અનુભવ સિગારેટના કશ લેતો બેસુધ્ધ બની પોતાની ખુરશીમાં ફસડાયેલો પડ્યો હતો. વિભાએ કીધેલી વાતો તેના મગજમાં ચકરાવે ચઢી હતી. શું કરવું? શું ન કરવું? એના અસમંજસ માં બીજી બે સિગારેટ ક્યાં પૂરી થઈ ગઈ તેની ખ્યાલ જ ન રહ્યો. હજુ ચકરાવે ચઢેલો અનુભવ વધુ એક સિગારેટ માટે ખિસ્સા ફમફોસવા લાગ્યો ત્યાં અચાનક એની નજર સામે અરીસા પર પડી. પોતાની હાલત જોતા ફટ ની લાગણી છૂટી ગઈ.
ક્યાં વિભાનો ખુશમિજાજ, સ્નેહાળ, લાગણીશીલ અનુભવ અને ક્યાં આજનો લઘરવઘર, વ્યસની, નિષ્ઠુર અનુભવ.
વિચારોના ચકરાવે ચઢેલો અનુભવ પોતાની છબી નિહાળતો ક્યારે પંદર વર્ષ પાછળ જતો રહ્યો તેનું તેને ધ્યાન ન રહ્યુ.
ઓફિસ નો પહેલો દિવસ હતો અને સહકર્મચારીઓ સાથે કંપનીના માલિક ખુશાલભાઈ- ખુશાલ મજમુદાર સાહેબે ઔપચારિક ઓળખાણ કરાવી. તેમાં વિભાને પહેલીવાર જોતાજ અનુભવ તેને જોતો જ રહી ગયો. શાંત, નમણી, લાંબો ચહેરો, ગોળ મોટી આંખો અને ઘઉંવર્ણો રંગે તેના દિલમાં ખલભલી મચાવી દીધી. દિલના હાલ દિલમાં જ રાખ્યા. હજુ તો એમ.બી.એ. થયા પછી ની પહેલી નોકરી, ઘરની જવાબદારીઓ સામે પોતાની લાગણીઓને અનુભવે વાચા ન આપી.
વિભા પણ એમ. બી. એ. થયેલી આશાવાદી યુવતી હતી. હસમુખી અને સૌ સાથે મળીને રહેવાવાળી. અનુભવના ફક્ત એક મહિના પહેલા નોકરીએ લાગી હતી પણ બધાની ચહિતી બની ગઈ હતી. અનુભવ અને વિભા સરખી ઉંમરના હતાં એટલે મનમેળાપ થતાં વાર લાગી નહિ. બંને સ્વભાવે સહજ અને મિલનસાર. સહકર્મી અને ખુશાલ સાહેબ ના માનીતા અને ઓફિસના શ્વાસસમા બની ગયા હતા.
મજાક મજાકમાં સૌ તેમના નામ સાથે જોડવા લાગ્યા. અનુભવને તો આમ પણ વિભા પહેલી નજરે ગમતી અને હવે સૌનો સાથ મળતા તો ધીરે ધીરે હવે બિન્દાસ થઈ ગયો. ઓફિસની દિવાળી ની પૂજામાં તો અનુભવે વિભાને પોતાના દિલનો હાલ સંભળાવી દીધો.
વિભાને પણ અનુભવનો સાથ ખૂબ ગમતો. તેના કુટુંબમાં મા, બાપુજી અને બીજી બે નાની બહેનો હતી. તેણીના બાપુજી કમાતા પણ પૂરતું થતું નહિ. એટલે તેને ખૂબ જલ્દીથી પોતાના લગ્ન જીવનની શરૂઆત કરવાનું મન બનાવ્યું ન હતું. તેની ઈચ્છા બન્ને બહેનો થોડી મોટી અને પગભર થાય પછી પોતાની જીંદગી માં આગળ વધવાની ઈચ્છા હતી.
અનુભવે પણ વિભાને પૂરતો સમય મન થી સહમત થવાનો સમય આપ્યો.અનુભવના પરિવારમાં તેનો નાનો ભાઈ પણ લગભગ પરિવારને સહારો આપવા તૈયાર થઈ ગયો હતો અને વિભાની બહેનો પણ પિતાનો સહારો આપવા સક્ષમ બની ગઈ હતી. અઠયાવીસીએ પહોંચેલા અનુભવ અને વિભાએ પોતાની ગ્રહસ્તી ના પગરવ માંડ્યા. ઓફિસમાં પણ અનુભવ ત્યાં સુધી જનરલ મેનેજર ની પોસ્ટ સુધી બઢતી મેળવી લીધી હતી. વિભાએ પણ એચ. આર. મેનેજર તરીકે ઓફીસની બાગડોર સંભાળી લીધી હતી.
પરણ્યાને દસ વર્ષ તો પ્રેમાલાપ કરતાં ક્યાં વહી ગયા તેનો વિભા અને અનુભવને ખ્યાલ જ ન રહ્યો.તેમના પ્રેમફળ સ્વરૂપે લગ્નના પાંચમા વર્ષે અનુવિતા ને વિભાએ જન્મ આપ્યો. તેની કિલકારીએ બંનેના જીવનને ખશીઓથી ભરી દીધું. અનુવિતા નાનપણ થી મીઠડી. અનુભવ તેના એક મીઠા સ્મિત ઉપર કંઈ પણ ન્યોછાવર કરવા તૈયાર રહેતો. બંને નોકરી સાથે દીકરીનું જતન ખૂબ વ્હાલથી કરતા. દિકરી ધીરે ધીરે મોટી થવા લાગી. બંને તેનો જન્મદિવસ ખૂબ ધૂમધામથી હર વર્ષે ઉજવતા.
પરંતુ અનુવિતા જ્યારે આઠ વર્ષની થઈ ત્યારે અનુભવ માટે ઘરમાં સમય કાઢવો મુશ્કિલ હતો. ખુશાલ સાહેબની ઉંમર થતાં તેમણે બધો બીઝનેસ નો ભાર અનુભવને માથે નાખતા જતા હતા. પરિવારના નામે ઓફિસના કર્મચારીઓ જ હતા. પોતાની પત્ની, પુત્ર અને પુત્રવધુ ને તેઓ એક અકસ્માતમાં ખોઈ બેઠા હતા. તેથી તેમણે અનુભવ અને વિભા પ્રત્યે વિશેષ લાગણી હતી. અનુવિતાના જન્મતાં જ અનુભવને કંપનીનું ડિરેક્ટર પદ સોંપી દીધું હતું. વળી અનુવિતા ના આઠમા જન્મદિવસ ના દસ દિવસ પહેલા જ ખુશાલ સાહેબનું મૃત્યુ થયું હતું.
દિકરી ની હઠે કોઈ દિવસ કોઈ વાત પર મગજમારી ન કરતા વિભા અને અનુભવ વચ્ચે વાક યુદ્ધ કરાવી દીધું. એ વાક્યુદ્ધએ બીજી જ દિશા લીધી. જાણે કામની ચિંતા અને સમયની કમીને કારણે બંને વચ્ચે નફરતની લાગણી નો દાવાનળ અચાનક ફાટી નીકળ્યો. એક પળ જીંદગી નો રસ્તો કેવી રીતે બદલે તે આ જ ક્ષણ હતી. અનુવિતા નો જન્મદિવસ તો બાજુ માં રહ્યો પણ અહમનો ટકરાવ મુખ્ય મુદ્દો બની રહ્યો. બંને વચ્ચે તણાવ એટલો વધી ગયો કે વિભા દીકરીને લઈ પોતાના પિતાના ઘરે ચાલી ગઈ. અનુવિતાએ કોઈ દિવસ પોતાના મમ્મી પપ્પા નું આવું સ્વરૂપ ક્યારેય જોયું ન હતું. તે ખૂબ હેબતાઈ ગઈ.
જાણે હસતા રમતા કુટુંબને ગુસ્સો, ધૃણા, નફરતે ઘેરી લીધું હતું. અનુભવનો પણ ગુસ્સો કંઈ ઓછો ન હતો. રીસ બંને વચ્ચે એટલી લાંબી રહી કે બંને લગભગ એક - બે વર્ષ એક બીજા સુધી બોલ્યા નહિ. પહેલા એક મહિના વિભા નોકરી કરવા આવતી પણ વાત કરતી નહિ. તેને કંપની નું વાતાવરણ ડહોળતું લાગતા બીજે નોકરી લઈ લીધી. બીજી બાજુ અનુવિતા સાવ ગુમસુમ થઈ ગઈ હતી. ન હસતી ન બોલતી. અનુભવે દિકરી સાથે વાત કરવા પ્રયત્ન કર્યો પણ વિભાએ તે ન થવા દીધું. અનુભવ બંને વગર ની જીંદગી મશીન ની જેમ જીવવા લાગ્યો. વિભાએ પણ અનુભવ વગર રહેવાની આદત પાડી લીધી.
અનુવિતા ને જોઈ કોઈનું દિલ પસિજતું ન હતું. પણ વિભાનાં બાપુજી થી આ બધું જોવાયું નહિ. બંને ને સમજાવતા ન સમજતા એક દિવસ અનુવિતાને લઇ ઘર છોડી જતા રહ્યા. બસ આજે આટલા વખતે વિભા તેની સાથે વાત કરવા આવી હતી. તેની વાતો ગુસ્સો, અહમ, મમતા, કરુણા થી ભરેલી હતી. તે આજે અનુભવને તે અનુવિતાને શોધવા જાય છે અને અનુભવને તે ઇચ્છે તો તેની સાથે જઈ શકે છે તે બતાવવા આવી હતી. બંને સચ્ચાઈ થી અજાણ હતા કે અનુવિતા બાપુજી સાથે હતી.
અનુભવ આટલા સમયમાં સાવ બદલાઈ ગયો હતો. તેને એકલતાએ કોરી ખાધો હતો. તેને કંઈ સમજ પડી નહી. તેથી ત્યાં સિગારેટના કશ ખેંચતો બેઠો હતો અને ઊભો થયો ત્યારે અરીસા માં પોતાને જોઈ ભૂતકાળમાં સરી ગયો. અચાનક ધ્યાન આવતા તે બેબાકળો બની વિભાની પાછળ ગયો. વિભા પણ બેસુધ બની પોતાની દીકરીને શોધવા અને ઓળખીતા પારખીતાને ફોન કરી રહી હતી. પણ તેની લાડલીની ભાળ મળી નહિ. આખરે થાકી ને બંનેએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી. બેશુદ્ધ બનેલા બંને ક્યારે અનુભવના ઘરે એટલે પોતાના ઘરે ક્યારે આવ્યા તેનો ખ્યાલ રહ્યો નહિ.
બારણું ખોલતાં જ અનુભવ અને વિભા ત્યાંને ત્યાં જ ફસડાઈ પડ્યા. પપ્પા ને જોતા જ બાવરી બનેલી અનુવિતાને વળગી બંને ક્યાંય સુધી રડતા રહ્યા. વિભાના બાપુજીએ ફક્ત એટલું કહું, " આ પળને તમે સાચવી રાખો એવા ખૂબ આશીર્વાદ." ત્રણેયે એકબીજાના હાથ થામી એ પળને પોતાનો બનાવી દીધો.
લેખિકા - નિધિ શાહ