Bhayank safar (afrikana jangaloni) - 15 in Gujarati Fiction Stories by જીગર _અનામી રાઇટર books and stories PDF | ભયાનક સફર (આફ્રિકાના જંગલોની) - 15

Featured Books
Categories
Share

ભયાનક સફર (આફ્રિકાના જંગલોની) - 15

ભેંદી ઘટના..
*********



આછું અંધારું ધીમે ધીમે ગાઢ થઇ રહ્યું હતું. માર્ટિન જગલમાંના એક તળાવ પાસે રોબર્ટ અને મેરીને લઈ આવ્યો. તળાવ જોતાં જ મેરી તો ખુશીથી નાચી ઉઠી. રોબર્ટ પણ ખુશ-ખુશ થઇ ગયો. પહેરેલ કપડે જ રોબર્ટ અને મેરી આનંદ સાથે નહાવા લાગ્યા.

"તમે બન્ને નાહી લો હું થોડોક દૂર બેઠો છું.' તળાવના પાણીમાં નાહી રહેલા રોબર્ટ અને મેરી સામે જોઈને માર્ટિન બોલ્યો.

"હા પણ તું અહીંયા આજુબાજુ જ રહેજે. પડાવ તરફ ચાલ્યો ના જતો. અમે નાહી રહ્યા પછી પડાવે સાથે જઈશું.' માર્ટિન સામે જોઈને રોબર્ટ બોલ્યો.

"હા હું અહીંયા જ આજુબાજુમાં હોઇશ. નાહી રહ્યા બાદ તમે મને ફક્ત એક બુમ પાડી દેજો એટલે હું આવી જઈશ.' માર્ટિન જંગલ તરફ જતાં બોલ્યો.

માર્ટિન ચાલ્યો ગયો એટલે રોબર્ટ અને મેરી એકબીજાની મસ્તી કરતા નાહવા લાગ્યા. તળાવના કિનારા પાસેના પાણીમાં બન્ને પકડા-પકડી રમવા લાગ્યા. રોબર્ટ મેરીને પકડવા દોડતો હતો પણ ચપળ મેરી એના હાથમાંથી છટકી જતી હતી અને એ રોબર્ટની તરફ હાથમાં પાણી લઈને રોબર્ટના શરીર ઉપર ફેંકતી હતી. આ પક્કડદાવ થોડીવાર ચાલ્યો આખરે બન્ને થાક્યા અને એકબીજાને આલિંગનમાં લઈને પાણીની બહાર નીકળ્યા.

"મેરી હવે જઈશું પડાવ તરફ ? તળાવના પાણીમાંથી બહાર નીકળીને રોબર્ટે મેરીને પૂછ્યું.

"તારે વધારે નાહવું હોય તો ફરીથી નાહી લઈએ તળાવમાં.' મેરી હસી પડતા બોલી.

"નથી નાહવું આટલું તો ઘણું થઇ ગયું.' રોબર્ટ તળાવ કિનારે બેસી પડતા બોલ્યો.

મેરી પણ રોબર્ટ પાસે બેસવા ગઈ હજુ એ નીચે તો બેઠી જ નહોતી અને તેની બાજુમાં બેઠેલો રોબર્ટ એકદમ ચીસ પાડીને જમીન ઉપર ઢળી પડ્યો. રોબર્ટના માથા ઉપર કોઈકે લાકડીનો ભયકંર પ્રહાર કર્યો હતો. આ ઘટના જોઈ એટલે મેરી મોટી ચીસ પાડીને એકદમ રોબર્ટની પાસે જ બેસી પડી.
અને એણે ડરેલા ચહેરે આજુબાજુ જોયું તો આજુબાજુ કોઈજ નહોતું. મેરી બીકની મારી માર્ટિન.. માર્ટિન. માર્ટિનના નામના સાદ કરવા લાગી. રોબર્ટના માથામાં લાકડી વગાડનાર આજુબાજુ દેખાઈ રહ્યો નહોંતો. એ રોબર્ટને લાકડી મારીને એકદમ ગાયબ થઈ ગયો હતો. મેરી તો ડરથી થર-થર કાંપવા લાગી અને જોરથી મોટા અવાજે રડવા લાગી.

"શું થયું મેરી ? કેમ રડે છે આટલી ઉતાવળી ? પાછળથી ગર્ગનો અવાજ સંભળાયો એટલે મેરીએ રડવાનું બંધ કરીને ગર્ગ સામે જોયું.

"ગર્ગ જુઓ રોબર્ટને પાછળથી કોઈક માથામાં લાકડી મારીને ક્યાંય ગાયબ થઇ ગયું.' મેરીએ આછા અંધારામાં બેભાન બનીને પડેલા રોબર્ટના માથામાં હાથ ફેરવીને ગર્ગને જવાબ આપ્યો.

"શું કહ્યું રોબર્ટને લાકડી મારી ગયું કોઈ ? મેરીની વાત સાંભળીને જલ્દી દોડી આવતો ગર્ગ બોલ્યો.

"હા જુઓ માથાના આખા ઉપરના ભાગ ઉપર સુજન ચડી ગયું છે.' મેરી એકદમ ઢીલા અવાજે બોલી. હજુ મેરીના ધ્રુસકા ચાલુ જ હતા.

"હા પણ કેવીરીતે અને કોણે મારી લાકડી રોબર્ટના માથામાં ?? રોબર્ટના માથા ઉપર ઉપસી આવેલું સુઝન જોઈને ગર્ગે મેરીને પ્રશ્ન કર્યો.

"કોઈક અંધારામાં અચાનક આવીને રોબર્ટના માથામાં લાકડીનો ઘા કરીને ભાગી ગયું.' મેરી ડરેલી નજરે આજુબાજુ જોતાં બોલી.

"તમારી સાથે પેલો માર્ટિન હતો એ ક્યાં ગયો દેખાતો નથી કેમ ? ગર્ગે આજુબાજુ નજર કરી તો એને ક્યાંય માર્ટિન દેખાયો નહીં એટલે એણે શંકાશીલ અવાજે મેરીને માર્ટિન વિશે પૂછ્યું.

"હું અને રોબર્ટ તળાવમાં નાહવા ઉતર્યા ત્યારે માર્ટિન તો જંગલ તરફ ગયા છે.' મેરીએ જવાબ આપ્યો. અને એ રોબર્ટના માથા સુજનવાળા ભાગ ઉપર હળવેથી હાથ ફેરવવા લાગી.

ગર્ગ વિચારોએ ચડ્યો. આમ અચાનક રોબર્ટને લાકડી મારીને કોણ ભાગી ગયું હશે ? શું એમની આસપાસ મસાઈ લોકોનો કોઈ માણસ આવી ગયો હતો ? આવા અનેક વિચારો ગર્ગના મગજમાં ઉદ્દભવવા લાગ્યા.

"મેરી હું થોડુંક પાણી લઈ આવું તળાવમાંથી પછી આપણે એ પાણી રોબર્ટના મોંઢામાં રેડીએ એટલે રોબર્ટ ભાનમાં આવી જાય.' રોબર્ટ પાસેથી ઉભા થઇ ગર્ગ તળાવ તરફ જતાં બોલ્યો.

ગર્ગ તળાવ તરફ જઈ રહ્યો હતો. પરંતુ એને કંઈક યાદ આવ્યું એટલે એ પાછો ફર્યો. અને આજુબાજુ નજર કરી એક મોટા પાંદડા વાળા છોડના પાંદડા તોડીને એણે બે ત્રણ પાંદડાઓને વડે પ્યાલા બનાવીને એમાં પાણી લઈ આવ્યો. પછી મેરીએ રોબર્ટનું મોં પહોળું કર્યું અને ગર્ગે રોબર્ટના મોંઢામાં પાણી રેડ્યું.

થોડીવાર પછી રોબર્ટે આંખો ખોલી. રોબર્ટે આંખો ખોલી એવી જ મેરી એકદમ રોબર્ટને ભેંટી પડી અને રડવા લાગી.
મેરી રડતી જ હતી. અને રોબર્ટની નજર ગર્ગ ઉપર પડી.

"ગર્ગ મારા માથામાં ભંયકર ફટકો કોઈકે માર્યો હતો. કોણ હતું એ ? ગર્ગને ત્યાં બેઠેલો જોઈને રોબર્ટે ગર્ગને પૂછ્યું.

"કોણ હતો એ તો મને પણ ખબર નથી.! હું તો શિકાર કર્યા બાદ પડાવે આવ્યો. પણ ત્યાં તમે લોકો હતા નહીં એટલે પછી એન્થોલીએ મને કહ્યું કે માર્ટિન સાથે રોબર્ટ અને મેરી કદાચ તળાવે ગયા હશે. ત્યારબાદ એન્થોલીએ મને તળાવ કઈ બાજુ છે એ દિશા બતાવી. પછી હું અહીંયા આવવા નીકળ્યો પણ અહીંયા આવ્યો ત્યારે તું બેભાન પડ્યો હતો અને મેરી બાજુમાં બેઠી-બેઠી રડી રહી હતી.' ગર્ગ બોલ્યો.

"પેલો માર્ટિન ક્યાં છે ? આજુબાજુ માર્ટિન દેખાયો નહીં એટલે રોબર્ટે ગર્ગને પૂછ્યું.

"હું અહીંયા આવ્યો ત્યારનો માર્ટિન પણ નથી અહીંયા ખબર નહીં ક્યાં ચાલ્યો ગયો.' ગર્ગ જવાબ આપતા બોલ્યો.

"રોબર્ટ હવે ચાલો પડાવે જઈએ. અંધારું વધારે જામી રહ્યું છે મને અહીંયા ડર લાગી રહ્યો છે.' મેરી ધ્રુજતા અવાજે બોલી.

"હા ચાલો.' રોબર્ટને પોતાના હાથ વડે ઉભો કરતા ગર્ગ બોલ્યો.

અંધારું હવે જામી રહ્યું હતું. ચંદ્ર હજુ આકાશમાં આવ્યો નહોંતો.રોબર્ટ,મેરી અને ગર્ગ ત્રણેય એમના પડાવ તરફ જઈ રહ્યા હતા. જયારે આ ત્રણેય જણ પડાવે પહોંચ્યા તો માર્ટિન પડાવની બહાર મોટી આગ સળગાવીને દૂર બેઠો હતો. એનાથી થોડેક દૂર ભાષાશાસ્ત્રી થોમસ એન્થોલી કોઈક અજીબ પ્રકારના જંગલી ફળને હાથમાં લઈને આમથી તેમ જોઈ રહ્યા હતા.

"માર્ટિન તું ક્યારે આવ્યો અહીંયા ? રોબર્ટે આવતાની સાથે જ માર્ટિનને પ્રશ્ન કર્યો.

"તું અને મેરી નાહી રહ્યા હતા ત્યારે જ હું ત્યાંથી અહીંયા આવવા નીકળી ગયો હતો.' માર્ટિને નીચેની તરફ જોઈને જમીન ખોદતાં-ખોદતાં બોલ્યો.

"શું થયું રોબર્ટ માથામાં ? રોબર્ટ માથામાં હાથ ફેરવતો હતો એ જોઈને એન્થોલીએ રોબર્ટને પૂછ્યું.

પછી રોબર્ટે આગળ તળાવમાં નહાવા પડ્યા ત્યાંથી માંડીને છેક એને લાકડીનો પ્રહાર કરીને કોઈકે એને બેભાન બનાવ્યો ત્યાં સુધીની બધી જ વાત રોબર્ટે જ્હોન અને એન્થોલીને કહી સંભળાવી. જ્હોન અને એન્થોલી અવાચક બનીને રોબર્ટે જે વાત કહી તે સાંભળી રહ્યા.

"હવે કોઈ એકલા ક્યાંય ના જતાં. જ્યાં જવુ હશે ત્યાં બધા સાથે જશે.' જ્હોન બધા સામે જોઈને બોલ્યો.

"હા અને કાલથી આપણી ભયાનક મુસાફરી શરૂ થશે. મસાઈ લોકોના વસવાટ વચ્ચેથી પસાર થવાનું છે. એટલે હવે આપણે ડગલે અને પગલે ખુબ જ સાવચેતી રાખવી પડશે.' એન્થોલી બોલ્યા.

ત્યારબાદ બધા જમવા બેઠા. જ્હોન અને એન્થોલીએ શિકાર કરીને જમવાનું તૈયાર કરી દીધું હતું. બધા જમીને સૂઈ ગયા. ગર્ગ એકલો આડો પડ્યો હતો પણ જાગતો હતો. એ વારે ઘડીએ શંકાશીલ નજરે માર્ટિન જે તરફ સૂતો હતો એ તરફ છૂપી રીતે જોઈ લેતો હતો.

(ક્રમશ)