સિંદૂર ક્યારેક પિંજરા સમાન લાગે, સુખ સુવિધા ઘણી પણ આઝાદી ન મળે..
આજે મારે બહાર જવાનું છે, બધા ફટાફટ જમી લો,
એમ કહી મીનું બધાંને જમવા બોલાવતી રહી પણ કોઈ આવ્યું નહીં, ફરી બૂમ પાડી તો કોઈ જવાબ નહીં, આજે મીનું પણ હાર માને એમ નહોતી, એને રોટલીઓ કેસરોલમાં ગરમ બનાવીને મૂકી દીધી, ડાઇનિંગ ટેબલ પર બધું જમવાનું ગોઠવી દીધું, બસ ખાલી પ્લેટમાં જાતે લઈને જમવાનું જ રહ્યું. તૈયાર થઈ ગઈ અપટુડેટ, આજે કંઇક વધારે સુંદર દેખાઈ રહી હતી, હલકી લિપસ્ટિક અને હાથમાં ગુચીની હેન્ડબેગ સુંદરતામાં વધારો કરતાં હતાં. ઘરમાં હું જાવું છું સાંજે આવીશ તમે જમી લેજો જાતે, એમ બૂમ પાડીને જણાવ્યું ત્યાં તો દીકરો, દીકરી ને સાસુમાં બધાં હાજર ! અરે ક્યાં જાય છે, અમને કોણ પીરસસે ? મીનુંએ કહ્યું કે ક્યારની બોલાવતી હતી, ના આવ્યાં તમે ? આજ પછી આવું જ થતું રહેશે, મેં રસોઈ બનાવી દીધી છે, ઘરનું કોઈ કામ બાકી નથી જે તમારે કરવું પડશે. ખાલી જમીને તમારી પ્લેટ સિંકમાં મુકજો બસ આટલું કરશો તો પણ ઘણું છે.
મોટાભાગની સ્ત્રીઓ પરિસ્થિતિ બદલવા માટે લડતી જ નથી, પરિસ્થિતિ જે હોય એમાં સેટ થઈ જાય. મીનું પરિસ્થિતિ હવે બદલવા માંગતી હતી. ઘરનાં કામમાંથી જે સમય મળે એમાં સખીઓ સાથે આનંદ માણવા માંગતી હતી. દિલનાં અરમાનોની હારમાળા હતી તે પુરી કરવી હતી.
મીનું ઘરનું કામ કરતી, બધાંને સાચવતી પણ કોઈ એની લાગણી સમજતું નહિ કે એને શું કરવું છે ? શું જોઈએ ? શું શોખ ? બસ બધાને સાચવવાની ઘટમાળમાં જિંદગી પુરી થતી દેખાતી. એને નક્કી કર્યું કે મારે પણ ખુલ્લી હવામાં શ્વાસ લેવો છે પણ ઘરનાં ભોગે નહિ પણ મને ૨-૬ બપોરે સમય મળે છે તેનો સદઉપયોગ કરું, મારુ મનગમતું કાર્ય કરું. એમ કરીને એક સો જણાનું લેડીઝ ગ્રુપમાં જોઈન્ટ થઈ ગઈ.
ચાલ ત્યારે ફરી એકવાર મસ્ત ફકીર જીવન જીવી લવું.
મધુલિકા ગ્રુપનું નામ, જાતજાતની એક્ટિવિટી થાય, મહિનામાં એક વાર મળવાનું, લેડીઝ જ્યારે મળે ત્યારે અનહદ આનંદ છવાયેલો હોય, જે ઘરે નાં બોલી શકતા હોય એ બુમો પાડતા વાતો કરતાં હોય, પોતાનાં હાથનું બનાવેલું તો રોજ ખાતાં હોય પણ બીજાનાં હાથનું મળે તો મનમૂકીને ખાય. વાર તહેવારે કોમ્પિટિશન થતી હોય, દા:ત ઉત્તરાયણમાં જવેલરી પતંગની, ડ્રેસ પતંગનો, તમારાં દિમાગમાં જે આવે તે ઉત્તરાયણને અનુસરીને જરૂરી હોય તે બનાવીને પહેરી શકો. બધાં ઘણા મેમ્બર્સ ભાગ લીધો. હમણાં કોરોનાંને કારણે ઓનલાઈન થાય છે. મીનુંએ મસ્ત તૈયારી કરી,જવેલરી નાના પતંગથી બનાવી. તુકલ, ગુંદરપટ્ટી, ફીરકી થી ઝુલો બનાવ્યો, ડ્રેસપર પતંગનું પેચવર્ક કર્યું. સ્લોગન એક મૂક્યું પતંગ પર " ઉડો આભમાં ઉડો, પાંખો કાપ્યા વિના.'' મીનુની તૈયારી એની ધગશ, એની આવડત રંગ લાવી, પહેલું ઇનામ જીતીને રાજીની રેડ થઈ ગઈ કારણ ઘણાં વર્ષો વહી ગયા હતા ઇનામ મળે જાણે કોલેજના દિવસોમાં પહોંચી ગઈ. ઘરમાં પણ બધાં ખુશ સાસુમાંને જ ઇનામ આપી દીધું કે આ તમારું તમારા લીધે જ મળ્યું મને.
મીનુંને ક્રિએટીવીટી જોઈતી હતી જે એને અલગ રીતે સમય પસાર કરવામાં મદદ કરતી. ક્યારેક ક્લબમાંથી જરૂરિયાતમંદ માટે ફાળો એકત્ર કરીને તેની વહેંચણી કરવા પણ જતા, ત્યારે જે આંતરિક આનંદ મળતો એનું વર્ણન જ અશકય છે.
મીનુંને હવે નવી નવી સખીઓ બનવા માંડી હતી, ક્લબમાંથી ગ્રુપ એક્ટિવિટી વધારે થતી જેથી બહેનો એકબીજાને વધારે મળી શકે, જાણી શકે, અનુભવો શેર કરી શકે, જેનાં વિચારો મળતા હોય એ પાક્કા દોસ્ત બની જાય. વિવિધ સ્વભાવનું એક ગ્રુપ તૈયાર થતું. મનમૂકીને વાતોની લ્હાણી થતી, દિલોનો ભાર હળવો થતો. રાજકારણથી માંડીને દેશ વિદેશની લેટેસ્ટ સમાચારની જાણકારી મળતી. સ્ત્રી ધારે તો શું શું કરી શકે એની હેલ્ધી ચર્ચા થતી. સ્ત્રી લાગણીશીલ પ્રાણી છે, એને માટે ઘર પહેલાં, એના શોખ પછી.
મીનું આજકાલ ખુબજ ખુશ રહેતી હતી, ઘરનું કામ પણ ગીત ગનગણતાં જ કરી પોતાની ખુશી વ્યક્ત કરતી. ઘરમાંથી હવે તેને સ્પોર્ટ કરતા હતાં, કોમ્પિટિશનમાં ભાગ લીધો હોય તો વધારે ક્રિએટીવ કેવી રીતે કરી શકાય દીકરો અને દીકરી માહિતગાર કરતાં, વહુ ઇનામ જીતીને આવે તો સાસુમાં પણ ખુશ થતાં. ફોટોસ તો તરત જ શેર થઈ જતા. પતિદેવ ખુબજ ખુશ હતાં પરિવર્તનથી કારણ હવે તેમને ફરિયાદો આવતી ઓછી થઈ ગઈ. શરૂમાં ઘરમાં બધાંને ન ગમ્યું પણ મીનું એ હાર સ્વીકારી નહીં, મનગમતું કાર્ય એને મળ્યું હતું, રોજ તો જવાનું હતું નહીં, એની જવાબદારીઓ સુપેરે નિભાવતી પછી જતી, ઘરનાં એ એની ખુશી બરકરાર રાખી, મીનુંની ભાવનાની કદર કરી એજ મોટી લાગણી બની ગઈ.
સ્ત્રીને લાગણીનાં થોડાં છાંટા પણ ઉડે તો ખીલી ઉઠે, ઘર મહેકી ઉઠે, ઘર ચહેકતું થાય, સૌના રંગમાં રંગાઈ જાય, સ્ત્રી પ્રેમની ભૂખી હોય, પ્રેમની લ્હાણી થાય ત્યારે વધારે ઢળે. પ્રેમનો અહેસાસ આપતા રહીએ,
ચુટકી સિંદૂરની સાથે થોડી લાગણીની આઝાદી, વિચારોની આઝાદી આપતા રહીએ. જેથી જિંદગી પિંજરનાં બની જાય.
""અમી""