૨૦૧૭
ગુજરાત યુનિવર્સિટી
સ્કુલ ઓફ સાયન્સમાં રસાયણ વિભાગના ભોંયતળીયે આવેલી પ્રયોગશાળામાં હાર્દિક તેના પીએચ.ડી.ને લગતા સંશોધનમાં વ્યસ્ત હતો. ડાબા હાથમાં સંશોધનને લગતા અવલોકન નોંધવા માટે પેન હતી. નોંધપોથી લાકડાના બનેલા મેજ પર મૂકેલી હતી. જે પાના પર નોંધ કરવાની હતી તે પાનું ખુલ્લું રાખવા અને પોથી બંદ ન થઇ જાય તે માટે પાના પર મોબાઇલ મૂકેલો. જમણા હાથમાં કસનળી અને તેમાં રહેલા દ્રાવણને મિશ્ર કરવા વારંવાર તે કસનળીને હલાવતો રહેતો. ગાઇડ દ્વારા તેને સંશોધન માટે પસંદ કરેલા વિષય વિષે સામાન્ય પાયાની જાણકારી માટે સોંપવામાં આવેલ પ્રયોગ પર તેનું સંપૂર્ણ ધ્યાન હતું. ફોન રણક્યો. હાર્દિકે કસનળીને ટેબલ પર મૂકેલ કસનળી સ્ટેન્ડમાં ગોઠવી, હાથ રૂમાલથી લૂછ્યા, ફોન ઉપાડ્યો.
‘હે...! બહાર જો... ચાલ બ્રેક લઇ લે... ચાની ચૂસ્કી માળીએ...’, પ્રયોગશાળાની બારીની બહારની તરફથી અવાજ આવ્યો.
‘તું પહોંચ, હું આવું છું.’, હાર્દિકે ફોન કાપ્યો. સંશોધનને લગતા કસનળીમાં રહેલા દ્રાવણ પરથી તેણે અનુભવેલા અને નિરખેલા અવલોકનો નોંધ્યા, અને પ્રયોગશાળા છોડી.
વિભાગનું ભોંયતળીયું જમીનના સ્તરથી ત્રણ નિસરણીઓ ઉપર હતું એટલે કે આશરે દોઢેક ફૂટ. હાર્દિક તીવ્ર ગતિથી નિસરણીઓ ઉતર્યો. તે નિસરણીઓની સામે જ ચોરસ ખુલ્લી જગામાં ચાની હાટડી. નાના નાના પથ્થરોના સહારે લાકડાની પાટલીઓ ગોઠવેલી. તેમજ પ્લાસ્ટિક અને લોખંડના નળાકાર હતા, જેને ઊંધા કરીને તેની પર વિદ્યાર્થીઓ બેસતા. હાટડી પર ચા સિવાય નાસ્તો પણ મળતો. હાર્દિક તેની રોજીંદી જગા પર આવ્યો, બિરાજ્યો. તેની બરોબર સામે બિરાજેલ હતી દિપલ. દિપલ મહેતા. અનુસ્નાતક, કાર્બનિક રસાયણશાસ્ત્રનો અભ્યાસ કરતી અને હાર્દિકની જુનિયર. હાર્દિકથી બે ઇંચ ઓછી ઊંચાઇ ધરાવતી દિપલ હસમુખી, બટકબોલી, દરિયાના મોજા માફક ઊછળતી કુદતી તરૂણી હતી. કપડું માથા પર બાંધી લહેરાવો તો, વિજય પતાકા ભાસે, તેવી વિજય સ્તંભ જેટલી પાતળી. છોકરા જેવા કપાવેલ વાળ, લબરમુછીયા જેવા દેખાવ સાથે બંને હથેળી વચ્ચે ચાનો પ્યાલો રમાડતી અને સાથે સાથે તેની આંખો પણ રમતી. લાલ ભપકાદાર રંગની ટી-શર્ટ અને બ્લુ ડેનીમ, અને રસ્તા પર આછા થઇ ગયેલા ઝીબ્રા ક્રોસીંગ જેવા સફેદ રંગના સ્પોર્ટ્સ શુઝની ભીતર છુપાયેલી નટખટ, યુવાનીમાં થનગનતી રમતુડી તરૂણી, ડકલા જેવી દિપલ હાર્દિક પાસેથી રસાયણશાસ્ત્ર શીખતી.
‘કેટલી વાર લગાડી...? મેં એક કપ ચા તો પૂરી પણ કરી નાંખી.’, દિપલે તેની પાસેના ડબા પર રાખેલ બિશ્કીટનું પેકેટ હાર્દિક તરફ લંબાવ્યું.
‘અરે...અવલોકન નોંધતો હતો. શરૂઆત ઘણી સારી છે...’, હાર્દિકે એક બિશ્કીટ લીધું અને ચા માટે હાટડીવાળાને ઇશારો કર્યો.
‘હા... હવે તું એકલો જ પીએચ.ડી. કરે છે અહીં... બાકી અમે તો ચા ને બિશ્કીટ માટે જ આવીએ છીએ…’, દિપલે ટીખણ કરી.
‘એવું નથી... પણ તું તો જાણે જ છે ને...’, હાર્દિક અટક્યો.
‘હા... મને ખબર છે.... હવે તારી અને તારા ભાઇની વાર્તા ન કરતો...’, દિપલે ભવા ઊંચક્યા અને ચાનો કપ ડબા પર મૂક્યો, ‘જો... મને ખબર છે કે તારૂ કામ સફળ થશે તો ભવિષ્ય બદલાઇ જશે... ખાસ કરીને મધ્યમ વર્ગની ઇકોનોમી... પણ બધે, તું શું છે? અને કોણ છે? તે ગાવાની જરૂર નથી. તારૂં કામ તને પ્રખ્યાત કરશે અને લોકો તારા માટે જાણવાની ઉત્સુકતા દર્શાવશે... અને હા...! હંમેશા સકારાત્મક અભિગમ દર્શાવ... જીવનના નકારાત્મક પાસા વારેઘડીયે શિયાળ તેના તીક્ષ્ણ નખથી ઝાડના થડને કોતરે તેમ કોતરીશ નહી.’
‘હા... મારી ફીલોસોફર...,’ હાર્દિકે દિપલને ટપલી મારી, અને ઊભો થયો, ‘ચાલ...! સાંજે મળીએ...’
‘ઠીક છે...બાય....’, દિપલ હાર્દિકને પ્રયોગશાળા તરફ જતો નિહાળતી રહી.
*****
તે જ દિવસે
મુકેશ પટેલ વસ્ત્રાપુર તળાવની પાસે આવેલ હોટેલ હયાતના પ્રતીક્ષા કક્ષમાં એકદમ નરમ કોફી જેવા રંગના આવરણ ધરાવતા સોફા પર બિરાજી મેગેઝીન વાંચી રહેલો. તેને મનહર પટેલે મુલાકાત અર્થેનું આમત્રંણ આપેલું.
‘સર...! શ્રીમાન પટેલ આપને સ્વીમીંગ પુલ પાસે મુલાકાત અર્થે યાદ ફરમાવી રહ્યા છે.’, હયાતના મેનેજરે મુકેશને સંબોધ્યા અને સંદેશો પણ આપ્યો.
મુકેશ મેનેજરને અનુસર્યો અને મેનેજર તેને સ્વીમીંગ પુલ તરફ દોરી ગયો, ‘આ તરફ સર...!’
પાંચ તારલાઓ ધરાવતી હોટેલના કર્મચારીઓ એટલી બધી વિનમ્રતા દાખવતા હોય છે કે તેમને તમાચો પડે તો પણ તેનો આભાર માની લે.
પુલની પાસેના વિસ્તારમાં ચોક્કસ અંતરે સફેદ ટુવાલ ઓઢાડેલ લાકડાની મજબૂત આરામ ખુરશીઓની જોડી, અને જોડીની બરોબર કેન્દ્રમાંથી પસાર થતી દાંડી પર વિશાળ સફેદ છત્રી છાંયો આપી રહી હતી. મનહર પુલ તરફ દાખલ થતાં ત્રીજા ક્રમની જોડી પરની આરામ ખુરશી પર શ્વેત બાથરોબ ધારણ કરીને બિરાજેલ હતો. મુકેશની નજીક આવતા જ ઇશારાથી મુકેશને પાસેની ખુરશી દર્શાવી. મુકેશે સ્થાન ગ્રહણ કર્યું.
‘તારા માર્ગદર્શન હેઠળ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જે કંઇ પણ સંશોધન કરી રહ્યા છે... તત્કાલીન અટકાવી દો...’, મનહરે મુકેશના બેસતાં જ તેનો શ્વાસ અદ્ધર થઇ જાય તેવી વાત કહી.
‘સાહેબ... તમે જેમના દ્વારા મને મળવાનો સંદેશો આપ્યો, તે મારા અંગત મિત્ર છે. આથી જ હું તમને મળવા આવ્યો છું. બાકી તમારે મને મળવા આવવું પડે…’, મુકેશની વાતથી મનહરની આંખો પહોળી થઇ ગઇ.
‘હું તને મળવા આવું... ડુ યુ નો વ્હુ ધ બ્લડી આઇ એમ?’, ઇડીયટ...’, મનહર ગુસ્સે થયો, અને ખુરશી પરથી ઉઠ્યો.
‘સાહેબ...! આપ તો ગુસ્સે થઇ ગયા. હજુ તો મેં એક જ વાસ્તવિકતા કહી છે.’, મુકેશે મનહર સામે જોયું.
‘ઠીક છે... તમે મોજીતોનો સ્વાદ માણો... અને મારી વાત પર વિચારો... તમારો અભ્યાસ તમને એકાદ બે રીસર્ચ પેપરમાં કામ આવશે. પછી શું?’, મનહરે વાત અલગ પદ્ધતિથી મુકેશને સમજાવવાનો પ્રયત્ન કર્યો, ‘પછી શું? હેં...! જ્યારે હું તમને તે અટકાવ્યા પછી, મારા દ્વારા થતા દરેક વ્યાપારી નફામાંથી તમને ભાગ આપીશ... અથવા તમે કોઇ કિંમત નક્કી કરો, એક જ વારમાં હું તમને આપી દઇશ...ફુલ એન્ડ ફાઇનલ... વન બ્લેન્ક ચેક’
‘મારા વિદ્યાર્થીઓનો અભ્યાસ એટલો પણ સસ્તો નથી કે તમે ખરીદી શકો... અને તમારી આવડત હું જ્યારે આવ્યો ત્યારે મને તમે “તારા” કીધું ત્યારે જ સમજી ગયો છું.’, મુકેશે મનહરે કરેલ સંબોધન યાદ કરાવ્યું, ‘તમારી ભાષા અને વક્તવ્ય જ ચાડી ખાય છે કે આ શોધનો તમે કેવો ઉપયોગ કરશો.’
‘તું મને ના પાડે છે? તને ખબર નથી કે તું અને તારા વિદ્યાર્થીઓ ક્યાંય ખોવાઇ જશો... તને ખબર નથી કે હું કોણ છું? મારી પહોંચ કેટલી છે?’, પટેલે અહમ દર્શાવ્યો.
‘કેમ સાહેબ...? તમને ખબર નથી કે તમે કોણ છો?’, પટેલ મલકાયો, ઊભો થયો, ‘સોરી...સર...! આઇ કાન્ટ ડુ એઝ પર યોર સઝેશન...બાય ધ વે...! થેંક યુ ફોર સચ અ વન્ડરફુલ ઇન્વીટેશન ઇન ફાઇવ સ્ટાર હોટેલ...’, મુકેશ રવાના થયો.
મનહરે ગુસ્સામાં હાથમાં રહેલો મોજીતોનો પ્યાલો ફેંક્યો અને ટેબલ પર બંને હાથ ટેકવી આંખો બંદ કરી વિચારવા લાગ્યો.
*****
ગુજરાત યુનિવર્સિટી
પ્રયોગશાળામાં હાર્દિકના ચહેરા પર આનંદની લહેરો વહી રહેલી. તેણે કરેલા પ્રયોગોમાં તેને સફળતા તેની તરફ આવી રહી હોય તેવું પ્રતીત થવા લાગ્યું હતું. તેણે અવલોકન પોથીમાં નોંધ્યા અને તુરત જ ફોન જોડ્યો.
‘હા ભાઇ...બોલ...’, અવાજ ભાવિનનો હતો. હાર્દિક તેના હરખની વહેંચણી સૌથી પહેલા તેના ભાઇ સાથે કરવા માંગતો હતો.
‘ભાઇ... મારૂ સંશોધન સફળતાપૂર્વક તેનો હેતુ પાર પાડે તેવું લાગે છે...’
‘વાહ...! વેરી ગુડ… હું તારા માટે ખુબ ખુશ છું.’, ભાવિનનો અવાજ ઢીલો પડ્યો, ‘મુકેશ સરને જણાવ્યું... પહેલાં તેમને જણાવ કે તું શોધની નજીક છે.’
‘હા...ભાઇ...!’, હાર્દિકે ફોન કાપ્યો અને મુકેશને જોડ્યો.
પરંતુ અવિરત રણકાર જ સંભળાતો રહ્યો. મુકેશે ફોન ઉપાડ્યો નહિ. એટલામાં જ દિપલ પ્રયોગશાળામાં આવી, ‘ઓ સાયન્ટિસ્ટ... શું શોધ્યું આજે તે...?’, દિપલે હાર્દિકના ડાબા હાથમાં રહેલી પેન આંચકી લીધી.
‘રોજ… રોજ... કોઇ નવી શોધ ના થાય... પરંતુ જરૂરીયાત જ નવીનતાને જન્મ આપે છે. આવતીકાલની જરૂરીયાત મને ખબર છે.’, હાર્દિકે પેન પાછી દિપલના હાથમાંથી ખેંચી લીધી.
‘આ પેનમાં એવું શું છે? જે તું બધા અવલોકનો આ પેનથી જ લખે છે.’, દિપલે હાર્દિક જે પાના પર નોંધી રહ્યો હતો તે પાનું ઉલટાવી દીધું.
‘આ પેન...’, હાર્દિકે પેન બરોબર આંખો સામે લાવી, થોડી વાર જોયું. ઘેરા જાંબલી રંગની પેન, બરોબર મધ્યમાંથી ઘુમાવતા પોઇંટ બહાર આવે અને લખી શકાય, ‘આ પેન... મારા ભાઇની આપેલ ભેટ છે. જ્યારે મેં પીએચ.ડી. એડમિશન માટેની પ્રવેશ પરીક્ષા પાસ કરી, તે સમયે તેમણે મને આ ભેટ આપી હતી, અને કહ્યું હતું કે આ પેન તારી શોધના પક્ષીને પાંખો આપશે, તારી ઉડાનનો પહેલો તબક્કો આ પેનથી જ શરૂ થશે.’, હાર્દિક ભાવુક બન્યો.
દિપલ હાર્દિકની આંખોની બંધરૂપી દિવાલો સુધી આવીને અટકી ગયેલા નદીના પ્રવાહ જોઇ રહી. તેણે પેન ફરી આંચકી, ‘તો આ પેન હું રાખીશ. મારે પણ પાંખો જોઇએ છે...’, તે પ્રયોગશાળામાંથી છટકી બહાર ભાગી. હાર્દિક તેની પાછળ ભાગ્યો.
આગળ આગળ દિપલ અને પાછળ જ હાર્દિક. આ ભાગદોડમાં હાર્દિક મુકેશને ફોન કરવાનું ભૂલી ગયો, અને હાર્દિકનો ફોન રણક્યો. “મુકેશ સર” શબ્દો સ્ક્રીન પર ઝબકવા લાગ્યા. હાર્દિકે લીલા ટપકાને આંગળીના ટેરવાથી જમણી તરફ ધકેલ્યું અને ફોન ચહેરાની નજીક લાવ્યો, ‘હાર્દિક… શોધ વિષે કોઇને જણાવતો નહિ...’, અને ફોન કપાઇ ગયો.
*****