આજ સવારથી જ એને કામ માં કાંઈ સૂઝ પડતી નહોતી,
સવારે ઉઠયો ત્યારે તો મૂડ હતો. પણ પછી ગાયબ થઈ ગયો,એવું પણ નોતું કે રાત્રે મોડો ઊંઘી ગયો હોય, ઉજાગરો હોય , પણ ખબર નઈ કેમ આજે દિવસ જામે એવું લાગતું નોતું...
બ્રશ કરતો હતો, ત્યારે સ્વાદ કઈ અલગ જ આવ્યો, ફીણ પણ બહુ થયું,
'સરિતા, આ ટૂથ પેસ્ટ બદલી કેમ કાઢ્યું'
ત્યાં તો સરિતા ની જ બૂમ આવી :
'જો જો પાછી શેવિંગ ક્રીમ ના લેતા'
સારું થયું બૂમ પાડી, હાથમાં એ જ ક્રીમ હતી,
ટોઇલેટ માં ગયો, મજો ન આવ્યો,
વર્ક આઉટ કરવાનું પણ મન ના થયું, થોડું કર્યું એમાંય દોરડા કૂદતા પડતાં પડતાં માંડ બચ્યો,
પછી એ બાથરૂમ માં ગયો, દાઢી કરી એમાં તો લોહી ની ટશર કાઢી બેઠો, ગાલ પર પાવડર લગાવ્યો ત્યારે લોહી બંધ થયું,
નહાવા ગયો ને પગ નીચે સાબુ આવી ગયો ને એમાં ધબાક દઈ ને પડ્યો, બેરે બેરે ઊભો થઈ બહાર આવ્યો, સરિતા બહાર જ ઉભી ઉભી હસતી હતી, જાણે એને ખબર જ હોય,
હસવું દબાવીને બોલી : 'નીચે આવો, ચા નાસ્તો તૈયાર જ છે'
કપડાં પહેરી નીચે આવ્યો,સરિતા એ એની સમું જોયું :
'પતિ દેવ બટન અવળાં લગાવ્યા? અને મોજા પણ અલગ અલગ કલર ના પહેર્યા?'
અરે યાર, આજે કેમ આવું થાય છે?
સરિતા એ ચા નાસ્તો તૈયાર રાખેલો,
ચા પીધો,રાત ની ખીચડી હતી, સરિતા એ મસ્ત વઘારેલી , પણ એ ય લુસ લુસ ખાઇ ને ઊભો થઈ ગયો,
રોજ સવારે ચા નાસ્તા ના ટાઇમે એ અને સરિતા વાતો કરે, આખા દિવસ ની દિનચર્યા પણ ગોઠવી કાઢે, એ બંને ને સવારેજ વાતો કરવાનો સમય મળતો, પણ એમાંય એ આજે ઝગડી પડ્યો, પણ સરિતાએ સાચવી લીધું,
બાઇક ચાલુ જ ના થઈ, ઓટો સ્ટાર્ટ હતું તો પણ કીકો મારી , પછી સરિતા એ સ્ટાર્ટ બટન ઓફ મોડ માં હતું તે સ્ટાર્ટ મોડ પર કર્યું, ત્યારે ચાલુ થયું, સરિતા સામે જોયું તો એ વાંકુ મોઢું કરી હસતી હતી...
બાઇક લઈ ને નોકરી પર જવા નિકળ્યો,
બેંક માં કેશિયર હતો ને એ,
કાઉન્ટર પર બેઠો, એક પછી એક ક્લાયન્ટ આવવા માંડયા,
"ઓ સાહેબ તમે લોચો માર્યો "
'શું થયું ભાઈ '
'અરે સાહેબ 10000 ને બદલે તમે મને 100000 આપ્યા'
ઓહ ... એ વિચાર માં પડી ગયો એને ખબર ના પડી કે આજે આવું કેમ થાય છે...
બેંક માં લંચ નો ટાઇમ થયો, એ જમવા ગયો, તો ધૂન માં ને ધૂન માં ભાખરી પાણી માં બોળી ને ખાવા માંડ્યો, બાજુ વાળા એ ટપાર્યો ત્યારે ખબર પડી...
જેમતેમ નોકરી પતાવી ઘેર આવ્યો, સાવ જ મૂડલેસ, બાજુ વાળા ભાઈ એ હાઈ હલો કર્યું,
સોગીયુ મોઢું કરી ને એણે પણ હાઈ હલો કર્યું,
સાંજ નું વાળુ જેમતેમ પૂરું કર્યું, થોડું ટીવી જોયું, કોમેડી પ્રોગ્રામ પણ હસાવી ન શક્યો,
આખરે એ કંટાળી ગયો, સરિતા એનો તાલ જોયા કરતી હતી અને ઝીણું ઝીણું હસતી હતી,
આખરે એ ઉપર બેડરૂમ માં ભરાયો,
'સરિતા, પછી બામ લગાવી આપજે,'
'સારું'
બાજુ વાળી એ પૂછ્યું :.. 'ભાભી, ભાઈ કેમ આજે મૂડલેસ છે?'
સરિતા હસતા હસતા બોલી :
'હા, એમને તો જ્યારે જાહેર રજા આવે ને એના બીજે દિવસે મૂડ ઓફ થઈ જાય'
'કેમ એવું? '
'ન્યૂઝપેપર ના આવે ને એટલે'
પછી બંને જે હસ્યા, જે હસ્યા............
જતીન ભટ્ટ (નિજ)