રેમન્ડો પ્રવેશ્યો તિબ્બુરના મહેલમાં.
********************
ભોંયરામાં અજવાળું આવ્યું. હવે બધાને એકબીજાના ચહેરા દેખાવા લાગ્યા. રેમન્ડોના ઉદાસ ચહેરા ઉપર હવે થોડીક ચમક આવી. ભોંયરાનું આગળનું મુખદ્વાર હતું ત્યાં મોટો પથ્થર મૂકીને ભોંયરું બંધ કરી દેવામાં આવ્યું હતું. ભોંયરાના મુખદ્વારના એક ખૂણામાં થોડુંક પોલાણ રહી ગયું હતું એટલે રેમન્ડોના સૈનિકોને નાનકડું બાકોરું પાડવામાં સફળતા મળી.
"હવે ઉતાવળ કરવી પડશે. જો તિબ્બુરના સૈનિકોને આપણી ઘુષણખોરી અંગેની ખબર પડી તો આપણને કિલ્લાની અંદર પ્રવેશતા અટકાવી દેશે.' વળી ગયેલી ભાલાની અણી ઉપર હાથ ફેરવતો આર્ટુબ બોલ્યો.
"હા, ઉતાવળ કરીને આપણે આ પથ્થર ખસેડી દઈએ જલ્દી.એટલે કિલ્લામાં પ્રવેશવાનો માર્ગ મોકળો થઈ જાય' સરદાર સિમાંન્ધુએ આર્ટુબની વાતને સમર્થન આપતા કહ્યું.
સરદાર આગળ આવ્યા. હિર્યાત,રેમન્ડો,આર્ટુબ તથા બીજા ચાર પાંચ મજબૂત સૈનિકો પથ્થર ખસેડાવવામાં મદદ કરવા લાગ્યા. ભોંયરાના મુખદ્વાર આગળ મુકેલો પથ્થર ખુબ જ વિશાળ હતો. એને ભોંયરાના મુખદ્વાર આગળથી ખસેડવામાં બધાના પરસેવા છૂટી ગયા.
પથ્થર ખસેડાતા જ ભોંયરાનું મુખદ્વાર ખુલ્લું થયું. ભોંયરાનું મુખદ્વાર ખુલતાની સાથે જ સરદાર સિમાંન્ધુ અને રેમન્ડો બધા સૈનિકો સાથે કિલ્લામાં આવેલા તિબ્બુરના મહેલના પાછળના ચોગાનમાં આવી પહોંચ્યા. ચોગાનમાં એક વૃક્ષના છાંયડે તિબ્બુરના બે સૈનિકો આરામથી ગપ્પા મારી રહ્યા હતા. રેમન્ડો એના સૈનિકો સાથે ચોગાનમાં પહોંચ્યો એનો અવાજ સાંભળીને તિબ્બુરના બંને સૈનિકોનું ધ્યાન રેમન્ડો સાથે આવેલા સૈનિકો તરફ ગયું. એ બન્ને જણ રેમન્ડો સાથે આવેલા ઘણાબધા સૈનિકોને જોઈને ગભરાઈ ગયા. એમણે ઉભા થઈને ભાગી જવા માટે દોટ મૂકી. પણ હવે એમનું બચવું મુશ્કેલ હતું. હિર્યાત અને આર્ટુબે ભાગી રહેલા તિબ્બુરના બન્ને સૈનિકોને ભાલાનો છુટ્ટો ઘા કરીને વીંધી નાખ્યા. તિબ્બુરના બન્ને સૈનિકો અહીંયા જ મરણને શરણ થઈ ગયા.
મહેલનું પાછળનું ચોગાન વધારે વિશાળ નહોતું. મહેલ પાંચ માળનો હતો. અને એમાં લગભગ ચાલીસથી વધારે ખંડો હતા. મહેલના ત્રીજા માળના એક ખંડની બારી ખુલ્લી હતી. અને એમાંથી બે સ્ત્રીઓ નીચે ઉભેલા રેમન્ડો અને એમના સૈનિકો તરફ જોઈ રહી હતી.
"રેમન્ડો ઉપરથી આપણને કોઈક જોઈ રહ્યું છે.' મહેલના ત્રીજા માળની ખુલ્લી બારી તરફ ઇસારો કરીને હિર્યાત બોલ્યો.
રેમન્ડોએ ઉપર તરફ નજર કરી. અને મહેલની બારીમાંથી એમના તરફ જોઈ રહેલી સ્ત્રી તરફ તાકી રહ્યો. ત્યાં તો ઉપરથી પેલી સ્ત્રીએ કંઈક પ્રવાહી રેમન્ડો ઉપર રેડ્યું. એ પ્રવાહીનું એક છાંટું રેમન્ડોના ઉઘાડા મોંઢામાં રહેલી જીભ ઉપર પડ્યું. જીભ ઉપર પડેલા ટીપાંનો સ્વાદ રેમન્ડોને મદિરા જેવો લાગ્યો. થોડીવાર પછી ઉપરથી પેલી સ્ત્રીએ એક પ્યાલી પણ નીચે ફેંકી. બારીમાંથી નીચે તાકી રહેલી સ્ત્રીએ પહેલા પ્યાલીમાંની મદિરા રેમન્ડો ઉપર ફેંકી. પછી પ્યાલી ખાલી થઈ જતાં એ પ્યાલી પણ એણે નીચે ફેંકી. એ સ્ત્રીના આવા વર્તન ઉપરથી રેમન્ડોને ખ્યાલ આવ્યો કે એ સ્ત્રી નક્કી મદિરાના નશામાં ચકચૂર હશે.
"લાગે છે કે તિબ્બુરની કોઈક રાણીએ વધારે પડતી મદિરા પી લીધી છે.' બારીમાંથી નીચે જોઈ રહેલી સ્ત્રી તરફ જોઈને ખંધુ હસતા રેમન્ડો બોલ્યો.
"હા લાગે તો છે એવું જ.! એ નક્કી નશામાં જ છે નહિતર આપણને જોઈને એણે ડરની મારી બારી બંધ કરી દીધી હોત.' સરદાર સિમાંન્ધુ બોલ્યા. અને પછી એમણે ખભેથી તીર કામઠું ઉતારીને કામઠાં ઉપર એક તીર ચડાવ્યું અને બારીનું નિશાન લઈને સુસવાટા કરતું તીર છોડ્યું. તીર બારી પાસે પહોંચ્યું કે તરત જ પેલી સ્ત્રી મોટા અવાજે ચીસ પાડીને મહેલની અંદર ઢળી પડી. રેમન્ડો, હિર્યાત અને આર્ટુબ અસંમજ ભરી નજરે સરદાર સિમાંન્ધુ તરફ તાકી રહ્યા. સરદારે છોડેલું તીર એ સ્ત્રીને વાગ્યું હશે કે નહિ એ વાતની તેઓ ખાત્રી કરી શક્યા નહોતા.
"સરદાર એક સ્ત્રી ઉપર તમે તીર ચલાવ્યું ?' આર્ટુબે સરદારને પ્રશ્ન કર્યો.
"અરે મૂર્ખ, મેં એને મારી નથી નાખી.! ફક્ત એની ગરદન પાસેથી જ મારું તીર પસાર થયું છે.' સરદાર સિમાંન્ધુ આર્ટુબ સામે જોઈને આર્ટુબે પોતાના ઉપર લગાવેલો સ્ત્રીહત્યાનો આક્ષેપ નકારી કાઢતા કહ્યું.
આ ઉંમરે પણ સરદાર સિમાંન્ધુ શ્રેષ્ઠ તીરંદાજ હતા. એ વૃક્ષ ઉપરથી ખરીને નીચે પડી રહેલા વૃક્ષના પાંદડાને પણ વીંધી નાખતા. સરદાર સિમાંન્ધુની ઉંમર વધી હતી બાકી એમની તાકાત અને એમની જોવાની દ્રષ્ટિ કમજોર બની નહોતી. રેમન્ડો,હિર્યાત, આર્ટુબ તથા એમના સૈનિકો માનભરી નજરે સરદાર સિમાંન્ધુ તરફ જોઈ રહ્યા.
"પિતાજી આ બારીએ થઈને મહેલની અંદર પ્રવેશ કરીએ તો આપણને યુદ્ધ લડવામાં સરળતા રહેશે.' છવાયેલી ચુપકીદીનો ભંગ કરતા રેમન્ડો બોલ્યો.
"હા.. આ બારીમાં થઈને મહેલની અંદર ઘુસીએ તો તિબ્બુરને જીવતો પકડવામાં આપણને સરળતા રહેશે. પણ આ બારી સુધી ચડવું કેવીરીતે ?' બારી તરફ ઊંચે નજર કરતા સરદાર સિમાંન્ધુ બોલ્યા.
આટલા બધા સૈનિકો સાથે ત્રીજા માળે આવેલી બારીએ થઈને મહેલમાં ઘુસવું એ ખુબ જ કપરું કામ હતું.
"આપણી પાસે કોઈ મજબૂત દોરડું પણ નથી નહીંતર આ બારી સુધી ચડવામાં મદદરૂપ થાત.' આર્ટુબ થોડુંક વિચારીને બોલ્યો.
"દોરડું તો છે. જયારે આપણે આ ચોગાનમાં પ્રવેશ્યા ત્યારે ડાબી તરફના ભાગમાં કેટલાક ખચ્ચરો બાંધેલા હતા એ ખચ્ચરો પાસે લાબું અને મજબૂત દોરડું પડેલું મેં જોયું હતું.' રેમન્ડોનો એક સૈનિકો બોલ્યો.
"પાક્કું જોયું જ છે ને તે દોરડું ?' સરદાર સિમાંન્ધુએ પાક્કી ખાત્રી કરવાં ફરીથી એ સૈનિકને પૂછ્યું.
"હા, સરદાર ત્યાં લાંબું દોરડું પડ્યું છે.' પેલા સૈનિકે વિનમ્રતાથી જવાબ આપ્યો.
"હિર્યાત તું બીજા ચારપાંચ સૈનિકોને લઈને જલ્દી ખચ્ચરો બાંધેલા છે ત્યાં જા. અને દોરડું લઈ આવ.' રેમન્ડો હિર્યાત સામે જોઈને આજ્ઞા સૂચક સ્વરે બોલ્યો.
રેમન્ડોની આજ્ઞા થતાં જ હિર્યાત બીજા ચાર-પાંચ સૈનિકોને લઈને ખચ્ચરો જ્યાં બાંધેલા હતા ત્યાં દોરડું લેવા નીકળી પડ્યો. રેમન્ડો છૂપી રીતે મહેલમાં ઘૂસવાની બીજી યુક્તિઓ વિચારવા લાગ્યો. આ તો સારું થયું હજુ તેઓ કિલ્લામાં ઘુસ્યા એ વાતની તિબ્બુર અને તિબ્બુરના સૈન્યને ખબર નહોતી નહિતર ક્યારનુંય ઘમસાણ યુદ્ધ જામી ચુક્યુ હોત.
થોડીવારમાં તો દોરડું લેવા ગયેલો હિર્યાત એના સૈનિકો સાથે દોરડું લઈને પાછો ફર્યો.
"હમ્મ.. મજબૂત છે, તુટશે પણ નહિ. સરળતાથી આપણે ઉપર ચડી શકીશું.'સરદાર સિમાંન્ધુ દોરડાને સારી રીતે ચકાસીને બોલ્યા.
"પિતાજી દોરડું તો આવી ગયું પણ એને ઉપર બાંધશુ કેવીરીતે ?' રેમન્ડોએ સરદાર સિમાંન્ધુને પૂછ્યું.
"હા, ઉપર કોઈક મજબૂત આધાર સાથે બાંધ્યા સિવાય ઉપર ચડવું અશક્ય છે!' આર્ટુબે પણ સરદાર સામે જોઈને કહ્યું.
રેમન્ડો અને આર્ટુબની વાત સાચી હતી. મહેલની દીવાલ એકદમ લીસ્સી હતી એટલે ઉપર ચડી શકાય એમ જ નહોતું. અને જો દોરડું ઉપર બંધાય નહિ તો ઉપર ચડવું કેવીરીતે.!! પણ સરદાર સિમાંન્ધુ બળની સાથે બુદ્ધિશાળી પણ હતા. એમણે આ મુશ્કેલીની પણ એક યુક્તિ ઘડી કાઢી.
"આર્ટુબ મને એક સારો ભાલો આપ.' સરદાર આર્ટુબ તરફ જોતાં બોલ્યા.
સરદારે ભાલો શા માટે માંગ્યો એ વાતની રેમન્ડો,આર્ટુબ, હિર્યાત તથા અન્ય સૈનિકોને પડી નહિ. સરદારે કહ્યું એટલે આર્ટુબે પોતાના હાથમાં રહેલો ભાલો સરદારને આપ્યો.
સરદાર ભાલાથી શું કરશે એ જોવા માટે બધાના ચહેરા ઉપર જિજ્ઞાસા છવાયેલી હતી.
સરદાર સિમાંન્ધુએ આર્ટુબ પાસેથી ભાલો લઈને ભાલાના પાછળના છેડે પેલું દોરડું બાંધ્યું. અને પછી જેટલું દોરડું લાંબું હતું એ બધા જ દોરડાને એક સૈનિક પાસે ત્યાં ચોગાનમાં લાંબું કરાવી દીધું. સરદાર શું કરી રહ્યા છે એ બધાના વિચારોની બહાર હતું. બધા રસપૂર્વક સરદાર શું કરશે એ જોઈ રહ્યા હતા. દોરડું લાંબું થઈ ગયા પછી સરદારે પોતાની પુરી તાકાત લગાવીને દોરડું જે ભાલા સાથે બાંધેલું હતું એ ભાલો બારી તરફ ફેંક્યો. ભાલો બારીના મજબૂત સળિયાઓ વચ્ચેની જગ્યામાં થઈને મહેલ એ ઓરડામાં ઘૂસી ગયો. હવે ભાલો દોરડાને ગમે તેમ નીચેની તરફ ખેંચીએ છતાં નીચે આવે એમ નહોતો. દોરડું મહેલના ત્રીજા માળની બારીથી લઈને જમીન સુધી નીચે લટકતું હતું.
બધા સરદારની બળ અને બુદ્ધિ જોઈને વાહ વાહ પુકારી ઉઠ્યા. રેમન્ડો તો દોડીને એના પિતાજીને ભેંટી જ પડ્યો. પછી બધા એ દોરડા વડે ઉપર ચડવા લાગ્યા. લગભગ ચાર-પાંચ સૈનિકો ચડવાના બાકી હતા ત્યાં તો તિબ્બુરના સૈન્યની એક ટુકડી મહેલના પાછળના ચોગાનમાં આવી પહોંચી. પછી એ ટુકડી અને રેમન્ડોના જે ચાર પાંચ સૈનિકો નીચે રહ્યા હતા એમની વચ્ચે યુદ્ધ જામ્યું.
(ક્રમશ)