દિપક ચિટણી (dchitnis3@gmail.com)
----------------------------------------------------------------------------------------------------
મનુષ્યની બધી ઈન્દ્રિયોમાં જીવનનું મહત્વ વિશેષ છે. કાન, હાથ, પગ આદિ બે બે ઈન્દ્રિયો છે ને કાર્ય તે એક જ કરે છે. એક સાંભળવાનું કામ કરવા માટે બે કાન, એક શ્વાસ લેવાનું કાર્ય કરવા માટે બે નસકોરાં, ચાલવાના એક કાર્ય પણ માટે બે પગ, જોવાના કામ માટે બે આંખ. પણ બોલવાનું અને સ્વાદ ચાખવાનું એમ બે કામ માટે એકલી જીભની નિમણૂક પરમાત્મા દ્વારા કરવામાં આવી છે. શરીરના અનેક અંગોમાં શ્રેષ્ઠ અંગ પણ જીભ અને કનિષ્ઠ અંગ પણ જીભ કારણ કે તેનામાં સર્જન અને વિનાશ બંનેની શક્તિ છે.
ઘણી ખરી ઈન્દ્રિયો પર આપણો કાબુ નથી. આપણી ઇચ્છા વિરુદ્ધ પણ પરસંસ્કારની અસર એના પર થયા વગર રહેતી નથી. કોઈ આપણને ગાળ દેતું હોય અને તે સાંભળવી આપણને કુદરતી રીતે જ ન રૂચતી હોય, તો પણ આપણા પોતાના કાન એ ગાળ-અપશબ્દ આપણા મગજ સુધી પહોંચાડ્યા વિના નહીં રહે. ન જોવા જેવું આંખ અને એક વાર જોવે છે ને માથું ફેરવી નાખે એવી દુર્ગંધ નાસિકા મગજને પહોંચાડે છે. પરંતુ જીભની ઉપર તો મનુષ્યની પૂરેપૂરી સત્તા પ્રવર્તે છે. એની ઇચ્છા હોય તો જ બોલવાનું કે સ્વાદ આપવાનું કાર્ય જીભ કરી શકે, અન્યથા નહિ.
બોલવાનું ને ખાવાનું, દુનિયામાં બે મોટામાં મોટા કાર્ય એક નાનકડી જીભ બજાવે છે. જેમ કેટલી કુલવધૂઓ આખા ઘરનો ભાર ચલાવે છે છતાં ઘર બહારના ને તેના દર્શન પણ થઈ શકતા નથી. એમ જીવનમાં બે સૌથી મુખ્ય કાર્યો કરતી હોવા છતાં જીભ મોટાભાગે અદ્રશ્ય રહે છે.
સ્નિગ્ધ, સુકોમળ, નાની નાજુકને નમણી એવી જીભ અનેક રીતે સ્ત્રીના સરખી છે. આપણે એની પાસે સૌથી વધારે કામ લઈએ છીએ તેમ છતાં બને ત્યાં સુધી એને ઓઝલ-પડદામાં રાખીએ છીએ. રસોઈ બનાવીને સ્ત્રી આપણી સ્વાદવૃત્તિને પોષે છે અને સુંદર ઘરેણાં-લુગડાં પહેરી આપણી અભિમાનવૃતિને પોષે છે. તેવી જ રીતે જીભ આપણી સ્વાદવૃત્તિને સંતોષે છે. ને સરસ શબ્દો વડે આપણા વખાણ કરી અભિમાનવૃત્તિને ઉત્તેજે છે. સ્ત્રીને પેઠે જીભ પણ ઘાયલ કરે છે અને ઘા રૂઝાવે પણ છે. કોઈનું અપમાન કરી તેને ઘાયલ કરનારી જીભ પાછળથી જરૂર પડે તેના વખાણ કરી પોતે પાડેલા ઘાને રૂઝાવી શકે છે. પુરુષના પાપોનું પ્રાયશ્ચિત કેટલીક વાર સ્ત્રીને કરવું પડે છે. તેમ પેટ આદિના રોગોના ભોગ જીભને બનવું પડે છે. પેટમાં અપચો થતાં જીભ પર ચાંદી પડે છે. પેટની વાત જીભ તરત જ બહાર કહી દે છે. અબળા વર્ગ તરફથી ઘણી વાર ગૃહના છિદ્રો બહારનાને જાણવાના મળે છે. તે જ પ્રમાણે દેહના રોગોના નિદાન માટે તજજ્ઞો જીભ પર ઘણો આધાર રાખે છે.
પરંતુ જીભ માત્ર શરીરના વ્યાધિઓને જણાવતી નથી. એ મનુષ્યના ગામ, જાતિ આદિની પણ માહિતી વગર પૂછયે આપે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર, એ ભેદો પણ કદાચ જીભને આધારે કરવામાં આવ્યા હશે. જૈની જીભ સહેલાઇથી નહીં જેવા કારણે, ભયંકર શાપ આપી શકે તે બ્રહ્મર્ષિ, જેની જીભ વેદ મંત્રોના પાઠો કરી કસરત કરે અને સોમરસનું આસ્વાદન કરે તે બ્રાહ્મણ, જેની જીભ વીરરસની વાતો કરે ને કસુંબાપાણીમાં રાચી રહે તે ક્ષત્રિય; પૈસાની વાત સાંભળી જેની જીભ ભીંજાઈ જાય તે વૈશ્ય : જેની જીભ ઘણુંખરું મૌન સેવે- અને ઈતર વર્ણના હુકમ સાંભળી ‘ હા, મા બાપ !’ કહે તે શુદ્ર .
જીભ આમ માણસના જાતિકુળ જ નથી જણાવી દેતી, પરંતુ એ કયા શહેર કે કયા ગામનો છે તે પણ એ કહી દે છે.
બીજા પ્રાણીઓ કરતા મનુષ્યનું વિશિસ્ટ તત્વ એની જીભ ને લીધે જ છે. અન્ય પ્રાણીઓ કરતાં મનુષ્યોમાં બુદ્ધિ વધારે હોય છે. એ વાત મનુષ્ય અને પ્રાણી બંનેના પરિચયમાં આવનાર કોઈથી પણ મનાય એવી નથી. મનુષ્ય કરતા આંખની બાબતમાં બિલાડી, હાથની બાબતમાં ગોરીલા, નાકની બાબતમાં કુતરો, પેટની બાબતમાં વરૂ અને પગની બાબતમાં ગધેડો વગેરે બળવાન હોય છે. એ જાણીતું છે. તેમાં તો બીજા જાનવરોની માફક એને સીંગડા અને પૂંછડી પણ હોતા નથી. એ પરથી સમજાય છે કે, મનુષ્ય કરતાં, જીભ સિવાયની બીજી ઇન્દ્રિયોના વિષયમાં અન્ય પ્રાણીઓ વધારે નસીબદાર છે. મનુષ્યનો ખરેખરો વિકાસ જીભના વિષયમાં થયો છે.
જગતમાં જે કંઇ થાય છે- સારું-નરસું, આનંદ કંકાસ, આત્મશ્ર્લાઘા, ખુશામદ, વિવાહ ને વરસી, માંદગી ને તંદુરસ્તી તે સર્વ માટે મોટે ભાગે જીભને લઈને જ થાય છે. સિદ્ધાંત તરીકે જીભ પર અંકુશ રાખવાની શક્તિ મનુષ્યમાં છે. પણ ખરી રીતે જોતા જીભની સત્તા હેઠળ એ દબાઈ જાય છે. સમાજ ધર્મ અને કાયદાની રૂએ પુરુષ સ્ત્રીનો સ્વામી છે, પણ વસ્તુત: સ્ત્રીનો ગુલામ હોય તેમ વર્તે છે. એ જ રીતે જીભના તાબામાં રહે છે. એની તંદુરસ્તી, એની નીતિ, એનો વિવેક, એનો ધર્મ એનું આખું જીવન એની જીભને આધારે જ વિકસે છે કે વણસે છે. મનુષ્ય એટલે જ જીભ.
પ્રતિકૂળ સંજોગોમાં પણ આનદથી શી રીતે કર્તવ્ય બજાવ્યા જવાય, એ જીભ આપણને શીખવે છે. આગળ બત્રીશ ભૈયા જેવા મજબૂત દાંત, પાછળ ગળાની ઊંડી ખાઈ, અનેક પ્રકારના ટાઢા-ઉના, તીખા-ખારા પદાર્થોનો સતત મારો, સૂર્યનો જરાય પ્રકાશ ન આવે એવી સાંકડી અંધારી જગામાં ભરાઈ રહેવાનું ; આવી અનેક પ્રતિકૂળતાઓ છતાં, જીભ આનદથી નિર્ભયપણે પોતાનું કાર્ય કરી જાય છે.
ચંચળતા એ જીભની ખાસિયત છે. આંખ તેના ખાડામાંથી ક્યારેય બહાર નીકળતી નથી. નાક બિચારું હંમેશા સ્થિર રહે છે. કાન અને દાંતને પણ ત્યાંના ત્યાં જ ચોટેલા રહેવાનું. પરંતુ જીભ ગમે ત્યાં હરીફરી શકે, લાંબી ટૂંકી થઈ શકે, બખોલમાંથી બહાર આવી શકે, વળી મુખના સૌંદર્યનો આધાર પણ ઘણો જીભ પર અવલંબિત છે. જીભ બહાર નીકળેલી હોય તો ચહેરો રૌદ્ર લાગે અને અંદર હોય તો સૌમ્ય લાગે.
આરોગ્ય અને આયુષ્યની બાબતમાં જીભ ઘણી જ પુણ્યશાળી છે વૃદ્ધાવસ્થામાં દરેક ઇન્દ્રિયો નબળી પડે છે. આંખે ઝાંખપ આવે છે. કાને બહેરાશ, દાંત ઢીલા પડે, હાથ-પગ ધ્રુજે પરંતુ જીભની શક્તિ હણાતી નથી. ઉમર સાથે કદાચ બોલવાના અને ખાવાના ચટાકા વધે છે. વળી મેડિકલ સાયન્સ એ ઘણી પ્રગતિ સાધી છે. આંખો, કિડની, દાંત બદલી શકાય છે. નાક અને કાનની પણ પ્લાસ્ટિક સર્જરી કરી શકાય છે. પરંતુ જીભ જીવનના અંત સુધી ઓરીજનલ જ હોય છે. જીભની આ અસલિયત તેને સર્વ અવયવોમાં ગૌરવભર્યું સ્થાન અપાવે છે. જેથી યોગ્ય ઉપયોગ દ્વારા તેનું ગૌરવ જાળવી રાખવાની જવાબદારી આપણા સૌની છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે જીભ સખણી રહેતી જ નથી એટલે જ તો કદાચ જીભના સ્પેશ્યાલીસ્ટ ડોક્ટર જોવા મળતા નથી. કેમકે ખોટો અપજશ કોણ પોતાના શિરે લે? જીભનું રીપેરીંગ શક્ય જ નથી અને જો કરવું હોય તો વ્યક્તિ પોતે જ કરી શકે અન્ય તેમાં કંઈ ખાસ મદદરૂપ થઈ શકે નહીં. ઘણી વાર તો બીજી ઇન્દ્રિયોની શક્તિ એનામાં ભેગી થતી હોય એમ લાગે છે.
-----------------------------------------------------------------------------------------------------------------------