Dhup-Chhanv - 9 in Gujarati Fiction Stories by Jasmina Shah books and stories PDF | ધૂપ-છાઁવ - 9

Featured Books
Categories
Share

ધૂપ-છાઁવ - 9

વિજયે પોતાની જીવનકહાનીની શરૂઆત કરતાં કહ્યું કે, " લક્ષ્મી, હું તને ક્ષણવાર માટે પણ ભૂલી શક્યો નથી, તું અને મારાં બંને બાળકો મને જીવથી પણ વધારે વ્હાલાં છો. બસ, પરિસ્થિતિનો સામનો ન કરી શક્યો અને માટે ભાગી છૂટયો હતો તારો અને મારાં બંને બાળકોનો હું ગુનેગાર છું. વિચાર્યું હતું કે થોડાઘણાં પૈસા કમાઈ લ‌ઈશ પછી તમારી લોકોની પાસે પાછો ચાલ્યો આવીશ, પણ તકદીરે મારું ધાર્યું થવા ન દીધું, મારું તકદીર મને છેક ક્યાંથી ક્યાં ખેંચી ગયું..!! અને હું તેની પાછળ બસ ખેંચાતો જ ગયો, ખેંચાતો જ ગયો. તેણે મને જેમ દોડાવ્યો તેમ હું દોડતો જ રહ્યો બસ દોડતો જ રહ્યો, ખૂબ દોડ્યો, ખૂબ દોડ્યો. બસ, હવે થાકી ગયો છું. જીવનની આ સંધ્યાએ તને અને છોકરાઓને જોવાની એક તીવ્ર ઈચ્છા હતી. અને એ તમન્ના દિલમાં લઈને બસ ઈશ્વરે જેમ જીવાડ્યો તેમ જીવતો ગયો..!! "

વિજયે પોતાના જીવનની આખી વાત લક્ષ્મીને જણાવતાં વધુમાં ઉમેર્યું કે, " મારી નિલીમા સાથે લગ્ન કરવાની જરા પણ ઈચ્છા ન હતી પરંતુ અભય શેઠે મારી ઉપર વિશ્વાસ મૂકીને કરોડોનો બિઝનેસ મારે નામે કર્યો હતો અને મૃત્યુની છેલ્લી ક્ષણે નિલીમાનો હાથ મારા હાથમાં સોંપીને તમામ મિલકતનો મને માલિક અને પોતાનો મને જમાઈ બનાવ્યો હતો.આમ, તને અને બંને બાળકોને મળવાની ચાહના હ્રદયના ખૂણામાં ધકેલીને, જિંદગીની નવી શતરંજી બાજી હું ખેલતો ગયો..!! આજે હું ન્યુયોર્કનો ટોપ બિઝનેસમેન છું પરંતુ તારી આગળ તને પ્રેમ કરતો, તને મળવાને ઝૂરતો, તારો ગુનેગાર એવો તારો લાચાર પતિ વિજય છું. કદાચ,‌ હવે મૃત્યુ પણ આવે તો કોઈ ગમ નથી. " અને એકજ શ્વાસે વિજય આ બધુંજ બોલી ગયો. તેણે વર્ષોથી ભીતરમાં દટાયેલી પોતાની લાગણીઓને આજે જાણે વાચા આપી હોય તેમ..!!
પોતાના બંને સંતાનો અપેક્ષા અને અક્ષત અત્યારે ક્યાં છે..?? અને શું કરે છે..?? તેમ પણ તેણે પૂછ્યું...

અને લક્ષ્મીએ પ્રેમપૂર્વક વિજયના હોઠ ઉપર હાથ મૂકી દીધો અને આંખોમાં એક અનેરી પ્રેમની ચમક અને પ્રેમની ચાહનાના ભાવ સાથે બોલી, " મરે તમારા દુશ્મન તમને શું કરવા કંઈ થાય..!! હું પણ તમારી, ચાતક જેમ વરસાદની રાહ જુએ તેમ રાહ જોઈ રહી હતી.

મારો અંતરાત્મા મને રોજ કહ્યા કરતો હતો કે તારો વિજય સહી સલામત છે અને તને ખૂબજ પ્રેમ કરે છે. એક દિવસ તને મળવા માટે તે અચૂક આવશે. અવારનવાર તમારા મિત્રને તમારા વિશે પૂછ્યા કરતી હતી. અને તમારા સમાચાર ન મળતાં ખૂબજ દુઃખી થઈ જતી હતી.

અપેક્ષા અને અક્ષતે ખૂબ જ દુઃખ વેઠ્યું છે. અપેક્ષા અને અક્ષત નું બાળપણ ખૂબ જ તકલીફોમાં પસાર થયું છે એક એક પૈસાની કિંમત તેમને બાળપણમાં જ સમજાઈ ગઈ હતી. જીવનની ખરાબમાં ખરાબ પરિસ્થિતિમાંથી અમે ત્રણેય પસાર થયા છીએ કેટલાય દિવસો ભૂખ્યા રહેવાનો પણ અમારે વારો આવ્યો હતો. પણ આપણા બંને બાળકોએ km ક્યારેય કોઈ ની આગળ હાથ ફેલાવ્યા નથી આસપાસ વાળા લોકોના ઘરના કામ કરીને મેં અપેક્ષાને અને અક્ષતને પાળી-પોષીને અને ભણાવી-ગણાવીને સમાજમાં ઊભા રહેવા માટે કાબેલ બનાવ્યા છે. અપેક્ષાએ મને ખૂબ જ સાથ આપ્યો. અપેક્ષા હરેક ક્ષણે અને જીવનની દરેક પરીક્ષામાં સતત મારી સાથે રહી.

તકલીફો ભર્યું આજીવન જીવીને હું પણ હવે થાકી ગઈ છું જીવનની સંધ્યાએ તમે મળ્યા તેનો આનંદ કંઈક અનેરો જ છે કદાચ, મારી એ વેદના તમે નહીં સમજી શકો. જો સમજી શક્યા હોત તો આમ છોડીને ચાલ્યા ગયા ન હોત..!! ખેર, હવે જે થયું તે..!!

આપણો અક્ષત અત્યારે યુ.એસ.એ.માં છે, વેલસેટ છે. મને પણ ત્યાં બોલાવે છે પણ જવાની ઈચ્છા થોડી ઓછી હતી તેથી હું ન ગઈ... અક્ષત યુ.એસ.એ. કઈરીતે પહોંચ્યો..?? તેણે લગ્ન કર્યા કે નહિ..?? વધુ આગળના પ્રકરણમાં....

~ જસ્મીન