રોબર્ટ અને મેરી એમના સાથીદારોથી છુટા પડ્યા.
****************************************
ડાળીમાંથી જાળી મુક્ત થતાં રોબર્ટ અને મેરી હાથીની પીઠ ઉપર પછડાયા. રોબર્ટ તો હાથીની પીઠ ઉપર જ ચોંટી પડ્યો. મેરી ગબડીને હાથીની પીઠ ઉપરથી નીચે પડવા જતી હતી ત્યાં તો રોબર્ટે એનો એક હાથ મેરીની કમર ફરતે વીંટાળીને ભરડો લઈ લીધો. મેરી નીચે પડતા પડતા બચી ગઈ. જો રોબર્ટે સમયસર મેરીને પકડી ના હોત તો મેરી નીચે ગબડી પડી હોત અને પાછળ આવતા તોફાની હાથીઓના પગ નીચે ચગદાઈ ગઈ હોત. રોબર્ટે મેરીને પકડી રાખી એટલે મેરીમાં હિંમત આવી. એણે પણ થોડીક તાકાત અજમાવીને હાથીની પીઠ ઉપર પોતાના શરીરને સંતુલિત કર્યું. રોબર્ટ પણ હાથીની પીઠ ઉપર સરખો બેસી ગયો. મેરી અને રોબર્ટ જે હાથી ઉપર બેઠા હતા એ હાથી હવે શાંત બનીને ચાલતો હતો. રોબર્ટની તો ખુશીનો પાર જ નહોંતો કારણ કે તેમનો આવી ભયાનક આફતમાંથી આબાદ બચાવ થયો હતો. રોબર્ટના મનમાં ડરનું નામોનિશાન નહોતું પણ મેરી હજુય ફફડી રહી હતી.
"રોબર્ટ આ હાથી આપણને ક્યાં લઈ જશે.' કંપતા અવાજે મેરી બોલી.
"જ્યાં લઈ જાય ત્યાં જઈએ.' હાથી ઉપર બેઠેલી મેરીને પાછળ પોતાની ભીંસમાં લેતા રોબર્ટ બોલ્યો.
"તો આપણા સાથીદારોનું શું એ લોકો આપણને ક્યાં શોધશે ? મેરીએ દબાયેલા અવાજે કહ્યું
"હા તારી વાત સાચી છે પણ હમણાં આ હાથી ઉપરથી નીચે કેવીરીતે ઉતરવું ? રોબર્ટ મુંજાયેલા અવાજે બોલ્યો.
"મોતના મુખમાંથી બચ્યા અને મુશ્કેલીમાં ફસાયા.' મેરી બબડી. એના અવાજમાં ઉદાસી છલકાતી હતી.
"વ્હાલી આટલી નિરાશ ના બનીશ. આ હાથીઓ આપણને જ્યાં લઈ જશે ત્યાં આપણા સાથીદારો આપણને શોધતા જરૂર આવી પહોંચશે.' મેરી હિંમત ના હારે એ માટે રોબર્ટ હિંમતભર્યા અવાજે બોલ્યો.
સૌથી આગળ ચાલતો હાથી શાંત બન્યો એટલે પાછળના હાથીઓ પણ એની પાછળ પાછળ શાંત બનીને ચાલવા લાગ્યા. રોબર્ટ અને મેરી હાથી ઉપર બેઠા હતા છતાં પણ હાથી તોફાન કર્યા વગર ચાલ્યો જતો હતો. મેરીને રોબર્ટ પાછળથી પકડીને બેઠો હતો. મેરી થાકી ગઈ હતી એટલે એ હાથી ઉપર જ રોબર્ટના ખોળામાં માથું રાખીને સૂઈ ગઈ.
સાંજ થવા આવી હતી. જંગલનો પ્રદેશ પુરો થયો હતો મેદાની પ્રદેશ આવી ગયો હતો પણ હાથીઓ રોકાવાનું નામ જ નહોતા લેતા. બસ ચાલ્યા જ કરતા હતા. મેરી એક કલાકથી હાથી ઉપર બેઠી-બેઠી જ રોબર્ટના ખોળામાં માથું મૂકીને સૂઈ ગઈ હતી. રોબર્ટ હાથી ઉપર બેઠો-બેઠો જ પોતાના સાથીદારોને યાદ કરીને સમય પસાર કરી રહ્યો હતો. ત્યાં મેરી સળવળી. રોબર્ટ વિચારોમાં ખોવાયેલો હતો અને અચાનક મેરી સળવળી એટલે એ હાથી ઉપરથી પડતા- પડતા માંડ બચ્યો.
"વ્હાલી.' મેરીના મોંઢા ઉપર વહાલપૂર્વક હાથ ફેરવતા બોલ્યો.
"હઅઅઅ.' મેરી ઊંઘમાં બબડી અને ફરીથી સૂઈ ગઈ.
રોબર્ટ પોતાના ખોળામાં માથું રાખીને સૂતેલી મેરીને એકીટશે જોઈ રહ્યો. ઇટાલીના રોમ શહેરથી વિલિયમ હાર્ડીની શોધ માટે નીકળ્યો હતો ત્યારે એણે સ્વપ્નેય નહોતું વિચાર્યું કે આફ્રિકાના મેસો જગલમાંથી એને કોઈ પ્રેમિકા મળશે. આફ્રિકાના જંગલમાં થયેલા ઘણા ખુંખાર અનુભવો બાદ એને મેરી જેવી પ્રેમિકા મળી હતી. આવા ખૂંખાર જંગલોમાં ડગલે અને પગલે મોત સામે આવીને ઉભું રહી જતું હતું. મેરી સાથે હોવાને કારણે રોબર્ટ ગમે તેવી આફતોમાં પણ હિંમત હાર્યા વગર આગળ વળતો જતો હતો.
સૂર્ય પોતાના નિત્યક્રમ મુજબ પશ્ચિમમાં ડૂબી ગયો હતો.
ઝાંખું ઝાંખું અંધારું હવે ગાઢ બની રહ્યું હતું. આજે જ્હોનના કાફલા સાથે રોબર્ટ અને મેરી નહોતા એટલે બધા નિરાશ મુખે આગળ વધી રહ્યા હતા. ગર્ગ તો પોતાનો ઉત્સાહ ખોઈ બેઠો હતો. જયારે હાથીઓનું ઝુંડ આ તરફ આવ્યું હતું ત્યારે ગર્ગે રોબર્ટ અને મેરીને ઝાડ ઉપરથી સૌથી આગળ ચાલી રહેલા હાથીની પીઠ ઉપર પછડાતા જોયા હતા. ત્યારે એને થયું કે મેરી અને રોબર્ટ હવે હાથીના પગ નીચે ચગદાઈને મરી જશે. પણ બધા હાથીઓ ચાલ્યા ગયા બાદ ગર્ગે ત્યાં આવીને તપાસ કરી તો રોબર્ટ અને મેરીના મૃત શરીર પણ મળ્યા નહોતા. એટલે ગર્ગે એવું માની લીધું કે હાથીઓએ રોબર્ટ અને મેરીને સૂંઢમાં ભરાવીને આજુબાજુ ક્યાંક ફેંકી દીધા હશે. અડધો દિવસ તો બધાએ રોબર્ટ અને મેરીને આજુબાજુ શોધ્યા પણ રોબર્ટ અને મેરી મળ્યા નહીં એટલે બધા હાથીઓ જે બાજુએ ગયા હતા એ તરફ બધા ચાલવા લાગ્યા.
"ગર્ગ રોકાવું છે કે પછી આગળ જ વધ્યા કરવું છે ? મૂંગા મોઢે નીચે જોઈને ચાલી રહેલા ગર્ગને જ્હોને પૂછ્યું.
"હા ગર્ગ અંધારું ગાઢ બની રહ્યું છે અને અજાણ્યો પ્રદેશ છે આવા અંધારામાં આગળ વધવું જોખમી છે.' ભાષાશાસ્ત્રી એન્થોલી પોતાનું મૌન તોડતા બોલ્યા.
"તો પછી અહીંયા જ પડાવ નાખી દો બીજું શું.' મૂંગા મોઢે ચાલી રહેલો ગર્ગ અટકી પડતા બોલ્યો.
ગર્ગ ઉભો રહ્યો એટલે બધા ઉભા રહ્યા અને ચારેય બાજુ જામેલા ગાઢ જંગલને જોવા લાગ્યા. અંધારામાં આ ગાઢ જંગલ વધારે બિહામણું બની જતું હતું. કોઈ એકલું માણસ જો રાતે આ જંગલમાં થઈને નીકળ્યું હોય તો આ જંગલની ભયાનકતા જોઈને જ એનું કાળજુ ફાટી જાય.
"માર્ટિન ચાલ આપણે બંને આજુબાજુથી કંઈક કંદમૂળ અથવા ફળો મળે તો લેતા આવીએ.' જ્હોને માર્ટિન તરફ જોઈને કહ્યું.
"તમે બન્ને જાઓ જે મળે એ લેતા આવો હું અને ગર્ગ આપણા બધા માટે સુવાની વ્યવસ્થા કરી દઈએ.' એન્થોલી જ્હોન અને માર્ટિન સામે જોઈને બોલ્યા.
માર્ટિને એના હાથમાં રહેલો સામાન નીચે મુક્યો. અને જ્હોન સાથે ચાલવા લાગ્યો.
"એન્થોલી આ વિસ્તાર અજાણ્યો અને જોખમી છે અમે આવીએ ત્યાં સુધી તમે બન્ને તમારું ધ્યાન રાખજો.' જ્હોન જતાં જતાં બોલ્યો.
"હા અમે સતર્ક રહીશું તમે જલ્દી પાછા ફરજો.' એન્થોલી મોંઢા ઉપર ફીકુ સ્મિત રેલાવતા બોલ્યા.
જ્હોન અને માર્ટિન ખોરાકની શોધમાં ઉપડી ગયા. અને ગર્ગ તેમજ એન્થોલી એમની સાથે રહેલો સામાન સરખો મૂકીને પડાવની તૈયારી કરવા લાગ્યા.
"એન્થોલી રોબર્ટ અને મેરીનું શું થયું હશે એ બાબતે તમારું શું માનવું છે ? ગર્ગે સૂકા ઘાસની પથારી બનાવતા-બનાવતા ભાષાશાસ્ત્રી એન્થોલીને પૂછ્યું.
"એ બન્ને મર્યા તો નથી જ.' એન્થોલી થોડીકવાર વિચારીને બોલ્યા.
"જો એ બન્ને જીવીત હોય તો આજુબાજુ ક્યાંયથી આપણને એ બન્નેના સગડ પણ મળવા જોઈએ. આપણે તપાસ પણ કરી પણ એમનું તો નામોનિશાન નથી મળ્યું. તો પછી તમે કેવીરીતે કહી શકો છો કે એ બન્ને જીવીત હશે.' ગર્ગ એન્થોલીની વાત ઉપર વાંધો ઉઠાવતો બોલ્યો.
"તું એ બાબતે સાચો છે કે પુરાવાઓ નથી મળ્યા એટલે એ લોકો જીવીત હશે એવું માની લેવું નિરર્થક છે પણ આ માટે એક બીજો પણ તર્ક ઉદ્દભવે છે કે તેઓ મરી ગયા છે એવા પુરાવાઓ ના મળે ત્યાં સુધી એમને મરેલા ધારી લેવા એ પણ એક પ્રકારની મુર્ખામી છે.' ભાષાશાસ્ત્રી એન્થોલી પોતાના પ્રભાવશાળી અવાજે બોલ્યા.
બન્ને આવી રીતે વાતો કરી રહ્યા હતા ત્યાં થોડેક દૂર ઝાંખરાઓ વચ્ચે થઈને કોઈ ઝડપથી દોડી રહ્યું એવો સળવળાટ થયો.
"ગર્ગ સાવધાન એ બાજુ કંઈક સળવળાટ થયો.' એન્થોલી એકદમ ઉભા થઈ જતાં બોલ્યા.
"હા કોઈક દોડી રહ્યું હોય એવો અવાજ થયો.' ગર્ગ આજુબાજુ પોતાની રાઇફલ શોધતા બોલ્યો.
થોડીવાર બધુ શાંત થઈ ગયું. અચાનક ફરીથી જોરદાર સળવળાટ થયો. અને કોઈક પ્રાણીની ભયંકર ચીસથી આજુબાજુનું વાતાવરણ ધ્રુજી ઉઠ્યું.
"અરે એન્થોલી મારી રાઇફલ ક્યાં ગઈ ? ગર્ગ ભયભીત ચહેરે બોલી ઉઠ્યો.
"રાઇફલ નથી મળતી.!!! એન્થોલીના મુખમાંથી શબ્દો નીકળી પડ્યા. અને એમના મોંઢા ઉપર ભય છવાઈ ગયો.
(ક્રમશ)