bhayank safar (afrikana jangaloni) - 11 in Gujarati Fiction Stories by જીગર _અનામી રાઇટર books and stories PDF | ભયાનક સફર (આફ્રિકાના જંગલોની) - 11

Featured Books
Categories
Share

ભયાનક સફર (આફ્રિકાના જંગલોની) - 11

કાટ ખાયેલી પિસ્તોલ મળી.

*****************

રોબર્ટ, મેરી, જ્હોન અને ગર્ગ આછું અંધારું થવા આવ્યું ત્યારે માંડ માંડ નદી કિનારે પહોંચ્યા. જ્હોને એની પાસે રહેલી ચામડાની થેલીમાં પાણી ભરી બધાને પીવા માટે આપ્યું. બધાએ પાણી પી લીધા પછી જ્હોને એ ચામડાની થેલીમાં ફરીથી પાણી ભરી લીધું જેથી આગળની સફરમાં કામ લાગી શકે.

"જ્હોન હવે કઈ બાજુ જઈએ ? રાત પસાર કરવા માટે કોઈક સુરક્ષિત જગ્યા મળી જાય તો બધી ચિંતા અને થાક બન્ને ઉતરી જાય.' રોબર્ટે જ્હોન તરફ જોઈને કહ્યું.

"અંધારું તો થવા આવ્યું છે પણ થોડાંક આગળ વધીએ. જુઓ સામેની તરફ ત્યાં ઘટાદાર વૃક્ષો અને ઝાડીઓ ગીચ દેખાય છે. ત્યાં જો સારું હોય તો ત્યાંજ રાત વિતાવી લઈશું.' જ્હોન નદીકિનારાની ડાબી બાજુએ દૂર દેખાતી ઘટાટોપ વનરાજી તરફ હાથ લંબાવતા બોલ્યો.

રોબર્ટ અને ગર્ગે જ્હોને બતાવેલી દિશા તરફ જોઈને હકારમાં માથું ધુણાવ્યું અને પછી જ્હોનને અનુસરીને જ્હોનની પાછળ પાછળ જવા લાગ્યા. રોબર્ટ હવે લથડતા પગે ચાલતો હતો કારણ કે એ મેરીને ઊંચકીને ચાલી રહ્યો હતો એટલે એનું શરીર ધીમે ધીમે થકાન અનુભવી રહ્યું હતું.

"રોબર્ટ હવે મને નીચે ઉતારી દે હવે હું ચાલી શકીશ.' રોબર્ટની લથડતી ચાલનો અંદાજો મેરીને આવતા મેરી બોલી.

"ના ના હવે થોડેક જ દૂર છે હું ત્યાં સુધી તને ઉપાડીને સરળતાથી પહોંચી જઈશ.' રોબર્ટ પોતાના મોંઢા ઉપર આવેલી થકાનની રેખાઓ છુપાવતા બોલ્યો.

મેરી અને રોબર્ટની વાત સાંભળીને આગળ ચાલતા જ્હોને પાછળ ફરીને રોબર્ટની સામે જોયું. અનુભવી જ્હોને રોબર્ટના મોંઢા ઉપર છવાયેલા થકાનના હાવભાવ પકડી પાડ્યા.

"રોબર્ટ હવે મેરીને નીચે ઉતારી દે. હવે એને કંઈ જ નહીં થાય.' રોબર્ટ તરફ જોઈને જ્હોન બોલ્યો.

"પણ જ્યોર્જ.' રોબર્ટ ચિંતાભરી નજરે બોલ્યો.

"અરે ચિંતા ના કર.મેરીને કંઈ જ નહી થાય.' જ્હોન આત્મવિશ્વાસ ભરી નજરે રોબર્ટ સામે જોઈને બોલ્યો.

જ્હોનની વાત સાંભળીને રોબર્ટે મેરીને હળવેકથી નીચી ઉતારી. ગોળી વાગી ત્યારે મેરીના હાથમાંથી સારા એવા પ્રમાણમાં લોહી વહી ગયું હતું. એટલે એનું શરીર અશક્ત થઈ ગયું હતું. રોબર્ટે મેરીને નીચે ઉતારી મેરી રોબર્ટના સહારે ધીમે ધીમે આગળ ચાલવા લાગી.

જંગલીઓ સાથેની આ ક્પરી પરિસ્થિતિમાંથી ગુજર્યા બાદ ગર્ગના ચહેરા પર થોડીક કઠોરતા આવી ગઈ હતી. ગર્ગના સ્વભાવમાં પણ થોડોક બદલાવ આવ્યો હતો. ડરેલા સ્વભાવનો ગર્ગ હવે ડરમુક્ત બની ગયો હતો.

થોડાંક ચાલ્યા એટલે પેલી ગીચ વનરાજી આવી ગઈ. ચાર મજબૂત વૃક્ષો વચ્ચે ચાર પાંચ જણા આરામથી સૂઈ શકે એવી જગ્યા હતી. જ્હોને પોતાનો થેલો ત્યાં નીચે મુક્યો. ગર્ગે પણ પોતાના હાથમાં રહેલી રાઇફલ નીચે સુધી નમેલી ઝાડની ડાળીએ લટકાવી. પછી ગર્ગ અને જ્હોનને ઝડપથી એ જગ્યાને સાફસુથરી બનાવી નાખી.

"રોબર્ટ તું મેરીને એક બાજુ બેસાડ. હું અને ગર્ગ આ સૂકા ઘાસની પથારી બનાવી દઈએ એટલે રાત આરામથી વિતાવી શકાય.' જ્હોન રોબર્ટ અને મેરી તરફ જોતાં બોલ્યો.

રોબર્ટ અને મેરીએ જ્હોન સામે જોઈને સ્મિત કર્યું. પછી રોબર્ટે મેરીને ટેકો આપીને નીચે બેસાડી. જ્હોન અને ગર્ગ આજુબાજુથી સૂકું ઘાસ ભેગું કરવાં લાગ્યા. સારા પ્રમાણમાં ઘાસ ભેગું થઈ ગયા પછી ગર્ગ આજુબાજુથી પાતળા વેલાઓ તોડી લાવ્યો અને એણે ઘાસને વેલાઓ સાથે ગૂંથીને એક વિશાળ પથારી તૈયાર કરી.પછી ત્રણેય મિત્રોએ એ પથારીને ચારેય ઝાડના થડ વચ્ચે બરોબર ગોઠવી. ત્યારબાદ જ્હોને પોતાના થેલામાંથી એક વિશાળ લાંબી ચાદર બહાર કાઢી અને તૈયાર કરેલી ઘાસની પથારી ઉપર બિછાવી દીધી.

"ગર્ગ તું અને રોબર્ટ આ ચારેય થડ સાથે ડાળીઓ તોડીને વેલાઓ વડે બાંધી દો એટલે આપણી ઝૂંપડી તૈયાર થઈ જાય. હું આજુબાજુથી કંઈ ખાવાનું મળે તો શોધી આવુ.' જ્હોન પોતાની રિવોલ્વર હાથમાં લેતા ગર્ગ અને રોબર્ટ સામે જોઈને બોલ્યો.

અંધારું થઈ ગયું હતું એટલે આ કામ કરવું અશક્ય લાગતું હતું. ગર્ગે જ્હોનના થેલામાંથી દીવાસળીની પેટી કાઢીને બહાર તાપણું સળગાવ્યું. જેના પ્રકાશમાં કામ થઈ શકે એવા આશયથી. રોબર્ટ ડાળીઓ તોડીને લાવવા લાગ્યો અને ગર્ગ વેલાઓ વડે એને ચારેય ઝાડના થડ સાથે બાંધવા લાગ્યો થોડીવારમાં તો જાણે નાનકડી ઝૂંપડી હોય એવી રચના તૈયાર થઈ ગઈ. અંદર જવા માટે થોડોક ભાગ ખુલ્લો રાખવામાં આવ્યો.

ચપળ જ્હોને અંધારામાં પણ એક નાનકડા પ્રાણીનો શિકાર કરી નાખ્યો. અને થોડાંક ફળો તથા કંદમૂળ જે મળ્યા એ લઈ આવ્યો.

"શાબાશ.! આ તાપણામાં આ પ્રાણીને સારી રીતે શેકી શકાશે.' ગર્ગે સળગાવેલું તાપણું જોતાં જ જ્હોન ખુશ થતાં બોલી ઉઠ્યો. અને થોડીક વારમાં તો એ સળગતા તાપણા ઉપર વધારે લાકડાઓ નાખીને જ્હોને એ પ્રાણીને શેકી નાખ્યું.

પ્રાણીને શેકી નાખ્યા બાદ જ્હોને લાવેલા ફળોમાંથી જે રસવાળા ફળો નહોતા એમના નાના નાના ટુકડાઓ કર્યા પછી એ પ્રાણીના નાના નાના ટુકડાઓ કર્યા ત્યારબાદ બન્નેની ભેળસેળ કરીને એક જોરદાર વાનગી જ્હોને તૈયાર કરી.

ગર્ગ બહાર હતો. એણે ઠંડા પડી રહેલા અગ્નિ ઉપર થોડાંક લાકડાઓ નાખીને એ અગ્નિને સળગતો રાખ્યો. ત્યારબાદ જ્હોન અને ગર્ગ પોતે બનાવેલા ભોજન સાથે થોડાંક જ સમય પહેલા બનાવેલી એમની ઝૂંપડીમાં ઘુસ્યા. અંદર જઈને મેરી અને રોબર્ટ સાથે તૈયાર થયેલું ખાણું આરોગવા લાગ્યા.

આજે ચારપાંચ દિવસ પછી આવુ તાજું અને સ્વાદિષ્ટ ભોજન મળ્યું હતું એટલે બધા ભોજન ઉપર તૂટી જ પડ્યા. જ્હોને એની કોઠાસૂઝથી પહેલાથી જ ભોજન વધારે પ્રમાણમાં બનાવ્યું હતું એટલે ચારેય જણા ધરાઈ ગયા પછી પાણી પીને બધાએ તૃપ્ત થયાનો ઓડકાર ખાધો.

"રોબર્ટ મને ઊંઘ આવે છે.' રોબર્ટના ખભા ઉપર પોતાનું માથું ઢાળી દેતા મેરી બોલી.

"હા વ્હાલી તને સરખી રીતે સુવડાવી દઉં.' આમ કહીને રોબર્ટે મેરીને પથારી ઉપર સુવડાવી એ પણ બાજુમાં સૂતો અને રોબર્ટના ડાબા હાથને ઓશીકું બનાવી મેરી થોડીક વારમાં તો ઘસઘસાટ ઊંઘી ગઈ. રોબર્ટ વહાલભરી નજરે ભર ઊંઘમાં સુતેલી પોતાની પ્રેમિકાને જોઈ રહ્યો.

ગર્ગ બહાર ગયો અને બહારના ઝાડ ઉપર લટકાવેલી પોતાની રાઇફલ અને જ્હોનનો થેલો અંદર લઈ આવ્યો પછી જ્હોન અને ગર્ગ પણ ઘાસની પથારીના એક બાજુના છેડે સૂઈ ગયા. જંગલીઓ સાથેની અથડામણમાં બધા થાકી ગયા હતા એટલે થોડીક વારમાં નિદ્રાએ બધાને વશમાં કરી લીધા.

આજે ચંદ્રમા પૂર્ણપણે આકાશમાં ખીલી ઉઠ્યો હતો એની ચાંદની આ જંગલની ધરતી ઉપર ફેલાઈ રહી હતી.

રાત વહી ગઈ સવાર પડી. આકાશમાં સૂર્યનું આગમન થઈ ચૂક્યું હતું. સૌથી પહેલા ગર્ગ ઉઠ્યો અને એ બહાર આવ્યો. શરીરમાંથી આળસને દૂર કરવા માટે એણે શરીરને આમ તેમ મરોડયુ. પછી જંગલ તરફ જોવા લાગ્યો. ત્યાં એને થોડેક દૂર એને કંઈક વસ્તુ ચળકતી હોય એવો આભાસ થયો પહેલા એને લાગ્યું કે એને કોઈક ભ્રમ થયો લાગે છે ફરીથી એણે આંખો ચોળીને એ દિશામાં જોયું તો ભ્રમ નહોંતો સાચેજ કંઈક નાનકડી વસ્તુ જમીન ઉપર પડી પડી ચળકી રહી હતી. એણે ઝડપથી એ વસ્તુ તરફ ડગ માંડ્યા.

ગર્ગ એ વસ્તુ પાસે પહોંચ્યો અને એ વસ્તુ જોતાં જ ગર્ગ ચોંકી ઉઠ્યો એ વસ્તુ કાટ ખાધેલી પિસ્તોલ હતી.આગળના ભાગ તરફથી અડધી જમીનમાં દટાયેલી હતી. ગર્ગે ઝડપથી વાંકા વળીને એ પિસ્તોલને જમીનમાંથી ખેંચી કાઢીને પોતાના હાથમાં લીધી. પિસ્તલોની મુઠ ઉપરના થોડોક ભાગ ઉપર સ્ટીલની પાતળી પટ્ટી જડેલી હતી જે સૂર્યના કિરણોમાં ચમકી રહી હતી.

પણ આ પિસ્તોલ અહીંયા ક્યાંથી આવી ? આ પ્રશ્ન ગર્ગના મનને મૂંઝવવા લાગ્યો.

(ક્રમશ)