ઝરણાની પેલે પાર...
ઘરે જઈને એણે ફટાફટ પોતાના રૂમનું બારણું બંધ કર્યું. અને એ સાથે જ માંડ માંડ રોકી રાખેલા અશ્રુઓનો બંધ તૂટી ગયો. પારી રીતસરની પથારીમાં ફસડાઈ પડી.
પારી.. આમ તો એનું નામ પારિજાત પણ લાડમાં બધા એને પારી જ કહેતા. અમદાવાદના નીચલા મધ્યમ વર્ગનું સૌથી નાનું સંતાન હતી એ, ભાઈ બહેનની એકદમ લાડકી.! એને નાનપણથી જ પરીકથામાં વિશ્વાસ. સફેદ ઘોડા ઉપર એક રાજકુમાર આવશે અને એને ક્યાંય દૂર દેશમાં લઈ જશે એ સપનું એણે નાનપણથી જ આંખમાં આંજીને રાખ્યું હતું. જેમ જેમ મોટી થતી ગઈ એમ એમ એ વાસ્તવિકતાથી પરિચિત થતી ગઈ અને એણે પોતાના સ્વપ્નને દફનાવવાનું નક્કી કરી લીધું.
એવામાં જ પારીની જિંદગીમાં સ્વપ્નિલનું આગમન થયું. કૉલેજનો પહેલો દિવસ હતો અને પારી બધા લેક્ચર ભરીને કૉલેજના ગેટની બહાર નીકળી રહી હતી તેવામાં સામેથી સ્પીડમાં એક વ્હાઈટ કાર આવી. પારી એકદમ ગભરાઈને ત્યાંને ત્યાં ઊભી રહી. કારના હોર્નથી જ્યારે એને ભાન આવ્યું તો એણે જોયું અંદર એક સોહામણો યુવક એને સાઈડમાં ખસવા કહી રહ્યો હતો. પારી તરત જ સાઈડમાં ખસી ગઈ પણ એ યુવકે એના દિલો દિમાગ પર કબજો જમાવી દીધો. એક તો આટલી મોટી કોલેજ અને એ હજી નવી નવી ક્યાં જઈને એને શોધે, તોય એણે સાવ જ આશા નહતી છોડી.
થોડા જ દિવસમાં કોલેજમાં ફ્રેશર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું. એની બીજી ફ્રેન્ડ્સ જોડે પારી પણ પાર્ટીના સમયે કોલેજ કેમ્પસમાં પહોચી ગઈ. પારીની સાદગી, એની ચંચળ હરણી જેવી આંખો એને બધામાં અલગ તારવી દેતા હતા અને એવામાં કોલેજના હીરો સ્વપ્નિલની એના ઉપર નજર ના પડે એવું બની શકે ખરું.!?
પારી એની ફ્રેન્ડ્સ જોડે એક ખૂણામાં ઊભા રહીને વાતો કરી રહી હતી અને સ્વપ્નિલે એને દૂરથી જોઈ. સપ્રમાણ ઊંચાઈ અને ઉજળી ત્વચા ધરાવતી પારી તરત જ એની આંખોમાં વસી ગઈ. એ પળનોય વિલંબ કર્યા વિના પારી અને એની ફ્રેન્ડ્સ જ્યાં ઊભા હતા ત્યાં પહોંચી ગયો અને સિનિયર હોવાના નાતે એમને ક્યારેય પણ જરૂર પડે તો મદદ કરવાની તત્પરતા બતાવી. ઉડીને વારંવાર આંખો ઉપર આવતા વાળ અને એને સ્ટાઇલથી સાઈડમાં કરવાની સ્વપ્નિલની અદા પર પારી તો લગભગ દીવાની જ બની ગઈ. એને સ્વપ્નિલ કોઈ પરીકથાના રાજકુમાર જેવો લાગ્યો. એ આખી સાંજ લગભગ સ્વપ્નિલે એમની જોડે જ પસાર કરી અને પારી ને એની ફ્રેન્ડ્સને કૉલેજના પ્રોફેસર ઉપર જાત જાતના ટુચકા કહીને હસાવી હસાવી લોટપોટ કરી નાખ્યાં.
પછી તો પારી સ્વપ્નિલના ગ્રુપનો જ એક હિસ્સો બની ગઈ. કૉલેજમાં એને કંઈ પણ મૂંઝવણ હોય એનું કામ ચપટી વગાડતા થઈ જતું. સ્વપ્નિલ જોડે હરવું ફરવું ને એની સંગતમાં રહેવું પારીને ગમવા લાગ્યું અને વર્ષોથી સૂતેલું એનું બાળપણનું શમણું ફરી એની અંદર સળવળવા લાગ્યું. એને સ્વપ્નિલમાં સફેદ ઘોડા ઉપર સવાર રાજકુમાર દેખાવા લાગ્યો જે એને એમની અલગ દુનિયામાં લઈ જાય. તો સ્વપ્નિલને પણ આખી કૉલેજની સૌથી સુંદર ગર્લ પારી ગમવા લાગી હતી.
ફેબ્રુઆરી મહિનામાં કૉલેજમાં વેલેન્ટાઇન વીકનું આયોજન કરવામાં આવ્યું. હાર્ટ શેપના બલૂનથી કૉલેજના ગેટને સુંદર રીતે સજાવવામાં આવ્યો હતો. સ્વપ્નિલની લાગણીથી અજાણ પારી વેલેન્ટાઇન ડે ના દિવસે પિંક કલરના કલોથ્સમાં તૈયાર થઈને કૉલેજ ગઈ હતી. હજી તો એ કૉલેજમાં એન્ટર જ થાય છે ને એની ફ્રેન્ડ કાવ્યા એને સ્વપ્નિલનો મેસેજ આપી ગઈ કે એ પાર્કિંગ એરિયામાં એની કારમાં પારીની રાહ જોવે છે. જેવી પારી ત્યાં પહોંચે છે સ્વપ્નિલ કારમાંથી બહાર નીકળીને રેડ રોઝ લઈને પારી આગળ ઘૂંટણિયે બેસી જાય છે અને એને પ્રપોઝ કરે છે. પારી માટે આ બધું એકદમ સ્વપ્નવત હતું. એવું જ... જે એ બાળપણથી સપનામાં જોતી આવતી. એ તરત જ સ્વપ્નિલના પ્રેમનો સ્વીકાર કરે છે. એ પછીનો સમય તો એ બંને માટે ગોલ્ડન પિરિયડ બની રહ્યો.
પણ કહેવાય છે ને ખુશીઓને જલદી નજર લાગી જાય અને એવું જ બને છે પારી જોડે.! ત્યારે પારી કૉલેજના સેકન્ડ યરમાં હતી ને સ્વપ્નિલ માસ્ટર્સના ફર્સ્ટ યરમાં. સ્વપ્નિલના ક્લાસમાં એક નવું એડમિશન થયું નતાશાનું. બીજા શહેરમાંથી ટ્રાન્સફર લઈને આવેલી નતાશા એકદમ અકડુ ને અભિમાની હતી. પહેલા જ દિવસે સ્વપ્નિલ એની આંખોમાં વસી ગયો પણ જ્યારે એને પારી અને સ્વપ્નિલની નિકટતાનો ખ્યાલ આવ્યો એ ઇર્ષાની આગથી સળગી ગઈ.
નતાશાએ બહુ પ્રયત્ન કર્યા સ્વપ્નિલને પોતાના તરફ આકર્ષવાનો પણ જ્યારે એ એમાં નિષ્ફળ રહી ત્યારે એણે એ બંનેને છૂટા પાડવા રમત રમવાનું નક્કી કર્યું. ઘણું અઘરું હતું પારી અને સ્વપ્નિલ વચ્ચે દરાર પાડવાનું પણ નતાશાના એક પછી એક ફેંકાયેલા પાસામાં બંને જણ સપડાતા ગયા અને બંને વચ્ચે ગેરસમજની મોટી દિવાલ ઉભી થઇ ગઈ. પછી તો પારી અને સ્વપ્નિલને વાતો ઓછી અને દલીલો વધતી ચાલી અને આખરે કંટાળીને બંને એ છૂટા પડવાનો નિર્ણય લીધો.
સ્વપ્નિલ જોડે પોતાના સંબંધનો અંત કરીને પારી કૉલેજ પાર્કિંગથી ઘર તરફ જતી હતી ને એણે નતાશાની વાત સાંભળી લીધી જેમાં નતાશા ફોનમાં કોઈની આગળ પોતાની પારી અને સ્વપ્નિલને છૂટા પાડવાની ચાલની જીતની બડાઈ મારી રહી હતી. એક પળનોય વિલંબ કર્યા વિના એ નતાશા જોડે પહોંચી ગઈ અને આ બાબતે એની જોડે ઝઘડો કર્યો. પારીએ નક્કી કર્યું કે એ સ્વપ્નિલને નતાશા વિશે બધી વાત કરશે અને એમનો સંબંધ બચાવી લેશે, એટલે એણે બીજા દિવસે સ્વપ્નિલને વાત કરવા કેફેમાં બોલાવ્યો.
કેફેમાં પારીએ સ્વપ્નિલને નતાશા વિશે બધી વાત કરી અને કહ્યું કે કેવી રીતે નતાશાએ એના મનમાં સ્વપ્નિલ વિશે શંકાના બીજ રોપ્યા હતા અને એવી પરિસ્થિતિ ઊભી કરી કે પારીને એ બધી ખોટી વાત સાચી લાગવા લાગી હતી. રડતાં રડતાં પારી સ્વપ્નિલની માંફી માંગી રહી હતી પણ સ્વપ્નિલ તો જાણે પથ્થરની મૂર્તિ હોય એમ યંત્રવત્ બેસી રહ્યો હતો. પારી આ જોઈને ડરી ગઈ અને એણે સ્વપ્નિલને આખો હચમચાવી નાખ્યો અને એના આવા વર્તનનું કારણ પૂછ્યું. સ્વપ્નિલે જે જવાબ આપ્યો એ સાંભળીને પારી ડઘાઈ ગઈ અને એણે સ્વપ્નિલને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે નતાશાએ સ્વપ્નિલને જે કહ્યું એ અર્ધસત્ય છે. એમની વચ્ચે પાર્કિગમાં ઝઘડો થયો હતો પણ પારીના શંકા કરવાના લીધે નહીં પણ એણે નતાશાની જે વાત સાંભળી લીધી હતી એના લીધે. પણ હવે મોડું થઈ ગયું હતું કદાચ.! નતાશા ફરી એકવાર રમત રમી ગઈ હતી. પારી સ્વપ્નિલને સત્યથી કારગત કરાવે એ પહેલા જ નતાશાએ સ્વપ્નિલના મનમાં ઝેર ઘોળી દીધું હતું ને હવે સ્વપ્નિલ પર પારીની કોઈ વાતની કોઈ અસર નહતી થવાની.!
જતાં જતાં સ્વપ્નિલે પારીને ખૂબ જ સંભળાવ્યું હતું. પારી જાણી ગઈ હતી કે એની જોડે કોઈ પુરાવા ના હોવાથી એના બોલવાનો હવે કોઈ અર્થ નથી રહ્યો એટલે વહેતી આંખે ચૂપચાપ એ સ્વપ્નિલની વાત સાંભળતી હતી.
ઘરે પહોંચતા આખા રસ્તે એનું મન ચીસ પાડીને ફક્ત એક જ વાત બોલતું હતું કે, "એક વાર સ્વપ્નિલ, બસ એક વાર તારે મારી આંખે વહેતા ઝરણાની પેલે પાર મારી સચ્ચાઈ પામવાની કોશિશ તો કરવી હતી.! શું આટલા સમયમાં તું ફક્ત આટલું જ જાણી શક્યો હતો તારી પારીને.!" પણ હવે એ વાતનો કોઈ અર્થ જ નહતો રહ્યો. ક્યારેય ના પૂરી શકાય એવી ગેરસમજની દરાર જો પડી ગઈ હતી બંને વચ્ચે.!
©શેફાલી શાહ