Mangal - 31 in Gujarati Detective stories by Ravindra Sitapara books and stories PDF | મંગલ - 31

Featured Books
Categories
Share

મંગલ - 31

મંગલ
Chapter 31 – વહાણની વારે
Written by Ravikumar Sitapara

ravikumarsitapara@gmail.com
M. 7567892860







-: પ્રસ્તાવના :-
નમસ્કાર
Dear Readers,

દરિયાઈ સાહસિક નવલકથા – ‘મંગલ’ નાં એકત્રીસમાં ભાગમાં આપનું સ્વાગત છે. અત્યાર સૂધી આપણે જોયું કે નિર્જન ટાપુ પર એકલો પડી ગયેલો મંગલ અને આ બાજુ ધાની એકબીજાનાં વિયોગમાં કઈ રીતે જીવે છે. ધાની કેટલીય મુશ્કેલી સહન કરીને પરિવારની તમામ જવાબદારીઓ માથે ઉઠાવે છે. વિરહની અગ્નિમાં તપીને તેઓનો પ્રેમ શુદ્ધ થાય છે. તેમનાં પ્રેમની અગ્નિપરીક્ષામાં શું તેઓ સફળ થઈ શકશે ? શું ફરીથી તેઓ મળી શકશે ? આગળ શું થશે તે જાણવા માટે વાંચો...
દરિયાની રોમાંચક સફર કરાવતી દરિયાઈ સાહસિક નવલકથાનું એકત્રીસમું પ્રકરણ
મંગલ Chapter 31 – વહાણની વારે




Chapter 31 – વહાણની વારે
ગતાંકથી ચાલુ
ત્રણ વર્ષ આમ ને આમ વીતી ગયા. રોજ તે હોડી લઈને કોઈ વહાણની આશામાં દરિયામાં જાય અને ત્યાંથી વીલા મોઢે પાછો ફરે. એક વખત તો કંટાળીને તે વિચારવા લાગ્યો કે તેણે પોતાની આખી જિંદગી શું અહીં જ કાઢવાની છે ? એવો શું ગુનો કર્યો કે તેને આવી એકલતા ભોગવવાની સજા મળી રહી છે ? દરિયાદેવે તેને શા માટે જીવાડ્યો હશે ? પોતાને કેમ પોતાનાં ઉરમાં સમાવી ન લીધો ? પોતાનાં પેટમાંથી ઉઠતાં જળ તાંડવ તો સૌને પોતાની અંદર સમાવી લેવા સક્ષમ હોય છે, અને પોતે તો દરિયાનાં ઝંઝાવાતી મોજાઓ અને ભયંકર પવનો સામે બાથ ભીડી રહ્યો હતો. તો પછી દરિયાદેવે પોતાનાં ખોળિયામાં કેમ ના લઈ લીધો ?

‘ત્યાં માડી અને ધાની પર શું વીતતી હશે ? કેમ તેઓ ઘર ચલાવતા હશે ? કેવા અરમાનો હતા મારા કે હું મારી દીકરી માટે કંઈક કરીશ પણ મેં તો એને જોઈ જ નથી. કેવો અભાગિયો બાપ છું હું ! તેઓને મારી કંઈ ખબર તો પડી હશે ને ? શું ખબર પડી હશે ? હું ખોવાયો છું કે પછી મરી ગયો હોઈશ ? દુનિયા માટે હું જીવું છું કે મરી ગયો એ જ ખબર નથી પડતી.’ મનમાં તે બબડ્યો. તે ફરીથી વિચલિત થઈ ગયો. ક્યારેક તો તે પોતાનો જીવ જ લઈ લેવા બેબાકળો બન્યો પણ એ સાહસી જીવ માટે તો મરણ સરળ હતું અને જીવવું જ મોટું જોખમ. એ તો રહ્યો જોખમ ખેડવા જ જન્મેલો જીવ ! એ તો જીવ્યે જ છૂટકો.

તે સૂતા સૂતા જ અફાટ આકાશને નીરખી રહ્યો. જે રીતે માઈલો દૂર પોતાનાં દેશથી દૂર બીજા દેશમાં ભ્રમણ કરી રહેલા યાયાવર પક્ષીઓ સમય પૂરો થતાં માર્ગ ભૂલ્યા વગર અંતે પોતાનાં સ્થાને અવશ્ય પહોંચે છે, જે રીતે નદીઓ પોતાનાં માર્ગ ભૂલ્યા વગર પોતાનાં ગંતવ્ય સ્થાનથી કેટલીય અડચણો વચ્ચે સમુદ્ર સાથે મળે છે, તે રીતે તે પણ પોતાનાં ઘરે જશે, અવશ્ય જશે. કોઈ પણ અડચણ આવશે તો તેની સાથે લડશે પણ પાછો જશે એવો આત્મવિશ્વાસ તેણે કેળવ્યો. ફરીથી જવા માટે શું કરવું એની મથામણમાં તે પોતાનાં કામમાં પાછો પડી ગયો.

એક દિવસ તે રાંધવા માટે લાકડા ભેગા કરી રહ્યો હતો. પવન રોજ કરતાં થોડી તેજ ગતિથી ફૂંકાઈ રહ્યો હતો. તે ટાપુની અંદરનાં ભાગે આવેલી નાનકડી ટેકરીની ધાર પર ચડ્યો અને સમુદ્રની ચારે બાજુ જોવા લાગ્યો. તેને ત્રણ વર્ષ પહેલાનું ભયંકર તોફાન યાદ આવી ગયું. જો કે એ તોફાન એવું તો ન હતું પણ દરિયાનાં પેટાળમાં ક્યારે વંટોળિયો ફૂંકાઈ જાય એ જ નક્કી ના હોય. પવનનાં વેગને જોઈને તે પોતાનાં ઝૂંપડાંને ટેકો આપી શકે અને પડી ન જાય એવા લાકડાઓ ભેગા કરવા લાગ્યો. લાકડાઓ લઈને નીચે ઉતરે ત્યાં એની નજર દરિયાની ક્ષિતિજે પડી.

અરે ! આ શું ? ઉગમણી કોરથી આ બાજુ એક મોટું વહાણ આવી રહ્યું હતું. ‘પણ એ વહાણ છે કોનું ? ક્યાં દેશથી આવ્યું હશે ? શું એ અહીં આવશે ? શું એ મારી મુક્તિનો દ્વાર બનીને આવી રહ્યું છે ?’ એવા અઢળક પ્રશ્નો મંગલે જાતને પૂછી નાખ્યા. આટલા વર્ષે માણસ આ બાજુ આવશે તેની તેને કલ્પના પણ ન હતી. રોજ તે પોતે દૂર દૂર સૂધી હોડી લઈને જતો ત્યારે કોઈ ન મળ્યું ને આ અચાનક સામેથી આવે છે ? આ ઈશ્વરનો કોઈ સંકેત જ હતું કે બીજું કંઈ ? પણ મંગલ સાવધ થઈ ગયો. રખે ને કોઈ દુશ્મનનું પણ વહાણ હોઈ શકે. તરત જ કમરે બાંધેલ ખંજર પર મૂઠ્ઠી ફરી વળી. વહાણ ધીરે ધીરે તેની પાસે જ આવી રહ્યું હતું. તે શાંતિથી વૃક્ષની ઓથ લઈને તેની ગતિવિધિ નિહાળી રહ્યો. હવે તેને વહાણ પર અમુક વસ્તુઓ જોવા મળી રહી હતી. મોરાનાં ભાગે અમુક માણસો કિનારા તરફ નજર નાખી રહ્યા હતા. ત્યાં તેની નજર ઉપર ફરકતાં તિરંગા પર પડી. મંગલ આ દ્રશ્ય જોઈ રહ્યો. તેની આંખો ચાર થઈ ગઈ.
“આ તો મારા ભારતનું વહાણ છે. મારા દેશનું. પણ આ બાજુ કેમ આવી રહ્યું હશે ?” તે બોલ્યો. થોડી વારમાં જ વહાણ કિનારે લાંગર્યું. થોડી વારમાં માણસો નીચે ઉતર્યા. મંગલ ધાર પરથી નીચે ઉતરવા લાગ્યો. તેનામાં ઉત્સાહનો પાર ન હતો. તેનાં પગની ગતિ તેજ બની ગઈ. એક તો આટલા વર્ષોમાં પહેલી વાર માણસોને જોયા અને તેમાંય એનાં પોતાનાં દેશનાં. પછી તો પૂછવું જ શું ? આનંદમાં ને આનંદમાં તે દોડતો ગયો.

વહાણમાંથી ઉતરેલા માણસો ટાપુ ઉપર આમ તેમ ફરી રહ્યા હતા. તેમાંનો એક ઊંચો માણસ બોલ્યો, “આજની રાત અહીં જ કાઢવી પડશે. તોફાનનાં અણસાર છે. હવામાન સારું નથી. સવારે બધુ બરાબર થઈ જશે તો નિકળીશું.”
એ વહાણનો કપ્તાન હતો. વહાણ અને પોતાનાં સાથીઓ સહિત વહાણ પરનાં માલની જવાબદારી પોતાની હતી. તોફાનનાં અણસાર દેખાતાં જ કપ્તાને વહાણને સુરક્ષિત જગ્યાએ લઈ જવાનું નક્કી કર્યું. એટલામાં તેને દૂર જમીન હોય એવું લાગ્યું. અજાણી ભૂમિ પર વહાણ લાંગરવું જોખમથી ખાલી ન હતું પણ જો ભયંકર હદે વંટોળ ઊઠે તો વહાણ સહિત બધાની જળસમાધિ પણ બની જાય. એટલે તેઓ પોતાનાં રક્ષણ માટે જરૂરી સાધનો લઈને નીચે ઉતર્યા. આમ પણ તેઓ આ ટાપુ પર મહેમાન હતા એટલે તેઓ સૌપ્રથમ ટાપુ પરનાં રહેવાસીઓની રજા લેવા માંગતા હતા. તેઓ બિનજરૂરી ઘર્ષણ ટાળવા ઈચ્છતા હતા.
તેનાં માણસો આમ તેમ નજર નાખી રહ્યા. હજુ તો કોઈ નજરે ચડ્યું ન હતું. કદાચ આગળનાં ભાગે હશે એમ માની તેઓ અડધો માઈલ જેટલું ચાલીને આગળનાં ભાગે આવ્યા.
“લાગે છે અહીં કોઈ રહેતું નથી.” એક માણસ બોલ્યો.
“હા, મને પણ એવું જ...” એટલું બોલતાં બીજો માણસ અટકી ગયો. તેની નજર એક નાનકડા ઝૂંપડાં પર પડી. તેણે બીજાઓને તેની તરફ નિર્દેશ કર્યો. સાવધાનીપૂર્વક તેઓ નજીક ગયા. અંદરની બાજુ જોયું પણ ત્યાં કોઈ ન હતું. આજુ બાજુમાં બીજું કોઈ પણ ઝૂંપડું ન હતું. ત્યાં એક માણસની નજર કિનારે પડેલી હોડી પર પડી. રેતી પર પડેલાં પદચિહ્ન ટાપુ પર માણસ હોવાની ચાડી ખાતા હતા. પણ એ છે ક્યાં ? આ બધુ માણસો વિચારી રહ્યા હતા ત્યાં જ ટાપુ પર આવેલા જંગલ વિસ્તારમાંથી એક માણસ દોડતો તેની તરફ જ આવી રહ્યો હતો. તેને જોઈને કોઈને સાવધાન થવાની જરૂર પણ ના લાગી. લાંબી લાંબી પવનમાં ઝૂલી રહેલી દાઢી અને મેલા કપડાંઓમાં પણ તેનાં ચહેરા પરનું સ્મિત કશું વ્યક્ત કરી રહ્યું હતું. તે તેઓની એકદમ સમીપ આવી પહોંચ્યો.

મંગલ આટલું દોડીને હાંફી રહ્યો હતો. પણ તેનાં ચહેરા પર આનંદ હતો. મુક્ત મને છલકતું હાસ્ય હતું. આ હાસ્ય આજે ત્રણ વર્ષે છેક જોવા મળેલું. ત્યાં ઉભેલા માણસો અચરજથી એકબીજાને જોવા લાગ્યા. તે સમજી શકતા ન હતા કે કોઈ અજાણ્યો માણસ તેને જોઈને આટલો ઉત્સાહી કેમ છે ? કોણ છે આ ?

હાંફ ઉતર્યા પછી તે બોલ્યો, “તમે લોકો ભારતથી આવો છો ? મારા દેશથી ?”
અજાણ્યા ટાપુ પર એક માણસ તેઓને આ પ્રશ્ન પૂછી રહ્યો હતો. તેઓનાં વિસ્મયનો પાર ન રહ્યો. તેઓએ તરત કપ્તાનને બોલાવ્યા. કપ્તાન ત્યાં દોડી આવ્યા.

તેણે પૂછ્યું, “તમે ભારતીય છો ? અહીં આ ટાપુ પર કેવી રીતે ?”
“હા, હું ભારતનો છું. હું ટાંઝાનિયાનાં ટાંગા બંદરે એક પેઢીમાં કામ કરતો હતો. તે પેઢી પાસે પોતાનાં વહાણો હતા. જે દેશ દેશાવર વચ્ચે માલ-સામાનની હેરફેર કરતાં.” મંગલે કહ્યું.
પણ ત્યાં જ કપ્તાને તેને અટકાવીને પૂછ્યું, “તમે અહીં કેટલા સમયથી છો ?”
“ત્રણ વર્ષથી.” મંગલે ઉત્તર આપ્યો.
કપ્તાનનાં કાન ચમક્યા. તેણે પાછું પૂછ્યું, “ટાંગા બંદરેથી નીકળેલું એક વહાણ તોફાનમાં સપડાયું હતું અને પછી તેમાંથી એક માણસ દરિયામાં પડી ગયો હતો. એ માણસનો પણ આજ સૂધી પત્તો લાગ્યો નથી. એ બનાવને પણ લગભગ ત્રણ વર્ષની આસપાસ જ થયું હશે. એ સમાચાર ખૂબ ચગેલા એટલે મને યાદ છે. શું તમને એની ખબર છે ?
મંગલને કોઈ તેનાં વિશે જ પૂછી રહ્યું હતું. તેનાં પણ આશ્ચર્યની સીમા ન રહી હતી. તેણે કહ્યું, “કપ્તાન, એ દરિયામાં પડી ગયેલો માણસ જ હું છું. મારું નામ મંગલ છે. છેલ્લા ત્રણ વર્ષથી હું કોઈ માણસનું મોઢું જોવા તલસી રહ્યો છું. એકલતા કોને કહેવાય એ કોઈ મને પૂછો. વિરહની વેદના કોને કહેવાય એ કોઈ મને પૂછો.” કહેતાં મંગલ રડી પડ્યો.
બીજા માણસો પણ ભાવુક થઈ ગયા. મંગલે પોતાની વાત માંડીને કહી. બધા વિચારમાં પડી ગયા કે બાકીની દુનિયા માટે મરી ગયેલો એક માણસ આજે તેમની સામે પોતાની જીવની વ્યક્ત કરી રહ્યો હતો. સૌનાં મુખ પર તેનાં માટે સહાનુભૂતિ જાગી. આટલા વર્ષે પણ પોતાની આશા ના છોડી અને આત્મહત્યાનાં વિચારને ત્યાગી વિષમ પરિસ્થિતિમાં જીવી જવાની ખુમારીને સૌ વંદન કરતાં રહ્યા. વંટોળ તો શમી ગયો હતો. પણ આજની રાત મંગલ સાથે તેઓ પસાર કરવા માંગતા હતા. તે દિવસે મંગલે સૌ સાથે ભોજન લીધું. ત્રણ વર્ષે તૃપ્તિનો ઓડકાર આવ્યો.

તે કપ્તાન પાસે આવ્યો અને બે હાથ જોડીને પૂછ્યું, “કપ્તાન, તમારું વહાણ અત્યારે ક્યાં જઈ રહ્યું છે ?”
“મંગલભાઈ, તમને જાણીને આનંદ થશે કે આ વહાણ ટાંગા બંદરે જઈ રહ્યું છે. તમારે હવે અમારી સાથે જ આવવાનું છે. આ નિર્જન ટાપુને છોડીને જવાનો સમય થઈ ગયો છે.” કપ્તાન બોલ્યો.

કપ્તાનનાં શબ્દો સાંભળીને મંગલ આનંદિત થઈ ઉઠ્યો. ટાંગા બંદરે જઈને તે ભારત પરત ફરવાની વ્યવસ્થા પણ કરી લેશે. પણ આ જ વિચારમાં તેનાં મનમાં એક પ્રશ્ન ઉદભવ્યો, “શું આ ટાપુ નિર્જન છે ?”

તેણે કપ્તાનને કહ્યું, “કપ્તાન, એક વાત કહું. આજ સૂધી તો મને પણ આ ટાપુ નિર્જન લાગતો હતો. પણ હવે મને લાગે છે કે હું ખોટો હતો. અહીં બીજો કોઈ માણસ નથી પણ અહીં પશુ પંખીઓ છે, જંગલ છે, વૃક્ષો છે. તે બધામાં પણ જીવ છે જ ને ? આ નિર્જન ક્યાંથી થઈ ગયો ? આમ પણ આપણાં ભારતીયો તો ધરતીને માતા માને છે અને આ ધરતીએ પણ એક અજાણ્યા માણસને અપનાવી ત્રણ વર્ષ સૂધી રહેવા પોતાનો ખોળો આપ્યો. આ ધરતી માતાનું ઋણ હું કેવી રીતે ચૂકવી શકીશ ?”

કપ્તાન તેને સાંભળી રહ્યો. રાત પડી ચૂકી હતી. સવાર પડતાં જ બધા જવાની તૈયારી કરવા લાગ્યા. સમય આવી ચૂક્યો હતો, એ અજાણી ધરતીથી વિદાય લેવાનો. પણ હવે એ અજાણી ક્યાં રહી હતી ? મંગલનાં ત્રણ વર્ષનાં સંસ્મરણો પણ જોડાઈ ચૂક્યા હતા. મંગલે એક વખત ચારે બાજુ દ્રષ્ટિ ફેરવી. સામે એક હોડી પડી હતી. તેની એકલતામાં તેની ભાગીદાર. તેનો પણ પોતાની ઉપર ઘણો ઉપકાર હતો. તેણે હોડીને ચૂમીને તેને કિનારે જ રહેવા દીધી. કોણ જાણે ભવિષ્યમાં બીજો કોઈ મંગલ ત્યાં આવી પહોંચે તો તેને પણ તે કામે લાગશે. એક મૂઠ્ઠી રેતી લઈને તેની સઘળી યાદોને તેમાં ભરીને મંગલે ભીની આંખે ધરતીને પ્રણામ કરીને વહાણ તરફ ડગ માંડ્યા. વહાણ પરથી એક મોટો અવાજ આવ્યો અને વહાણ ઉપડ્યુ. મંગલે છેલ્લી વાર વહાણ પરથી એ મનોરમ્ય દ્વીપનાં દર્શન કર્યા. એ અનામી દ્વીપને પોતાને કોઈ નામ આપવાની આવશ્યકતા ન લાગી. સંતાન પોતાની માતાનું નામકરણ કઈ રીતે કરી શકે ? તે એકધારો તેની સામે જોઈ રહ્યો જ્યાં સૂધી તે દેખાવાનો બંધ ન થયો.

મંગલ હવે વહાણમાં અંદર તરફ ગયો. બીજા માણસો સાથે વાતો કરી રહ્યો હતો. દ્વીપ પરથી નીકળ્યા તેને માંડ દોઢ દિવસ જ થવા આવ્યા હતા, પણ હજું વિધાતા કસોટી લેવાનાં મૂડમાં હોય તેમ ઓચિંતી એક આફત તેનાં રસ્તે આવીને ઊભી. આફત નવી ન હતી, એ જ એક લાંબી લાકડીમાં ખોસેલ મોટું કાળું કપડું અને તેમાં દોરેલ બે હાડકાંઓ વચ્ચે ખોપરીનું બિહામણું ચિત્ર જેની હોડીઓમાં ફરકતું હોય, તે સોમાલિયાનાં છ જંગલી ચાંચિયાઓ. આખા હિન્દ મહાસાગરમાં કાળો કેર વર્તાવનારા લૂંટેરા ચાંચિયાઓ. દરિયાને હચમચાવી નાખનારા ચાંચિયાઓનાં હાથમાં પાછું એક વહાણ આવી ગયું. જોત જોતામાં બંદૂકની નોક પર તેઓએ આખા વહાણ પર કબજો જમાવી દીધો. વહાણ પર જાણે સૌ ઊંઘતા ઝડપાઈ ગયા. સમુદ્રનાં દૈત્યને લોકો જાણે ભૂલી જ ચૂક્યા હતા. માલ વાહક વહાણ હતું, આથી કોઈ ઘાતક અસ્ત્ર શસ્ત્રો તો હતા જ નહીં. પોતાનાં રક્ષણ માટે હતી તો લાકડી અને કુહાડીઓ. શત્રુઓ વધુ શક્તિશાળી હતા. તેઓની પાસે અત્યાધુનિક રાઈફલો હતી. તેઓ ધારે ત્યારે સામૂહિક નરસંહાર કરીને, બધો માલ પોતાને હસ્તગત કરી શકવાને સક્ષમ હતા. તેઓ લૂંટફાટ કરીને પોતાનાં આલીશાન મહેલો પોતાનાં કંગાળ દેશમાં બનાવી ચૂક્યા હતા. એક સમયે ભયંકર બેરોજગારીમાં શરૂ થયેલી ચાંચિયાગીરી હવે ક્રૂરતાની હદ વટાવી રહી હતી. તેઓ મુસાફરોને લૂંટીને તેને મારવાનો પિશાચી આનંદ લેતા હતા.

“કફ બહિડું. લા તુહવિલ’ અન તકુન ધ્ક્યન ઝદન. હેધિહ અલ સફિનત એલન ફિ હેવઝેતિન. અર્ફઈ યુદિક.” બંદૂક માણસો પર તાકીને એક ચાંચિયો બોલ્યો.

ચાંચિયાની અરબી ભાષા કોઈ સમજ્યું નહીં. સૌ મૂંઝાયા કે આ કહેવા શું માંગે છે ? બધા પોતપોતાનાં અનુમાન કરવા લાગ્યા. મંગલ એકમાત્ર એવો માણસ હતો જેનો પનારો આ અગાઉ પણ ચાંચિયાઓ સાથે પડ્યો હતો. તેનાં બધા શબ્દો તો તે સમજી ન શક્યો પણ ઘણું ખરું સમજી ગયો. થોડા અનુમાન સાથે તેણે બાજુમાં ઉભેલા માણસને કહ્યું, “શાંતિથી ઊભા રહેવાનુ કહે છે. હાથ ઉપર કરી નાખો. કોઈ ચાલાકી ન કરવાનું કહે છે.”

તે માણસે મંગલનાં કહેવા પ્રમાણે કર્યું. બીજાઓએ પણ તેનું અનુકરણ કર્યું. મંગલ બધાની પાછળ ઊભો હતો. તે વિચારવા લાગ્યો કે એ લોકો ન હોત તો તેની મુક્તિ જ ન થાત. હવે તેનું કર્તવ્ય છે કે ગમે એમ કરીને તેઓને બચાવે. પણ કઈ રીતે ? શત્રુ પાસે હથિયાર છે. એની સામે આ લોકો પાસે કશું નથી. તો પણ આ ચાંચિયાઓને ફાવવા તો ન જ દેવાય. માલની લૂંટ કરીને તે પોતાની હોડીમાં લઈ જઈ શકે એવડી મોટી હોડી તેઓની પાસે નથી. તેઓ આ વહાણને સીધા સોમાલિયા લઈ જઈ શકે અને ત્યાં કાં તો અહીં જ બધાને મારી નાખી સમુદ્રમાં જ પધરાવી દે. મોત બંને સ્થળે હતી. પણ મંગલ પરાજય માનવા તૈયાર ન હતો. તેની પાસે અનુભવનું ખાસ્સું ભાથું બંધાઈ ચૂક્યું હતું. તેણે એક યુક્તિ અજમાવી. તેણે બાજુનાં બીજા એક માણસને ઈશારો કરીને પોતાની સાથે આવવા કહ્યું. તેઓ ચાંચિયાની નજર ચૂકવીને ધીમા પગલે નીચા નમીને ત્યાંથી સરકી ગયા. અંદર પણ હજું અમુક માણસો હતા. તેઓને મંગલે સમુદ્રનાં આ રાક્ષસો સામે યુદ્ધ કરવા તૈયાર કરી દીધા. તેમણે પોતાની સાથે આવેલા માણસને ધીમેથી સમજાવીને પાછો મોકલી દીધો.

એ માણસ પાછો ફર્યો અને બધાની સાથે ઊભો રહી ગયો. એક ચાંચિયો બીજા પાંચ ચાંચિયાને અરબીમાં કશું કહી રહ્યો હતો. તેનું કહેવાનું જેવું પૂરૂ થયું કે પાંચેય ચાંચિયાઓ લૂંટફાટ કરવા માટે આગળ આવી ગયા. એક ચાંચિયાએ વહાણ પરનાં એક માણસનું ખમીસ ખેંચીને તેને નીચે પછાડી તેની સામે બંદૂક ધરીને તેને બધો માલ-સામાન હાજર કરવા ધમકી આપી. ત્યાં જ પાછળથી મંગલે મોકલેલ માણસ આગળ આવીને તેને માલ-સામાન સૂધી પહોંચાડવાની તૈયારી બતાવી.

“જેતા, આ શું કરે છે ? અમારી સાથે દગો કરીને ચાંચિયા સાથે ભળીને વહાણ લૂંટવાનો રસ્તો બતાવે છે ?” કપ્તાને કહ્યું.

“અરે, ચૂપ રહો. મને જીવ વ્હાલો છે, તમારે મરવું હોય તો મરો આ દરિયામાં. માલ લૂંટવા આવ્યા છે તો લૂંટવા દો ને. છાના માના લૂંટીને ચાલ્યા જશે. જીવ તો રહેશે ને ?” જેતશીએ કહ્યું. તેણે હળવેથી ઈશારો પણ કરી દીધો. કપ્તાન અને બીજા બે ચાર માણસો સમજી ગયા. પણ ચાંચિયાઓને શંકા ન જાય એ માટે તેઓએ થોડી વાર આવું નાટક ચાલુ રાખ્યું.

તેઓની અંદરોઅંદરનાં લડાઈ ઝગડાથી કંટાળીને ચાંચિયાઓએ હવામાં ગોળીબાર કર્યો. શાંત દરિયામાં ખળભળાટ મચી ગયો. બધા શાંત થઈ ગયા. પણ હવે માણસો સજ્જ હતા. તેઓને શું આયોજન છે તેની તો ખબર ન હતી પણ જેતશીનાં ઈશારાથી બીજા બે ત્રણ માણસોએ પણ તેને અંદર આવવા કહ્યું. ચાંચિયાઓ પણ ચાલાક હતા. પોતાનાં હથિયારોને ફાયરિંગ કરવાનાં મોડમાં તૈયાર રાખ્યા હતા. માણસો ચાંચિયા સાથે ચૂપચાપ ચાલ્યા જતાં હતા. કોઈ પણ અવિચારી પગલું મોત જ નોતરશે એ પાકું હતું.

ચાંચિયાઓ અંદરનાં એક ઓરડા પાસે પહોંચ્યા કે જેતશીએ અંદર જવાનો ઈશારો કર્યો. એક ચાંચિયાએ દરવાજો ખોલ્યો. સામે મોટી માત્રામાં લોખંડ અને ખાંડ ટાંઝાનિયા સૂધી લઈ જવાતા હતા. ભૂખમરાથી પીડાતા સોમાલિયનોએ આ બંને ખજાનો લૂંટી લેવાનો વિચાર કર્યો.
થોડી વાર પછી ચાંચિયાઓની નજર સામે એક મોટા મોટા ખોખા તરફ ગઈ. તેમાં શું હતું એની પૂછપરછ માણસો પાસે કરી. ખેતશી એ જ સમયની રાહ જોતો હતો. આસપાસનાં માણસોને અગાઉથી જ ધીમે સાદે બધુ કહી દીધું હતું. તેઓ પણ તૈયાર હતા. અરબી તો આવડતી ન હતી પણ જેતશીએ કપ્તાનનાં કાંડા પર રહેલું સોનાનું કડું બતાવી કહ્યું, “ખોખામાં સોનું છે.”

ચાંચિયો સમજી ગયો કે આ ખોખામાં સોનું હોવું જોઈએ. તે બોલ્યો, “ધાહબ ?” થોડું સ્મિત લાવીને બીજા ચાંચિયાઓને કહ્યું, “અવ્વલ સરિક્ક્ત તીલ્ક અલ સનાદિક.”
“સાલા, શું બોલે છે ? મને ખબર જ નથી પડતી. આપણને મારવાનું તો નથી કહેતા ને ? અને આ ખોખામાં સોનું ક્યાં છે ?” એક માણસે જેતશીને ધીમેથી પૂછ્યું.
“શશશ... થોડી વાર મૂંગા રહો. એ એમ કહેતા હશે કે આ ખોખા લૂંટી લો.” જેતશીએ કહ્યું.
“અરે પણ એમાં છે શું ?” એ માણસે પૂછ્યું.
“તું જોતો જા.” જેતશીએ કહ્યું.

ચાંચિયા પેલા ખોખા ઉપાડવા ગયો ત્યાં ખોખા તરફ ઊભેલા એક ખૂંખાર લાંબી દાઢીધારી માણસને જોયો. વાળ પણ ખૂબ વધી ગયેલા. તેની આંખો ક્રોધથી લાલઘુમ હતી. ચાંચિયો તેનું રૌદ્ર સ્વરૂપ જોઈને ડરી જ ગયો. અચાનક તે ભયાવહ સ્વરૂપ ધરાવતા મંગલે પોતાનાં ખંજરથી ઉપરાઉપરી વાર કર્યો અને તે ચાંચિયો ત્યાં જ ઢળી પડ્યો. તેણે ત્યાં જ દમ તોડી દીધો. બીજા બે ચાંચિયાઓનાં હાથમાં પણ ખોખા હતા. હવે હથિયારધારી ચાંચિયાઓ ત્રણ જ વધ્યા હતા. નીચે પડેલી બંદૂકો વહાણ પરનાં માણસોએ ઉઠાવી લીધી. ઓચિંતા ધાડ પાડવાની કે છાપામારી કરવાની મંગલની કુનેહે આજે ફરી એક વાર બાજી પલટાવી દીધી.

મુખ્ય ચાંચિયો હજું હાર માની શકે તેમ ન હતો. તેણે બંદૂક ઉપાડી મંગલ પર તાકી. માણસોનાં હાથમાં બંદૂક તો આવી ગઈ પણ ચલાવવાની તાલીમ તો હતી નહીં. રખે ને મંગલને પણ ગોળી લાગી જાય. મંગલ તરફ પેલો ચાંચિયો ગોળી છોડે ત્યાં જ બાજુએથી એક જ કુહાડીનો સખત વાર તેનાં હાથમાં ફરી વળ્યો. રાણાનાં એક ઘા એ ચાંચિયાનો એક હાથ જ ભાંગી નાખ્યો. રાણાની ચપળતાએ મંગલનો જીવ બચાવી લીધો. એ સમયે મંગલે તરત જ પળ ગુમાવ્યા વગર તેનાં હાથમાંથી પડતી બંદૂક ઉઠાવી ફાયરિંગ કરી દીધું અને ત્રણેય હથિયારધારી ચાંચિયાઓનો વધ કરી નાખ્યો. સરદાર પણ ઠાર મરાયો. હવે બે જ બાકી રહ્યા, જેને જેતશીએ અને બાકીનાં ત્રણેક માણસોએ પકડી રાખ્યા હતા. તેને પકડીને ડેક પર લાવવાનો મંગલે આદેશ આપી દીધો.

માણસોએ તેનાં કહ્યા પ્રમાણે ચારેય ચાંચિયાઓનાં મૃતદેહોને અને બાકીનાં બંને જીવતા રહી ગયેલા ચાંચિયાઓને પકડીને ડેક પર લાવ્યા.
“મારી નાખો આ ચાંચિયાઓને.” મંગલનાં મુખમાંથી સંદેશ છૂટ્યો.
“મંગલ, અંદર જે થયું તે સ્વ રક્ષણનાં ભાગ રૂપે થયેલું પણ હવે તો આ ચાંચિયાઓ નિ:શસ્ત્ર હતા. તેને કેમ મારવા ? અમારો તો જીવ નથી હાલતો. તું આ બધાને મારી શક્યો. પણ અમારાથી નહીં થાય.” વહાણ પર રહેલા ચેતને કહ્યું.
તેનો આ જવાબ સાંભળીને મંગલે તેની સામે જોયું, “તમારી વાત સાચી છે. તમારામાં જીવદયા છે, પણ આ લોકોને તમે ઓળખતા નથી. તમને શું લાગે છે ? આ બંનેને છોડી દઈએ તો ભવિષ્યમાં તે બીજા વહાણોને બાનમાં ના લે એની શું ખાત્રી ? ચાલો, બીજા વહાણોને મૂકી દો. આ વહાણ પર શું છ ચાંચિયાઓ તમારા પર દયા ખાત ? આમાંથી એક પણ જીવતાં ના બચત. નબળાઓનું રક્ષણ કરવા માટે આવા રાક્ષસી લોકોનો નાશ કરવામાં કોઈ પાપ નથી.”

મંગલની વાત ખોટી જરા પણ ન હતી. તેઓ સમુદ્રનાં દૈત્ય કંઈ અમથા કહેવાતાં ન હતા. તેનાં વધ સાથે ચાંચિયાઓમાં એક દાખલો બેસાડવાનો પણ હતો. મંગલ તે ચાંચિયાઓ તરફ ફર્યો અને તેની સામે જોયું. તેની સામે તે અંધારી કાળરાત્રિનું દ્રશ્ય ખડું થઈ ગયું. તોફાની પવનમાં હાલકડોલક થતાં વહાણમાં પોતાને અને વિક્રમને ચાંચિયાઓની ગોળીથી બચાવવા છાતી પર ગોળી ખાઈને પોતાનો જીવ દઈ દેનારા લખમણકાકાનું લોહીનાં ખાબોચિયામાં પડેલું શરીર નજરે તરી આવ્યું. મંગલે આંખો બંધ કરીને એક ભયંકર ત્રાડ નાખી કટારથી એક જોરદાર વાર એક ચાંચિયા પર કર્યો અને બીજો વાર બીજા ચાંચિયા પર. તેનાં લોહીનાં છાંટાથી મંગલનો ચહેરો લાલ થઈ ગયો. હવે વહાણ ચાંચિયાઓનાં આતંકથી મુક્ત થઈ ગયું હતું.

સૌ તેનાં રૌદ્ર સ્વરૂપને જોઈ રહ્યા. થોડી વારે શાંત પડ્યો. તેનાં હાથમાંથી ખંજર પડી ગયું. તે ડેક પર નીચે બેસી ગયો. કપ્તાન તેનાં શૌર્યથી અભિભૂત થઈ ચૂક્યા હતા. ચાંચિયાઓનાં મૃતદેહોને દરિયામાં જ પધરાવી દીધા. વહાણ આગળ ધપવા લાગ્યું.

To be Continued…
Wait For Next Time