દિપક એમ. ચિટણીસ
dchitnis3@gmail.com
-: જીવન-સંગીની :-
----------------------------------------------------------------------
સપના છેલ્લા ઘણા સમયથી બદલાયેલી બદલાયેલી લાગી રહી છે. એના ચહેરાને જોતાંવેંત એમ લાગે કે તેને કાંઈ તેનું અધૂરું રહી ગયેલું કામ પૂરું કરવાની તત્પરતા છે…! ગઈકાલે જ મેં તેને એમજ, પૂછેલ, કેમ ચાલી રહેલ છે તમારા મહિલા મંડળનું કામકાજ ? તેણે પણ મારી જેમ તેનું કરી રહેલ કામ કરતા કરતા જવાબ આપ્યો “ બસ એમ જ, અગાઉની જેમ ચાલ્યા કરે છે, ખાસ કંઈ નવું નથી.” આમ છતાં વાત આગળ વધારવાના ઉદેશ માત્રથી તેને મેં સવાલ કર્યો, “ સભ્યોમાં કંઈ વધારો થયો, કે પહેલા હતા તે જ છે.” “હા.” એણે તેની મસ્તીમાં ટૂંકો અને મોઘમ જવાબ આપ્યો અને તેની ઘરની કામગીરીમાં વ્યસ્ત થઈ ગઈ.
મારો કોલેજનો સમય રોજનો સવારના દસ થી ત્રણનો હતો. સવારના સમયે રોજિંદા આવતા છાપાઓ વાંચવામાં વ્યસ્ત રહેતો હોંઉ અને તે તેના રોજીંદા કામમાં. બપોરના સમય બાદ ઘેર આવું ત્યારે સપના ચા-નાસ્તો બનાવી મારી રાહ જોતી હોય. એ બધી કામગીરી પતાવીને તે ચાર વાગ્યા પછી નીકળે ને સાંજે સાત પછી ઘેર આવતી, આવીને જમવાનું બનાવવાની કામગીરીમાં પરોવાઈ જાય, પછી જમીને ટીવીમાં એકાદ સીરીયલ જુએ ન જોએ ને પછી સુવા ભેગા થવું આ નિત્યક્રમ હતો.
આમ તો સપના પહેલેથી જ શાંત અને મૃદુ સ્વભાવની. બિનજરૂરી બોલવું કે નાહકની ચર્ચા કરવી તે તેના સ્વભાવમાં ન હતુ. પરંતુ સાચું તો એ હતું કે તેનામાં ચર્ચા કરવા સારું જરૂરી એવી બુદ્ધિ પ્રતિભાનો જ અભાવ..! આમેય તે ઉત્તર ગુજરાતના છેવાડાના બનાસકાંઠાના ધાનેરા જેવા નાનકડા ગામડાંમાં ઉછેર થયેલી અને ઓછું શિક્ષણ પ્રાપ્ત કરેલ તેવા માતા પિતાની દીકરી પાસે વધુ અપેક્ષા પણ શું રખાય ?
તેમને ત્રણ દીકરીઓ પ્રતિભા, સુમન અને સપના. આ ત્રણેય દીકરીઓમાં સપના સૌથી વધુ પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલ હતી. એટલે તેના ઘરમાં તેનું જરા ઊંચું સ્થાન...પણ આ બધું એમ જ કહેવાય. “ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન” બાકી બીજું કાંઈ ન હતું. આ તો હું પોતે પણ દેખાવમાં થોડો વામનપ્રકૃતિનો અને પરમાત્માએ શ્યામવર્ણ આપેલ હતો, અને ચહેરાનો સિક્કો પણ કંઈ બરાબર કહી શકાય તેમ ન હતો. જેને પરિણામે સારા સારા ઘરની દીકરીઓને અને અમુકના માતા પિતા તો મળવા પણ આવેલા. પરંતુ બધાની એક પછી એક ના આવવાનો સીલસીલો યથાવત એમ જ ચાલુ રહેલ હતો. એવા સમયે સપનાની વાત સામે આવી તેના માટે મેં થોડી આનાકાની કરેલી પણ મારા ઘરના વડીલો તે સમયે બોલેલા, કે આપણી જ્ઞાતિની છે, સંસ્કારી છે, દેખાવડી પણ છે, અને તારા જેટલો અભ્યાસ પણ તેણે કરેલ છે. હવે દિવસે દિવસે તારી ઉંમર પણ વધતી જાય છે. એટલે હવે બહુ કોઈ વિચાર્યા વગર ‘હા’ કહેવાની છે, એટલું વિચારે તો સારું ! જો તારે ખરેખર લગ્ન કરવાની ઈચ્છા હોય તો સપના સાથે જ નક્કી કરી ગોળ-ધાણાં ખાઈ લે, નહીં તો પછી તું જાણુ અને તારું તારુ કામ. બાકી, અમે બધા હવે દોડાદોડ કરીને થાક્યા છીએ. અને આમ જ મારી સાથે આ સંસારચક્રમાં એક સપનાનું નામ જીવનસંગીની તરીકે જોડાઈ ગયું.
સપના એવી સ્ત્રી હતી કે, સ્વભાવની પણ સારી, ઘરના દરેક કામકાજમાં પણ એકદમ સ્વચ્છ, સુઘડ. ઘરમાં પણ બધા તેના વખાણ કરતા થાકતા ન હતા.
સપનાના ઘરની આર્થિક પરિસ્થિતિ જોઈએ તો બહુ સારી નહીં. અને તેને કારણે મને એમ થાય કે મારા જેવો ભણેલો-ગણેલો, સારા પગારવાળો અને શહેરમાં રહેનારો જમાઈ ક્યાં મળવાનો હતો ! એના ઘરના બધા ખાસ કરીને તેના માતા-પિતા હું જ્યારે તેને ઘેર જાઉં ત્યારે ખુશ ખુશ થઈ જાય. આજુબાજુવાળાને મોટેથી સંભળાય તેમ જણાવે, શહેરથી અમારા જમાઈ આવેલ છે. મને ત્યાં જવાનું ગમે તો નહીં. પણ શું કરું, સમાજની લાજશરમને કારણે પણ જવું પડે. તેમના ઘરમાં કાંઈ સોફા ખુરશી જેવું ફર્નિચર તો હતું નહીં. હું જઉં ત્યારે મને ખાટલો પાથરી તેની પર નવી રજાઈ ગાંદલા નાખી તેના પર મને બેસાડતાં હતાં .
પરંતુ આ બધું જ આમને આમ ચાલી ગયું. સંસારનું જીવનચક્ર ફટાફટ ચકડોળની જેમ ફરતું જ રહ્યું અને આજે અમારા આ સંસારચક્રના ૨૫ વર્ષનો લાંબો સમયગાળો પણ વીતી ગયો હતો. સંસાર જીવન દરમિયાન દીકરી તરીકે શાલીનીનો જન્મ થયેલ તે પણ આજે તેના સંસાર ચક્રમાં પરોવાઇ ગઇ હતી અને છેલ્લા ત્રણ વર્ષથી બ્રિટનમાં રહેતી હતી. વચ્ચે વચ્ચે સમયાંતરે તે આવી જતી હતી. બહુ હોશિયાર અને ચબરાક દીકરી. ભગવાને એવી તો કૃપા કરી હતી કે દીકરીને જન્મ આપ્યો પરંતુ તેનો દેખાવ પુરો સપના પર હતો જેનો મને આજે પણ અતિ આનંદ છે. જો આનાથી ઊલટું થયું હોત તો…!
લગ્નના શરૂઆતના વર્ષોમાં સપનાને બહુ જ ખરાબ લાગતું હતું કે હું મારા મિત્રોને મળવા કે કોલેજના કોઇ ફંકશનમાં તેને સાથે લઈ ન જતો. તેને પણ નવાઇ તો લાગતી હતી કે, હું તેને ક્યાંય પણ નથી લઇ જતો અને મારે ઘેર પણ કોઈ મારા મિત્રોને કેમ નથી બોલાવતો. તે ઘણી વખત રિસાઈ જતી. અકળાઈ જતી, મને પૂછ્યા કરતી કે હું આવું કેમ કરું છું ? પરંતુ તેને તેમાં મોઢામોઢ થોડું એમ કહી શકાય કે, હા શહેરી જીવનમાં તું ગામડાની છોકરી ભળી નહીં શકું. એટલા અસંસ્કારી આપણે થોડા છીએ ? માંડ માંડ એને સમજાવતો હતો. પછી તો કોઈ આ પ્રકારના કાર્યક્રમની તેને જાણ કરતો જ નહીં. જેથી કામ વગરના કામના નાહકના ઝઘડા ના થાય. જોકે અમારા સંસાર જીવનમાં “ શાલિની” ના અવતરણ બાદ તો આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી. કારણ પછી તો તે તેના ઘડતરમાં, ભણતરમાં તેની સ્કુલમાં લેવા-મૂકવા જવામાં તેનો સમય પૂરો થઈ જાય. અને પછી તો મહિલા મંડળ માં જવાનું શરૂ કરેલ. એણે જોકે મને પૂછેલું ન હતું પરંતુ મેં તેને મનોમન મંજૂરી આપેલ કે, સારું, જાય તો કંઈક શહેરની રહેણીકરણી શીખે તે તેના માટે સારું હતું.
કોલેજના દૈનિકમાં સમયાંતરે મારા લેખો છપાતા હતા. તાજેતરમાં જ પ્રસિદ્ધ થયેલ લેખ બાબતમાં કલાસના વિદ્યાર્થીઓ ખુબ જ વખાણ કરતા હતા, સર, બહુ જ સરસ લખો છો તમે. હવે આ બધી બાબત સપનાને તો કોઈ કામની નહોતી કારણ તેને આ બધી બાબતોમાં કંઈ ગતાગમ પડે નહીં. ગુજરાતી સાહિત્ય જગતમાં કેટલા બધા લોકો મને જાણે છે. કોલેજના શરૂ કરેલા મેગેઝિનમાં શરૂઆતમાં જ મારા પાંચ લેખો પ્રકાશિત થયેલા, બોલો....!
પરંતુ આ બધું સપનાને કહેવાનો કોઈ મતલબ ખરો ? જો તેને કંઈ કહું તો બોલ્યા વિના બધું સાંભળી રહે બસ ! અને બોલે તો શું બોલે ? તેને ખબર પડે તો બોલે ને ! એટલે હું તેને કંઈ કહેતો જ નહીં. પરંતુ એટલું ચોક્કસ કે આ ખોટ મને જિંદગીભર મગજમાં ખટક્યા કરશે કે, મને મારી આ સાહિત્ય સિદ્ધિને પિછાણી શકે અને માણી શકે એવી અને આ બાબતે મારી પડખે ઊભી રહી શકે એવી જીવનસંગીની ના મળી.
ગઈકાલે જ મારો મિત્ર ત્રિવેદી મને કહેતો હતો કે, તેની પત્નીનો સ્વભાવ હમણાં હમણાંથી એટલો ખરાબ થઇ જ ગયો છે કે, કંઈ કહેવા જેવું નથી. વાતવાતમાં ગુસ્સે થઇ જવું, ગમે તેની હાજરીમાં ઉતારી પાડવું, મોટે મોટે ઘાંટાઘાંટ કરવી, નાની અમથી બાબતોમાં પણ બાળકોને ધમકાવવા. બહુ જ ત્રાસ થઈ ગયો છે ત્રાસ ! વાતો કરતાં કરતાં તેની આંખો પણ ભીની થઈ ગઈ હતી. મેં તેને આશ્વાસન આપી શાંત પાડયો હતો.
પરંતુ હું તો એ બાબતમાં પહેલાથી જ માનું કે ઘરનાને બહુ માથે ન ચડાવાય. આજે મારે ઘેર આ બધી માથાકૂટ નથી. બાકી મને યાદ છે તે મુજબ મારા અને મારા મિત્ર ત્રિવેદીના લગ્ન લગભગ એકજ અરસામાં થયેલા હતા. ત્રિવેદી બધી પાર્ટીમાં, કાર્યક્રમમાં, મિત્રો ને ઘેર એની પત્નીને લઈને જતો આવતો હતો. હવે આ ઉંમરે તેને આ બધી તકલીફ સહન કરવી પડે છે.
અમારી કોલેજમાં પણ બધાને ત્રિવેદીની પત્નીની વાત ખબર હતી. એટલે કોલેજના ફિઝિક્સના પ્રોફેસર કલાબેને વળી ત્રિવેદીને સમજાવતાં કહેલ કે, સ્ત્રીઓ માટે આ ઉમર જ એવી છે કે સ્ત્રીઓના શરીરમાં ઘણા બધા હોર્મોન્સનો બદલાવ આવતો હોય છે જેના પરિણામે તેમની સાથે થોડી સહાનુભૂતિ પૂર્વકનું વલણ રાખી વર્તવું જરૂરી છે. કલાબેને તો વળી મને પણ કહેલ હતું કે, પંડ્યાજી તમારે પણ આ બધી વાતનો ખ્યાલ રાખવો જરૂરી છે. કારણ તમારી અને ત્રિવેદીની પત્નીની ઉંમર લગભગ સરખી જ હશે ને. ‘સારુ’ કહી મેં ત્યાં જ વાત પૂરી કરેલ હતી.
આમ જોવા જઈએ તો સપનાને મેં ઘણું બધું સુખ આપ્યું છે. ક્યાં એનું નાનકડું કોઈપણ પ્રકારની સગવડ વગરનું ગામડું અને કોઈ પણ સગવડ વગરનું તેનું મકાન અને ક્યાં શહેરમાં એક પોશ વિસ્તારમાં આલિશાન ફ્લેટ..! તેના પિતાએ તો ત્રણ બહેનો વચ્ચે એક સાઇકલ અપાવી હતી. અને અહીંયા તેને પરણીને આવ્યા પછી પોતાનું ટુ વ્હીલર હતું. ઘણા વર્ષોથી હું અને શાલિની તો કારનો ઉપયોગ કરતા હતા અને ટુ-વ્હીલર સપનાને આપેલ હતું.
ઘરના કામકાજ માટે પણ મેં તેને અનેકવાર કામવાળી બાઈ રાખવાનું કહેલ. પરંતુ આ બધાને ગામડામાં પહેલેથી જ જાતે કામ કરવાની આદત પડી હોય તે જલ્દીથી છૂટે નહિને. છેલ્લા લગભગ ૧૦થી વધુ વરસથી મહિલામંડળની પ્રવૃતિમાં વ્યસ્ત થઇ ગઈ છે. થોડું-ઘણું કંઈક પગાર જેવુ આપતા હશે. પરંતુ મેં તો ક્યારેય તેને આ બધી બાબતની પૃચ્છા કરેલ ન હતી. પરંતુ તે તેના નવા ડ્રેસ કે સાડી કયાંથી લાવે છે ? તે તો મારી પાસેથી પૈસા પણ માંગતી ન હતી.
અરે.... હા, સાડી પરથી યાદ આવ્યું. આ વખતે અમારી ૨૫મી લગ્નતિથી પર એકાદ સાડી તેને ગિફ્ટમાં લાવી આપવાની ઇચ્છા છે. આમ તો કોઈ દિવસ કંઈ આપવાની પહેલેથી જ ટેવ પડી ન હતી. પરંતુ આ વખતની બાબત કંઈક અલગ હતી. જેને કારણે એકાદ સાડી ગિફ્ટ આપું તો તેને પણ સારું લાગે. આમ પણ મારો પગાર સારો અને અમારા બે માં બહુ ખર્ચો પણ નહીં. પરંતુ અત્યાર સુધી તેણે ક્યારેય પોતાની કોઈ વસ્તુ લેવા માટે મારી પાસે પૈસાની માગણી કરેલ નથી. કેમ શું ખબર ! બની શકે કે મારી પાસે પૈસા માંગવાથી તે ગભરાતી હશે !
પરંતુ હા હમણાં હમણાંથી કાંઈક જુદી જ રીતે બદલાયેલ હોય તેમ તેનો ચહેરો ચાડી ખાતો હતો. કારણ તેના ચહેરા પર કંઈક અલગ પ્રકારની ચમક દેખાતી હતી. છેલ્લા કેટલાક દિવસથી તો સાંજે જમવાનું પતાવી તેનું રસોડાનું કામ પૂર્ણ કરી સીધી તેના રૂમમાં જતી રહે. ન ટીવી પર સીરીયલ જોવે. અને મોડે સુધી કંઈ લખતી-વાંચતી હોય તે મને લાગતું હતું. મહિલા મંડળ માટે જતી એટલે તેમનો કંઈક કાર્યક્રમ હશે તેનું કંઈ લખતી-વાંચતી હશે. બીજું તો શું હોય. હું તો બહુ અનુભવી મારા માટે તો આ બધા કાર્યક્રમનું કામ ચપટીમાં પૂરું કરું. પરંતુ આ બધાને કોઈ પ્રેક્ટિસ નહીં કાંઈ નહીં એટલે તકલીફ પડે ને તે સ્વભાવિક હતું.
હવે મનમાં મને એમ થયા કરતું હતું કે તેના આવા કોઈ ફાલતુ કાર્યક્રમમાં મને અતિથિવિશેષ તરીકે ન બોલાવે તો સારું. કારણ બની શકે કે મહિલા મંડળમાં કોઈ કહે કે તમારા પતિ તો મોટા પ્રોફેસર છે તેમને બોલાવો, આમ ન થાય તો સારું.
આવતીકાલે જ લગ્નતિથિ છે. અને સાંજે જ ત્રિવેદીનો ફોન આવ્યો, કે સાંજના સમયે સાંજની કોલેજની કોઈ ફેક્લટીનો સન્માન સમારંભનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. અને તેમના તરફથી આખા સ્ટાફને ડિનર માટે પણ આમંત્રિત કરવામાં આવેલ છે. તે મુજબ તારું પ્લાનિંગ કરજે. તારુ કાર્ડ મને આપેલ છે જે હું તને ઉતાવળમાં આપવાનું ભૂલી ગયેલ. મેં તેને કહ્યું કોનો સન્માન સમારંભ છે ? એ કહે મને બહુ ખબર નથી, કોઈ દવે મેડમ છે. સારું કહીને મે ફોન મૂકી દીધો.
આ ત્રિવેદી પણ કાયમ આવા ને આવા લોચા મારે છે. મને કાર્ડ આપી દીધલ હોત તો હું એક્સ્ટ્રા લેક્ચર ન ગોઠવત ને..! હશે કંઈ નહીં હવે શું. ૪ થી ૬ લેક્ચર પતાવી પછી સત્કાર સમારંભમાં કાર્યક્રમમાં હાજરી આપીશ. જમવાનું પણ છે એટલે સારું છે.
હવે પાછું ‘સપના આપણી લગ્નતિથિ છે ને તમારા મનગમતા ગુલાબજાંબુ આજે બનાવેલ છે…!’ એવું કંઈ કહી ઊભી રહેશે તો શું કરવું. જોકે તેનો મૂડ જોતા તો તેને યાદ જ ન હોય તે મારું મન કહેતું હતું. અને એવું હોય તો અતિ સારું.
આ બધી લમણાંઝીકમાં તેને માટે સાડી ખરીદ કરવાની હતી તે પણ ભૂલી જવાયું ! કાલે તો હવે સાંજે ઘેર આવતાં જ નવ વાગી જશે અને તે સમયે દુકાનો પણ બંધ થઈ ગયેલ હોય. એટલે કંઈ મેળ પડે એમ લાગતું ન હતું. હશે કંઈ નહીં. શું કરવાનું આ તો મેં મનોમન નક્કી કરેલ હતું બાકી મેં ક્યાં કોઈ વચન આપ્યું હતું. ફરી કોઈ વખત લાવી આપીશ.
આજે જમવાના સમયે જ મેં તેને કહેલ કે કાલે કોલેજમાં એક ફંકશન છે, હું જમીને આવીશ. તેણે પણ સામે કોઈ સવાલ ન કરતા “ સારુ” એમ કહી ટૂંકમાં જ પતાવ્યું. એટલે ચોક્કસ લગ્નતિથિ તેને યાદ નથી. શાલીનીને પણ મે ફોન કરી જણાવ્યું હતું કે તું રાત્રે નવ પછી જ ફોન કરજે. એક્સ્ટ્રા લેક્ચરમાં થોડું મોડું થતાં ઉતાવળે ઉતાવળે હું સેમીનાર હોલમાં પહોંચ્યો ત્યારે તો હોલ ખીચોખીચ ભરાયેલ હતો. મને પણ ફેકલ્ટી વિશે મનમાં જાણવાની જિજ્ઞાસા-તાલાવેલી હતી, કારણ આવા કાર્યક્રમમાં આટલી વિશાળ પ્રમાણમાં હાજરી મેં ક્યારેય જોઇ ન હતી. વળી કોલેજ સિવાયના શહેરના જાણીતા અને નામાંકિત સાહિત્યકારોની પણ હાજરી ઉડીને આંખે વળગતી હતી.
પ્રાર્થના, સ્વાગત વગેરે નિયત કાર્યક્રમ પૂરા થઈ ફેકલ્ટીનો પરિચય આપવા કોઈ વિદ્યાર્થીની જઈ રહી હતી. તે દરમિયાન જ પંડ્યાએ મને હાથના ઈશારો કરી આગળ બોલાવ્યો અને હું બરાબર સ્ટેજની સામે જ જઈ ખુરશીમાં ગોઠવાઈ ગયો. સ્ટેજ ઉપર નજર ફેરવી તો.... આ....શું..?
મને મારી આંખો પર પણ વિશ્વાસ ન થતો હતો. સ્ટેજ ઉપર ‘ડો. સપના દવે’ના નામની તકતી સામેની ખુરશીમાં અત્યંત આકર્ષક સાડી પરિધાન કરી આછા મેકઅપમાં સજ્જ સપના બેઠી હતી.
“ડો. સપના દવે છેલ્લા પંદરેક વર્ષથી આપણી ઇવનિંગ કોલેજના હિન્દી વિભાગના પ્રોફેસર છે. તેઓ ઘણા સમયથી “સહિયારી સખી” ના નામે લેખો, કવિતાઓ અને વાર્તાઓ લખે છે, આજે એક સાથે તેમના ત્રણ પુસ્તકોનું વિમોચન થઈ રહેલ છે. આ કોલેજની આ પ્રથમ ઘટના છે. આ કોલેજ તેમની આ સિદ્ધિ પાછળ ગૌરવ અને હર્ષની લાગણી અનુભવે છે,અને ખરા અંતઃકરણથી તેમને અભિનંદન પાઠવે છે.” આખો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો. તેની સિદ્ધિની વાતો માઈકમાંથી સાંભળી સાંભળી મારા કાનમાં પણ બહેરાશ આવી ગઈ હોય તેમ મને લાગી રહ્યું હતું.
એ જ વખતે સપના.... ડો. સપના દવે પૂરા આત્મવિશ્વાસના સથવારે માઈક પાસે આવી. અને પૂરા અડધો કલાક સુધી અવિરતપણે સુંદર વક્તવ્ય આપ્યું. તેનાથી મારા માનસપટ પર જે યુદ્ધનું સર્જન થયું તેનું શબ્દોમાં વર્ણન કરવું ખૂબ જ મુશ્કેલ છે.
તેના અડધા કલાકના વક્તવ્ય દરમિયાન મારા પર પડતી તેની નજરમાં માનવસર્જિત તમામ ભેદભાવોને મિટાવવાની તાકાતને હું નીરખી શક્યો હતો. મનોમન મને એ સમજાવી રહેલ હતી કે કોઈ ગરીબ હોય કે તવંગર, સ્ત્રી હોય કે પુરુષ હોય તો ભલે પરંતુ દરેક વ્યક્તિ પહેલા એક માનવ છે. જેનો દરેકે સ્વીકાર કરવો અતિ આવશ્યક છે.
હું હતપ્રભ થઈ ગયો હતો. દરેક ક્ષણે વિચારતો હતો કે હમણાં ક્યાંક મારો ઉલ્લેખ ચોક્કસ આવશે. પુરી નકારાત્મકતાં સાથે...આક્રોશ સાથે... પણ એવું કંઈ જ ન બન્યું.
વક્તવ્ય પૂર્ણ થતા આખો હોલ તાળીઓના ગડગડાટથી ફરીથી ગુંજી ઉઠ્યો. બધાએ તેમની જગાએ ઉભા થઇ તેણીનું અભિવાદન કર્યું. કાર્યક્રમ પૂરો થતાં જ ‘ સપના’ મહેમાનો, ફેકલ્ટીઓથી અને વિદ્યાર્થીઓથી ઘેરાઈ ગઈ હતી.
હું તો ચૂપચાપ મારી ખુરશીમાં બેસી રહ્યો હતો. થોડીકવારમાં જ ત્રિવેદી આવ્યો. અને મને ખેંચી ને જમવાના ટેબલે લઈ ગયો. “ અરે યાર, મારે જલ્દી જવું પડશે. ઘેરથી બે વાર ફોન આવી ગયો. ચાલ જલદી જમી લઈએ.
હું પણ એની સાથે ખેંચાઈ ગયો. પરંતુ મારું ધ્યાન જમવામાં જરા પણ નહોતું. અડધી પડધી વાનગીઓ લીધી ના લીધી કરીને જમવાની પ્લેટ લઈને ટેબલ ઉપર ગોઠવાયો જ હતો ત્યાં તો કાઉન્ટર પરથી એક બાઉલમાં ગરમાગરમ ગુલાબ જાંબુ લઈને સપના મારી સામે ઉભી રહી ગઈ. હું વિકટ સ્થિતિમાં હતો ત્યાં તો મારી પ્લેટમાં ગુલાબજાંબુનું બાઉલ મૂકતાંજ તેના સસ્મિત ચેહરે મારી આખોમાં નિરખીને બોલી...‘‘હેપી મેરેજ એનીવર્સરી’’. આજ સાંજનું આ ફંક્શન હું જિંદગીભર નહીં ભૂલી શકું. આજની આ ઘટનાએ મારી સમજણના દરવાજાને જ અનેક “તાળાં” મારેલ હતાં તે મેં ખોલી નાખેલ હતાં. તેને ‘સાડી’ મારે આજના દિવસે ભેટ આપ્વાની જગ્યાએ સપનાએ તેનું સ્વપનું પૂર્ણ કરી તેણે મને એક અણમોલ અને અવિસ્મરણીય ભેટ લગ્નજીવનની રજતજયંતિની ઉજવણી રૂપે આપી હતી...
Dipak M. Chitnis
dchitnis3@gmail.com