Bhayank safar (afrikana jangaloni) - 16 in Gujarati Fiction Stories by જીગર _અનામી રાઇટર books and stories PDF | ભયાનક સફર (આફ્રિકાના જંગલોની) - 16

Featured Books
Categories
Share

ભયાનક સફર (આફ્રિકાના જંગલોની) - 16

મેરી નવી આફતમાં ફસાઈ..
******************



"ત્યાં જુઓ આકાશ તરફ ધુમાડો ઉપર ચડી રહ્યો છે.' ગર્ગ આકાશ તરફ જોતાં બોલ્યો.

"ત્યાં વળી શાનો ધુમાડો હશે ? મેરીએ પ્રશ્ન કર્યો.

"ગર્ગઝાડ સૌથી વધારે ઊંચું છે તું ઉપર ચડીને જો ધુમાડો ક્યાંથી નીકળી રહ્યો છે.' રોબર્ટ ગર્ગ સામે જોતાં બોલ્યો.

રોબર્ટને આગળની રાતે કોઈકે છૂપી રીતે તળાવ કિનારે અંધારામાં લાકડીનો ફટકો માર્યો એનો ભેદ ઉકેલાયો નહોંતો. એ વાત ભૂલી જઈને બધાએ પડાવમાં રાત વિતાવી અને બીજે દિવસે વહેલી સવારે રોબર્ટ, મેરી અને ગર્ગ ત્રણેય જણ માર્ટિન તથા એન્થોલી સાથે મસાઈઓના જંગલમાં આગળ વધી રહ્યા હતા ત્યારે ગર્ગે દૂર આકાશમાં ધુમાડાના ગોટેગોટા આકાશમાં ચડતા જોયા. એટલે એ ધુમાડો ક્યાંથી નીકળી રહ્યો એ જોવા માટે ગર્ગ ઝાડ ઉપર ચડ્યો.

"ગર્ગ દેખાય છે કંઈ ? ક્યાંથી ધુમાડો નીકળી રહ્યો છે ? ગર્ગ હજુ ઝાડ ઉપર અડધે સુધી ચડ્યો હતો ત્યારે એન્થોલીએ નીચેથી ગર્ગને બુમ પાડી.

"અરે મને ઉપર ચડી જવા દો પછી સરખી રીતે જોઈને કહું.' ગર્ગ ઝાડની એક ડાળી ઉપરથી બીજી ડાળી ઉપર જતાં બોલ્યો.

થોડીવારમાં ગર્ગ ઝાડની ટોચથી થોડીક નીચે એનું વજન સહન કરી શકે એ ડાળીએ પહોંચી ગયો અને પછી ધુમાડો નીકળતો હતો એ દિશામાં જોવા લાગ્યો. દૂર વનરાજીઓની પાર એને કેટલાક ઝુંપડાઓ નજરે પડ્યા. અને એ ઝુંપડાઓથી થોડેક દૂર મોટા પ્રમાણમાં લાકડાઓ એકઠા કરેલા હતા એ લાકડાઓને કોઈકે આગ ચાંપી દીધી હતી એટલે એ લાકડાઓ સળગી રહ્યા હતા. થોડાક વિચિત્ર પહેરવેશધારી સ્ત્રી-પુરુષો એ સળગતા અગ્નિની આસપાસ ફરી રહ્યા હતા. ગર્ગ એ લોકોને જોઈને વિચારવા લાગ્યો કે એ લોકો મસાઈ છે કે કોઈ બીજા.!

"ગર્ગ શું જોઈ રહ્યો છે એ તરફ.' વૃક્ષની ડાળીઓ ઉપર બેસીને ધુમાડો નીકળી રહેલી દિશામાં જોઈ રહેલા ગર્ગને નીચેથી જ્હોને બુમ પાડી.

જ્હોનની બુમ સાંભળીને ગર્ગ વિચારોમાંથી જાગ્યો અને નીચે એના સાથીદારો ઉભા હતા એ તરફ એણે જોયું.

"ગર્ગ શું છે ત્યાં ? ગર્ગે કંઈ જવાબ આપ્યો નહીં એટલે જ્હોને ફરીથી ગર્ગને પૂછ્યું.

"ત્યાં ઝુંપડાઓની આસપાસ ઘણાબધા લોકો આગ સળગાવીને આમથી તેમ ફરી રહ્યા છે.' ગર્ગ ડાળી ઉપરથી નીચે તરફ આવતા બોલ્યો.

"એ જરૂર મસાઈ લોકો જ હશે.' માર્ટિન ડરભર્યા અવાજે બોલ્યો.

"ચાલો ભલે જે હોય તે હોય આપણે ગમે તેવી મુશ્કેલીઓ વેઠીને વિલિયમ હાર્ડીને શોધવા જ પડશે.' જ્હોન મક્કમ અવાજે બોલ્યો.

"હા ચાલો. જે થશે એ જોયું જવાશે.' એન્થોલીએ જ્યોર્જની વાતને સમર્થન આપતા કહ્યું.

ગર્ગ ઝાડ ઉપરથી નીચે ઉતર્યો અને પછી આખો કાફલો આગળ વધ્યો. માર્ગ જોખમોથી ભરેલો હતો સાવચેતી રાખવી ખુબ જ જરૂરી હતી. મેરી રોબર્ટનો હાથ પકડીને રોબર્ટની બાજુમાં ચાલી રહી હતી. જયારે માર્ટિન ચોરી છૂપીથી વારે ઘડીએ મેરી સામે જોયા કરતો હતો. ગર્ગે માર્ટિનને આવી વિચિત્ર નજરથી મેરી સામે જોતાં બે ત્રણ વાર જોયો પણ એણે માર્ટિનને કંઈ કહ્યું નહીં. બસ ગર્ગ ફક્ત માર્ટિનની જાસૂસી કરી રહ્યો હતો કે માર્ટિન કરે છે શું ?
બધા આવી રીતે આગળ વધતા હતા ત્યાં અચાનક એક તીર સનનન.. કરતું જ્હોનના શરીરથી એક ઇંચ દૂર પસાર થઇ ગયું. શરીરના આટલા નજીકથી તીર પસાર થયું એટલે જ્હોન એકદમ હેતબાઈ ગયો. બાકીના બધા પણ તીરનો સુસવાટો સાંભળીને ઉભા રહી ગયા.

"સાવધાન થઈ જાઓ. દુશ્મનો આજુબાજુમાં જ છે.' જ્હોન બોલી ઉઠ્યો. એના અવાજમાં ગુસ્સો અને જંગલીઓ પ્રત્યેનો અણગમો સ્પષ્ટ તરી આવતો હતો.

"જલ્દી બધા ઝાડ પાછળ..' ગર્ગ આટલું જ બોલ્યો હતો ત્યાં તો સામેની દિશામાંથી આવેલું એક તીર ગર્ગના ખભાના ઉપરના હિસ્સાને ઘસાઈને નીકળ્યું. ગર્ગ પીડાથી બરાડી ઉઠ્યો.

બધા જલ્દી ઝાડની પાછળ છુપાઈ ગયા. ગર્ગે પોતાની રાઇફલ સરખી કરી. જ્હોને પણ પોતાની રિવોલ્વર બહાર કાઢી અને સામેની દિશામાં લાંબી કરીને નિશાન લીધું. બધા છુપાઈ ગયા એટલે ચારપાંચ તીરકામઠાં ધારી જંગલીઓ સામેની દિશામાંથી ફૂટી નીકળ્યા.અને ચારેય તરફ કોઈકને શોધતા હોય એવીરીતે જોવા લાગ્યા. પેલા જંગલીઓ તરફ જોયા બાદ જ્હોને ગર્ગને ઇસારો કર્યો અને ગર્ગે ધડા-ધડ ગોળીઓ છોડવા માંડી. જ્હોને પણ રિવોલ્વરમાંથી ગોળીઓની રમઝટ બોલાવી. થોડીવારમાં તો ત્યાં છ-સાત જંગલીઓનો ખાત્મો બોલાઈ ગયો.

"જ્હોન ઉભો રહે.! જો પેલો છુપાઈને હજુ ઉભો છે.' જ્હોન ઝાડ પાછળથી નીકળવા જતો હતો ત્યાં ગર્ગે એને અટકાવ્યો.

"કઈ બાજુ છે ? જ્હોને ગર્ગને પૂછ્યું. જ્હોનની આંખો સામેની દિશા ફંફોસવા લાગી. પણ એને કંઈ દેખાયું નહીં.

"તું ચૂપ રહે થોડીવાર હું હમણાં એને મોતને ઘાટ ઉતારી દઉં છું.' આમ કહીને ગર્ગ લપાતો છુપાતો એક ઝાડથી બીજા ઝાડની ઓથ લેતો પેલો જંગલી માણસ જ્યાં છુપાયો હતો એ તરફ જવા લાગ્યો.

પેલો જંગલી બિચારો ડરભરી નજરે સામેની દિશામાં જોઈ રહ્યો હતો. ત્યાં તો ડાબી તરફ ઉભેલા ગર્ગે એ જંગલીનું નિશાળ લઈને ગોળી છોડી. રાઇફલની ગોળીએ પેલા જંગલીની ખોપરીના ફૂરચે ફુરચા ઉડાવી દીધા.

"હવે ચાલો હવે કોઈ ભય નથી.' ગર્ગ ઝાડ પાછળથી ખુલ્લામાં આવતા બોલ્યો.

ગર્ગ ખુલ્લામાં આવ્યો એટલે બાકીના બીજા પણ ઝાડ પાછળથી નીકળીને બહાર આવ્યા.

"ગર્ગ તારું નિશાન જબરું છે. એક પણ જંગલીને છટકવા ના દીધો.' એન્થોલી ગર્ગની પ્રશંશા કરતા બોલ્યા.

"હા અમારો ગર્ગ નિશાનનો બહુજ પાક્કો છે.' રોબર્ટે પણ ગર્ગની પ્રશંશા કરી.

બધા ગર્ગની પ્રશંશા કરવા લાગ્યા. ગર્ગ બધા સામે આભારવશ નજરે જોઈ રહ્યો.

"હવે આગળ વધવાનું છે કે નહીં ? બધા ત્યાં જ ઉભા રહી ગયા હતા એટલે મેરીએ પ્રશ્ન કર્યો.

"હા જવાનું જ છે ને.! ચાલો ચાલો.' જ્હોન બધા સામે જોતાં બોલ્યો અને પછી આગળ વધ્યો.

બધા આગળ વધવા લાગ્યા. આ વખતે મેરીએ પોતાની તરફ વિચિત્ર રીતે જોઈને ચેનચાળા કરી રહેલા માર્ટિનને પકડી પાડ્યો. માર્ટિને બે ત્રણ વાર ખરાબ ઇસારા કર્યા એટલે મેરી ગુસ્સાથી ધ્રુજી ઉઠી.

"રોબર્ટ પેલો માર્ટિન મને ખરાબ ઇસારાઓ કરી રહ્યો છે.' મેરી રોબર્ટના કાનની નજીક પોતાનું મોઢું લઈ જઈને બોલી.

"શું કહ્યું ? રોબર્ટને મેરી વાત ઉપર વિશ્વાસ ના હોય એવી રોબર્ટ બોલ્યો.

"હા તું હવે એની તરફ ધ્યાન આપતો રહેજે એટલે તને ખબર પડી જશે.' મેરી બોલી.

"હમણાં જવા દે એ હરામીને હાર્ડીને શોધવા નીકળ્યા છીએ નહિતર એ ચાંડાલને હું ધોળા દિવસે તારા દેખાડી દેત.' રોબર્ટ પોતાના અવાજમાં અણગમો લાવતા બોલ્યો.

"હવે હું તારાથી અલગ એકલી ચાલીસ ત્યારે તું એની વર્તણુક જોજે.' મેરી રોબર્ટનો હાથ છોડીને દૂર જતાં બોલી.

મેરી રોબર્ટથી થોડીક જ દૂર ગઈ ત્યાં તો મેરીનું શરીર ઊંધી રીતે ઉપર ખેંચાઈ ગયું. મેરીના મોંઢામાંથી વેદનાભરી ભયકંર ચીસ નીકળી પડી. બધાએ ઉપર જોયું તો મેરીના બન્ને પગો કોઈક વેલાઓના ગાળીયામાં ફસાઈ ગયા હતા અને મેરી ઊંચે ઊંધી લટકી રહી હતી. વેલાઓના ગાળીયાઓના કારણે પગમાં વેદના થતી હતી એટલે મેરી ચીસો પાડ્યે જતી હતી.

"ગર્ગ મારી મેરીને બચાવી લે.' મેરીની આવી હાલત જોઈને રોબર્ટ રડી પડતા બોલી ઉઠ્યો.

"રોબર્ટ રડીશ નહીં. મેરીને કંઈ જ નહીં થાય. તું ધીરજ રાખ હું કંઈક કરું.' ગર્ગ રોબર્ટના ખભે હાથ મૂકીને આશ્વાશન ભર્યા અવાજે બોલ્યો.

(ક્રમશ)