પ્રકરણ - ૧
અનિલભાઈ એ મોટેથી બૂમ પાડી વિપુલભાઈને બોલાવ્યા અને પુછ્યું,
"અરે, વિપુલભાઈ તમારા ગામમાં પેલો માસ્તર ગોવિંદભાઈ એ હજી જીવે છહાપાર
વિપુલભાઈ - "હા વળી કેમ?"
અનિલભાઈ - "કેટલું દેવું હતું એમના માથે? ને હાપાર્ પરિસ્થિતિ છે"
વિપુલભાઈ - "૧ કરોડ ૨૫ લાખ દેવું હતુ, હાલ હવે થોડુંક દેવું માથે છે. પણ પરિસ્થિતિ સુધરી ગઇ છે પહેલાં કરતાં"
અનિલભાઈ - "અધધધ...૧ કરોડ ૨૫ લાખ"
વિપુલભાઈ - "બહૂ મુશ્કેલ સમય જોયો છે એણે તો, માંડ.માંડ બહાર નિકળ્યો છે. બાકી.અમને કોઇને આશા જ ન્હોતી કે જીવી જશે"
અનિલભાઈ - "અરે, સમય હોય તો એમની પહેલાથી વાત કરો ને, એમને વિશે જાણવું છે."
વિપુલભાઈ - "હા, કેમ નહીં. સાંભળો તો"
રામપુર કરીને અમારું ગામ છે. એમાંય એક અમારું નાનું ફળિયું, આમ તો બધાં ગરીબ પરીવાર રહેતાં હતાં, પણ એમાં પણ ચાર પાંચ માસ્તરો હતાં, એમાં જ એક માસ્તર રણછોડભાઈ કરીને એક માસ્તર, એમને બે છોકરા હતાં. પૈસા ટકે સુખી કુટુંબ એટલે બધાં ભાઈબંધોમાં ગોવિંદ એકદમ અલગ પડતો. રણછોડભાઈ એ બન્ને છોકરાને બહુ લાળ કોડથી ઉછેર્યો હતા, કોઇ વાતની કમી નહિ, ભણાવી ગણાવીને કોલેજ પણ કરવી, કોલેજ પછી બન્ને ભાઈઓને શિક્ષકની નોકરી અપાવી, બન્નેના લગ્ન કરાવ્યાં, લગ્ન પછી બન્ને ભાઈઓ અલગ અલગ શહેરમાં રહેવા ચાલ્યાં ગયા, નાનો છોકરો અમદાવાદ રહેવા ગયો, શિક્ષકનો એટલો સારો પગાર, સાથે પિતાજીનો પણ પગાર આવે એમાંથી મદદ કરે, હવે રણછોડભાઈ રીટાયર્ડ થઈ ગયા હતાં, એમનું પેન્શન આવતું, અને આમ બધાં આનંદથી પોતપોતાની રીતે સારું જીવન જીવતાં, એ સમયે જ્યારે ફળિયામાં કોઈના ઘરે બાઈક નહોતી એ સમયે આ ગોવિંદ.પલ્સર બાઈક લઈને ફરતો, અમદાવાદથી ઘરે ગાડી લઈને આવે ત્યારે ફળિયામાં બધાં ગાડી જોવા ભેગા થતાં, એકદમ અલગ જ પર્સનાલીટી હતી, બધાને લાગતું આ એકદમ સુખી માણસ છે.
પ્રકરણ - ૨
ગોવિંદ એકદમ સુખી માણસ હતો, કોઇ જાતનું દુ:ખ હતું નહીં, હંમેશા આનંદમાં રહેતું પરીવાર હતુ. હવે ગોવિંદના પિતાશ્રી શિક્ષક માંથી રીટાયર્ડ થઈ ગયા હતાં, ગોવિંદને અમદાવાદમાં શિક્ષકની નોકરી એટલે બે બાળકો અને પત્ની સાથે અમદાવાદ ભાડાના મકાનમાં રહેતો, એના બાપુજી ગામડે એકલાં રહેતાં, પૈસા ટકે એકદમ સુખી, કોઈપણ જાતનું દુ:ખ બાળપણથી જ જોઈલું નહીં. આમ ને આમ દિવસો વિતતા ગયા, હવે શહેરમાં ગોવિંદે પોતાનું ઘર લેવાનું વિચાર્યુ, બાપુજીને વાત કરી કે ઘર લેવુ છે. એટલે એમણે પણ પૈસાની મદદ કરાવાનું કહ્યુ એટલે ગોવિંદે ફાઈનલ ૮૦ લાખનું એક આલિશાન ઘર લોનથી ખરીદી લીધું. ઘરની રોનક એટલે કંઈ અલગ જ હતી, સોફા સેટ, પડદા, દરવાજા, ટીવી, ફ્રીઝ એમ બધી વસ્તુઓ નવી વસાવી હતી, અને બધી વસ્તુઓ એકદમ ભારે હતી, નવા ઘર માટે કંઈપણ બાકી ન્હોતું રાખ્યુ. અને હા હું પણ એના ઘરના ઉદ્દઘાટનમાં ગયો જ હતો, આટલું આલિશાન મકાન જોઇ આવક જ થઈ ગયો હતો, પણ અનિલ ભાઈ એક સાચી વાત કહું " આ ગોવિદભાઈ એટલાં મોટા માણસને પણ એમને જરાય આમ અભિમાન જેવુ નહી, અને એમના ઓળખીતા લોકો માટે તો જીવ આપી દે એવો માણસ, નિયતના સાવ સાચા માણસ, કોઈ દિવસ કોઇનું ખોટુ ન કરે, લોકને મદદય એટલી કરે, ને હવે તો ઘર, ગાડી, લાડી, બે ફુલ જેવા છોકરા, બધીય વાતે સુખી થઈ ગયો હતો. આ તો ખબર નહીં આવા ભલા માણસ પર ભગવાન કેમ કોપાયમાન થઈ ગયો ને સહન ન થાય એટલાં દુ:ખ દઈ દીધા. એ હા, આ દુ:ખ પરથી યાદ આવ્યુ કે ગોવિંદના બાપુજી એકવાર બિમાર પડ્યા એટલે દવાખાને દાખલ કર્યાં, એમને એવું જ કે કોઈ નાની મોટી બિમારી હશે, પણ આ તો પછી ડોકટરનો રીપોર્ટ આવ્યો ત્યારે ખબર પડી કે એમને તો બ્લ્ડ કેન્સર છે. બાપુજીની આમ તો ઉંમર વધારે અને એમાંય રીટાયર્ડ થઈ ગયા હતાં, છોકરાના છોકરાય જોઇ લીધા હતાં, પણ આ ગોવિંદ કંઇ એમ હાર માને? એણેય નક્કી કર્યૂ કે બાપુજીને સારવાર તો કરવાની જ ગમે તેટલો ખર્ચો થઈ જાય, ને એમાંય બાપુજીએ આખી જીંદગી નોકરી કરી ઘણાંય રૂપીયા ભેગા કર્યા હતાં, હાલય જીવતાં રહેશે ત્યાં લગી તો પેન્શન ચાલું રહેશે, એટલે ગોવિંદને એના ઘરના રુપિયા નાખવાની જરુર ન્હોતી, આમ ને આમ સારવાર ચાલું થઈ, ડોકટરે જે જે કહ્યુ એ બધુંય કર્યુ, બાપુજી પાછળ લાખો રૂપિયા વપરાય ગયા, ગોવિંદે એમની દવા માટે ઘરના રુપિયા પણ ઘણાં નાંખ્યા હતાં, હવે ઘીરે ઘરે પૈસા ઓછા થતા હતાં આ બધી દવાઓ જ એટલી મોંધી હતી, એક બાજુ બાપૂજી બિમાર, બીજી બાજૂ ઘરની લોનના હપ્તા ચાલું હતાં અને એમાંર ગોવિંદભાઈને એક વ્યક્તિ મળી જે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જોડાયેલ હતો, જેણે એવુ કહ્યું કે તમે એક ફિલ્મમાં પૈસા રોકો તમને ડબ્બલ પૈસા મળી જશે, ગોવિંદભાઈની આ સૌથી મોટી ભુલ કહો કે પછી મુર્ખામી, એમને ફિલ્મ ઈન્ડસ્ટ્રી વિશે જરાય ખ્યાલ જ નહોતો પણ કોઇકના ભરોસે પૈસા રોક્યા અને થોડાક નહી ૩૦ લાખ રોક્યા...! જેમાંથી ૨૨ લાખ તો પેમેન્ટ કરી દીધું હતું. ફિલ્મનું બધું નક્કી હતું એવાંમાં જે ભાઈને એટલે કે ડાયરેકટરના ભરોસે પૈસા રોક્યા હતાં એ એક્સીડન્ટમાં અચાનક મરણ પામ્યો ને અહી આ બાજું ગોવિંદભાઈના પૈસા પણ ગયા. ૨૨ લાખ આમ અચાનક ડૂબી જવાથી બહૂ તકલીફ પડી, એકબાજુ બાપૂજીની સારવાર ચાલું હતી બીજી બાજું પૈસાની તંગી પડતી હતી, આવુ ઘણાં સમય સુધી ચાલતું રહ્યુ જે પૈસા હતાં એ બધાં બાપુજીના દવાખાનામાં વપરાઈ ગયા હતાં, પગાર આવતો એના પર જ બંધુ ચાલતું હતુ. એમાં પણ બાપુજીનુ પેન્સન ચાલું હતુ એટલે વાંધો નહોતો આવતો, અચાનક બિમારીના કારણે બાપુજી ગુજરી ગયા અને એમના રીવાજો પ્રમાણે અઢળક ખર્ચો મરણ પછી પણ કર્યો... બાપુજીના જવાથી પેન્શન બંધ થઈ ગયુ ને પૈસાનો અભાવ વર્તાવા લાગ્યો, બાપુજીના દવાખાના મોટા બિલ માટે ઓલરેડી સગા વ્હાલા પાસે બે ચાર લાખ જેવી રકમ ઉધાર લીધી જ હતી....
હવે ગોવિંદની ખરેખર પડતી ચાલું થઈ હતી.
પ્રકરણ - ૩
હોસ્પીટલના બીલ, ઘરની લોનના હપ્તા, ગાડીના હપ્તા, ઘરનો ખર્ચો, આ બધું એટલું વધી ગયુ હતું કે પગારમાંથી બધુ પુરું થાય એમ હતું નહી, જેમ તેમ કરીને શહેરમાં ગોવિંદભાઈનું ઘર ચાલતું હતું. અગાઉ ૨૫ લાખ દેવું તો થઈ ગયુ હતુ, નવુ ઘર લીધું ત્યારે, અને હોસ્પિટલના બીલ ભરવામાં પોતના સગા વહાલા પાસે જ ઉધાર નાણાં લીધાં હતાં જેની રકમ ૨૫ લાખ જેટલી થતી હતી, પણ એ બધાં ઘરના લોકો હતાં એટલે ખાસ કોઈ માથાકૂટ ન્હોતું કરતું. હવે આ ખર્ચાને પહોંચી વળવા અને આ દેવુ ચુકવવા મિત્રો પાસેથી વ્યાજ પર પૈસા ઉધાર લેવાનું ચાલું કર્યુ, અને ગોવિંદભાઈનું નામ આખા પંથકમાં એટલું સારું કે એમને કોઈપણ પૈસા આપવા માટે તૈયાર થઈ જતુ, આમ કરતાં કરતાં દેવુ ૫૦ લાખ પાર કરી ગયું. એક જગ્યાએ પૈસા ચુકવવા એ બીજી જગ્યાએથી પૈસા લેવાના ચાલું કર્યાં, એક વ્યક્તિ પાસેથી પૈસા લઈ બીજી વ્યક્તિને ચુકવે એમ આખુ વર્ષે નિકળી ગયુ. હવે લેણદાર એટલાં વધી ગયા હતાં કે આ બધું ત્રાસ લાગતું, એવામાં, ઘરના લોનના હપ્તા ભરવામાં નિષ્ફળ ગયા એટલે ઘર વેચાવાનો વારો આવ્યો, ઘર બહું સસ્તી કિંમતે ગયુ, ઘર વેચીને જે પૈસા આવ્યાં એમાંથી પણ દેવું ચુકવી શકયાં નહીં, હવે ભાડાનાં ઘરમાં રહેવા ચાલ્યાં ગયા હતાં. દેવું તો ધીમેધીમે વધી જ રહ્યુ હતુ. સૌથી વધારે નુકશાન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પૈસા રોક્યા હતાં ૩૦ લાખ એ નુકશાન મોટું હતું, એ પૈસા પછી પાછા મળ્યાં જ નહી, પણ હજુ પણ ઓળખીતા મિત્રો મદદ કરતાં અને ઉધાર પૈસા આપતાં, હવે જે પગાર આવતો તે બધો પગાર આ દેવૂ ચુકવવામાં જ જતો રહેતો, ઘરમાં બે બાળકો હતાં, એક છોકરો ૧૦ ધોરણમાં ભણતો અને એક ૪ ધોરણમાં ભણતો, જીવનમાં એ છોકરાઓએ ક્યારેય દુ:ખ જોયુ નહોતુ, છોકરાઓને જે વસ્તુ જોઈએ એ વસ્તુ ગોવિદભાઈ હાજર કરી દેતાં, પણ અત્યારે પરિસ્થિતિ એવી આવી હતી કે એમના બાળકની ફી પણ સમયસર ન્હોતા ભરી શકતાં, છોકરાઓ માટે આ અજીબ હતું, મોટો છોકરો સમજદાર હતો એટલે સમજીને ચલાવી લે તો પણ નાના છોકરાને પરિસ્થિતિની ખબર ન્હોતી એટલે પહેલાં જેવા સુખની માંગણીઓ કરતો, એમાં પણ ગોવિંદભાઈની પત્નીએ આવી કપરી પરિસ્થિતિમાં સાથ છોડ્યો નહીં, જો સાથ છોડ્યો હોત આજે ગોવિંદભાઈ જીવીત ન હોત એ નક્કી, ગોવિંદભાઈની પત્નીને પિયરમાંથી કહયુ કે છોકરા સાથે પાછી આવી જાય એ સાચવી લેશે પણ એમણે એવું કર્યુ નહીં, આવી પરિસ્થિતિમાં પણ સાથે જ રહ્યાં, હવે માંડ માંડ જીવન ચાલતું હતુ, ઘરમાં પાંચ રૂપીયાની વસ્તુ લાવવાની હોય તોય વિચાર કરવો પડતો હતો. રોજેરોજ દેવાની રકમ વધી જ રહી હતી, આની સામે ટકી રહેવા સિવાય કોઈ રસ્તો જ ન્હોતો, એમાં પણ બાઈક, ગાડી, ટીવી, ફ્રીજ જેવી બધી જ આધુનિક વસ્તુ વેચી દીધી હતી, ઘરમાં ખાલી ગોદડીઓ સિવાય ખાસ કંઈ બચ્યુ હતુ નહી, એમનું આખુ મકાન બધી અંદરની વસ્તુઓ સાથે જ વેચાવાનો વારો આવ્યો હતો. એટલે હાલ કંઇ બચ્યુ હતુ નહી. ગોવિંદભાઈ એક દિવસ ગણવા બેઠા તો ફાઈનલ ૧ કરોડ અને ૪ લાખ દેવુ થઈ ગયુ હતું એમાં પણ અઢળક વ્યાજ હતું. અને ૩૬ થી ૪૦ વ્યક્તિઓ લેણદાર હતાં. હવે ગોવિંદભાઈ સ્કૂલે જતાં તો ત્યાં પણ લોકો પૈસા માંગવા જતા રહેતાં, ઘરે પણ આખો દિવસ લોકો પૈસા લેવા આવતાં હતાં, મોબાઇલ પર આખો દિવસ પૈસા લેનારાઓના ફોન આવ્યાં કરતાં,પૈસા લેવા માટે લોકો અડધી રાતે ઘરનો દરવાજા ખવડાવતાં, મોટાભાગના લોકોને ઘરનું સરનામું ખબર હતી એટલે પહોંચી જ જતાં, અમૂક લોકો સ્કૂલના ગેટ પાસે પહોંચી જતાં, જેવા સ્કૂલમાંથી બહાર આવે લોકો પૈસા માંગતાં હતાં, આ પરિસ્થિતિ માટે કેટલાંક અંગત લોકો પણ જવાબદાર હતાં, જ્યારે ગોવિંદભાઈની સારી પરિસ્થિતિ હતી ત્યારે કેટલાય લોકોએ પૈસા.પડાવી લીધાં હતાં હવે એ લોકો પણ કોઈ મદદ કરવા તૈયાર ન્હોતા. હવે આ બધું એટલું વધી ગયુ હતું સહન થાય એવું હતું નહી એટલે આખરે ગોવિંદભાઈએ કંટાળીને અમદાવાદ છોડી પાછા ગામડે જવાનું નક્કી કર્યુ. હવે આ બધાં ત્રાસથી બચવા ગામડે જવાનો જ રસ્તો હતો.
પ્રકરણ - ૪
એક દિવસ ગોવિંદાભાઈ રીક્ષા કરી ગામડે આવ્યાં, તેમને જોઇને આખી સોસાયટીના લોકો ચોંકી ગયા હતાં; કારણ કે એમને આજથી પહેલાં આવી હાલતમાં ક્યારેય જોયા નહોતાં, ઇસ્ત્રી ટાઈપ કપડાં, ગોવિંદભાઈનું શરીર એકદમ હેલ્ધી, પત્નીનો મેકઅપ એટલો હોય, છોકરાઓ એકદમ ટીપટોપ તૈયાર, ગાડી કે મોંધી બાઇક પર જ આવતાં અને આજે એકદમ વિપરિત પરિસ્થિતિમાં હતાં, ગોવિંદભાઈ એકદમ સૂકાઈ ગયા હતાં; જ્યારે એવુ લાગતું મહિનાઓથી ખાધું જ ન હોય, એમની પત્નિ પણ એકદમ સાદા અને જુના ડ્રેસમાં, છોકરાઓ પણ જુના કપડામાં, અને પોતાના વાહનની જગ્યાએ રીક્ષામાં આવ્યાં હતાં, આ બધું જોઇને સોસાયટી વાળા સમજી ગયા હતાં કે કંઈક તો અજુગતું બન્યુ છે. પણ ત્યારે કોઈએ પૂછવાનું વ્યાજબી ન સમજ્યું, ધીરે ધીરે આખી સોસાયટીને દેવા વિશે ખબર પડી ગઈ; બધાં ખાલી આશ્વાસન આપતાં હતાં. હવે ગામડે આવવાથી થોડી રાહત એ હતી કે કેટલાંક લેણદારને ગામડાનું સરનામું ખબર નહોતી એટલે ઘરે આવતાં નહી, અને જેને ખબર હતી એ આવતાં પણ આસપાસ લોકો હોવાથી મગજમારી કરતાં નહી, ગોવિંદભાઈ હવે નોકરી જતાં ત્યારે એમને પત્નીની ચિંતા રહેતી નહીં કારણ કે એમનું ઘર સોસાયટીની વચ્ચેમાં હતુ. પણ તોય હેરાનગતિ તો ચાલું જ હતી, ગોવિંદભાઈએ હવે જુની સાયકલ વસાવી લીધી હતી. રોજ હવે સાઇકલ લઈને સવારે હાઈવે સુધી જતાં, અને ત્યાં એક ઓળખીતાભાઈની દુકાને સાયકલ મુકી અમદાવાદ નોકરી જતાં, સ્કુલમાં પૈસા માંગવા આવનારનો ત્રાસ એટલો જ હતો. પૈસા બચતાં જ નહી, ખાવાના પણ ફાંફા પડતાં હતાં, એટલે સુધી કે ગોવિંદભાઈએ એક સમયનું ખાવાનું જ બંધ કરી દીધું, ઘરે પત્ની અને બાળકો માંડ માંડ જમવાનું બનાવાતા, એમાં પણ ગામડે આવ્યાં પછી સોસાયટીના લોકોએ પરિસ્થિતિ જોઇ એટલે બધાં મદદરૂપ બનતાં એટલે આમ ઘર ચાલતું હતું. ગોવિંદભાઈ પૈસાનું સેટીંગ કરવામાં સવારે ૫ વાગે નિકળી અને સાંજે ૧૧ વાગે પાછા ઘરે આવતાં, કેટલીય વાર ઘરે પણ ન આવતાં; એ તો પછી જાણવા મળ્યું કે સાંજે બસ સ્ટેન્ડ કે રેલ્વે સ્ટેશન પર રાત ગુજારી લેતાં, કેટલીંકવાર તો ૧૦ રુપિયાના સીંગચણાં ખાઈને દિવસો કાઢતાં, એમાંય પછી જાણવા મળ્યું સીંગચણાનાં ૧૦ રુપિયા પણ બાકી રાખતાં હતાં, હાલત એટલી ખરાબ હતી કે રેલવેમાં જતાં ટીકીટ લીધા વગર મુસાફરી કરતાં, જમવાનું તો ઠેકાણું જ નહતું, આવી પરિસ્થિતિમાં એમણે નોકરી ચાલું જ રાખી, હા, પણ સ્કૂલમાં ગેરહાજરી વધી જતાં ત્યાથી પણ નોટીસ આવવા લાગી, એ સમયની વાત છે જ્યારે શિક્ષકોને ચુંટણીનો સર્વે કરવા આપ્યો હતો, અને ગોવિંદભાઈના ભાગે પણ આ કામગીરી આવી હતી. અને એમણે આ પરિસ્થિતિના કારણે એ કામગીરી ન્હોતી કરી, ચુંટણી અધિકારીની નોટીસ આવી, ખુલાસો માંગ્યો, રૂબરૂ હજાર થઈને જવાબ આપવાનો હતો. મામલતદારે પરિસ્થિતિ જોઇ મદદરૂપ બન્યાં નોટીસ પાછી ખેંચી લીધી, પણ ધીરે ધીરે કામ પતાવી દેવા આદેશ કર્યો. બધી તકલીફો વેઠીને પણ કામ પૂરું કર્યું, એમની પાસે આ બધા દેવામાંથી નિકળવા માટે એક જ રસ્તો હતો કે નોકરી પર ટકી રહેવું, એમના સ્કૂલના સ્ટાફે પણ આ બાબતે બહું સપોર્ટ કર્યો. ગોવિંદભાઈની હાલત એવી હતી કે બસ ગમે તેમ કરી હવે જીવતાં રહેવાનું હતુ, આ બધી પરિસ્થિતિમાં છોકરો ૧૦માં નપાસ થયો એટલે ભણવાનું છોડી દીધું, નાનો છોકરો ૫માં ધોરણમાં આવ્યો હતો, એટલે સારી સ્કૂલમાં ભણવાનું હતું, ગામડે સ્કૂલ હતી નહીં એટલે બાજુની સારી સ્કૂલમાં ભણવા મુક્યો એની ફી અને સ્કૂલ રિક્ષાનું ભાડું પણ મોઘું પડતું હતું પણ છુટકો હતો નહી, ખાસ તો એજ કે આવી પરિસ્થિતિમાં સગા સબંધીઓ બધાં સાથ છોડી જતાં રહ્યાં હતાં, એટલે સુધી કે કોઈ ખબર અંતર પણ નહતો પુછતાં, એમને એવી બીક હતી કે જો ગોવિંદભાઈ અને પરીવાર કંઈક ખોટું પગલુ ભરશે તો બધાં ફસાઈ જઈશું, એટલે સગા સંબંધીઓ સંબધ તોડી દીધા હતાં, હવે ગોવિંદભાઈ અને એમનુ પરીવાર એટલો જ સહારો હતો, એમને ગમે તેમ કરીને પત્ની અને બાળકો માટે બસ જીવવાનું હતુ. કેટલીય વાર તો સહ પરીવાર સાથે આત્મહત્યા કરવાના વિચાર પણ કરતાં હતાં. પણ એ જાતે જ કહેતાં કે એમને કોઈ શક્તિ બચાવી લેતી, એવા વિચારોમાંથી બહાર આવી હિંમત રાખી આગળ વધતાં, એકવાર તો એવુ બન્યુ કે એક વ્યક્તિ પાસે ૨ લાખ લીધા હતાં, અને આપવાના બાકી હતાં તો અડધી રાતે ઘરે આવતાં હતાં એ સમયે એમને રસ્તા પરથી જ ગાડીમાં મો બાધી એક રૂમમાં પૂરી દીધા, આખી રાત એક રૂમમાં પૂરી રાખ્યાં અને સવારે એ વ્યક્તિ આવ્યો અને ૨ લાખ ચુકવવા માટે કહયું નહીં તો માર મારશે એવી ઘમકી પણ આપી પણ હજી સુધી માર ન્હોતો માર્યો, એટલે ગોવિંદભાઈએ તાત્કાલિક એક ઓળખીતા મિત્ર પાસેથી ૨ લાખ રુપિયા લીધા અને ચૂકવ્યાં ત્યારે છુટા કર્યાં. આવુ એમને બે વાર થયુ, છતાં આવી વિકટ પરિસ્થિતિમાં બસ ટકી રહયાં. ખરેખર મુશ્કેલીઓ તો હવે ચાલું થઈ હતી, કેટલાકં લોકોએ હવે પોલીસ કેસ કર્યો હતો એની નોટીસો આવતી ચાલું થઈ ગઈ હતી.
પ્રકરણ - ૫
ગોવિંદભાઈ હવે ગામડે આવી ગયા હતાં અને એ વાત હવે લેણદારોને ખબર પડી, ગામનું સરનામુ મળી ગયુ એટલે હવે પૈસાની ઉઘરાણી કરવા ગામડે આવવા લાગ્યાં, ઝઘડો કરવા લાગ્યાં, મોટે મોટેથી બુમો પાડી ઘમકાવવા લાગ્યાં, અને આ બધું જ સોસાયટીના લોકો જોતા હતાં, પણ કોઈ વચ્ચે બોલી શકતાં નહીં, ઝઘડા થાય ત્યારે એકબાજુ ગોવિંદભાઈ કાલાવાલા કરતાં, બીજી બાજુ છોકરા રડતાં, આવું થાય ત્યારે જમવાનું પણ ન બનાવતાં, કોઈ રસ્તો જ ન મળે સાવ નિરાશ થઈ ગયા હતાં, બસ આશા હતી એમની શિક્ષકની નોકરી પર જ, કેટલાંક લેણદારોએ હવે કેસ કર્યો એટલે પોલીસ સ્ટેશનમાંથી નોટીસ આવવા લાગી, હવે પોલીસ સ્ટેશન અને કોર્ટના ચક્કર પણ વધી ગયા, માંડ-માંડ કરી બધું સેટીંગ કરતાં, આવા સમયે છોકરાનું ભણતર ન બગડે એટલે શહેરની પ્રાઈવેટ સ્કુલમાં ભણવા મુક્યો, જેમતેમ કરી ફી ની વ્યવસ્થા કરી દેતાં. અહીયાં ગામડે પણ એટલી હેરાનગતિ વધી ગઈ હતી કે હવે ગામડું પણ છોડવું પડે એમ હતુ. ને આ એ સમય હતો જેમાં પરીવારના બધાં સગા વહાલા સાથ છોડી જતાં રહ્યાં હતાં. બીજું તો ઠીક કોઈ ખબર અંતર પૂછવા ફોન પણ ન કરે એવી પરિસ્થિતિ હતી. ગામડે રહેવાનું સારું હતું પણ હેરાનગતિને કારણે ઘર છોડાવુ જરુરી હતું એટલે શહેરમાં ભાડે ઘર શોધી લીધું અને કોઇને એટલે કોઈ નજીકના સગાને પણ એનૂં એડ્રેસ ન આપ્યું અને ગામડું છોડી શહેર ચાલ્યાં ગયા, સાવ અજાણ્યા બનીને હવે રહેતાં હતાં, હવે ફક્ત ગોવિંદભાઈને સ્કૂલમાં હેરાનગતિ હતી, સ્કુલ છુટવાનો સમય થાય એટલે ૧૦ થી ૧૫ લોકો પૈસા માંગવા ગેટની બહાર ઉભા જ હોય, માંડ માંડ સમજાવી ગોવિંદભાઈ ઘરે પહોચતાં, મોબાઇલ નંબર પણ એકદમ સિક્રેટ હતો કોઇને આપ્યો હતો નહી. અને મોબાઇલ પણ ઘરે મુકીને જ જતાં, પગાર આવતો એમાંથી તો એક રુપિયો પણ બચતો નહી ૬૦ હજાર માંથી ૨૦૦ રુપિયા લઈને ઘરે જતાં એવી સ્થિતિ હતી. આ સમયમાં પાણીમાં જમવાનું બનાવતાં હતાં એવી ખરાબ પરિસ્થિતિ હતી. શહેરથી અમદાવાદ નોકરી જવા માટે ટ્રેનમાં જતાં, અને એ સમયે તો ટ્રેનની ટિકીટ લેવાના પણ પૈસા ન્હોતા એમની પાસે એટલે વગર ટિકિટે જ ટ્રેનમાં મુસાફરી કરતાં, સ્ટેશનથી થોડા આગળ ઉતરીને ચાલતાં જતા રહેતાં, એ ટ્રેનમાં એક મિત્ર બન્યો હતો અને આવી પરિસ્થિતિ જોઇ એને લાગ્યું કે ગોવિંદભાઈ કંઈ મુશ્કેલીમાં છે. એક શિક્ષકની આવી હાલત જોઇ કોઇપણ સમજી જાય એમ હતું. એટલે એમણે પૂછપરછ કરી એટલે આખરે ગોવિંદભાઈ એમની હકિકત જણાવી, એ મિત્ર સારો હતો કે મહિને હવે દર મહિને હજાર બે હાજાર રુપિયા આપતો અને કહેતો વાપરી ન કાઢતાં ઘરે આપજો ને જમવાનું ખાજો, એમ થોડો સમય એ મિત્રની મદદ મળી, ગોવિંદભાઈની હાલત તો એવી હતી કે કોડીયો પચતો જ નહીં, એમણે આ અપડાઉનમાં ઘણાં દિવસો ભુખ્યા પેટે જ ચલાવ્યું હતું, કે પછી ૧૦ રુપિયાના સીંગ ચણાં ખાઈને. ગોવિંદભાઈનું શરીર હવે એકદમ લેવાય ગયું હતું, હાડકા દેખાતા હતાં, હવે તો ફોનમાં કંપનીનો ફોન આવે તોય ગભરાઈ જતાં, હવે શહેરમાં તકલીફ એ થઈ કે નાનો છોકરો ભણતો એ સ્કુલનું સરનામુ મળી ગયુ અને ત્યાં તપાસ કરી ઘરનું સરનામું મેળવી લીધું હવે શહેરમાં પણ એજ હેરાનગતિ ચાલું થઈ ગઈ હતી, ઘરે ગોવિંદભાઈના પત્ની અને બાળકો એકલાં હોય એટલે હેરાન કરતાં. પરિસ્થિતિ એવી હતી કે એ ઘર પણ છોડવું પડે, અને એટલે એ શહેર છોડીને પાછું અમદાવાદ રહેવા જતાં રહ્યાં, એક નવી અજાણી જગ્યાએ, હવે તો મોટો છોકરો ૧૦ધોરણમાં નપાસ થયા પછી ભણાવવાનું છોડી દીધું હતું એટલે એણે મોલમાં સીક્યુરીટીમાં નોકરી ચાલું કરી, ગોવિંદાભાઈનો પાગર દેવું ચુકવવામાં જતો અને છોકરો ઘર ચલાવતો, એટલે થોડી શાંતિ તો હતી પણ માનસિક રીતે તો બધાં સાવ હારી ગયા હતાં બસ ગમે તેમ ટકી રહેવુ એજ આખરી રસ્તો હતો, ગોવિંદભાઈએ હવે ઘણું દેવું ચુકવી દીધું હતું પણ તેમ છતાં હજુ લાખોમાં આંકડો હતો. ખાસ તો પૈસા વ્યાજે લીધા હતા, એટલે બધાને એમણે કહયું હતું કે મારી આ પરિસ્થિતિ છે એટલે વ્યાજ ભુલી જજો હું મુખ્ય રકમ જે છે એજ આપીશ, એમાં કેટલાંક લેણદાર તૈયાર થયા ને ઘણાં ન થયા, હપ્તે હપ્તે બધાને પૈસા ચુકવી દેતાં, પગાર આવતો એ બધો આ દેવું ચુકવવામાં જ જતો રહેતો ને આમને આમ ચાર વર્ષ નિકળી ગયાં, એમની પાસે હવે ગામડાનું એક ઘર એજ મુડી હતી બીજું કંઇ બચ્યુ હતું નહીં, જ્યારે એ ઘર વેચવા કાઢ્યું ત્યારે સોસાયટી વાળાએ જ સમજાવી ન પાડી, કહ્યું આ તારો આખરી સહારો છે કંઈ નહીં બચે તો પણ અહીંયા તને આશરો મળશે જ, અને ગામડુંનું ઘર વેંચાય નહી. આમ કરી એને ઘર ન વેચાવા દીધું. એમને મહિને ચાર વાર મોબાઈલ નંબર બદલાવવા પડતાં હતાં. હવે તો કોઈ અંગત વ્યક્તિને પણ નંબર ન આપતાં, ખાસ તો અહીં ગામડે એમના સરનામે ઘણી નોટીસ આવતી જે અમે પણ એમને જણાવી ન શકતાં, એટલે ઘણીવાર ધરપકડ વોરંટ પણ નિકળ્યાં હતાં, કેટલીંકવાર પોલીસ આવીને આજુ બાજુ પડોશીઓની પૂછપરછ કરતી પણ અમારા માટે તો ગોવિંદભાઈ કોઈ અજાણ્યાં ટાપુ પર રહેતાં હોય એવું જ હતું, કોઇ જાતનો સંપર્ક હતો નહીં. પણ હવે આટલા વર્ષો પછી ધીરેધીરે પરિસ્થિતિ થાડે પડતી હતી. ઘણાં બધાનું દેવું ચુકવી દીધું હતું, બીજા જે હતાં એમાં કેટલાકં પરીવારના સભ્યો હતાં, કેટલાંક ઓળખીતા મિત્રો હતાં એટલે હેરાનગતિ ઓછી થઈ હતી પણ પરિસ્થિતિ ગંભીર તો હતી જ એ હવે આગળના ભાગમાં...
ક્રમશ.......
© નેલ્સન પરમાર