The mystery of skeleton lake - 9 in Gujarati Fiction Stories by Parthiv Patel books and stories PDF | ધ મિસ્ટ્રી ઓફ સ્કેલેટન લેક (ભાગ - ૯)

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

Categories
Share

ધ મિસ્ટ્રી ઓફ સ્કેલેટન લેક (ભાગ - ૯)

બાબુકાકા અને પેલો કોન્સ્ટેબલ જમીને બેઠા હતા . ઘેર પહોંચી બધા સુવા ચાલ્યા ગયા . પેલા કોન્સ્ટેબલ વારાફરતી જાગતા-સુતા હતા . કોઈ જાતની હિલચાલ દેખાતી નહોતી . તેઓ નિશ્ચિંત થઈને બેઠા હતા .
પેલા બે માણસોનું રાત્રે જીપની તપાસી ચોરી કરવા આવવું કોઈ યોગાનુયોગ હતો કે પછી પેલી કાળી એમ્બેસેડર વાળા બે માણસો સાથે ખરેખર કોઈ સંબંધ હતો ...!!? એ પ્રશ્ન હજી અકબંધ હતો. અને જો કોઈ પણ પણ રીતે સંબંધ સાબિત થાય તો એમનો ઉદ્દેશ્ય શુ હશે ...!? એ એક પ્રશ્ન હતો . જો આ બે ઘટના કોઈ એકબીજા સાથે સંબંધિત હોય તો ખરેખર આગળ કૌક મોટું થવાનું હતું , કોઈ મોટું ષડ્યંત્ર રચાઈ રહ્યું હતું.
સવારે લગભગ ૫:૦૦ વાગ્યે બાબુકાકા તૈયાર થઈને પોતાના કામમાં પરોવાયેલા હતા . ત્યાં ઘરનો ટેલિફોન રણક્યો
" ટ્રીન...ટ્રીન....... ટ્રીન...ટ્રીન... "
" હલ્લો ...."
" મારી વાત ડૉ.રોય સાથે થઈ રહી છે ... !??"
" હુ બાબુલાલ ... ડૉ.રોય ના ત્યાં કામ કરું છુ .... તમે કોણ ....?!"
" હું હેડ કોન્સ્ટેબલ રતનસિંહ બોલુ છુ ....કાલે તમે જ પેલા બે આદમીને જોયેલા ..બરાબર ને ..!!?"
" હા સાહેબ ..પણ થયુ છે શુ ...!??"
" તમે જેમ બને એમ જલ્દી સ્ટેશન પહોંચો , સાથે ઘરમાં એ દિવસ હાજર હતા એ બધા ને પણ. . ...મહિલા અને બાળકને લાવવાની જરૂર નથી "
આમ અચાનક પોલીસ સ્ટેશને કેમ બોલાવ્યા હશે ...!!?બધું ઠીક તો હશે ને ...!? પેલા બે ચોર મળી ગયા હશે કે શુ ...!? આવા પ્રશ્નો બાબુકાકાને ઘેરી વળ્યાં . બીજું કઇ વિચારે એ પેલા ડૉ.રોય નીચે આવ્યા . બાબુકાકાને વિચારમગ્ન જોઈને ટકોરતા કહ્યું .
" કેમ બાબુકાકા આજે સવાર સવાર માં ધ્યાન કરવા બેઠા છો કે ...!!? "
"હમમ્... ના ના સાહેબ પોલીસ સ્ટેશન થી ફોન હતો , બધાને બોલાવ્યા છે . "
બાબુકાકા જલ્દી મહેન્દ્રરાયને ઉઠાડી આવ્યા અને ફોન વિશે માહિતગાર કર્યા. પોલીસના હાથમાં કોઈ સુરાગ મળ્યું હતું , કે જે આખી ઘટનાની કડી સમાન હતું. આ નાનકડી કડી કદાચ આખા ષડયંત્ર નો પર્દાફાશ લાવી દે . ત્રણે જણાં તૈયાર થઈને પોલીસ સ્ટેશન પહોંચી ગયા .વાતાવરણ એકદમ ગંભીર હતું. પી.એસ.આઈ રાઘવકુમાર પેલા હેડ કોન્સ્ટેબલ રતનસિંહ પર ચિલ્લાઇ રહ્યા હતા . એમનો ગુસ્સો સાતમા આસમાને લાગતો હતો . પેલો કોન્સ્ટેબલ બીચારો બનીને મોઢું નીચું કરીને સાંભળી રહ્યો હતો . રાઘવકુમાર એને કહી રહ્યા હતા
" તને ફોન કરવાનું કોને કહ્યું હતું ....!!? તે મને પૂછ્યું કે આગળ શુ કરવું ..!? કે પછી એમને બોલાવું કે નહીં.....?"
" માફ કરજો સાહેબ ...મને લાગ્યું તમે એમજ કહેશો , તેથી મેં સમય બગાડ્યા વગર મને યોગ્ય લાગ્યું એ કર્યું . આગળની વખત ધ્યાન રાખીશ "
" ઠીક છે , તમે જઇ શકો છો , રતનસિંહ ..ડૉ.રોય આવે તો સીધા મારી પાસે મોકલી આપો "
"જી સાહેબ " કહીને રતનસિંહ બહાર નીકળી ગયો. બહાર ડૉ.રોય આવીને બેઠા હતા તેથી એમને અંદર જવા કહ્યું.
" માફ કરજો ડૉ.રોય ... સવાર સવાર માં તકલીફ આપી ,પરંતુ વાત જ કૈક એવી છે....."
" શુ થયું રઘુ ...બધું ઠીક તો છેને ...!!?"
" બેસો ...હું બધી વાત કરું છુ " એટલું કરી બેલ માર્યો અને રતનસિંહ અંદર આવ્યા
" રતનસિંહ ... પેલી ફાઇલ લઈ આવજોને અને બધા માટે ચાની વ્યવસ્થા કરી આપજો ને ..."રતનસિંહ બહાર ગયા અને પેલી ફાઇલ આપી ગયા . થોડી જ વારમાં ચા પણ આવી ગઈ . ચા મૂકી તમને બહાર જતા જોઈને કહ્યું
" રતનસિંહ બેસો ... તમારી જરૂર પડશે " કેવા અદભુત વ્યક્તિ હતા રાઘવકુમાર....!!!? થોડીવાર પહેલ જેના પર ગુસ્સે થયા હતા એ સામાન્ય કેસની ચર્ચા માટે બેસવા કહ્યું...!! સેકન્ડના ત્રીજા ભાગમાં જ રતનસિંહના મોઢા પર ખુશીનું મોજું ફરી વળ્યું . કોઈની સાથે સંબંધ બગડે એ મોટી વાત નથી , એ કડવા સંબંધને ફરી મીઠો બનાવવાની આવડત હોવી મોટી વાત છે .
" કહો રતનસિંહ આખી વાત જે તમે મને કહેલી..." રતનસિંહે ફાઇલ હાથમાં લઈને પેલા ત્રણે જણા સામે ખોલતા કહ્યું . આ જગતાપ રાઠોડની ફાઇલ છે . એ નાનો મોટો ગુંડો હતો . ચોરી-લૂંટફાટ-મારામારી-વસૂલી જેવા નાના મોટા કેસ હતા એના પર . ઘણીવાર પકડાયો અને પૈસાના જોરે છૂટી જતો હતો . છેલ્લો કેસ બળાત્કારનો હતો . એક મહિલાનો બળાત્કાર કરીને તેની હત્યા કરીને ભાગ્યો હતો . વચ્ચે સિગારેટ પીવા ઉભો રહ્યો એટલી વારમાં એને શંકા ના લીધે પકડી લીધો હતો . સીમન રિપોર્ટ પોઝિટિવે આવતા એને ૧૪ વર્ષની કેદ થઈ . ૧૫ જ દિવસમાં કોઈ બીમારીના લીધે એને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો . પાછા આવતી વખતે રસ્તા માંજ એમ્બ્યુલન્સ એક ખીણમાં પડી જતા બે કોન્સ્ટેબલ , એક જુનિયર ડૉક્ટર અને બે ડ્રાઈવર બધા મૃત્યુ પામ્યા . બસ એક જગુડાનો કોઈ પતો ના લાગ્યો કે ના મળી લાશ . અખબારવાળા મુખ્ય પેજ પર હેડ લાઈનો છાપી અને ટીવી ચેનલવાળા આ મુદ્દા પર ચર્ચાઓ ચલાવી કે એક ગુનેગારને પોલીસે ભગાવી દીધો , તો પ્રજા કેટલી સલામત છે ...!!? તેથી હાઇ કમાન્ડરે એને મૃત જાહેર કર્યો જેથી મુદ્દો શાંત થાય .
આજે આ જગુ ૬ વર્ષ પછી હરકત માં આવ્યો હતો. એનો મતલબ એ દિવસે અકસ્માતમાં એ હેમખેમ બચી ગયો હતો અને કદાચ...કદાચ એ અકસ્માત પણ એના સાગરીતો એ અથવા એના કોઈ આકા કે જેમના માટે તે કામ કરતો હતો એમને કરાવ્યો હોઈ શકે , જગુને છોડાવવા માટે ...! જો એના કોઈ આકા એ એક સામાન્ય ગુંડાને છોડાવવા આટલુ બધું જોખમી પગલું લીધું હોય તો એ ખૂબ મહત્વપૂર્ણ આદમી હોવો જોઈએ
. હવે ધીમેધીમે આખી વાત રાઘવકુમારને સમજાઈ રહી હતી . રાત્રે ડૉ.રોયના ઘરે આવેલા આદમીનો ઉદ્દેશ્ય સમજાઈ ગયો હતો .જગુડો અને પેલો રઘલો કોઈ એવી વસ્તુ ગોતી રહ્યા હતા જે ડૉ.રોય અથવા મહેન્દ્રરાય કે પછી સ્વાતિ પાસે હતી . પરંતુ શુ ..!? પેલી રહસ્યમય ધાર્મિક કિતાબ....!? કે પછી પેલો કેમેરા ....!? રાઘવકુમારે સમજી વિચારીને જ પેલી કોઈ વસ્તુ અને કેમેરાનો FIR કે અન્ય જગ્યાએ ઉલ્લેખ કર્યો નહોતો . આ વાતની તેઓ ખાનગી રીતે તપાસ કરાવવા ઇચ્છતા હોય તેમને ડૉ.રોયને ડિટેકટિવ પાસે જવાની સલાહ આપી હતી .
રાઘવકુમારે ૬ વર્ષ પેલા બનેલી તમામ અજુગતી અને તે સમયે ખાસ ધ્યાન દોરનારી ઘટનાની માહિતીનો રિપોર્ટ જેમ બને તેમ જલ્દી બનાવવા જણાવ્યું . જગુ મર્યાની ખબર આવી હતી એના પહેલા એ કોની સાથે સંકડાયેલો હતો ..!? કોણ હતો એનો આકા જેના માટે કામ કરી રહ્યો હતો ...!? જેલમાં જતા પહેલા એની પાસે મળેલો સામાન બધું ગોતવા માટે ટીમને તૈયાર કરી દીધી . ૨૪ કલાક માં રિપોર્ટ જોઈએ એવું કડક શબ્દો અલ્ટીમેટ આપી દીધું .

પેલા પાકીટમાં મળેલા કાગળો ની તાપસ કરતા તુલસી હોટેલ એન્ડ રેસ્ટોરન્ટના બિલો મળી આવ્યા . એક બીજી સફળતા મળી હતી . હવે જગુ ખરેખર જીવે છે કે કેમ એ જાણવા રાઘવકુમારે બે કોન્સ્ટેબલને જગુ અને રઘુળાનો ફોટો લઈને તુલસી હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ પર મોકલ્યા . આ આદમી અહીંયા ક્યારે આવ્યા હતા ...? સાથે કોણ હતું ...? આ જગુડો સાથે હતો કે કેમ ...!? જેનાથી આગળની કામગીરી શરૂ કરી શકાય .
બીજી તરફ મહેન્દ્રરાય ડૉ.રોય ને હોસ્પિટલ છોડી બાબુકાકાને ઘરે મુકવા ગયા . સ્વાતિ માટે સંદેશો મૂકી સવારે નીકળી ગયા હતા કે તેઓ થોડા કામથી જઇ રહ્યા છે , જલ્દી પાછા આવી જશે તેથી સ્વાતિ ઉઠી, તૈયાર થઈ રાહ જોઈને જ બેઠી હતી . બાબુકાકાને મૂકી મહેન્દ્રરાય જવા નીકળી રહ્યો હતો ત્યાં સ્વાતિ આવી અને સાથે આવવા જીદ કરવા લાગી . બાબુકાકા હવે એકદમ ઠીક હતા તેથી એમને મદદની જરૂર ના હોવાથી સ્વાતિને સાથે લઈ જવામાં કોઈ તકલીફ નહોતી .
સવારના ૯:૦૦ વાગતા બંને ઇડર શહેરમાં આપેલા સરનામાં બહાર ઉભા હતા .." મહેંદી સાડીનો શૉરૂમ...પાનેતર ના સ્પેશ્યલલિસ્ટ "
" આપ હમેં સાડી દિલવાને આયે હો જી ...પર મેતો સાડી પહેનતી હી નહીં ....!!' સ્વાતિ બોલી
" આપ કે લિયે નહીં ..ખુદ કે લિયે..." બંને ખડખડાટ હસવા લાગ્યા .
સવારે ૯:૦૨ મિનિટે બંને અંદર પ્રવેસ્યા . બે-ત્રણ સેલ્સમેન હતા . એક માણસ દુંદાળી ફાંદ ને ટેબલ પર ગોઠવી બેઠો હતો જે પોતાને શેઠ હોવાની સાબિતી આપી રહી હતી . અંદર પ્રવેશતા સાથે જ એમનું સ્વાગત પ્રશ્નથી કરાયું
" આવો સાહેબ.. આવો મેડમ.. , શુભ સવાર ... શુ બતાવું કહો ..."
" ઉન્હેં હી પૂછ લિજીએ ...જો વો દિલાના ચાહે , હમ ખુશી ખુશી લે લેંગે " સ્વાતિએ મજાકના મૂડમાં કહ્યું
પેલા સેલ્સમેન બિચારા મહેન્દ્રરાય સામે જોઈ ઉભા રહ્યા કે હમણાં કસું કહેશે . મહેન્દ્રરાયે ખિસ્સા માંથી પેલું કાર્ડ કાઢીને આપ્યું . એક સેલ્સમેને એ હાથમાં લીધું અને બીજી તરફ જોયું તો એક સિંગનેચેર હતી . એ સેલ્સમેને એક બીજા સેલ્સમેનને આપ્યું .
" કાંઈ લેવું નથી ..!!? અહીંયા આવી કોઈ વ્યકતિ નથી" એને રીતસર બંનેની હકાલપટ્ટી કરી કાઢી મુક્યા .
બન્ને ચાલીને જીપ સુધી જઈ રહ્યા હતા ત્યાં પેલો સેલ્સમેન દોડતો એમની પાછળ આવ્યો .
" ઉભા રહો સાહેબ , ગાડીની ચાવી રહી ગઈ છે ..."
જીપની ચાવી તો મહેન્દ્રરાય પાસે જ હતી . એ સેલ્સમેન બીજો કોઈ સંદેશો આપી રહ્યો હતો .હવે ખબર પડી ત્યાં વાત કરવું યોગ્ય નહોતું તેથી એમને બહાર મોકલી દીધા . હવે નજીક આવી એને કહ્યું
" રાઘવકુમારે મને તમારા વિશે જણાવ્યું હતું. તમે મહેન્દ્રરાય હોવા જોઈએ ..બરાબરને ...??"
" જી હા . તમે કોણ ....!!? અને અમે જેને મળવા આવ્યા છીએ એ વ્યક્તિ ક્યાં મળશે ...?!!"
" આવો ..." કહીને બન્નેને પોતાની પાછળ આવવા કહ્યું . એક ખખડધજ મકાનમાં એ સેલ્સમેન પ્રવેશ્યો અને પાછળ સ્વાતિ અને મહેન્દ્રરાય પણ પ્રવેશ્યા . અંદર ભયાનક દુર્ગંધ આવી રહી હતી . કોઈ પાલતુ પશુના તબેલા જેવું લાગતું હતું એ મકાન .ત્યાં એક ખૂણામાં એક ટેબલ ગોઠવેલું હતું . નજીક જઈને સેલ્સમેને ટેબલ લેમ્પ જેવા દેખાતો લાઈટનો પીળો ગોળો ચાલુ કર્યો અને બંનેને બેસવા કહ્યું . આટલી દુર્ગંધમાં સ્વાતિ અને મહેન્દ્રરાયને બેસવું સહન થાય એમ નહતું જ્યારે પેલો સેલ્સમેન વગર કોઈ માસ્ક કે કપડાંને પોતાના નાક પર રાખ્યા વગર ઉભો હતો . કદાચ એ આવા વાતાવરણ સાથે ટેવાઈ ગયો હતો .બંને પાસે આઇ.ડી. કાર્ડ માંગ્યા અને પોતાની સાથે લઈને ખૂણાની બીજી બાજુએ ચાલ્યો ગયો . એ ખૂણો એકદમ અંધારીયો હતો . ધીમેધીમે સેલ્સમેન એ અંધકારમાં સમાઈ ગયો-દેખાતો બંધ થઈ ગયો .ખાસો સમય આમજ વીત્યો હશે.
એકબીજાની સામે જોઈને બંને આશંકાઓ વ્યકત કરી રહ્યા હતા કે માણસ યોગ્ય તો હશે ને...!? આટલી બધી વાર કેમ વીતી હશે ..!!? વીસેક મિનિટ બાદ પેલો સેલ્સમેન ત્રીજા જ કોઈ ખૂણા માંથી પ્રગટ થયો ... નજીક આવીને ટેબલ નીચે કોઈક જગ્યા એ અડયો અને આખા મકાનમાં પ્રકાશ ફેલાઈ ગયો બધા ખૂણા અને એકેએક વસ્તુ હવે દ્રશ્યમાન હતી . જે ખૂણામાં સેલ્સમેન પહેલા ગયો હતો એ ખૂણામાં ભંગાર હાલતમાં એક ટ્રેકટર પડ્યું હતું . એના ટાયર સડીને ક્યારના ગાયબ થઈ ગયા હતા અને આખું કટાઈ ગયું હતું . ફરી સેલ્સમેને પોતાની પાછળ આવવાનો ઈશારો કર્યો . મળ્યા પછી ભાગ્યેજ એ કોઈ શબ્દોનો પ્રયોગ કરતો હતો . એ ટ્રેકટર પર બેસી ગયો અને બંનેને ત્યાંજ ઉભા રહેવા કહ્યું .
હવે એ ટ્રેકટરનું સ્ટિયરિંગ ફેરવી રહ્યો હતો . જો કોઈ અજાણ્યો માણસ જોવે તો એને ગાંડોજ સમજે એ વાતમાં કોઈ શક નહોતો . થોડીજ સેકન્ડમાં "ખુહરરર....." જેવો ભયાનક અવાજ થયો અને સેલ્સમેન નીચે ઉતરી ગયો. ફરી બંન્નેને પોતાની પાછળ આવવા કહ્યું . ટ્રેકટરની પાછળ જ ગટરના ઢાંકણ જેવો એક પથ્થર દૂર ખસીની નીચે રસ્તો થઈ ગયો હતો . સ્વાતિ અને મહેન્દ્રરાય ના આશ્ચર્યનો પાર ના રહ્યો હવે સમજાયું પેલો સેલ્સમેન ટ્રેકટર પર ચડીને શુ કરી રહ્યો હતો અને પેલો "ખુહરરરર...." ભયાનક અવાજ શેનો હતો . એમને ખબર નહોતી પડી રહી કે આ બધું શુ થઈ રહ્યું છે...!? બસ એ પેલા સેલ્સમેનના આદેશનું પાલન કરી રહ્યા હતા .
પેલા ઢાકણની અંદર સીડી હતી . જે ઉતરી ત્રણે આગળ વધી રહ્યા હતા . જેવી સીડી ઉતરી ગયા ફરી અવાજ સંભળાયો " ખુહરરર...." ઉપરનો દરવાજો ફરી બંધ થઈ ગયો હતો . એક વિશાળ વાતાનુકુલીત કમરો હતો એ , જ્યાં મોટા-મોટા વિશાળ સ્ક્રિન લગાવેલા હતા . જેના પર બહારના દ્રશ્યો , પેલું દુકાનની અંદરનું દ્રશ્ય , રસ્તાનું અને જે ટેબલ પર તેઓ બેઠા હતા એનું દ્રશ્ય દેખાઈ રહ્યું હતું . સ્વાતિ અને મહેન્દ્રરાયના આશ્ચર્યનો પાર હતો નહીં . બસ મહાભારતમાં જેમ સંજય ધૂતરાષ્ટ્રને કુરુક્ષેત્રમાં બનતી ઘટના પ્રત્યેક્ષ જોઈને કહી રહ્યો હતો એમ અહીંયા પણ બહારની ઘટના પ્રત્યક્ષ દેખાઈ રહી હતી .પેલો સેલ્સમેન એમના મોઢા પરના ભાવ વાંચી ગયો અને બોલ્યો
" CCTV કેમેરા છે , આના વિશે હજી શોધખોળ ચાલુ છે આને વધારે ઉપયોગી બનાવવા માટે . જેના વડે આપડે કોઈ ઘટનાનું જીવંત દ્રશ્ય દૂરથી નિહાળી શકીએ છીએ "
" હમમ... હા બરાબર , બરાબર " સ્વાતિ અને મહેન્દ્રરાય ગભરાયેલા લાગતા હતા .લાગતું હતું જાણે પોતે સતયુગમાં આવી ગયા હોય અને આ મહાભારતનું દ્રશ્ય હોય .
" ઓ..હેલ્લો.... ક્યાં ખોવાઈ ગયા ...!!?" ચપટી વગાડતા સેલ્સમેને પૂછ્યું અને કહ્યું " તમારી ડિટેકટિવને મળવું હતું ..બરબરને ...??!"
" જી હા સાહેબ ..." અચાનક જ આ વ્યક્તિ થી ગભરાઈને બંને થી સાહેબ બોલાઈ ગયું. પેલા સેલ્સમેને તેમને એક ટેબલ પર ઊંધા બેસાડ્યા અને ખાનામાંથી કાળો ઢીંચણ જેટલી લંબાઈનો કોટ અને કાળી હેટ કાઢીને પહેરી અને બંનેના મોઢા બાજુ ચાલીને આવ્યો
"હાજી,...નમસ્તે , હું જ છુ ડિટેક્ટર સોમચંદ ..." સીધોસાદો દેખાતો સેલ્સમેન જ ડિટેકટિવ નીકળ્યો. આજ તો ખાસિયત હોય છે ડિટેકટિવ માણસોની , આપડી બાજુમાં રહેલો આપનો મિત્ર પણ જાસૂસ હોઈ શકે ..!! ગમે તેટલો એને ઓળખતો હોવા છતાં એને ડિટેકટિવ તરીકે ઓળખી શકાતો નથી .અત્યાર સુધી શાંત રહેલા ડિટેકટિવે હવે બોલવાનું શરૂ કર્યું હતું.એ રહસ્યમય રાત્રીથી કાલ રાત સુધી બનેલી તમામ ઘટના સોમચંદે કહી સંભળાવી .
" હવે કશું છે જે બાકી રહ્યું હોય ....??" સોમચંદે પૂછ્યું
" ના ..બધું આવી ગયું ...!" મહેન્દ્રરાયે જવાબ આપ્યો એને ખબર નહોતી પડી રહી કે પોતાના કહેવા પેલા એને કેમ ખબર પડી હશે ..!?
" હવે હુ તમારી માટે શુ કરી શકુ...!? તમારી મારી પાસેથી શુ શુ અપેક્ષાઓ છે ...!?' સોમચંદે સીધો પ્રશ્ન પૂછ્યો
" અમે ઇચ્છીએ છીએ કે તમે પેલા જગુ અને રઘલાને પકડી આખી યોજના ખુલી પાડવામાં મદદ કરો . એમનો ઉદેશ્ય શુ છે...!? એ કોના માટે કામ કરે છે ..!? અમારો પીછો કેમ કરી રહ્યા હતા...!? અને સૌથી વિશેષ..પેલી રાત્રીએ શુ બન્યું હતું ..!? આ બધું જાણવામાં અમને તમારી મદદ જોઈએ છે " મહેન્દ્રરાયે કહ્યું
સીમચંદે વિશાળ રાક્ષસી યંત્ર પર હાથ ચલાવ્યા અને થોડીવાર માં પેલી સ્ક્રીન પર બે ચહેરા દેખાયા . બંને નીચે નામ લખેલા હતા જગતાપ રાઠોડ અને રઘુવીર સિંધિયા . એની આખી ક્રિમિનલ ફાઇલ સ્ક્રીન પર હાજર હતી . જગુડો જે ૬ વર્ષ પહેલા ખાઈમાં પડી મૃત્યુ પામ્યો એવું જાહેર કરાયું હતું એવા બધા ન્યૂઝપેપરના કટિંગ હતા . એના પછી પણ ક્યારેક અરવલ્લીના આજુબાજુના જે ભાગમાં દેખાયો હોવાની આશંકા હતી તે જગ્યા ઉપર નકશામાં નિશાન કરેલુ હતું .પણ કોઈ નક્કર પુરાવા નહોતા .જ્યારે રઘુડો બિહારથી ખૂનના કેસમાં ફરાર હતો . બંને નાના મોટા ગુનેગારો હતા . થોડા સમયથી અંડરગ્રાઉન્ડ હતા . એ બંને એક જ વ્યક્તિ માટે કામ કરતા હતા . જેનો એક ખૂબ ઝાંખો ફોટો દેખાઈ રહ્યો હતો . નીચે એ ખેંચવામાં આવ્યો એની તારીખ પણ લખેલી હતી . લગભગ ૨૦ વર્ષ પહેલાનો ફોટો હતો .એ હાલ કેવી હાલતમાં હશે અને કેવો દેખાતો હશે એની કોઈ માહિતી ઉપલબ્ધ નહોતી. એ વાત પણ શંકાસ્પદ હતી કે આ ઝાંખા ફોટા વાળો જ જગુ અને રઘુડાનો આકા છે કે કેમ ..!?? આટલી બધી માહિતી જોઈને સ્વાતિ અને મહેન્દ્રરાય દંગ રહી ગયા હતા .જતી વખતે સ્વાતિએ જિજ્ઞાસાવૃત્તિ થી પૂછ્યું
"એક વાત કહેશો જો તમને તકલીફ ના હોય તો ....!!?'
" હા પુછોને ...!!"
" અંદરથી વિશાળ અદ્યતન સાધનોથી સજ્જ કમરો બહાર આટલો અસ્તવ્યસ્ત અને દુર્ગંધયુક્ત કેમ છે ..?! અને આઇ.ડી. કાર્ડનું તમે શુ કર્યું હતું ..!? "
" ડિટેકટિવ અને ચોર ની પરિસ્થિતિ એકસમાન હોય છે. ચોર પોલિસથી ભાગતો ફરે છે , ડિટેક્ટર બધા ચોર , પ્રજા , પોલીસ , રાજકારણી બધાથી છુપાયેલો ફરે છે " સોમચંદે કહ્યું
" કેમ...?" સ્વાતિ એ ફરી પૂછ્યું
" કારણ કે જે વાત પોલીસ પણ નથી જાણતી એવી હજારો વાતો , ગુનાઓની જાણકારી અમારી પાસે હોય છે , ઘણીવાર પોલીસ પણ અમારી મદદ લે છે "
" એ બધું ઠીક , પણ આ દુર્ગંધને અને અમારા આઇ.ડી. કાર્ડને આની સાથે શુ સંબંધ ..!?"
" તો સાંભળો , ઘણીવાર જ્યારે અમારી પાસે ખૂબ સેન્સિટિવ ઇન્ફોર્મેશન હોય છે જે સરકાર માટે અથવા કોઈ પ્રતિષ્ઠિત મહાનુભાવ કે પછી કોઈ અન્ય મહાન માણસ માટે હાનિકારક સાબિત થઈ શકે ત્યારે અમને પકડવાનું અલ્ટીમેટ આપે છે , જીવતા કે મરેલા .."
"પછી..."
" સ્નિફર ડોગ્સની સૂંઘવાની શક્તિના લીધે પરસેવાની ગંધ વાટે કોઈ પણ વ્યક્તિના સ્થાન વિશે જાણકારી આપીદે છે . આવી તીવ્ર ગંધના લીધે એની સૂંઘવાની શક્તિ ખૂબ ઘટી જાય છે ..ભૂલી જાય છે... ઇટ ઇસ લાઈક એ પ્રોટેકશન વૉલ ..." સોમચંદે જાણકારી આપતા કહ્યું
"અને અમારા આઇ.ડી.કાર્ડ...!?"
" અમારા મશીનમાં (કમ્પ્યુટર) માં સરકારનો બધો ડેટા હેક કરેલો છે , જેનાથી તમારા જુના રેકોર્ડ ચેક કરી જાણી શકાય કે તમે મિત્ર છો કે ....." એક પણ શબ્દ ઉચ્ચારી શકાય એવી હાલત માં બંને માંથી કોઈ નહોતું .બંને આશ્ચર્ય વચ્ચે કોઈ અલગ માર્ગે બંનેને બહાર કાઢવામાં આવ્યા . જ્યાં આજુબાજુ માત્ર ભૂંડ-કૂતરા જ હતા .
બીજી તરફ કોન્સ્ટેબલની એક ટીમ (ટીમ-A) હોટેલ તુલસી પર પહોંચ્યા .ત્યાં જઈને પેલા બિલ બતાવ્યા અને પછી જગુ અને રઘુડા વિશે પૂછપરછ કરી. ત્યાં રોજ ઘણા માણસો આવતા હોય , એમને ચહેરા યાદ ના હોય એવું બની શકે . તેથી બંનેના ફોટા બતાવ્યા . પેલા રેસેપ્શનિસ્ટ ના મોઢા પર તરંગો બદલાય એક ક્ષણ બે ચહેરા જોયા પછી તરત બોલી ઉઠ્યો .
" હા....હા સાહેબ આ બંને ગઇ કાલ સુધી અહીંયા જ રોકાયેલા હતા "
" ઠીક છે , એમના વિશે બીજી કોઈ જાણકારી ...!!?"
"લાગતું હતું કોઈ મોટા કામ માટે આવ્યા હતા . મોટી ગાડી લઈને એક આદમી એમને મળવા આવેલો . એ બંનેને ખૂબ ધમકાવ્યા. એટલા જોરથી કે ના છૂટકે અમારા એક વેઇટરે એમને અહીંયા શાંતિ રાખવાની અપીલ કરવી પડી . આમ કરતા પેલો પૈસાદાર માણસ અમારા વેઈટર પર ભડકી ગયો ...!"
" પછી ..આગળ શુ થયું ...!?"
" પેલો પૈસાદાર માણસ બે સૂટકેસ લઈને આવેલો . જતા જતા બંને એમની તરફ ઘા કરતો ગયો અને કહેતો ગયો કે ગમે તે કરો પણ કામ પૂરું થવું જોઈએ " પેલા રેસેપ્શનિસ્ટે કહ્યું અને ઉમેર્યું કે " સાહેબ ...સૂટકેસ નાખતી વખતે એક નીચે પડીને ખુલી ગઈ હતી...."
" હતું શુ એમાં..." પેલા રેસેપ્શનિસ્ટની પહોળી થયેલી આખો જોઈને કહ્યું
" રુપીયા ....રુપીયા ભરેલા હતા સાહેબ...સપને પણ ના જોયા હોય એટલા બધા......" આટલા બધા રૂપિયા...!? આટલા રૂપિયા રોકાયેલા હોય એ મિશન કોઈ મોટું જ હોવું જોઈએ જેમાં સૂટકેસ કરતા હજાર ગણો ફાયદો થઈ શકે એમ હોય . હવે ફરી પ્રશ્ન એ ઉભો થતો હતો કે એમનું મિશન શુ છે ..!? તેઓને ડૉ.રોય અને મુખીના પરિવાર સાથે શુ સંબંધ છે..!? આ વિચારમાંથી બહાર નીકળી ફરી રેસેપ્શનિસ્ટ ને પ્રશ્ન પૂછ્યો
" ઝઘડો શેના વિશે હતો ... મતલબ કઇ વાત પર ...તમે કશું સાંભળ્યું હતું....!?" કોન્સ્ટેબલે પૂછ્યું
" એતો ખાસ ખબર નહીં સાહેબ.... પણ પેલા ગાડી વાળા ભાઈ ખૂબ ભડકેલા હતા કહી રહ્યા હતા કે 'તમે એક કામ પણ સારી રીતે કરી શકતા નથી . !? તમે બે માણસો પાસેથી પુસ્તક પણ છીનવી ના શક્યા . અને ઉતાવળમાં તારી બૈરીનો કરિયાવર (પાકીટ) પણ છોડતા આવ્યા ... અમને પકડો ..અમને પકડો.....થું..મરી જાવ આના કરતા . મારે પણ ઉપર જવાબ આપવા પડે છે . આ મીશન પાછળ ઘણી મોટી હસ્તીઓ અને રાજકારણીના હજારો-કરોડો રૂપિયા લાગેલા છે . જો મિશન સફળ ના થયું તો મરવાની તૈયારી રાખજો ..."
આ વાત પરથી બે સાબિતી મળતી હતી . એક કે જગતાપ હજુ જીવતો હતો અને બેજી વાત કે જગતાપ અને રઘુડો આ પુસ્તક માટે જ પીછો કરી રહ્યા હતા . હવે એટલી વાત સાફ હતી કે પેલી રહસ્યમય રાતે બનેલી ઘટનામાં જગુ ,રઘુડો અને પેલો પૈસાદાર માણસ પણ સંડોવાયેલો હતો. પણ હજી એક વાત સમજવી મુશ્કેલ હતી કે આ આખા મિશનનો હેતુ શુ છે ..!? કોઈ નાણાકીય કૌભાંડ ..!? કે કરોડો રૂપિયાની ઉચાપત થવાની હતી..!? કે પછી કોઈ વિદેશી આતંકવાદી હુમલો ..!? એ ગમે તે હોઈ શકે એના વિશે કોઈ માહિતી નહોતી . હવે એમના મિશનનો હેતુ વિશે શોધખોળ કરવાની હતી . આ પુસ્તકમાં એવું તો શુ છે કે સામાન્ય લૂંટફાટ કરતા ગુંડાઓ , પૈસાદાર માણસો અને રાજકારણીઓ ને પણ રસ હતો .

( ક્રમશ )


આશા રાખું છું કે તમે મારી પ્રથમ નવલકથા લિજ્જત થી માણી રહ્યા છો , અને એ બદલ તમારો આભારી છુ . તમારા કિંમતી સમય માંથી થોડો સમય આપી તમારા પ્રતિભાવો અને અભિપ્રાયો જરૂર આપજો . અથવા તમે મારા whatsapp પર સીધો જ મેસેજ કરી શકો છો -9601164756