માદા હાથીએ બચ્ચાને જન્મ આપ્યો..
***********************
રાતે હાથીની ચીસ સાંભળીને મેરી જાગી ઉઠી. એણે ઉઠીને આજુબાજુ જોયું તો તેઓ સૂતા હતા એનાથી થોડેક દૂર એક માદા હાથી નીચે જમીન ઉપર આળોટીને ચીસ પાડી રહી હતી.એ માદા હાથીની ચીસ સાંભળીને એની આસપાસ બીજા બે ત્રણ હાથીઓ આમતેમ ફરી રહ્યા હતા. મેરીએ રોબર્ટ સામે જોયું તો રોબર્ટ ઘસઘસાટ ઊંઘી રહ્યો હતો.
"રોબર્ટ.. ઉઠોને.' ઊંઘી રહેલા રોબર્ટને જોરથી ઢંઢોળતાં મેરી બોલી.
મેરીએ રોબર્ટને જોરથી ઢંઢોળ્યો એટલે રોબર્ટ એકદમ ઝબકીને જાગી ગયો.
"શું થયું મેરી ?' આંખો ચોળતા રોબર્ટે મેરીને પૂછ્યું.
"અરે પેલી તરફ જો પેલી માદા હાથી નીચે પડીને ક્યારની ચીસો પાડી રહી છે ખબર નહીં એને શું થયું છે.' ચીસો પાડતી માદા હાથી તરફ ઇસારો કરતા મેરી બોલી.
"એ હાથીને શું થયું છે ? રોબર્ટ બેઠો થતાં બોલ્યો.
"ખબર નહીં ચાલ એની પાસે જઈએ. અંધારું છે એટલે અહીંયાથી સ્પષ્ટ દેખાતું નથી.' મેરી ઉભી થતાં બોલી.
મેરી અને રોબર્ટ જ્યાં સૂતા હતા ત્યાંથી જે માદા હાથી ચીસો પાડી રહી હતી એ સપષ્ટ દેખાઈ રહી નહોતી. કારણ કે ત્યાં આછું અંધારું છવાયેલું હતું. ચંદ્રનો ઝાંખા પ્રકાશમાં ફક્ત એ માદા હાથી જમીન ઉપર નીચે પડીને ચીસો પાડી રહી હતી એ જ દેખાઈ રહ્યું હતું.
"ચાલ જોઈએ જ આવીએ શું થયું છે એને.' રોબર્ટ ઉભો થયો અને એ માદા હાથી તરફ ચાલવા લાગ્યો. મેરી પણ રોબર્ટની સાથે એ માદા હાથી તરફ ચાલવા લાગી.
મેરી અને રોબર્ટ હજુ એ માદા હાથીથી થોડેક જ દૂર હતા ત્યાં તો એ માદા હાથી વેદનાભરી ચીસ પાડીને ઉભી થઈ ગઈ. આવી ચીસ સાંભળીને મેરી અને રોબર્ટ ચોંકી ગયા. ચોંકીને એ એકબીજાના મોંઢા સામે જોવા લાગ્યા.
"મને તો બીક લાગી રહી છે હવે ત્યાં જતાં.' મેરી બોલી.માદા હાથી વેદનાભરી ચીસ નાખીને ઉભી થઈ ગઈ એટલે ડરના કારણે મેરી ચાલતા ચાલતા અટકી ગઈ.
"અરે તું ચાલને મારી સાથે ત્યાં જઈને જોઈએ સમસ્યા શું છે.' રોબર્ટ મેરી તરફ જોઈને બોલ્યો.
મેરી ત્યાં જવાની આનાકાની કરવા લાગી. રોબર્ટે થોડીક સમજાવી એટલે એ ફરીથી તૈયાર થઈ.
"અરે આણે તો બચ્ચાને જન્મ આપ્યો છે.' માદા હાથીની પાસે પહોંચતા જ નીચે જમીન ઉપર બેઠેલા નાનકડા હાથીના બચ્ચાને જોઈને રોબર્ટ બોલ્યો.
"કેટલું સુંદર બચ્ચુ છે.' મેરી દૂરથી તાજા જન્મેલા હાથીના બચ્ચા તરફ જોઈને બોલી.
માદા હાથીએ બચ્ચાને જન્મ આપ્યો હતો. પ્રસવ પીડાના કારણે એ પહેલા ચીસ પાડી રહી હતી. બચ્ચાના જન્મ બાદ એ એકદમ શાંત બની વાત્સલ્યપૂર્વક બચ્ચા સામે જોઈ રહી હતી.
"મેરી તને હાથીના બચ્ચા બહુજ ગમે છે એટલે હવે તું દરરોજ આ બચ્ચાની જોડે જ મસ્તી કરજે.' રોબર્ટ મેરી સામે જોઈને હસી પડતા બોલ્યો.
"હા મને બહુજ જ ગમે છે.' આમ કહી કમરમાંથી વાંકા વળીને મેરીએ નીચે બેઠેલા હાથીના બચ્ચા ઉપર હાથ ફેરવ્યો.
"ચાલ હવે મને ઊંઘ આવી રહી છે તું સવારે ઉઠીને આ બચ્ચા સાથે ધીંગામસ્તી કરજે.! હમણાં એને એની મા પાસે રહેવા દે.' રોબર્ટ બગાસા ખાતા બોલ્યો.
"નથી સૂવું મારે, ના જોયો હોય તો મોટો ઊંઘણશી.!' મેરીએ રોબર્ટ સામે જોઈને વિચિત્ર રીતે મોઢું મચકોડ્યું.
"તું આમ નહીં માને.' આમ કહીને રોબર્ટે મેરીને કમરમાંથી પકડીને ઊંચકી લીધી. અને તેઓ પહેલા જે તરફ સૂતા હતા એ તરફ ચાલ્યો.
અમૂક છુટા છવાયા વાદળાઓ હતા એ બધા હવે આકાશમાંથી વિદાય લઈ ચુક્યા હતા. સંખ્યા બંધ તારલાઓની વચ્ચે અડધો ચંદ્ર મધુર રીતે આકાશમાં ખીલી ઉઠ્યો હતો. ચંદ્રની ચાંદનીનું ઝાંખું અજવાળું ધરતી ઉપર રરેલાઈ રહ્યું હતું. રોબર્ટ અને મેરી ફરીથી એકબીજાને આલિંગનમાં લઈને ગાઢ નિદ્રામાં પોઢી ગયા.
*********************************
સળગતી મશાલોવાળા મકાનો
******************
ગર્ગ કતરાતી નજરે સામે ઉભેલા માર્ટિન તરફ તાકી રહ્યો હતો. માર્ટિન જંગલમાં જયારે જ્હોનની સાથે શિકાર કરવા માટે આવ્યો હતો ત્યારે તે પોતાની સાથે ગર્ગની રાઇફલ લઈ આવ્યો હતો. અને માર્ટિન તથા જ્હોન શિકાર કરવાં માટે જંગલ તરફ વાતો કરતા કરતા જઈ રહ્યા હતા ત્યારે આ અજાણ્યા માણસોએ એમને પાછળથી પકડી લીધા હતા.
અને પછી ગર્ગ અને એન્થોલીને પણ આ માણસોએ પકડી લીધા હતા.
આ બધા માણસોમાં એક માણસના માથા ઉપર પીંછા ખોસેલા હતા. એ આ બધા માણસોના સરદાર જેવો લાગતો હતો. માથામાં પીંછા ખોસેલો માણસ માર્ટિનના હાથમાંથી પકડાયેલી રાઇફલ તરફ અચરજ ભરી નજરે જોઈ રહ્યો હતો. કારણ કે જયારે આ માણસોએ જ્હોન અને માર્ટિનને પકડ્યા ત્યારે તેઓ માર્ટિનના હાથમાં રહેલી રાઇફલને ઝુંટવા લાગ્યા. અને એ ઝપાઝપી દરમિયાન અચાનક માર્ટિનનો હાથ રાઇફલના ઘોડા ઉપર દબાઈ ગયો.જેવો માર્ટિનનો હાથ રાઇફલના ઘોડા ઉપર દબાયો એવી ધડાકા સાથે ગોળી છૂટી અને સામે રહેલા એક માણસનું શરીર વીંધાઈ ગયું. ગોળી વાગતાની સાથે જ એ માણસ મરણના શરણે થઈ ગયો. પેલો માથામાં પીંછા ખોસેલો માણસ હજુ પણ માર્ટિનના હાથમાંથી ઝુંતવેલી રાઇફલ તરફ એકીટશે તાકી રહ્યો હતો.
"આ માણસ આવીરીતે રાઇફલ તરફ કેમ દેખી રહ્યો છે.' ગર્ગને બે માણસો પકડીને ઉભા હતા છતાં એ દબાયેલા અવાજે બોલ્યો.
"રાઇફલમાંથી છૂટેલી ગોળીએ એમના એક માણસનો ભોગ લઈ લીધો છે એટલે એ રાઇફલ તરફ જોઈ રહ્યો છે.' ઝાડ સાથે બંધનાવસ્થામાં ઝકડાયેલો જ્યોર્જ ધીમેથી બોલ્યો.
"ઓહ.! એમ વાત છે.' આટલું બોલીને ગર્ગ ચૂપ રહ્યો.
ગર્ગ વધારે કંઈ ના બોલ્યો કારણ કે આ માણસો કંઈક કરી દે એવો એને ડર લાગી રહ્યો હતો. ત્યાં તો પેલા પીંછાવાળા માણસે વિચિત્ર ભાષામાં એના માણસોને કંઈક કહ્યું. પેલા માણસે કંઈક કહ્યું એટલે એના માણસો જલ્દી જ્હોન અને માર્ટિનને જે ઝાડના થડ સાથે બાંધ્યા હતા ત્યાંથી છોડવા લાગ્યા. જ્હોન અને માર્ટિનને એ લોકો શા માટે છોડી રહ્યા છે એ વાત ગર્ગને સમજાઈ નહીં. જ્હોન અને માર્ટિનને છોડ્યા બાદ બધાને લઈને એ લોકો ચાલવા લાગ્યા સૌથી આગળ પેલો માથામાં પીંછા ખોસેલા હતા એ માણસ હતો.
કલાક જેટલું ચાલતા રહ્યા ત્યારે જંગલ પ્રદેશ પુરો થયો. જંગલ પ્રદેશ પુરો થયો કે સામે જ દૂરની દિશામાં ઠેર-ઠેર પ્રકાશના દીવડાઓ દૂરથી દેખાઈ રહ્યા હતા. એ પ્રકાશના દીવડાઓ તરફ દૂરથી દેખીએ તો કોઈક નગર વસ્યું હોય એવું લાગતું હતું.
પેલા માણસો ગર્ગ, એન્થોલી, જ્હોન અને માર્ટિનને લઈને એ દીવડાઓ જે દિશામાં દેખાઈ રહ્યા હતા એ તરફ આગળ વધી રહ્યા હતા.
"જ્હોન પેલા દીવડાઓ જોયા તે ? ગર્ગે ધીમેથી જ્હોનને પૂછ્યું.
"હા શું હશે ત્યાં.!' જ્હોનના અવાજમાં અચરજના ભાવો હતા.
"મને કંઈક નવું કૌતુક લાગે છે.' જ્હોન અને ગર્ગની ચર્ચામાં બાજુમાં ચાલી રહેલા માર્ટિને મમરો મુક્યો.
"ત્યાં જઈએ એટલે ખબર પડે.' જ્હોન અને માર્ટિનની વાત સાંભળ્યા બાદ ગર્ગ બોલ્યો.
અડધો ચંદ્ર હવે આકાશમાં ખીલી રહ્યો હતો. રાત અડધી ઉપર વહી ગઈ હતી. જ્હોન, માર્ટિન, ગર્ગ અને એન્થોલીને લઈને પેલા માણસો હવે સળગી રહેલા દીવડાઓની સાવ નજીક આવી ગયા હતા.વૃક્ષોની હારમાળા ચંદ્રના આછા અજવાળામાં પણ સુંદર દેખાઈ રહી હતી. પથ્થરોના નાના-નાના મકાનો ચારેય તરફ દેખાઈ રહ્યા હતા. અને એ મકાનનોની આસપાસ એક એક મશાલ સળગી રહી હતી.
"આ કોઈ નગર છે કે શું ? મકાનોની અદ્ભૂત રચના જોઈને ગર્ગ બબડ્યો.
(ક્રમશ)