આજે રોમાબેન રસોઈ બનાવવાના કામમાં લાગેલા હતા. તો બીજી તરફ એમના પતિ ચંદ્રેશ પણ ઘરમાં બધો સામાન ઠીક હતો તો પણ, અને સરખો કરવાનો દેખાવ કરીને સમય પસાર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
આ જોઈને રોમાબેન રસોડામાંથી બોલ્યા, "બસ, હવે બધું બરાબર જ છે, તમે શાંતિથી બેસો."
ચંદ્રેશભાઈ શાંતિથી બેસી ગયા. પણ, એમને ચેન પડતું નહોતું. એ ઊભા થઈને એમની પત્ની પાસે રસોડામાં ગયા. એટલે રોમાબેન બોલ્યા, "કેમ કંઈ બહુ જલદી દીકરીની માયા લાગી ગઈ."
"તો કેમ, તને નથી લાગી? મને ખબર છે તું પણ, એના આગમની એટલી જ આતુરતાથી રાહ જોઈ રહી છે." આવું કેહતા ચંદ્રેશભાઈ એમની પત્ની સામે જોઈ રહ્યા. એટલે રોમાબેન બોલ્યા, "હા સાચી વાત, હું પણ, એટલી જ આતુરતાથી એની રાહ જોઈ રહી છું."
"હું ફોન કરીને જ પૂછી લવ કે, ક્યાં પહોંચ્યા?" એમણે ફોન કર્યો પણ, નેટવર્ક પ્રોબેલ્મ ના કારણે સંપર્ક ન થયો. હવે તો એમની આતુરતા વધી ગઇ. " ક્યાં પહોંચ્યા હશે?"
"અરે, આવી જશે." એમ કેહતા રોમાબેન હસ્યાં. એટલે ચંદ્રેશભાઈ બોલ્યા, "તું હસે છે કેમ?" તને નથી ખબર કે, શુચિ આવી ત્યારથી આપણું કેટલું ધ્યાન રાખે છે? આપણું કામનું ભારણ પણ એણે ઓછું કરી નાખ્યું, આખું ઘર એના પગરવથી ગુંજતું કર્યું, જો! આ ઘરની દરેક વસ્તુમાં એની યાદ છે, અને આ ઘરનું આંગણું તો, જાણે એના પગલાંનો સ્પર્શ કરવા આતુરતાથી રાહ જોઈ રહ્યું છે કે, કયારે એનું આગમન થાય?"
"હા!, તમારી આ વાત તો સાચી છે." જ્યારથી એ આવી છે, કાઈ કેહવાની જરૂર નથી પડી." એટલામાં જ ગાડીનો અવાજ આવે છે, અને ચંદ્રેશભાઈ અને રોમાબેને હસતાં ચેહરે સોહમ અને શુચિનું સ્વાગત કર્યું.
શુચીના આગમનથી આખું ઘર મેહકી ઉઠ્યું. શુચિના ચેહરા પર ખુશીની રેખાઓ અંકિત હતી, એના ચહેરાના નિર્દોષ સ્મિતથી જાણે આખું ઘર આનંદિત થઈ ઉઠ્યું, એના પગની પાયલના ઝંકારથી ઘર ખરા અર્થમાં જીવંત બન્યું.
સોહમ અને શુચિ બંને રોમાબેન અને ચંદ્રેશભાઈના આશીર્વાદ લીધા, એટલે રોમાબેન બોલ્યાં, " દીકરી તારા ઘરે બધા કેમ છે?" એણે હસતાં ચેહરે જવાબ આપ્યો, " બધા મજામાં છે મમ્મી." રોમાબેન હળવું સ્મિત કરતા બોલ્યાં, " જાઓ તમે ફ્રેશ થઈને આવો," એ બંને આવ્યા એટલે ચંદ્રેશભાઈ બોલ્યાં, "રોમા! જા તેં શુચિ માટે જે રસોઈ બનાવી છે તે લઈ આવ. એ લોકો સફર કરીને થાકી ગયા હશે. એને ભૂખ પણ લાગી હશે."અને ચંદ્રેશભાઈ શુચિ સામેં જોઈ રહ્યા.
શુચિના ચેહરા પર સ્મિત છવાયું. " લાવો મમ્મી હું મદદ કરું" એમ કહી શુચિ ડાઇનિંગ ટેબલ પર પ્લેટ રાખવા લાગી. સોહમ બોલ્યો, "મમ્મી શું બનાવ્યું છે આજે જમવામાં?"
એટલે ચંદ્રેશભાઈ એમની પત્ની રોમાબેન સામે જોઈ હસતાં - હસતાં બોલ્યાં, " બેટા! આ તારી મમ્મીએ આજે બધું શુચિની પસંદનું જ બનાવ્યું છે, એ તો વહુઘેલી જ થઈ છે,"
"એવું કંઈ નથી, શુચિ જ્યારથી આવી છે ત્યારથી આપણી પસંદની જ રસોઈ બનાવે છે, એની પસંદનું કંઈ બનાવતી નથી, તો મેં વિચાર્યું કે, આજે શુચિ આવી રહી છે તો આજે એની પસંદની રસોઈ કરું."
"પણ મમ્મી મેં તો કયારેય તમને નથી કહ્યું કે; મને શું ભાવે અને શું નહીં." આશ્ચર્યના ભાવ સાથે શુચિ બોલી,
"તારી મમ્મી સાથે વાત થયેલી ત્યારે મેં પૂછેલું કે, શુચીને જમવામાં શું ભાવે?" ચહેરા પર સ્મિત સાથે રોમાબેન બોલ્યાં
આ સાંભળી શુચિ રોમાબેનના ગળે લાગી ગઈ અને રોમાબેન અને પ્રેમથી એના માથા પર હાથ ફેરવતા બોલ્યાં, "દીકરી! તું આવી ત્યારથી અમારું ધ્યાન રાખે છે; એની સામે આ કઈ નથી."
"શુચિ! તારા વિના તો ઘર સાવ સુનૂ થઇ ગયેલું, તું થોડા દિવસો માટે ગઈ હતી પણ અહીંયા અમને તારા વીના સાવ ખાલીપો લાગતો. આ ઘર ખરા અર્થમાં તારી હાજરીથી જીવંત રહે છે; તું નહોતી તો રોજ આંગણું સૂનું લાગતું."
રોમાબેન એમના પતિની વાતને ટેકો આપતા બોલ્યાં, " આ એમણે એકદમ સાચું કહ્યું, હા તારા વગર તો ગમે જ નહીં, તારી હાજરી જ આ ઘરને મહેકાવી શકે, તું ખરા અર્થમાં અમારી પ્રેમાળ દીકરી છે, તું આવી છે ત્યારથી એક દીકરીની હાજરી અમને વર્તાય છે.
આ સાંભળીને શુચિ ખૂબ ખુશ થઈ ગઈ, અને બોલી, "થેંક્યું મમ્મી! તમે અને પપ્પા મારે માટે આટલું વિચારો છો, અને મને આટલો પ્રેમ કરો છો."
" તો કેમ ન કરીએ? એક જ દીકરી તો છે અમારી. તું ખુશ ન હોય તો અમારા માટે પણ કોઈ ખુશી શક્ય નથી." ભાવુક થઈને રોમાબેન બોલ્યાં.
" ખરેખર, મારું ભાગ્ય ખૂબ સારું છે કે, મને આટલો પ્રેમ કરવા વાળો પરિવાર મળ્યો. આંખોમાં આંસુ લૂછતાં શુચિ બોલી.
"અરે બેટા!, ભાગ્યશાળી તો અમે છીએ કે, અમને વહુના રૂપમાં સમજદાર અને પ્રેમાળ દીકરી પ્રાપ્ત થઈ." શુચિના માથે હાથ મૂકતા ચંદ્રેશભાઈ બોલ્યાં.
"અને મને પ્રેમાળ પત્ની!" સોહમ વાતાવરણને હળવું બનાવવા હસતાં - હસતાં બોલ્યો, અને ચારે જોરથી હસી પડે છે.
"ચાલો! જમી લઈએ? આજે તો મારી પસંદની વાનગીઓ બની છે." આમ બોલતાં શુચિ હસે છે. એના એ હળવા હાસ્યથી રોમાબેન અને ચંદ્રેશભાઇ ખુશ થઈ જાય છે.
✍....... ઉર્વશી.