sundari chapter 74 in Gujarati Fiction Stories by Siddharth Chhaya books and stories PDF | સુંદરી - પ્રકરણ ૭૪

Featured Books
Categories
Share

સુંદરી - પ્રકરણ ૭૪

ચુંમોતેર

“એટલે હવે તમે મિડિયાની હેલ્પથી મારા પર દબાણ લાવવા માંગો છો એમને!” ગુસ્સામાં લાલ લાલ થઇ ગયેલી સુંદરીએ પોતાની મુઠ્ઠી ટેબલ પર પછાડી અને ઉભી થઇ ગઈ.

“અરે! ના, મને તો ખબર જ નથી કે આ લોકો અહીં અચાનક કેવી રીતે આવી ગયા.” સુંદરીને ઉભી થયેલી જોતાં વરુણ પણ પોતાની જગ્યાએથી ઉભો થઇ ગયો.

“તમને તો કશી ખબર જ નથી હોતી વરુણ અને બધું એનીમેળે જ થઇ જતું હોય છે. બગીચામાં તમે જે કર્યું એ તમારાથી અચાનક જ બોલાઈ ગયું, શ્યામલભાઈ મારા ભાઈ છે એ પણ તમને ખબર ન હતી તો પણ એ તમને અચાનક જ મળી ગયા અને હવે આ... યુ આર ટુ મચ વરુણ. હવે ફરીથી ક્યારેય મારી સામે ન આવતા નહીં તો તમારું મજબુરીમાં જે આટલું માન સાચવું છું એ પણ નહીં સાચવું.” સુંદરીએ લાલ આંખે વરુણ સામે તીખી નજર કરીને કહ્યું અને પેલા પત્રકાર અને કેમેરામેન નજીકથી પસાર થઇ ને બહાર તરફ ચાલવા લાગી.

“અરે પણ! સાંભળો તો ખરાં?” વરુણ પણ સુંદરીની પાછળ પાછળ દોરવાયો.

“લાગે છે કે આ બંને પ્રેમીપંખીડાઓ વચ્ચે કોઈ બાબતે અનબન થઇ છે. આપણે જાણીએ છીએ કે પ્રેમીઓ વચ્ચે આમ થવું સામાન્ય છે. અને...” પેલો ટીવી પત્રકાર અસ્ખલિતપણે બોલી રહ્યો હતો.

“અરે મારા ભાઈ, તું ચૂપ થા, એવું કશું નથી અમારી વચ્ચે, શું કરવા મારી લાઈફનો કચરો કરવા આવી ગયો તું અહિયાં?” આટલું કહીને વરુણે પેલા પત્રકારના મોઢાં પર પોતાના બંને હાથ મૂકી દીધા અને એને ચૂપ કરાવવાનો પ્રયાસ કર્યો.

પેલા પત્રકારે વરુણના બંને હાથ પોતાના હાથ દ્વારા જોરથી દૂર કર્યા.

“તમે જોઈ શકો છો કે નવી નવી પોપ્યુલારીટી મેળવનાર ક્રિકેટર વરુણ ભટ્ટ નાનકડી સફળતાના અભિમાનમાં આવીને એક પત્રકાર પર હુમલો કરી રહ્યા છે. પરંતુ પત્રકારનું કામ સત્ય બહાર લાવવાનું હોય છે અને અમે વરુણ ભટ્ટ અને તેની ગર્લફ્રેન્ડ વિષેનું સત્ય બહાર લાવીને જ રહીશું.” પત્રકાર એની આદત અનુસાર બોલી પડ્યો.

“મારા બાપ ચૂપ થા!” વરુણે પત્રકાર સમક્ષ બે હાથ જોડ્યા.

પરંતુ અચાનક જ વરુણને યાદ આવ્યું કે સુંદરી તેનાથી ગુસ્સે થઈને રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળી ગઈ છે, એટલે પત્રકાર પાસે સમય ન બગાડતાં તે પણ દરવાજા તરફ દોડ્યો. વરુણની પાછળ પાછળ પેલો પત્રકાર અને તેનો કેમેરામેન પણ દોડ્યાં. વરુણ જેવો બહાર આવ્યો કે તેણે જોયું કે બહાર તેને જોવા માટે ભારે ભીડ ભેગી થઇ ગઈ છે અને સુંદરી પણ આ ભીડમાંથી બહાર નીકળવાના નિષ્ફળ પ્રયાસો કરી રહી છે.

“એક મિનીટ પ્લીઝ... આમને જવા દેશો? પ્લીઝ?” વરુણ દોડીને ભીડ પાસે પહોંચ્યો અને આગળ ઉભેલા કેટલાક વ્યક્તિઓને તેને વિનંતી કરી.

વરુણની વિનંતીને દેકારો કરીને ચિયર કરતાં ભીડે સુંદરી અને વરુણને રસ્તો કરી આપ્યો. સુંદરી વરુણની સામે જોયા વગર જ થોડે દૂર તેણે પાર્ક કરેલા પોતાના હોન્ડા પાસે ઝડપથી ચાલીને પહોંચી ગઈ. ડિકીમાંથી હેલ્મેટ કાઢીને પહેરી, હાથમોજાં પહેર્યા અને છેવટે ગોગલ્સ પહેરતી વખતે તેણે ફરીથી ગુસ્સા સાથે વરુણ સામે જોયું ત્યારે તેની લાલ અને ભીની આંખો જોઇને વરુણને ખ્યાલ આવ્યો કે સુંદરી રડી રહી છે. સુંદરીએ તરતજ ગોગલ્સ પહેરીને પોતાના આંસુ છુપાવવાનો પ્રયાસ કર્યો અને પછી સેલ્ફસ્ટાર્ટ બટન દબાવીને હોન્ડા ચાલુ કર્યું અને તેને ચલાવી મુક્યું.

સુંદરીના આંસુ જોઇને વરુણના હ્રદય પરનો ભાર અચાનક વધી ગયો. તેના ગળામાં પણ ધીમેધીમે ડૂમો બાઝવા લાગ્યો. તેની આંખમાં ગમે તે સેકન્ડે આંસુ ધસી આવશે તેવું તેને લાગતાં તેણે પણ ખિસ્સામાંથી પોતાના ગોગલ્સ બહાર કાઢ્યા અને તેને પોતાની આંખે ચડાવી દીધાં. પેલી ભીડે હવે વરુણને પણ ઘેરવાનું શરુ કરી દીધું હતું અને મોટાભાગના લોકો તેની પાસે સેલ્ફી કે પછી ઓટોગ્રાફની માંગણી કરી રહ્યાં હતાં, પરંતુ વરુણને એક દિશામાં થોડી જગ્યા દેખાઈ એટલે વરુણ એ જગ્યામાંથી ઝડપથી પસાર થઈને નજીકમાં પાર્ક કરેલી પોતાની કારમાં બેસી ગયો અને બીજીજ સેકન્ડે કાર સ્ટાર્ટ કરીને તેને ઝડપથી દોડાવી મૂકી.

લગભગ પંદરથી વીસ મિનીટના ડ્રાઈવ બાદ વરુણને લાગ્યું કે તે કોઈ એવા વિસ્તારમાં આવી ગયો છે જ્યાં ટ્રાફિક બિલકુલ નહીવત છે, આથી વરુણે પોતાની કાર એક તરફ કરી અને તેના સ્ટીયરીંગ પર માથું મુકીને રડવાનું શરુ કર્યું.

“મેં કશું ખોટું નથી કર્યું સુંદરી... મેં કશું ખોટું નથી કર્યું... આઈ લવ યુ... લવ યુ સો મચ... હું વિચારી પણ ન શકું કે હું તમને કોઈ તકલીફ આપું... ઓ સુંદરી... મારી સુંદરી...” જોરજોરથી રડતાં રડતાં વરુણ બોલવા લાગ્યો.

તો બીજી તરફ સુંદરીની હાલત પણ અલગ ન હતી. તેણે રેસ્ટોરન્ટથી પોતાના ઘરનો રસ્તો મોટેભાગે રડવામાં જ કાઢ્યો, પરંતુ પોતે જાહેર વિસ્તારમાં હોવાનો ખ્યાલ હોવાથી તેણે પોતાના રુદન પર કન્ટ્રોલ કર્યો અને જેવી તે ઘરે પહોંચી કે પોતાના હોન્ડાને તેના નિયત સ્થાને પાર્ક કરવાને બદલે કોઈ એક જગ્યાએ પાર્ક કર્યું અને પ્રમોદરાય લિવિંગરૂમમાં બેઠાં હોવાથી મુખ્ય દરવાજો ખુલ્લો હતો, એટલે તેનો લાભ લેતાં સુંદરી કશું પણ બોલ્યા વગર દોડીને રૂમને પસાર કરીને અને ઝડપથી પગથીયાં ચડી જઈને પોતાના રૂમમાં જતી રહી. રૂમનું બારણું અંદરથી લોક કરીને સુંદરીએ પોતાનું શરીર બેડ પર આપોઆપ પડવા દીધું અને ઉંધી પડીને અઢળક રડવા લાગી.

==::==

“આ બધું શું ચાલી રહ્યું છે વરુણ?” હર્ષદભાઈએ વરુણના રૂમમાં પ્રવેશ કરવાની સાથે જ કહ્યું.

હર્ષદભાઈની પાછળ પાછળ રાગીણીબેન અને ઈશાની પણ વરુણના રૂમમાં આવ્યા.

“આજે બપોરથી જ ચાલે છે, જ્યારથી આ બહાર ગયો હતો ત્યારથી. પહેલાં તો એક જ ચેનલ પર આવતું હતું હવે તો બધીય મંડી પડી છે.” રાગીણીબેને હર્ષદભાઈની વાતને આગળ વધારી.

“જો દીકરા, મેં તારી મમ્મીને અને ઈશાનીને બધીજ વાત કરી દીધી છે, હા તારી મમ્મીને ગમ્યું નહીં કે આ વાત ફક્ત હું જ જાણતો હતો અને એને છેક આજે ખબર પડી, પણ એના કારણો જ્યારે હું તારી મમ્મીને સમજાવી દઈશ ત્યારે એ પણ સમજી જશે એની મને ખાતરી છે, એટલે તું હવે ખુલીને અમને વાત કર. જો અમે તારા માતાપિતા છીએ, ઈશાની પણ હવે કોલેજ જાય છે, મોટી થઇ ગઈ છે. તું બસ બિન્ધાસ્ત થઇ ને આખી વાત કહી દે.” વરુણના ખભે હાથ મુકીને હર્ષદભાઈએ કહ્યું.

હર્ષદભાઈના આટલું કહેવાની સાથેજ વરુણ બેડ પરથી ઉભો થઇ ગયો અને હર્ષદભાઈને વળગી પડ્યો અને ધ્રુસકેને ધ્રુસકે રડવા લાગ્યો. હર્ષદભાઈએ વરુણની પીઠ પર હાથ ફેલાવતાં એને શાંત પાડવાની કોશિશ કરવા લાગ્યા. ભીની આંખે રાગીણીબેન પણ નજીક આવ્યા અને પોતાનાથી ખાસ્સા લાંબા વરુણના માથે હાથ ફેરવવા લાગ્યા. આ જોઇને ઈશાનીની આંખો પણ ભીની થઇ. થોડા સમય બાદ વરુણ સ્વસ્થ થયો, એટલા સમયમાં ઈશાની તેના માટે પાણીનો ગ્લાસ ભરીને આવી હતી એટલે તેણે વરુણ સામે ગ્લાસ ધર્યો.

વરુણના સ્વસ્થ થયા બાદ હર્ષદભાઈ અને રાગીણીબેન બેડ પર બેઠાં જ્યારે વરુણ સ્ટડી ટેબલની ખુરશી પર બેઠો અને ઈશાની તેની બરોબર બાજુમાં આવીને ઉભી રહી ગઈ અને તેણે પોતાના ભાઈનો હાથ મજબૂતીથી પકડી લીધો. વરુણે ઈશાની સામે સ્મિત કરીને ત્રણેયને શરૂઆતથી અંત સુધી તમામ વાત કરવાનું શરુ કર્યું.

“તું કહેતો હોય તો અમે એને મળીએ. એના મમ્મી-પપ્પાને મળીને સમજાવીએ. નહીં તો એનો ફોન નંબર આપ હું એની સાથે વાત કરું? એ તો મને ઓળખે જ છે, તે દિવસે તને બોલ વાગ્યો ત્યારે એજ તો તને લઈને આવી હતી.” રાગીણીબેને બધીજ વાત સાંભળીને વરુણને કહ્યું.

“ના, મમ્મી એનો સમય હજી આવ્યો નથી. બહુ નફરત કરે છે મને અને આજે જે બન્યું એ પછી તો મારે એમની નફરત દૂર કરવા ઘણી મહેનત કરવી પડશે. મારે એ નફરત દૂર કરીને એમના મનમાં મારા પ્રત્યે પ્રેમની સાચી લાગણી ઉભી કરવી પડશે. આ બધામાં ખૂબ વાર લાગશે મમ્મી. બસ તમારા બંનેના આશિર્વાદ જોઇશે. મને એ જ સતત હિંમત આપશે.” વરુણે છેવટે સ્મિત કરીને કહ્યું.

“અમારા આશિર્વાદ તો તારી સાથે હોય જ ને દીકરા? ઠીક છે, તને જે યોગ્ય લાગે તે. પણ આ છોકરી તને નહીં મળે તો તું લગ્ન જ નહીં કરે એવું ન બોલ. અમારાથી એ નહીં જોવાય.” રાગીણીબેનના ગળે ડૂમો બાઝી ગયો.

“મમ્મી, જેની સાથે મનથી ન પરણું એની ઝીંદગી બગાડવા કરતાં હું મારી એકલાની ઝીંદગી શા માટે ન બગાડું? એ આવનારી છોકરીનો શું વાંક? હું હવે આમના પ્રત્યેનો પ્રેમ મારા મનમાંથી ક્યારેય દૂર નહીં કરી શકું. હું બીજી છોકરીમાં આમને જોઇને મારા મનને ચીટ કરવા નથી માંગતો.” વરુણે ગળગળા થઇ ગયેલા રાગીણીબેનનો હાથ પકડીને કહ્યું.

“આ બાબતે હું વરુણ સાથે સહમત છું. પણ આપણે આમ નેગેટિવ શા માટે થઈએ છીએ? સુંદરી આપણા ઘરની વહુ બનશે જ! મને વિશ્વાસ છે મારા દીકરાના પ્રેમ પર.” હર્ષદભાઈએ ઊંચા અવાજે અત્યંત આત્મવિશ્વાસ સાથે કહ્યું.

“અને ભાઈ જો સુંદરીભાભીને મારા ભાભી નહીં બનાવે તો હું એની સાથે ક્યારેય નહીં બોલું.” ઈશાનીએ પણ હસતાં હસતાં કહ્યું.

“તો તો, મારે ફરીથી વિચારવું પડશે. મને આવો લાભ ક્યારેય નહીં મળે, બરોબરને કાગડી?” વરુણે ખુલ્લા દિલે હસીને કહ્યું.

જવાબમાં ઈશાનીએ વરુણના માથે ટપલી મારી અને પછી પ્રેમથી એના બંને ગાલ ખેંચી લીધા.

==::==

“સુંદરી, બે મિનીટ જરા બેસ મારે તારી સાથે વાત કરવી છે.” પ્રમોદરાયે રાત્રે જમ્યા બાદ વાસણ ઘસીને નિત્યક્રમ મુજબ સુંદરી જ્યારે પોતાના રૂમ તરફ જઈ રહી હતી ત્યારે તેને રોકતાં બોલ્યાં.

“મારે શ્યામલભાઈ વિષે આજે કશી જ વાત કરવી નથી પપ્પા. આપણે કાલે વાત કરીએ.” સુંદરીએ પોતાના ડગ રોક્યાં નહીં.

“મારે એ ગામનાં ઉતાર વિષે નહીં, મારે જયરાજ સાથે તારા લગ્ન અંગે વાત કરવી છે.” પ્રમોદરાયે મક્કમ સૂરમાં કહ્યું.

અને સુંદરી જ્યાં ઉભી હતી ત્યાં જ સ્થિર થઇ ગઈ.


==:: પ્રકરણ ૭૪ સમાપ્ત ::==