Rajkaran ni Rani - 38 in Gujarati Moral Stories by Mital Thakkar books and stories PDF | રાજકારણની રાણી - ૩૮

Featured Books
Categories
Share

રાજકારણની રાણી - ૩૮

રાજકારણની રાણી

મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૩૮

ધારાસભ્યના પદ પર સુજાતા બિનહરિફ ચૂંટાઇ આવી હતી. એનો ઉત્સવ મનાવવાની તેણે ના પાડી દીધી હતી. આખા રાજ્યમાં 'ભારત લોકસમર્થન સંવાદ પાર્ટી' (બી.એલ.એસ.પી.) ના બીજા ઉમેદવારો જીતી જાય અને પક્ષની સરકાર બનવા માટે બહુમતિ મળે એટલી બેઠકો આવે એ પછી તે ઉજવણી કરવા માગતી હતી. અને ઉજવણી અનોખી રીતે કરવા માગતી હતી. તે પોતાના જીતની ઉજવણી નહીં પ્રજાએ જે સન્માન આપ્યું એની કદર કરવા માગતી હતી.

જનાર્દન કહે:"બેન, આપણે એક નાનો કાર્યક્રમ રાખીને આપની જીતની ઉજવણી કરી શકીએ?"

સુજાતા કહે:"આ જીત માત્ર મારી કે તમારી નથી. આ વિસ્તારના એક-એક મતદારની છે. જો ચૂંટણી યોજાઇ હોત અને હું જીતી હોત તો કદાચ એંશી કે નેવું ટકા મત મળ્યા હોત એમ માની લઇએ. એની સાથે બાકીના દસ-વીસ ટકા મતદારોનું મને સમર્થન મળ્યું નથી એમ માનવું પડે. બિનહરિફ ચૂંટાઇ આવી છું એનો અર્થ એ છે કે મને એકસો ટકા મત મળ્યા છે અને એ તમામનો મારે આભાર માનવાનો છે. આપણે ખુશી વ્યક્ત કરવા થોડી રાહ જોવી પડશે. આ જીતમાં આપણા જ નહીં વિરોધ પક્ષના અને અપક્ષના ઉમેદવારોનું એટલું જ યોગદાન ગણાય. આપણા પક્ષના કેટલાક દાવેદાર રહેલા ઉમેદવારોએ છૂપી રીતે પણ મને મદદ કરી છે. એમનું અહેસાન મારા પર છે. એમાં એક રવિના છે..."

સુજાતાની વાત સાંભળી જનાર્દન અને હિમાની ચોંકી ગયા. રવિનાએ તો એમને કોઇ મદદ કરી નથી. એ તો સુજાતાબેનની ટિકિટ કપાવીને પોતાને મળે એ માટે પ્રયત્ન કરતી હતી. એણે રૂપિયા પચીસ લાખ અમારી જાણમાં ખર્ચી નાખ્યા હતા. એ રવિના તો વિરોધ પક્ષના સભ્ય જેવી ગણાતી હતી. તેણે પ્રચારમાં કોઇ મદદ કરી નથી. તો પછી એનું શું અહેસાન હોય શકે?

"જનાર્દન, આજે રવિનાને એના પચીસ લાખ રૂપિયા પહોંચાડી દેજે...તેણે પૈસા ખર્ચીને પોતાની ટિકિટ માટે પ્રયત્ન કર્યા હતા પરંતુ મને ટિકિટ ના મળે એવી કોઇ ચાલ ચાલી હોવાનું મારા ધ્યાનમાં નથી." સુજાતા આગળ બોલી ત્યારે જનાર્દનને વધારે નવાઇ લાગી. સુજાતાના પચીસ લાખ રૂપિયા આપણી પાસે છે તો પણ રવિનાએ કેવી રીતે મદદ કરી છે? જનાર્દને સવાલ પૂછી જ લીધો:"બેન, રવિનાએ તમને કેવી રીતે મદદ કરી? એના રૂપિયા તો આપણે વાપર્યા નથી. તે આપણા પક્ષની હોવા છતાં કોઇ દિવસ પ્રચારમાં જોડાઇ નથી. ઘરે બેસીને તમાશો જોતી રહી છે..."

"તેણે મારા પર ગોળીબાર કરાવીને મને આખા દેશમાં જાણીતી કરી દીધી હતી..." કહી સુજાતાએ હસીને આગળ કહ્યું:"રવિનાએ જ આયોજન કરીને બધું કર્યું હતું. આપણી ટીનાને એ ભૂલ કહો કે સારું કામ પણ એની પાસેથી માહિતી લઇને તેણે પોતાની યોજનાને સફળ બનાવી મારો પ્રચાર કરી દીધો હતો. મને શંકા હતી જ કે કોઇએ સ્ટંટ તરીકે મારા પર ગોળી ચલાવડાવી છે. એ કારણે જ અજાણી વ્યક્તિ વિરુધ્ધ પોલીસમાં ફરિયાદ કરી ન હતી. એ બાબત મારા માટે પ્લસ પોઇન્ટ બની ગઇ. લોકોને લાગ્યું કે હું મારા દુશ્મનોને પણ માફ કરી દઉં છું. ટીનાને આપણે રવિનાના ઘરે મોકલીને કેટલીક માહિતી મેળવી હતી. એ ટ્રીકનો ઉપયોગ રવિનાએ આપણા માટે કર્યો એની મને મોડેથી ખબર પડી. મારી ઉપર હુમલો થયો એ પછી થયું કે હું બખ્તર પહેરું છું એ વાતની મને અને ટીનાને જ ખબર હતી. તને પણ જાણ કરી ન હતી. એ દિવસે એક છોકરી જાણે –અજાણે મને અથડાઇ હતી એટલે ટીના ઉપર પણ શંકા જલદી થાય એમ ન હતી. મેં ટીનાને પૂછ્યું ત્યારે તેણે સાચું જ કહી દીધું કે રવિનાની કામવાળી રમીલા સાથે મારે દોસ્તી થઇ છે અને તેને વાતવાતમાં મારાથી આ વાત કોઇ આશય વગર કહેવાઇ ગઇ હતી. મારી જે બિનહરિફ જીત થઇ એમાં ગોળીબારના પ્રકરણનો ફાળો મોટો રહ્યો છે. તને ખબર જ છે કે એ પછી મારા માટે લોકલાગણી વધી ગઇ હતી. પક્ષ તરફથી ખાનગીમાં સર્વે કરવામાં આવ્યો ત્યારે માહિતી મળી કે હવે મારા તરફી જબરદસ્ત જુવાળ છે. રતિલાલને આ વાતની ખબર પડી એટલે તેમણે પોતાની રહીસહી ઇજ્જત બચાવવા અંજનાની ઉમેદવારી પાછી ખેંચાવી લીધી. એ રીતે બીજા ઉમેદવારો પાછા ખસી ગયા. તેમને ખ્યાલ આવી ગયો કે મારી જીત પાકી છે. જો તેઓ હારશે તો તેમના વિસ્તારના કામો કરાવવામાં આવશે નહીં. અલબત્ત એ એમની ખોટી વિચારસરણી હતી. આપણે કોઇ ચોક્કસ વિસ્તારના મત લેવા ત્યાંના જ લોકોના કામ કરવાનું વલણ રાખ્યું નથી. દરેક વિસ્તારના લોકોના કામ થાય એવો આશય રહ્યો છે. આપણે રાજકારણ રમવા માટે આ ચૂંટણી લડતા ન હતા. લોકોના કામ કરવાની ખેવના રાખી છે..."

"બેન, તમે તો કમાલ કરી દીધો..." કહી હિમાની તાળીઓ પાડવા લાગી.

"હિમાની, હજુ તો આ કંઇ જ નથી. એવો કમાલ કરીશ કે આખો દેશ જોતો રહી જશે..." બોલી સુજાતા હસી પડી.

જનાર્દનને સુજાતાબેન હવે એક રહસ્યમય સ્ત્રી લાગી રહ્યાં હતાં. તેમને રાજકારણમાં ઝડપથી આગળ વધતા જોઇ ભલભલા રાજકીય અગ્રણીઓ મોંમાં આંગળા નાખી રહ્યા છે. એક સામાન્ય ગૃહિણી આજના ખતરનાક ગણાતા રાજકારણમાં પોતાની બુધ્ધિશક્તિથી કેવી રીતે સફળતા મેળવી રહી છે એ સમજાતું ન હતું.

સુજાતાના મોબાઇલની રીંગ વાગી. તે હસીને બોલી:"શંકરલાલજીનો ફોન છે. લાગે છે કે કોઇ મહત્વની વાત કરવા માગે છે..."

સુજાતા બીજા રૂમમાં વાત કરવા ગઇ ત્યારે જનાર્દન અને હિમાનીએ એકબીજા સામે જોયું અને આંખોથી જ કોઇ વાતચીત થઇ.

ક્રમશ: