vidhva hirali - 19 in Gujarati Fiction Stories by ભૂપેન પટેલ અજ્ઞાત books and stories PDF | વિધવા હીરલી - 19

Featured Books
  • આંખની વાતો

      પુષ્ટિ  બગીચામાં ફરતી હતી અને પોતાના ભૂતકાળની વાતો યાદ કરત...

  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

Categories
Share

વિધવા હીરલી - 19

(૧૯) કુદરતનો નીવેડો
સુરજ ઉગતાની સાથે જ ગામના ચોકમાં ભીડ ઉમટવા લાગી. ઉગાડા થયેલા હાંડપિંજર ભૂખની સ્થિતિ વર્ણવી રહ્યા હતા. તનમાં જોમ તો ન્હોતું પણ સમાજમાં પડઘો પડેલો રહે, એ વાત થકી આજુબાજુના ગામના લોકો પરાણે પરાણે સભામાં આવ્યા હતા. જ્યાં સમાજની વાત આવે ત્યારે વ્યક્તિ પોતાની શાખ પુરાવવા માટે રૂઆબ બતાવતો હોઈ છે. આજે તો પુરુષો કરતા સ્ત્રીઓને બહુ આતુરતા હતી અને આતુરતા હોઈ જ કે ! અસ્તિત્વનો સવાલ હતો.

ગામના ચોકમાં સમાજની સભા દુષ્કાળની પરિસ્થિતિનો તાગ મેળવી રહી હતી. વરસાદના કોઈ એંધાણ ન્હોતા અને ઉપરથી વર્ષ આખું ઊભું હતું. એ સમય માનવ માટે બહુ કપરો હતો. પણ કુદરત આગળ માણસ પાંગળો જ નીવડે છે. એટલે સમાજના મોભી ઊંડા વિચારોમાં ડૂબેલા હતા, હારીને લાચાર બનેલા હતા. એ જ સમયે હીરલી અને બીજી સ્ત્રીઓ ત્યાં આવીને ઊભી રહી જાય છે. સ્ત્રીઓને સભામાં જોતા જ સમાજના એક આગેવાન મેરૂભા બોલી ઉઠ્યા, " મર્યાદા નેવે મૂકી સ ક હું? ખબર તો સ ક બાઈ માણસથી સભામાં ન અવાય."

વડીલની વાતથી સ્ત્રીઓ પોતાની જાતને ખચકાટ અનુભવી રહે છે પણ હીરલી બોલી પડી, " બાપા, મર્યાદા એ તો અમન ખૂંટે બાંધી દીધી સ. બધી વાતથી ખસકાય ન રેવું પડ સ."

"તો બાઈ માણહ થઈન માજા મૂકવી સ ક હું? " અકળાઈને મુખી બોલ્યા.

" ઘરની વહુ દીકરીઓ તો ઘારામાં જ શોભ."

" બાપા અમે પણ જીવતો મનેખ સીએ." હીરલી એ કહ્યું.

" આમ સભામાં આવી ન અમારું અપમાન કરવા માગો સો ? " આગેવાને લાલ આંખ કરીને બોલ્યા.

હીરલી જાણી ગઈ હતી કે જો સંઘર્ષમાં ઉતરશું તો વાત બગડી જશે એટલે સમાધાન આપતા નરમાઇને બોલી, " બાપા, તમે તો સમાજના મોભ સો. મોભનું અપમાન કરીએ તો ઘર ભાગી જાય. બાપા, અમે તો તમારી શરણે આવ્યા સીએ."

" એવું તે હું દુઃખ આવી પડ્યું સ ક આમ બધી બાઈઓએ આવવું પડ્યું." વાત જાણવા હેતુથી પંચે વાત મૂકી.

" અમારી જિંદગી નરક જેવી થઈ પડી સ. વિધવાપણાના બોજે જીવતી જીવત મારી દીધી સ..... હીરલી વાત પૂરી કરે તે પેહલા જ આગેવાન બોલી પડ્યા,
"તો વિધવાઓન હરક શોખ સડ્યો સ ક હું? જરા મર્યાદામાં રહો."

"મર્યાદાના નોમથી જ જીવનન સોકળ વડે બાંધી દીધું સ." હીરલી મનમાં બોલી રહી હતી. હીરલી વિધવાની કથળી રહેલી જિંદગીને વાકેફ કરવા માટે રાધાને આગળ કરવી જ પડશે. તેથી તે રાધાને હાથ ખિંચીને પંચના સામે લાવે છે.

" બાપા ,જુઓ આ રાધાને. હજુ તો જુવાનીની કુમ્પણ ફૂટીએ નહિ ન વિધવા બની જઈ સ. એમાં એનો શો દોષ ક જિંદગીભર રજડતા રહી ન જીવન જીવવું."

" તો તું આગેવાન થઈને આવી સો એમન. હવ તુ જ કે ક હું કરવા માંગો સો." આગેવાને સ્પષ્ટ વાત કરવા માટે કહ્યું.

" રાધાના ફરી લગન કરીન નવું જીવન જીવ ...." વાત પૂર્ણ થાય તે પેહલાજ હાથના ઇશારે મુખીએ હીરલીને રોકી લીધી.

" વિધવા એકવાર કાળો હાડલો ધારણ કર્યાં પસી કોઈ રંગ નો સડે. અન રાધા શેવી વાતનું દુઃખ સ. બે ટંક ખાવાનું તો મળસ ક."

" બાપા, પેટ તો ઢોળ પણ ભર સ. અમારા અન ઢોળમાં હું ફરક રહ્યો." હીરલીએ વરતો જવાબ આપ્યો.

" આદમી માનહ તો બીજા લગન કર સ. શમ એમના માટ કોઈ મર્યાદા નહિ ક." સવલી બોલી ઉઠી.

" તમે હું બોલો સો એનું ભાન સ ક નહિ. આદમી મનેખ તો ઘરનો વંશ વધાર સ. એટલ લગન કર સ."

" સ્ત્રી પણ કોઈના ઘરનો વંશ વધારી શક સ. પસ એ વિધવા હોઈ ક કુંવારી હોઈ." પરિસ્થિતિનો તાગ લઈને આધેડ મહિલા બોલી.

હીરલી લાગણીવશ થઈને પોતાની હૈયા વરાળ ઠાલવે છે, " વિધવા થયાં પસીનું જીવતર ઝેર જેવું બની જાય સ. ડગલ ને પગલે રિવાજોમાં દબાઈને રેવું પડ સ. ન હરખમાં હરખ હોઈ ન શોખમાં શોખ. એના કરતાં તો પતિના હારે સ્મશાને અગ્નિસ્નાન આપી દેતા હોઈ તો હારું રેહતું. ઓમ રિબાઇ રિબાઇ ન મરવા કરતા એકવારનું મરી લેવું સારું."

હીરલીએ વિધવાના દર્દની ગેહરાઈ રજુ કરી. હીરલીની વાતથી સભામાં શાંતિ પ્રસરાય જાય છે. પંચ પણ શું પ્રત્યુતર આપવો એના વિચારમાં ઘરકાવ થઈને બેસી જાય છે.પણ કોઈ નિર્ણય પર આવતા નથી. પંચના મોભી એવા જીવાકાકા ક્યાંરના દલીલો સાંભળી રહ્યા હતા.એમને હીરલીની વાતથી પોતાની દીકરી શમૂડીની યાદ અપાવી દીધી. શમૂડી પણ નાની વયે જ વિધવા બની હતી.એનો પતિ કુવો ખોદવા માટે ગયેલો હતો અને અચાનક કુવો ખબકાય જતા દટાયને પ્રાણ છોડ્યા હતા. શમૂડી વિધવાપણાનો બોજ સહન ન કરી શકી અને જીવન ટુંકાવી દીધું. તે દીકરીના બાપ હોવાથી ભલીભાતી જાણતા હતા. પણ રિવાજો આગળ તે પણ પાંગળા બની બેઠા હતા. પરંતુ આજે સમયનો તાગ તરફેણમાં લાગ્યો એટલે કોઈ દલીલ થાય તે પેહલાજ કહી દીધું. " બાઈઓની વાત હાવ હાચી સ. ક્યાર હૂધી આમ જ બાઈઓને ઝેર જેવી હાલતમાં મૂકતાં રહીશું. કઈક તો નીવેડો લાવવો પડશે." મોભીની વાત બધા માણસો ઊંડાણથી લે છે.
પણ હવનમાં હાડકા નાખતા હંતોકડી બોલી પડી, " કોઈ નિવેડો લો એના પેહલા હાંભળો. જીવતર મરણ તો કુદરતનો ખેલ સ. એની મરજી વિરુદ્ધમાં તો પાંદડુ એ નહિ હલતું.તો આ નિર્ણય પણ કુદરત પર રાખો."

" આવતી પૂનમ હૂધી જો વરહાદ આવહે તો વિધવા ફરી લગન કરી શકશે. અન જો નહિ આવ તો એમનું એમ જ જીવતર જીવી લેવાનું." પંચે બહુમતથી નિર્ણય કર્યો. પણ જીવાકાકા આ નિર્ણયથી રાજી નહોતા પણ બહુમત આગળ તે કઈ કરી શકે તેમ નહોતા.

સ્ત્રીઓ માટે એક આશા બંધાઈ હતી તે સમય અને કુદરતને આધીન રહી ગઈ. જ્યાં સારાંનરસાંનો સવાલ આવે છે ત્યાં કુદરત કોઈને અન્યાય નથી કરતું. આ વાત પર અડગ શ્રદ્ધા સાથે પૂનમ સુધી સ્ત્રીઓ અને સમાજ વરસાદની રાહ જોવા લાગ્યાં.

એક પછી એક દિવસ વીતવા લાગ્યા પણ વરસાદના એંધાણ નજરે ન્હોતા ચડયાં એટલે સ્ત્રીઓનું નિરાશા તરફ વલણ ભણી જવા લાગ્યું.માતાજીને રીઝવવા માટે સ્ત્રીઓ નકોળા ઉપવાસ પર બેસી ગઈ.
પૂનમની રાત હતી. આકાશમાં એકપણ આશાની વાદળી નજરે ન્હોતી ચડતી. આખો સમાજ આકાશને તાકીને બેઠો હતો. હીરલી અને બીજી સ્ત્રીઓ માતાજીને પ્રાથના કરવા લાગી જાય છે.
" હે માં! અમારું જીવતર તમારા હાથમાં સ.તુ શેવી રીતે જીવાડવા માગે સે હવ તારા હાથમાં સ. પણ માં એટલું યાદ રાખજે સ્ત્રીઓની આતરડી દુભાવતી નહિ.તુ પણ એક સ્ત્રીના અવતારમાં સો. સ્ત્રીઓની વારે આવ માં!."
કોઈ કલ્પના જ ન હતી કે આકાશ પણ રડી શકે છે. આભ ચોધાર આંસડે પોક મૂકીને રડવા લાગ્યું. એ આંસુ ખુશીના હતાં, ન્યાયના હતા, સ્ત્રીઓની લાગણીના હતા. રાખવા વાળી જ્યાં જનેતા બેઠી હોઈ છે ત્યાં કોઈને પણ દુઃખ નહિ પહોંચવા દે. સર્વ સંતાનને સરખા ભાવથી જ પ્રેમ પરોસે છે.કુદરતનો નીવેડો અતૂટ શ્રદ્ધાનાં પાથરણાંમા રહ્યો.



આભારદર્શન

મારી આ પ્રથમ નવલકથા આપ સમક્ષ મૂકતાં ખુશીની લાગણી વ્યકત કરું છું. નવલકથા લખવામાં વધુ વિલંબ થયો એ બદલ માફી પણ માંગુ છું. આપ સર્વેનો સ્નેહ અને પ્રતિભાવ આપવા બદલ ખૂબ ખૂબ આભાર માનુ છું. મારી પ્રેરણાસ્ત્રોત સમાન મારા દિલના કરીબ સદસ્ય , જેમને હંમેશા માર્ગદર્શન અને પ્રેરણા આપી છે તેમને અંત પૂર્વક આભાર માનું છું. ભૂલચૂક કે લખાણથી લાગણી દુભાઈ હોઈ તો દિલથી માફી માગુ છું.