________
માનવ અને શ્રેય આજે 15 વર્ષ પછી ફરી મળ્યા. નકકી કર્યું હતું તેમ બંને એક જ શહેરમાં રહેશે અને નજીકમાં જ ઘર લેશે. અને ત્યાં જ મળશે. આજે બંનેએ નજીકમાં જ ઘર લીધાં હતાં. બંનેના ઘર પાછળ એક મોટો વાડો હતો. વચ્ચે કોઈ દિવાલ ન હતી. બરાબર બંનેના વાડાની વચ્ચે એક ખાડો ખોદ્યો અને બંનેએ આવાજ કર્યો
“પીહુ”
“કુંજન “
અને બંને ઘરમાંથી ઝાંઝરી નો અવાજ બહાર આવ્યો અને પીહુ અને કુંજન તેનાં પપ્પા ના ગળે વીંટળાઈ ગઈ. શ્રેયની અર્ધાગીની ના હાથમાં એક કુંડુ હતું… પીહુ અને કુંજને પોતાના નાના નાના હાથથી ગુલમહોર ના એ છોડને ખાડામાં આરોપ્યો. શ્રેય અને માનવે કુંડા માંથી રાખને એ ગુલમહોર ના મૂળ માં નાંખી અને બંનેની અર્ધાગીની ઓ એ માટી અને પાણી નાખ્યાં.
બીજા દિવસે રવિવાર હતો અને બંનેની બારીમાંથી એકસાથે અવાજ આવ્યો
“કુઊઊઊ… કુઊઊઊ”
🦚🦚🦚🦚🦚🦚🦚🦚