અહમદાવાદ ટુ બોમ્બે સવા કલાકની ફ્લાઇટમાં વિવેકને એકબાજુ પ્રગતિને મળવાની ખુશી પણ થતી હતી તો બીજીબાજુ ક્યાંક ને ક્યાંક એને ફરી ખોઈ બેસવાનો ડર પણ લાગતો હતો.....
વિવેક આઈ.એમ.એફ ની ઓફિસએ પહોંચ્યો ત્યારે પ્રગતિ એક મિટિંગ માં છે એવી ખબર પડતાં જ એ વેઇટિંગ એરિયામાં ગોઠવાય ગયો. કલાક એક પછી સામેથી ગ્લાસ ડોર ખોલીને એક આધેડ વયનો માણસ બહાર આવ્યો અને એની પાછળ પ્રગતિ પણ બહાર આવી......બ્લેક પેન્ટ, વ્હાઇટ શર્ટ , બ્લેક બ્લેઝર અને બ્લેક સ્નેડલ પહેરેલી પ્રગતિએ વાળ ઊંચા લઈને એની પોની લીધી હતી. એની આંખોમાં આંજણ હતું અને હોઠો પર આછા ગુલાબી રંગની લિપસ્ટીક. બંને હાથ વડે બે ત્રણ ફાઈલો અને કાગળિયા પકડીને એ આધેડ વયના માણસ સાથે કંઇક વાતો કરી રહી હતી....
" ગ્રેટ જૉબ પ્રગતિ.... અગર એસે હી ચલતા રહા તો ફિર મુંબઈ મેં ઘર ઢુંઢના શુરૂ કર દો...." પેલા માણસે પ્રગતિનો ખભ્ભો થાબડીને કહ્યું. પ્રગતિ એમની કહેલી વાતોનો અર્થ બરાબર સમજતી હતી. પોતાના નિજી જીવનને એકબાજુ મૂકીને પૂરેપૂરી રીતે કામમાં મન પરોવવાથી પ્રગતિને ઘણો ફાયદો થયો હતો. કંપનીમાં દરેક જગ્યા પર એના કામના વખાણ થતા અને આજે આ મિટિંગ પછી તો એને ઇન્ટરનશીપ પુરી થયા પછી કદાચ કામ મળી શકશે એવો અલ્ટીમેટમ પણ મળી ગયો હતો......પેલા વ્યક્તિની વાત સાંભળીને પ્રગતિના ચહેરા પર ખુશીની સાથે આશ્ચર્ય પણ આવ્યા વિના ન રહ્યું. એને હજુ આ વાત ગળે ઉતરે એ પહેલા જ અચાનક એની સામે વિવેક આવીને ઉભો રહી ગયો.....
" હેલો....મિસ્ટર બંસલ. હાઉ આર યુ...? " પેલા વ્યક્તિએ વિવેકની સાથે હાથ મિલાવ્યો...." પ્રગતિ, મિસ્ટર વિવેક બંસલ. હી ઇસ ડુંઈંગ ગ્રેટ વર્ક ઇન ડિઝાઇનિંગ ફિલ્ડ ઓલસો....." પ્રગતિ અને વિવેકના લગ્ન સાવ સાદાઈથી અને ખૂબ જ અંગત લોકોની વચ્ચે થયા હતા અને અત્યાર સુધી બંનેમાંથી કોઈએ સોશિયલી એક પણ ફોટોગ્રાફઝ એવા નહતા મુક્યા કે જેમાં બંને સાથે હોય. બધાને એ ખબર હતી કે વિવેક મેરિડ છે....પણ કોની સાથે પરણેલો છે એવો કોઈને ખ્યાલ નહતો માટે એ વ્યક્તિએ પ્રગતિને વિવેકની ઓળખાણ કરાવી.
" યસ આઈ નો. આઈ યુઝડ ટુ વર્ક ઇન હિસ ઓફિસ. હેલો....મિસ્ટર બંસલ. " પ્રગતિએ પ્રોફેશનલ વે થી વિવેકની સાથે હેન્ડશેક કર્યું. પોતે આવી રીતે અચાનક પ્રગતિની સામે પહોંચી ગયો છતાં પ્રગતિ એકદમ સ્વસ્થ રીતે વર્તી રહી હતી એ વાતે વિવેકને અત્યંત નવાઈ લાગી.
" ઓહહ...ધેટ્સ ગ્રેટ " પેલા વ્યક્તિએ કહ્યું.
" એક્સ્ક્યુઝમી...." પ્રગતિ સહેજ હસીને ત્યાંથી નીકળી ગઈ....
સાંજે પ્રગતિ પોતાનો સામાન સમેટીને ઓફિસની બહાર નીકળતી હતી ત્યારે વિવેક ઉતાવળે પગે એની પાછળ પાછળ આવ્યો.....
" પ્રગતિ... પ્રગતિ પ્લીઝ એકવાર મારી વાત સાંભળી લે...." વિવેકએ પ્રગતિનો હાથ પકડવાની કોશિશ કરી પણ પ્રગતિ ત્વરાથી ત્યાંથી જતી રહી.....
વિવેક રોજ સવાર સાંજ પ્રગતિ સાથે બે મિનિટ વાત કરવાના પ્રયત્ન કરતો પણ વાત કરે એ બીજું કોઈ એ રીતે પ્રગતિ પોતાની જીદ પર કાયમ હતી. પોતાનું બધું કામ છોડીને વિવેક લગભગ અઠવાડિયા સુધી પ્રગતિની પાછળ ફર્યો. ઓફિસમાં, ઓફિસની બહાર, કેન્ટીનમાં, હોટેલમાં દરેક જગ્યાએ વિવેકએ પ્રગતિની નજીક જવાનો પ્રયત્ન કરી લીધો હતો પણ પ્રગતિ જાણે કોઈ અજાણી વ્યક્તિ હોય એ રીતે વિવેકને ઇગ્નોર કરી રહી હતી. આટ આટલી ધીરજ પછી હવે વિવેકનું મગજ થાકયું હતું. આજે પ્રગતિનો ઓફિસએ ઓલમોસ્ટ છેલ્લો દિવસ હતો રાત્રે એક પાર્ટી હતી અને પછી બીજા દિવસે બપોર સુધીમાં પ્રગતિ જેવા અનેક પંખી ઉડીને પોતપોતાના માળામાં પાછા જવાના હતા એટલે હવે વિવેકને રાહ જોવા માટે સમય નહતો રહ્યો. આમ પણ પ્રગતિના ઇગ્નોરન્સથી એ કંટાળ્યો હતો.....
વિવેક આજે ગમે તે રીતે વાત પતાવાના મૂડમાં હતો. પ્રગતિ બેડ પર બેગ રાખીને પૅકિંગ કરી રહી હતી ત્યારે અચાનક જ એના રૂમમાં ઘૂસીને વિવેકએ દરવાજો લોક કરી નાખ્યો....
" હાઉ ડેર યુ...? " વિવેકના આ કદમથી પ્રગતિનો અવાજ ધ્રુજી ઉઠ્યો....એ જ્યાં હતી ત્યાંથી બે ડગલાં પાછળ જતી રહી.....
" ચિંતા નહિ કર.....દસ મહિના મારી બાજુમાં સૂતી હતી તું.....તને પૂછ્યા વગર અડયો પણ નથી.....હવે શું કરી લેવાનો ! " વિવેકએ સહેજ હસ્યો.
" તો શું કામ આવ્યા છો અહીંયા ? " પ્રગતિએ ત્યાં જ ઉભા રહીને પૂછ્યું.
" તને ખબર નથી....!? " વિવેકએ સીધું જ પ્રગતિની આંખોમાં જોયું. પ્રગતિએ પોતાની આંખો સહેજ નમાવી દીધી. એ પાછી પોતાનું કામ કરવા લાગી.
" વિવેક પ્લીઝ.....જાવ અહીંથી...." એણે કહ્યું.
" જતો રહીશ.....તું કહીશ તો જતો રહીશ અને ફરી ક્યારેય પાછો નહિ આવું. આઈ પ્રોમિસ....." વિવેક પ્રગતિની નજીક ગયો. એણે પ્રગતિને એના ખભ્ભા અને કોણીની વચ્ચેના ભાગ પરથી પકડીને સીધી કરી....." બસ મને એ જણાવી દે કે તું મારા નિર્ણયથી ખુશ છે કે નહીં....? " વિવેકએ પ્રગતિની અંખોમાં જોયું.
" ખબર નથી....." પ્રગતિ પોતાના હાથ છોડાવીને ફરીથી પોતાનું કામ કરવા લાગી.
" એમ તો કેમ ચાલે ? " વિવેકના અવાજમાં ડૂમો ભરાયો. એક ટી શર્ટને વ્યવસ્થિત ગોઠવીને બૅગમાં મુક્યા પછી પ્રગતિએ પુરા આત્મવિશ્વાસથી વિવેકની સામે જોઇને પૂછ્યું, " તમારે ખરેખર સાંભળવું છે ? " વિવેકએ માથું ધુણાવ્યું.
પ્રગતિએ પોતાના બંને હાથ વળ્યાં એણે ઊંચું મોઢું કરીને વિવેકની આંખોમાં જોયું, " તો સાંભળો મિસ્ટર વિવેક બંસલ. હું એક જીવતી જાગતી, હાલતી ચાલતી વ્યક્તિ છું.... કોઈ વસ્તુ નહિ કે જેને પોતાની ઈચ્છા મુજબ ખરીદી શકાય, વાપરી શકાય અને પછી વહેંચી શકાય....! " પ્રગતિ હાથ છોડીને પોતાનો સામાન બૅગમાં ભરવા લાગી.
" પ્રગતિ....! " પ્રગતિની વાત સાંભળ્યા પછી વિવેક નખશીખ ધ્રુજી ઉઠ્યો. એક ઉત્તમ વાચક અને સમજદાર વ્યક્તિ તરીકે એને પ્રગતિની વાતનો અર્થ બરાબર સમજાય ચુક્યો હતો. એ અંદરને અંદર કેટલી પીડાય હશે એનો ખ્યાલ આવતા જ વિવેક બરફ જેવો ઠંડો પડી ગયો.....
" આઈ....આઈ...આઈ એમ સૉરી..... મારો...." વિવેકને આ વાત પછી શું કહેવું એ સમજાતું નહતું.
થોડીવાર કમરામાં સન્નાટો છવાય ગયો ત્યારબાદ વિવેક પ્રગતિની સહેજ નજીક ગયો, " હવે તું શું ઈચ્છે છે ? " વિવેકએ સીધું જ પૂછી નાખ્યું.
" હું...." પ્રગતિ સહેજ હસી. એણે દરવાજા તરફ એક હાથ ઊંચો કરીને કહ્યું, " જે થવાનું હતું એ થઈ ગયું. નાઉ પ્લીઝ ગો આઉટ ફ્રોમ માય રૂમ....." એના ચહેરા પર સ્મિત અકબંધ હતું.
હવે વિવેકથી ન રહેવાયું, " આ તારો આખરી નિર્ણય છે....?" પ્રગતિએ કઈ જ જવાબ ન આપ્યો. એ પોતે હજુ એ જ સ્થિતિમાં ઉભી હતી જેનાથી વિવેક વધુ અકળાયો.
" આટલુ અભિમાન સારું નહિ.....! " વિવેકના હાથ પાછળ બંધાય ગયા.....
" બની શકે....! " પ્રગતિ પોતાનો ઊંચો રાખેલો હાથ નીચે જટકાવીને અલમારીમાંથી સામાન કાઢવા ગઈ....
વિવેકએ ભવા ઊંચા કર્યા, " તું મારી મા જેવુ બોલે છે....."
" હવે એનાથી શું ફરક પડે છે....! " પ્રગતિ એકદમ શાંતચિત્તે પોતાના કામમાં વ્યસ્ત હતી.
" હમ્મ...." વિવેકએ મોઢું નીચું કર્યું. પાછળ બાંધેલા પોતાના બંને હાથ છોડ્યા અને કંઈક વિચારીને પ્રગતિની નજીક ગયો.
પોતાનો એક હાથ પ્રગતિના ગાલ પર મૂકીને એણે સાવ શાંતિથી પૂછ્યું, " છેલ્લીવાર પૂછું છું.....હજુ સમય છે....." વિવેક પોતાની વાત પૂરી કરે એ પહેલાં જ પ્રગતિએ એને અટકાવ્યો, " વિવેક પ્લીઝ.....ડોંટ મેક થીંગ્સ ડીફિકલટ ફોર મી....."
" તું બનાવે છે અઘરું.....હું નહિ....." વિવેકની ભીની આંખો જોઈને પ્રગતિ ઢીલી પડતી જતી હતી....એ લાગણીઓમાં વહી જાય એ પહેલાં એણે કહ્યું, " વિવેક પ્લીઝ....ગો....." પ્રગતિએ વિવેકના હાથમાંથી પોતાની જાતને છોડાવી.... એ અળગી થઈ કે વિવેક વધુ કશું જ બોલ્યા વગર ત્યાંથી ચુપચાપ નીકળી ગયો.....
વિવેકના ગયા પછી પ્રગતિ સીધી જ નીચે ફસડાય પડી. એના કોણ જાણે ક્યારથી સંગ્રહી રાખેલા અશ્રુઓનો હવે વરસાદ થયો હતો..... પ્રગતિએ એની અંદર કેટલાય સમયથી માંડ કરીને એકઠું કરેલું કશુંક વિવેક સાથે થયેલા સંવાદથી વિખેરાય રહ્યું હતું.....
સાંજે ઈચ્છા ન હોવા છતાં પ્રગતિને ફેરવેલ પાર્ટીમાં આવવું પડ્યું હતું. રેડ મીની સ્કર્ટ, રેડ બ્લેઝર અને રેડ લિપસ્ટિકના કોબીનેશન સાથે પ્રગતિ એકદમ આકર્ષક દેખાતી હતી. એણે બ્લેક કલરનું એક સાઈડ પર્સ ખભ્ભે લટકાળ્યું હતું. એના સહેજ કર્લ્સ કરેલા વાળની અમુક લટો એના ચહેરાની આસપાસ સુંદર આકાર રચી રહી હતી......
વિવેક સાથે થયેલી વાતચીત પછી પ્રગતિને પાર્ટીમાં જવાની જરા પણ ઈચ્છા નહતી છતાં જુદા જુદા દસ લોકોએ એને ફોન કરીને આવવાનો આગ્રહ કર્યો હતો. આ સાથે વિવેક પણ મુંબઇમાં હતો એટલે મિસ્ટર મનોહતરાએ એને પણ પાર્ટીમાં બોલાવ્યો હતો....
અત્યાર સુધી સુમિત્રાના સાથ અને પ્રગતિ સાથે વાત કરવાની કોશિશ કરવામાં વિવેકએ ડ્રિન્ક કરવાનું ટાળ્યું હતું પણ આજે પ્રગતિ સાથે થયેલા સંવાદ પછી એનું હ્ર્દય વલોવાતું હતું. આજ સુધી પોતે એક મહાન ત્યાગ કર્યો છે એનું ગર્વ લેતો વિવેક આજે જાણે એની જે પરિસ્થિતિ ઉભી થઇ હતી એ પોતાના કારણે જ ઉભી થઈ છે એવું દ્રઢપણે માનવા લાગ્યો હતો ને એમાં વળી પોતે કંઈ જ નહીં કરી શક્યાનો અફસોસ પણ ઉમેરાયો હતો. અત્યાર સુધી બાર પર ગોઠવાયને એણે બે ચાર ડ્રિંક્સ ગટગટાવી લીધી હતી ત્યાં એની નજર પ્રગતિ પર પડી......એક ક્ષણ એ એની સામે જ જોઈ રહ્યો પછી પ્રગતિ લોકોથી ઘેરાય ગઈ.
આખી પાર્ટી દરમિયાન અમુક લોકો જે રીતે પ્રગતિ તરફ જોઈ રહ્યા હતા એનાથી વિવેકનું મગજ તપી ગયું હતું એનો ચહેરો લાલ થઈ ગયો હતો..... એટલામાં જ એનું ધ્યાન પડ્યું કે મિસ્ટર મનોહતરાનો એક આસીસ્ટન્ટ વાતવાતમાં પ્રગતિને અડવાની કોશિશ કરી રહ્યો હતો. લોકોના બદ ઇરાદાઓથી અજાણ પ્રગતિ પાર્ટીમાં બધા સાથે હસી હસીને વાત કરવામાં મશગુલ હતી એ જોઈને વિવેકને એટલો તો ગુસ્સો આવ્યો કે એણે હાથમાં પકડેલો કાચનો ગ્લાસ જોરથી દબાવીને તોડી નાખ્યો......
" ઓહહ....સાહબ....યે ક્યાં કિયા ? " ત્યાં ઉભેલો બાર ટેન્ડર બરાડયો. બધાંનું ધ્યાન એ તરફ ગયું. પ્રગતિને એમ થયું કે તરત જ વિવેકની પાસે પહોચી જાય પણ પછી એણે પોતાની જાતને સંભાળી લીધી. આઈ.એમ.એફ માં જ એની મિત્ર બનેલી એક છોકરીને એણે વિવેકની મદદ કરવા મોકલી આપી.....
મોડી રાત્રે પ્રગતિ જ્યારે હોટલના ગેટની બહાર નીકળી ત્યારે વિવેક દરવાજે જ કેબ લઈને ઉભો હતો. એણે એકવાર પ્રગતિની સામે જોયું, " આવું છે ? "
હજુ પ્રગતિ કંઈ જવાબ આપે એ પહેલાં જ મિસ્ટર મનોહતરા એમના આસીસ્ટન્ટ સાથે પોતાની કાર લઈને દરવાજે ઉભા રહી ગયા, " પ્રગતિ, યુ કેન કમ વિથ અસ.....વિલ ડ્રોપ યુ " ડ્રાઇવિંગ સીટની બાજુની સીટમાં બેઠેલા મિસ્ટર મનોહતરાએ પ્રગતિને કહ્યું. બે મિનિટ વિચારીને પ્રગતિ એમની જ કારમાં પાછળની સીટ પર બેસી ગઈ. વિવેકની કાર પણ થોડે દુર રહીને મનોહતરાની કાર પાછળ જ ચાલવા લાગી....
રસ્તામાં કાર ડ્રાઇવ કરેલો મનોહતરાનો આસીસ્ટન્ટ વારે વારે અરીસામાંથી પ્રગતિના ઉઘાડા પગને જોઈ રહ્યો હતો. પ્રગતિને અત્યંત ચીડ ચડતી હતી. એને સમજાય રહ્યું હતું કે આના કરતાં વિવેક સાથે જવું વધુ સેફ હતું.....વધી વધીને બંને વચ્ચે એકાદ ઝઘડો થાત પણ પોતે આ રાક્ષસની નજરોથી તો બચી જાત.....રસ્તામાં એક ફોન આવતા મિસ્ટર મનોહતરા કારની બહાર નીકળી ગયા.....
" મેડમ કો છોડ આવ...." બે મિનિટ પછી ફોન પર વાત કરતા કરતા જ એમણે બારીમાંથી પોતાના આસીસ્ટન્ટને હુકમ કર્યો ને પોતે સહેજ દૂર ખસી ગયા.....
" વ્હોટ.....! " પ્રગતિના હોઠ ફફડ્યા. એ આગળ કંઈ બોલે કે કરે એ પહેલાં તો પેલા માણસે ગાડી હંકારી મૂકી. એ હજુ પ્રગતિને એવી જ ગંદી નજરોથી જોઈ રહ્યો હતો. પાછળની સીટ પર બેઠા બેઠા પ્રગતિ ફૂલ એસીમાં પણ પાણી પાણી થઈ ગઈ. એને અત્યંત ડર લાગી રહ્યો હતો. ફફડતા જીવે એણે બારીની બહાર જોયું તો એને સમજાતું હતું કે રસ્તો તો પોતાની હોટલ તરફનો જ હતો છતાં એને હવે આ માણસ પર રતીભર પણ ભરોસો નહતો રહ્યો. પ્રગતિને એ ખબર નહતી કે એને નિહાળવા સિવાય આ માણસ બીજું કંઈ જ કરી શકે એમ નહતો. એ જાણતો હતો કે જો એણે કંઈ પણ આડું અવળું પગલું ભર્યું તો મનોહતરા એને કામમાંથી કાઢી મુકતા એક સેકેન્ડ નહિ વિચારે......એ ચુપચાપ ડ્રાઇવ કરતા કરતા પ્રગતિને જોઈ રહ્યો હતો.
હવે પ્રગતિ એક ક્ષણ પણ રાહ જોવા નહતી માંગતી, " સ્ટોપ ધ કાર...." એણે કહ્યું. પેલા માણસે જાણે સાંભળ્યું જ ન હોય એ રીતે એ પોતાનું કામ કરી રહ્યો.....
" આઈ સેડ સ્ટોપ ધ કાર......" પ્રગતિનો જોરદાર અવાજ ચોતરફ ગુંજી રહ્યો. હવે જો એ પ્રગતિની વાત ન માને અને જો પ્રગતિ કંઈક તમાશો કરે તો એણે પોતાની નોકરીમાંથી હાથ ધોઈ બેસવું પડે એટલે એણે ચૂપચાપ ગાડી ઉભી રાખીને લોક ખોલી નાખ્યો. પ્રગતિ બહાર નીકળી ગઈ.....
ગાડી એના રસ્તે જતી રહી. પ્રગતિને એક આફતમાંથી કોઈ પણ જાતના નુકસાન વગર છૂટ્યાની શાંતિ હતી. એણે આજુબાજુ નજર ફેરવી તો એ એક એવા રસ્તા પર આવીને ઉભી હતી જ્યાં લોકોની અવરજવર સાવ નહિવત હતી. સડક પર બંને બાજુ વૃક્ષો હતા અને દૂર દૂર સુધી કોઈ રહેઠાણ નહતું દેખાતું. અજાણ્યા શહેરમાં એને સમજાયું નહીં કે એ પોતે ક્યાં છે.....એણે પર્સમાંથી પોતાનો ફોન કાઢ્યો. બદનસીબે એ ડેડ થઈ ચૂક્યો હતો. હવે પ્રગતિને પહેલા કરતા પણ વધુ ડર લાગતો હતો. સુમસામ સડકમાં ફફડતા જીવે એ એકલી એકલી બે ચાર ડગલાં ચાલી ત્યાં એણે મોટેમોટેથી રડતા કુતરાઓનો અવાજ સંભળાયો. આ પરિસ્થિતિ એના માટે અતિશય ભયાનક હતી. એ રાત્રે વધીને દસ વાગ્યા પછી કોઈને લીધા વિના ભાગ્યે જ ઘરની બહાર નીકળી હતી ને અહીંયા આવીને રાતના લગભગ બે અઢી વાગ્યે એને રસ્તે રખડવું પડતું હતું.....
" પ્રગતિ......" પ્રગતિ ધીમે ધીમે ચાલતી હતી ત્યાંજ પાછળથી કોઈએ એના ખભ્ભા પર હાથ મુક્યો. એ ડરીને ત્યાંથી દૂર ખસીને પાછળ ફરી ત્યારે સામે વિવેકને જોઈને એને અત્યંત શાંતિ થઈ. એ તરત જ વિવેકને વળગીને જોરજોરથી રડવા લાગી.
પ્રગતિની આવી પ્રતિક્રિયાથી એનું આખું વજન વિવેક પર આવી ગયું એ નીચે પડવાનો જ હતો કે એણે પોતાના બંને હાથ પ્રગતિની ફરતે કસીને લપેટી દીધા. બે પાંચ મિનિટ સુધી પ્રગતિ રડતી જ રહી.....
" રિલેક્સ....પ્રગતિ.... રિલેક્સ....હું છું...." વિવેક પોતાનો હાથ પ્રગતિની પીઠ પર ઘસી રહ્યો હતો. કારમાં પણ પ્રગતિએ વિવેક નો હાથ ન જ છોડ્યો. વિવેક પ્રગતિને લઈને એના રૂમમાં ગયો ત્યારે પણ પ્રગતિ ડરીને વિવેકને વળગી પડી હતી.
વિવેક પોતાના રૂમમાં જવા માટે નીકળ્યો ત્યારે પ્રગતિ કોઈ રીતે વિવેકનો હાથ નહોતી છોડતી. વિવેકએ એની સામે જોયું. વિખરાયેલા વાળ, ગાલ પર સરકીને પ્રસરી ગયેલું કાજલ, ફફડતા હોઠ અને એની ભીની આંખોમાં જાણે વિવેકને અહીં જ રોકી લેવાની આજીજી હતી....
" રિલેક્સ.....આપણે હોટલમાં આવી ગયા છીએ.....અને અને હું છું....અહીંયા જ છું....ઓહકે...." વિવેકએ ધીમે રહીને પ્રગતિનો હાથ છોડાવ્યો. એ રૂમની બહાર જતો જ હતો કે, " વિવેક...." પ્રગતિએ કહ્યું.
" હમ્મ....." વિવેક પાછો ફર્યો. " શું ? " એણે કહ્યું. પ્રગતિએ નકારમાં માથું ધુણાવ્યું.
" હું છું....." વિવેક પ્રગતિના માથા પર હાથ મુકીને ત્યાંથી જતો રહ્યો.
એ રાતે બંનેમાંથી કોઈને ઊંઘ ન આવી.વ્હેલી સવારે બરાબર પોણા ચાર વાગ્યે વિવેકના સેલ પર પ્રગતિનો મૅસેજ આવ્યો, " ઇમરજન્સી.... પ્લીઝ કમ...."
To be Continued
- Kamya Goplani