લેખન: બંસી મોઢા
All©️Reserved
પ્રિયજન 🌻🌻🌻
જયારે પણ મોર ને કળા કરતો જોઉં ત્યારે વિચાર આવે કે દુનિયાનું શ્રેષ્ઠ પંખી દુનિયાની શ્રેષ્ઠ કળા શા માટે કરે છે... દુનિયાના વાહવાહી માટે! કે કોઈ ને દેખાડવા માટે ?ના એ નાચે છે માત્ર ને માત્ર પોતાની ઢેલ માટે.. પોતાની પ્રિયતમા માટે.. મોટેભાગે વિશ્વ ના શ્રેષ્ઠ કાર્યો એટલા માટે થયાં છેકે તેની સફળતા માં કોઇ ને કોઇ પ્રિયજન ની પ્રેરણા રહેલી છે...આ પ્રિયજન એટલે કોણ? મીરાં નો કૃષ્ણ ને કૃષ્ણ ની રાધા.. પ્રિયજન એટલે જેની સાથે તમને કોઈ પણ સમયે સારુ અને માત્ર સારું જ લાગે... જેની સાથે ધોમ તડકો અને મુશળધાર વરસાદ આ બંને ઘટના સમાન રીતે અનુભવી શકો .. પ્રિયજન એટલે રંજાડે નહીં એવી ઠંડક ને દઝાડે નહીં એવી ઉષ્મા.. આપણા દેશમાં રાધા કૃષ્ણ ના પ્રેમ ને સ્વીકારાયો છે તેનું એકમાત્ર કારણ કે તે એકબીજાના પ્રિયજન છે... એના પ્રેમ માં હક અને શક થી દુર એક એવું તત્વ છે જે તત્વ જ તમને પ્રિયજન બનાવે... આજે લોકો વચ્ચે જે સંબંધો પાંગરી રહ્યા છે તેમાં પ્રેમીઓ તો છે પણ પ્રિયજન નથી.. પ્રિયજન એટલે જે અતિશય પ્રિય છે તે.. એક એવું પાત્ર જે પાસે હોય કે ન હોય.. સાથે હોય કે ન હોય પણ એનાં તરફની લાગણી એકસમાન રીતે મૃત્યુ સુધી કે મૃત્યુ પછી પણ અવિરત વહેતી રહે.. જયાં અધિકાર કરતાં સ્વીકાર ની લાગણી વધું હોય.. રાધા એ કૃષ્ણ ને કયારેય ન કહ્યુ કે ન જાતો.. કૃષ્ણ એ કયારેય નથી કહ્યું ચાલ મારી સાથે... છતાં હરેક ક્ષણ બન્ને એકબીજાના હ્રદય માં રહ્યા.. પ્રિયજન એટલે જે તમને ઈચ્છા ઓ નહીં સપનાઓ આપે.. જે તમને સલાહ નહીં સમય આપે.. જે તમારા સારા અને ખરાબ સમયમાં તમને એકસમાન રીતે સમજી શકે... જેને માગ્યા વિના આપી દેવાનું હોય અને પુછયા વિના લઈ લેવાનું હોય.. ટમટમતા તારા ની જેમ જે ઝીણો ઝીણો પ્રકાશ તમારા જીવન માં પાથર્યા કરે... જે દુર હોય તો પણ અનુભવી શકાય.. જેનું મૌન પણ તમે સાંભળી શકો જેના શબ્દો તમને કયારેય દુ:ખ ના પહોંચાડે.. જેના વિના તમારું જીવવું વ્યર્થ છે એ વ્યક્તિ એટલે પ્રિયજન... પ્રેમ તો વિશ્વ આખાને કરી શકો પણ વહેંચી શકો માત્ર પ્રિયજન સાથે. પ્રિયજન એટલે ટેલીપથી. તમે સુખી છો કે દુ:ખી એની જાણ એને તમારી સાથે વાત કર્યા વિના જ થઈ જાય એ .. પ્રિયજન એટલે એટલી નજીકની વ્યક્તિ કે જેમાં કર્મ નો સિદ્ધાંત પણ એકબીજાને લાગું પડી શકે.. કર્મ તમે કરો ને ફળ એને મળે.મોરપીંછ તમે તમારા હાથ પર ફેરવો ને સુવાળપ એ અનુભવે.. ચા તમે ન પીધી હોય ને માથું એમને દુખે.. ઊજાગરો તમે કરો ને આંખો એની બળે.. એલાર્મ તમારો વાગે ને જાગી એ જાય..દુઆ એ કરે અને સ્વાસ્થ્ય તમારું સારું રહે.. મંદિરમાં એ જાય અને ધૂપની સુગંધ તમારા શ્વાસ માં અનુભવાય.. વરસાદ માં ભીંજાઈ એ અને પલળો તમે.. દિપક એ જલાવે ને અજવાળું તમારા જીવનમાં આવે.. ગીત એ સાંભળે ને ધુન તમને લાગે.. રાધે એ બોલે ને શ્યામ તમારા મુખેથી નીકળે એટલું એકત્વ જેની સાથે અનુભવાય એ પ્રિયજન..
પ્રિયજન એટલે જે તમારા d.p. ને લાઈક કરે કે ના કરે પણ તમારું b.p. વધે કે ઘટે તો એને ખબર પડી જાય.. તમારું status જોવાનુ એ કદાચ ભૂલી જાય પણ તમારા સપના જોવાનું એ ખુલી આંખે પણ ના ભુલે.. એ તમને પોતાની પોસ્ટ સાથે ટેગ કરે કે ના કરે પણ તમારી દરેક લાગણી સાથે આપોઆપ જ tag થઈ જાય.. પ્રિયજન એટલે જે તમારાં જેવાં નહીં પણ તમારા માટે હોય...ઠંડી માં એ તમારું તાપણું બને અને તડકા માં તમારી છત્રી.. તમે આગ બનો ત્યારે જે પાણી બનીને તમને ઠારે એ પ્રિયજન..
પ્રિયજન એટલે જે પૂર્ણ છે એ નહીં પણ જે પૂરક છે એ..તમારા અને તેના શોખ સરખાં ના હોય પણ તમારા શોખ સાથે જેને વાંધો ના હોય.. પ્રિયજન એટલે આગ નહિ ઉષ્મા.. ટાઢ નહિ શીતળતા.. ઝાપટું નહીં હેલી.. ધુમ્મસ નહિ ઝાકળ..
તમારી આંખમાં આંસું આવે ને પોતે પણ રડવા માંડે એ નહિ પણ તમને છાના રાખે એ પ્રિયજન.. તમે સ્વસ્થ હોવ ને તમારી સાથે ફરવા આવે એ નહિ પણ તમે બીમાર હોવ ને જે તમારી પાસે ખુરશી નાખી ને બેસી રહે એ પ્રિયજન..
જીવનમા નિરાશા ને હતાશા ના સમયમાં પણ જે સલાહ આપવાને બદલે તમારામાં વિશ્વાસ રાખે એ પ્રિયજન... તમે તેના થકી છો એવું અભિમાન નહિ પણ તમે એકબીજા થકી છો એવું સ્વાભિમાન એટલે પ્રિયજન
પ્રિયજન એટલે રસ્તા પર થી કાંટા દૂર કરે એ નહીં.. પણ તમારા મન ના પૂર્વગ્રહો દૂર કરે એ.. પ્રિયજન એટલે તમારાં માટે હમેશા હાજર જ હોય એ નહિ પણ બોલાવો તો બઘું પડતું મુકીને આવે એ.. પ્રિયજન એટલે તમારા માટે જીવ આપી દે એ નહી પણ તમારી સાથે જીવે એ.. આકાશ ના તારા તોડવા કરતાં તમે તરસ્યા હો ને જે તમને પાણી નો ગ્લાસ ભરી આપે એ પ્રિયજન.. તમારા ખરાબ સ્વભાવ ને સહન કરવા કરતાં જે તમને અરીસો બતાવે એ પ્રિયજન.. પ્રિયજન એટલે એકાંત માં ખીજાય પણ મિત્રવર્તુળ માં બધાં ની વચ્ચે તમારા જોક્સ ના બનાવે એ.. પ્રિયજન એટલે દરિયાકિનારે એકલાં બેઠાં હોવ ને જેનું આગમન તમને ખુંચે નહિં એ.. તમારું મૌન તમારાં શબ્દો કરતાં વધુ સમજે એ...
પ્રિયજન એટલે જેના વિશે લખવા બેસો તો એક શબ્દ ના લખી શકો અને છતાં એ અત્યારે શુું વિચારે છે એ એના સામું જોયાં વિના કહી શકો એ..
પ્રિયજન એટલે જેનાં વીના તમે કિંમતી હોવ પણ જેની સાથે હોવ ત્યારે અમૂલ્ય થઈ જાવ એ..
કોઇપણ અપેક્ષા વિના પ્રેમ તો ભગવાન ને થાય પણ જે આખી દુનિયામાં તમારી પાસે જ અપેક્ષા રાખે એ તમારો પ્રિયજન.. અધિકાર નહિ પણ આશા રાખે.. જ્યાં ફરજ નહિ લાગણી થી એકબીજાને ઊપયોગી થવાનું મન થાય એ પ્રિયજન..
આખી દૂનિયામાં કરોડો લોકો જેવાં સમાન્ય આપણે છતાં આપણા માં કશુંક અસામાન્ય પામી જાય.. આ વિશાળ દુનિયા માં પણ ના ખોવાયા હોય ને તમારી આંખ માં ખોવાઈ જાય... ભીડ માં પણ જે તમને શોધી લે.. ભગવાન ની મૂર્તિ સાથે જ જે વ્યક્તિ નો ચહેરો તમને દેખાય,અસ્તિત્ત્વ જેમાં ઓગળી જાય એ તમારો પ્રિયજન...
આમાંનું કશું તમારા પ્રિય વ્યક્તિ માં છે કે નહિ એ નક્કી ના કરી શકો તો આંખ બંધ કરીને વિચારો કે કોની સાથે હોવ ત્યારે શાંતી અનુભવો છો? જે ચહેરો તમારી સામે આવે એ તમારા માટે પ્રિયજન
ઈશ્વરે જો આવી વ્યક્તિ તમને જીવનમાં આપી હોય તો જીવનમાં બીજું કશું જ મેળવવાની આવશ્યકતા નથી... 🙏🙏🙏🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻