sundari chapter 72 in Gujarati Fiction Stories by Siddharth Chhaya books and stories PDF | સુંદરી - પ્રકરણ ૭૨

Featured Books
Categories
Share

સુંદરી - પ્રકરણ ૭૨

બોતેર

“બેનબા, મને એ ખબર નથી પડતી કે એમનું નામ સાંભળીને શિવભાઈ અચાનક આમ ગુસ્સે થઈને કેમ જતાં રહ્યાં?” વરુણ એકદમ મુંઝાયેલો દેખાઈ રહ્યો હતો.

વરુણ અને સોનલબા વરુણના રૂમમાં શિવ એટલેકે શ્યામલ સાથે વરુણની ગઈ રાત્રીની મુલાકાત દરમ્યાન થયેલી વાતચીત અંગે ચર્ચા કરી રહ્યા હતા. વરુણ રૂમમાં આમતેમ આંટા મારી રહ્યો હતો અને સોનલબા વરુણના સ્ટડી ટેબલની ખુરશી પર બેઠા હતા અને સતત આમથી તેમ આંટા મારી રહેલા વરુણ સામે જોઈ રહ્યા હતા અને મનમાં પોતે હમણાં પકડાઈ જશે એવો ડર પણ રાખી રહ્યાં હતાં.

“હમમ...” સોનલબાએ વરુણના સવાલના જવાબમાં ફક્ત આટલું જ કહ્યું.

“કાંઈક તો કહો બેનબા! મને તો એવું લાગે છે કે શિવભાઈ એમને ઓળખતા હોવા જોઈએ અને એ પણ બહુ સારી રીતે. એક મિનીટ...” વરુણ થોડો સમય રોકાયો.

વરુણને અચાનક જ કોઈ વિચાર આવી ગયો હોય એવા હાવભાવ એના ચહેરા પર આવી ગયા અને સોનલબાનું હ્રદય જોરજોરથી ધબકવા લાગ્યું. એમને ખ્યાલ આવી ગયો કે વરુણને કદાચ તેમની અને કૃણાલની યોજના અંગે શંકા થઇ ગઈ છે અને હવે તેનો આગલો પ્રશ્ન એ અંગે જ હશે.

“શું? આમ અચાનક જ કેમ રોકાઈ ગયો?” સોનલબાને ખાતરી કરવી હતી કે વરુણને ખરેખર તેમના પર કોઈ શંકા ગઈ છે કે નહીં એટલે એ ઉતાવળા થયાં.

“આપણી કોલેજ, એટલેકે એમની પણ કોલેજ, શિવભાઈની દુકાન જે ફૂડ કોર્ટમાં છે તેની સાવ નજીક છે. તો પછી એવું બની શકે ને? કે એ એમની દુકાને કોલેજેથી રેગ્યુલરલી ચ્હા પીવા જતા હોય? એમાં એમની સાથે શિવભાઈને વારેવારે બોલવાનું થતું હોય અને આમ પણ બંનેનો સ્વભાવ પણ મળતાવડો જ છે એટલે એકબીજાને અમુક દિવસો વીતી ગયા બાદ ઓળખતા થઇ ગયા હોય?

અને પછી હું એમનું નામ શિવભાઈ સામે આમ આ રીતે, અચાનક જ આ સબંધ સાથે જોડીને લઉં તો એમને ખરાબ તો લાગે જ ને? યેસ! મને ખ્યાલ આવી ગયો બેનબા. એવું જ છે. એ બંને એકબીજાને ઓળખે છે અને એટલેજ શિવભાઈને ખરાબ લાગી ગયું. હા... એમ જ છે!” વરુણે છેલ્લે જમણા હાથથી ચપટી વગાડીને પોતે યોગ્ય નિષ્કર્ષ પર આવી ગયો હોય એવો ઈશારો કર્યો.

સોનલબા વરુણ સામે જોઈ રહ્યા, પરંતુ વરુણને સોનલબા પાસેથી કોઈ પ્રતિભાવ મળવાની અપેક્ષા હતી એટલે એ એમના જવાબની રાહ જોવા લાગ્યો.

“અરે કાંઇક તો બોલો? મેં જે કહ્યું એમ જ હશે ને?” વરુણ સોનલબાનો અભિપ્રાય જાણવા માટે ઉતાવળો થઇ રહ્યો હતો.

“હા, ભઈલા, એવું જ કશુંક હોઈ શકે છે. આપણને વધુ ખ્યાલ ન હોય તો આમ ઊડતાં તીર પણ ન છોડાયને?” સોનલબાને હવે શાંતિ થઇ કે વરુણ તેમને ડર હતો તેનાથી વિરુદ્ધ દિશામાં જ વિચારી રહ્યો હતો.

“હમમ... તમારી વાત પણ સાચી છે બેનબા. એમ આપણે ગમેતે વિચારીને કોઈ ડિસીઝન પર ન પહોંચાય.” વરુણ સોનલબાની દલીલથી સહમત હોય એમ એમની સામે રહેલા બેડના ખૂણે બેસી ગયો.

“તું વધુ વિચાર ન કર. બધું સરખું થઇ જશે.” સોનલબા હવે વરુણને શ્યામલથી કોઈ બીજી વાત પર ધ્યાન લઇ જવા માંગતા હતાં.

“કશું સારું કે સરખું થવાનું નથી. મને એમ કે શિવભાઈ તો આમ સાવ થર્ડ કે ફોર્થ પાર્ટી જ કહેવાય અને એમની પ્રાર્થના પણ જોરદાર કામ કરે છે તો એમને તો કહેવાય. તમારા સમ બેનબા આ વાતની તમને, કૃણાલીયા અને આપણા બંનેના પપ્પાઓ સિવાય કોઈને પણ મેં નથી કીધી. આઈપીએલમાં પણ મારા ટીમ મેટ્સ પણ મને બહુ ચીડવતા કે તારે કોઈ ગર્લફેન્ડ નથી? તને કોઈ ગમતી નથી? તો પણ મેં એમને કશુંજ નહોતું કહ્યું.

શિવભાઈ મને એકદમ સેઈફ બેઈટ લાગ્યા, કારણકે મને તો ખ્યાલ જ નહીંને કે એ એમને ઓળખતાં હશે? પણ એમને પણ મારા અને એમના સબંધ વિષે ગુસ્સો આવી ગયો. ખબર નહીં શું થવા બેઠું છે? મને લાગે છે મારે આજીવન કુંવારા જ રહેવું પડશે. કારણકે એ નહીં મળે તો બીજું કોઈજ નહીં આવે મારી લાઈફ માં એ તો નક્કી જ છે. એક મિનીટ...!” ફરીથી વરુણને કોઈ વિચાર આવ્યો હોય એમ એ રોકાયો.

“હવે શું થયું ભઈલા?” સોનલબાનું મન માંડ શાંત થઇ રહ્યું હતું ત્યાં વરુના “એક મિનીટ” કહીને રોકાઈ જવાથી એમને ફરીથી ટેન્શન થવા લાગ્યું.

“કોઈ વ્યક્તિ એની સમક્ષ કોઈના પ્રેમના સ્વીકારની વાતનો આટલો ગુસ્સો શા માટે કરે? ફક્ત એટલા માટે કે તે વ્યક્તિને સારી રીતે ઓળખે છે? ના ના ના બેનબા... શિવભાઈનો ગુસ્સો અને અણગમો એમના ચહેરા પર મેં જોયો છે. એમણે જે રીતે કારનું ડોર પછાડ્યું એ અવાજ હજી પણ મારા કાનમાં ગુંજે છે. મને કોઈ વ્યક્તિ ફક્ત ઓળખતી હોય, ભલેને સારી રીતે તો એના વિષે કોઈ વાત મને એટલી હદે ગુસ્સો તો ન જ અપાવે જે રીતે શિવભાઈ ગુસ્સે થયા હતા.

મને લાગે છે કે એમની અને શિવભાઈ વચ્ચે ફક્ત ઓળખાણનો નહીં પણ ઓળખાણથી પણ વધારે સબંધ છે. અરે હા! તે દિવસે મેં એમને પેલા બિલ્ડીંગની ગેલેરીમાં કોઈ સાથે ભેટતાં જોયા હતા એ ક્યાંક...?? હા એમ જ, યેસ, યેસ એમ જ! એ વ્યક્તિ શિવભાઈ જ હતા... હા! હવે બધું જ ક્લિયર થઇ ગયું બેનબા કે શિવભાઈ આટલી હદે મારા પર ગુસ્સે કેમ થઇ ગયા, કારણકે શિવભાઈ અને એમની વચ્ચે... પ્રેમસબંધ છે...” છેલ્લું વાક્ય વરુણ માંડ માંડ બોલ્યો જ હતો કે ત્યાંજ...

“ભઈલા, ચૂપ થા, બહુ બોલી લીધું તે. તારા બે-લગામ વિચારોના ઘોડાને હવે લગામ આપ. હું મારી બીકને લીધે નથી બોલતી એટલે તું ગમેતેમ બોલવા લાગ્યો. ત્યાંજ રોકી દે તારા વિચારોને.” સોનલબા ખુરશીમાંથી ઉભા થઇ ગયા.

સોનલબાનો ગૌરવર્ણ ચહેરો લાલઘૂમ થઇ ગયો હતો, એમની માંજરી આંખોમાં પણ જાણેકે લોહી ધસી આવ્યું હતું. સોનલબાનું આવું સ્વરૂપ તો વરુણ પહેલીવાર જોઈ રહ્યો હતો, અચાનક જ એમના વર્તનમાં આવેલા પરિવર્તનથી એને જબરું આશ્ચર્ય થયું અને આથી એ પણ ફાટી આંખે સોનલબાને જોઈ રહ્યો.

==::==

“મારે ફક્ત એટલુંજ જાણવું છે સુના, કે તેં અત્યાર સુધી મારાથી આટલી મોટી વાત કેમ છુપાવી રાખી?” શ્યામલ પણ અતિશય ગુસ્સામાં હતો.

“શું કહેત ભાઈ? એ મને એકતરફી પ્રેમ કરે છે. મારે એની સાથે ન તો કોઈ સબંધ હતો કે ન તો મારે સબંધ જોડવો છે. અમારા સો કોલ્ડ અફેર વિષે એણે કોલેજમાં થોડા દિવસ અફવા ફેલાવી, એમ કરીને મને ઈમોશનલી સપોર્ટ કરવાની કોશિશ કરી અને મારું મન જીતવાનો પ્રયાસ કર્યો, અને જ્યારે એ મને આ અફવા દૂર કરવા મદદ કરવા એની સાથે વાત કરી તો એણે ત્યાંજ, બગીચામાં જ પોતાના પ્રેમનો ઈઝહાર કરી દીધો.

શ્યામલભાઈ, મારે એની સાથે લેવા ન કે દેવા છે. વરુણ મારી લાઈફના અસંખ્ય ખરાબ ચેપ્ટર્સમાંથી એક છે. મમ્મીનું અચાનક જ ચાલ્યું જવું, તમારા અને પપ્પા વચ્ચે સતત થતાં ઝઘડા, એ ઝઘડાઓના પરિણામે તમારું મને એકલી મુકીને જતું રહેવું, ત્યારબાદ વર્ષો સુધી પપ્પાનો ખરાબ સ્વભાવ, એમનું મારું સતત અપમાન કરવું, મને ટોણા મારવા આ બધા જ ખરાબ ચેપ્ટર્સમાં આ વરુણનું કહેવાતું પ્રેમપ્રકરણ પણ ઉમેરાયું.

એ સમયે મને એવું લાગ્યું કે એ મારો જિંદગીભરનો સારો ફ્રેન્ડ બની રહેશે, પણ એના ઈરાદાઓ તો અલગ જ હતાં. પછી એણે કોલેજ છોડી અને બીજી કોલેજમાં ગયો, ત્યાંથી ક્રિકેટમાં આગળ વધ્યો છેવટે આઈપીએલ પણ રમ્યો. મને એમ હતું કે ગ્લેમરમાં અંજાઈને હવે એ બધું ભૂલી ગયો હશે, પણ ના, એને હજી પણ મને હેરાન કરવી છે.” સુંદરી પણ ગુસ્સામાં હતી અને તેની આંખો ભીની હતી ગળું ભારે હતું.

“એટલેજ તું તે દિવસે જ્યારે પહેલીવાર વરુણ આઈપીએલમાં મેચ રમ્યો ત્યારે એનું નામ જોયા પછી અચાનક જ ત્યાંથી જતી રહી. તારે મને આ વાત ત્યારેજ કરી દેવી હતી. હમમ... હવે મને સમજાયું. એક સુંદર ચહેરા પાછળ એની કેટલી વિકૃત માનસિકતા છે. પોતાની પ્રોફેસર વિષે એ આવું વિચારે છે? છી! પણ તું હવે એની ચિંતા ન કરતી. હું જ એને આજકાલમાં દુકાને બોલાવીને સમજાવી દઈશ.

હું ભલે ગુનાની દુનિયા ભૂલી ગયો હોઉં, પણ એ દુનિયાના ખતરનાક લોકોને ભૂલ્યો નથી. પહેલીવાર એને ચેતવણી આપીશ, અને પછી પણ જો એણે તારો પીછો ન છોડ્યોને સુના, તો એણે આ દુનિયા જ છોડી દેવી પડશે.” શ્યામલ પોતાના જમણા હાથની મુઠ્ઠી, ડાબા હાથણી હથેળી પર પછાડી રહ્યો હતો.

“ના ભાઈ, તમારે એવું કશુંજ કરવાની જરૂર નથી. તમારી લાઈફ માંડમાંડ પાટે ચડી છે. હું જ એને બરોબર સમજાવી દઈશ. એક આઈપીએલ શું રમી લીધી? મોટો પ્લેયર શું થઇ ગયો? એને એમ કે એ એના બળે કશું પણ કરી શકે છે? હું એને અચાનક જ મળેલા સેલિબ્રિટી સ્ટેટ્સથી અંજાઈ જઈશ? જો એ એવું માનતો હોય તો એ એની ભૂલ છે. હું સુંદરી છું, સુંદરી શેલત. મારી મમ્મીએ મને જે સંસ્કાર આપ્યા છે એની એને ખબર નથી. મારા માટે પ્રેમ એ જીવનભરની મૂડી છે, એની જેમ હું તેને જ્યાંત્યાં અને જે ગમી જાય એની પાછળ ખર્ચ નથી કરતી.” સુંદરી પણ ગુસ્સામાં હતી.

“તો કાલે આવી જ મારી દુકાને, આપણે બેય ભેગા મળીને એને સાનમાં બધુંજ સમજાવી દઈશું.” શ્યામલે સુંદરીનો ખભો પકડીને કહ્યું.

“ ના ભાઈ, તમે ચિંતા ન કરો. હું તમારી જ બહેન છું. આ મેટર મારા લીધે જ શરુ થઇ હતીને? હું જ એને પૂરી કરીશ. એનો મોબાઈલ નંબર તમારી પાસે છે ને? મને મેસેજ કરી દો. હું આવતીકાલે જ એને કોઈ પબ્લિક પ્લેસમાં બોલાવીને બરોબર બધું સમજાવી દઈશ.” સુંદરીના ચહેરા પર પણ વરુણ પ્રત્યેનો રોષ મક્કમતા દેખાઈ રહી હતી.

==:: પ્રકરણ ૭૨ સમાપ્ત ::==