Pragati - 31 in Gujarati Fiction Stories by Kamya Goplani books and stories PDF | પ્રગતિ ભાગ - 31

Featured Books
Categories
Share

પ્રગતિ ભાગ - 31

વિવેક વારે વારે મોબાઈલ જોતો હતો. એને પ્રગતિના એક મેસેજ કે ફોનની આશા હતી. એ હેમખેમ પહોંચી ગઈ છે એવી ખબર તો એને રજતએ આપી જ દીધી હતી છતાં પોતે જે કદમ લીધો હતો એ વિશે પ્રગતિનું શુ માનવું છે એ બાબતે વિવેક હજુ અજાણ હતો. એણે એક બે દિવસ સુધી રાહ જોઈ પણ પ્રગતિએ ફોન ન જ કર્યો. આખરે ઓફિસમાં બેઠા બેઠા એણે જ ફોન કાઢીને પ્રગતિનો નંબર ડાયલ કર્યો ત્યારે એક કર્મચારીએ અંદર આવીને વિવેકના ટેબલ પર પ્રગતિએ સાઈન કરેલા પેપર મૂક્યાં....

પ્રગતિની મુંબઈ જવાની તૈયારીઓ થતી હતી ત્યારે કોઈક વાર ઓફિસના પેપર અને કોઈક વાર મુંબઈ આઈ.એમ.એફ જવાની પ્રોસેસના પેપરને બહાને વિવેકએ ' ડાઈવોર્સ વિથ મ્યુટ્યુઅલ કન્સન્ટ ' માટેની પ્રોસેસના પેપર પર પ્રગતિની સાઈન કરાવી લીધી હતી. પ્રગતિની જાણ બહાર વિવેકની ઓળખાણ સહજ અઠવાડિયામાં જ વિવેકએ પૅપર્સ રેડી કરીને પ્રગતિની બૅગમાં મૂકી દીધા.

વિવેકના ટેબલ પર પ્રગતિના સાઈન કરેલા પેપર પહોંચ્યા ત્યારે વિવેકને વિશ્વાસ જ ન થયો. એને એમ હતું કે કદાચ પ્રગતિ એકવાર આ બાબત માટે વિવેક સાથે વાત કરશે પણ ન કોઈ મૅસેજ કે ન કોઈ ફોન. પ્રગતિ આવું કરે....! વિવેકને અતિશય નવાઈ લાગી. એકવાર ફરી એણે હાથમાં મોબાઈલ લઈને પ્રગતિને ફોન કરવા વિચાર્યું પણ એનાથી ન થયું.

આખરે સમય ફરી એની ગતિએ વહેતો રહ્યો. શરૂઆતમાં બે ચાર દિવસ વિવેકને કોઈ પ્રશ્ન ન થયો પણ ધીરે ધીરે એના માટે પ્રગતિની ગેરહાજરી અસહ્ય થઈ પડી. એ વધુ ને વધુ વખત કામમાં વ્યસ્ત રહેતો જેથી એને પ્રગતિને યાદ કરવા માટે સમય જ ન મળે. સાંજે સાત સાડા સાત પછી એની પાસે કોઈ કામ ન રહેતું છતાં એ ઘરે આવાનું ટાળતો. એનાથી બને એટલો ઓછો સમય એ પોતાના રૂમમાં ગાળતો. કમરામાં જતાની સાથે જ એને દરેક જગ્યાએ પ્રગતિ દેખાતી.એને રૂમની દીવાલોમાંથી પ્રગતિના ખડખડાટ હસવાનો અવાજ ગુંજતો સંભળાતો. અંદર પ્રવેશતાની સાથે જ એને ક્યારેક સ્ટડી કોર્નર પર બધું ફેલાવીને માથાકૂટ કરતી પ્રગતિ દેખાતી તો ક્યારેક બેઠકમાં બેસીને એકાદ ફેશન મેગેઝીનના પાનાં ઉથલાવતી પ્રગતિ દેખાતી. ડ્રેસિંગરૂમમાં જતો તો એને સામેના મોટા અરીસામાં તૈયાર થતી પ્રગતિ દેખાતી ત્યાંથી બહાર આવે તો શુ રેક પાસે બેસીને પોતાના બુટની દોરી બાંધીને પોતાની સામે હસતી પ્રગતિ દેખાતી. આ બધી પરિસ્થિતિ પછી એના માટે બેડરૂમના પગથિયાં ચડવા અઘરા થઈ પડતા છતાં પણ હિંમત કરીને એ ત્યાં પહોંચે તો આસપાસ પ્રગતિને ન જોઈને એનો શ્વાસ ગૂંગળાય જતો. પ્રગતિના ગયા પછી વિવેકનો સ્વભાવ પણ બદલાય ગયો હતો. પહેલા ગમે તેવી વાતમાં સંયમ રાખીને શાંતિથી ઠંડા મગજે નિર્ણય કરતો વિવેક ક્યારેક એટલો તપી જતો કે કોઈ નો વાંક ન હોય છતાં બધા પર એમ જ બરાડતો રહેતો, ભાગ્યે જ પોતાની પ્રાઇવેટ અગાશી વાપરવા વાળો વિવેક હવે લગભગ ત્યાં જ પડ્યો રહેતો જેથી એ પ્રગતિની યાદોમાંથી બહાર આવી શકે. બીજા બધા કામોમાંથી મા નું સપનું પૂરું કરવા ગમે તે રીતે સમય કાઢીને ટાઇમસર ફેશન હાઉસ પહોંચી જતો વિવેક હવે સુમિત્રાને જવાબ દેવા લાગ્યો હતો એટલે હવે સુમિત્રા જ ઓફિસ આવીને ફેશન હાઉસ સાચવતા એટલું જ નહીં જે વિવેક બિઝનેસ પાર્ટીઝ કે હાઈ ફાઈ પ્લેસ પર ગોઠવેલી બિઝનેસ ડિલ્સમાં પચાસ વાર આગ્રહ કર્યા પછી પણ એકાદ ઘૂંટડો ડ્રીંક લેતો એ હવે અઠવાડિયામાં પાંચ વખત પીવા લાગ્યો હતો અને એકાદ બે વાર સિગારેટ પણ ફૂંકતો. ઓફિસ પત્યા પછી મોડે સુધી ઘરે ન આવતા વિવેકની વાટ જોવામાં સુમિત્રા બાર - એક વાગ્યા સુધી ડ્રોઈંગરૂમમાં આટા મારીને વિવેકની રાહ જોતા રહેતા. વિવેકનું આવું વર્તન સુમિત્રા માટે અસહ્ય હતું. નાનપણથી જ એણે વિવેકને પિતાથી સહેજ દૂર રાખીને સારા સંસ્કાર આપવાની કોશિશ કરી હતી. વિવેક પણ રૂપિયા પૈસાની રમતમાં પ્રેમ, લાગણી અને માનવતાના સંબંધો નેવે મૂકીને પિતાની જેમ અહંકારી ન થઈ જાય એ માટે એ સતત જાગૃત રહેતા છતાં પણ આટલા સમય પછી આમ સાવ અચાનક વિવેકમાં આવા બદલાવ જોઈને સુમિત્રાને કશુંક પોતાની નજર બહાર ઘટી ગયાના અણસાર આવવા લાગ્યા હતા.....

એક દિવસ વિવેક બહુ મોડેથી ઘરે આવ્યો હતો. ઊંઘથી ઘેરાયેલા હોવાથી રાત્રે સુમિત્રાએ એની સાથે વાત કરવાનું ટાળ્યું હતું માટે એ વહેલી સવારે વિવેકના રૂમમાં એની સાથે વાત કરવા માટે પહોંચી ગયા.......

બેડરૂમની સીડી ચડતા જ એમને સામેની બાલ્કનીમાં ઉભા રહીને લાઈટરથી પોતાની સિગારેટ સળગાવતો વિવેક દેખાયો.....સુમિત્રાને અતિશય નવાઈ લાગી.

" વિવેક.....! " સુમિત્રાનો અવાજ સાંભળતા જ કોઈ પણ અપરાધભાવ અનુભવ્યા વગર વિવેકએ એકવાર પાછળ જોઈને મોં ફેરવી લીધું.

" બોલ....." વિવેકએ મોઢું બહારની તરફ ફેરવીને એક કશ લીધો.....

" આ બધું શું છે......!? " સુમિત્રાએ સહેજ ધ્રુજતા અવાજે પૂછ્યું.

" જે તને દેખાય છે એ જ. " વિવેક હજુ પણ બહારની તરફ જોઈને હવામાં ધુમાડા કરી રહ્યો હતો. સુમિત્રાને એ ધૂમમ્સ ઊંડે સુધી શ્વાસમાં ઉતરી ગઈ. હવે એ ચિડાય ગયા હતા. ઘડી ભર પહેલા બનેલી લાગણીશીલ માતા માંથી હવે એ કડક, મોભાદાર સમાજ સેવિકાના રોલમાં આવી ગયા....

" વિવેક, સીધો જવાબ દે....." સુમિત્રાના અવાજમાં રહેલી કડકાઈ ઓળખીને વિવેકએ એક હાથમાં પકડેલી સિગારેટ બાજુની દીવાલમાં ઘસીને બુઝાવી. ત્યાં પડેલા ગારબેજ બોક્સમાં કચરો નાખીને એ રૂમમાં દાખલ થયો. કંઈ પણ બોલ્યા વગર એને મા સામે ઊભા રહીને એક નિસાસો નાખ્યો પછી ચૂપચાપ એટલી જ શાંતિથી બેડરૂમમાં રહેલા ડ્રોવરમાંથી ડાઈવોર્સ પેપર કાઢી, સુમિત્રાની સામે બેડ પર ફેંકીને એ સડસડાટ ત્યાંથી બહાર નીકળી ગયો.......પેપર્સ જોઈને સુમિત્રાની આંખો ફાટી ગઈ. પ્રગતિ ગઈ એને લગભગ બે મહિનાની ઉપર થયું હતું આ દરમિયાન એ સતત પ્રગતિના સંપર્કમાં હતા છતાં પ્રગતિએ એને આ વાતનો જરાક અમથો અણસાર પણ નહતો આવવા દીધો.....

ઘરે આવીને રોહિત સીધો જ આયુને શોધી રહ્યો હતો એને નીચે આયુ ના મળી એટલે એ હસતા મુખે સડસડાટ બે બે પગથિયાં મૂકીને ઉપર પોતાના રૂમમાં પહોંચી ગયો......આયુ ડ્રેસિંગ ટેબલ પર નીચું જોઈને પોતાનો સામાન ગોઠવતી હતી ત્યાં પાછળથી રોહિતએ આવીને એક હાથ પીઠ પર અને બીજો હાથ આયુના પગની વચ્ચે રાખીને એને ઢીંગલીની જેમ ઊંચકી લીધી......આયુ કંઈ સમજે વિચારે એ પહેલાં રોહિતએ એને ઊંચકીને બે ત્રણ ગોળ ચક્કર ફરી લીધા.....

" ઓહહ....માય ગોડ......" રોહિતએ આયુને નીચે ઉતારી ત્યારે આયુને સહેજ ચક્કર આવતા હતા. એ રોહિતના આવા વિચિત્ર વર્તનને લઈને નવાઈ પામી રહી હતી તો બીજી બાજુ રોહિતના હસતા ચહેરાને જોઈને એને પણ એમ જ ખુશ થવાનું મન થઇ રહ્યું હતું....

" આઈ લવ યુ...." ચક્કરના કારણે હજુ આયુ માથા પર હાથ દઈ પોતાની જાતને સંભાળે ત્યાં તો રોહિત તરત જ નાના બાળકની જેમ એને વળગી પડ્યો.....બે મિનિટ સુધી આયુ ચુપચાપ એના માથા પર હાથ ફેરવતી રહી.....

રોહિતએ સામાન્ય કુર્તિમાં સજ્જ થયેલી આયુના ખુલ્લા ગળા પર એક હળવું ચુંબન કર્યું પછી એનાથી સહેજ જ દૂર થઈ એણે આયુનો ચહેરો પોતાની બંને હથેળીઓ વચ્ચે લીધો.....એ કંઈક કહેવા જ જઇ રહ્યો હતો કે આયુને ધૈર્યના રડવાનો અવાજ સંભળાયો.....આવી સરસ રોમાન્ટિક ક્ષણમાં ખલેલ પહોંચી એટલે ક્ષણભર બંને એકબીજાની આંખોમાં જોઈ રહ્યા.....પછી આયુ ધૈર્ય પાસે ગઈ. એ ઘોડિયા પાસે બેસીને ધૈર્યને સુવડાવી રહી હતી ત્યારે જ રોહિત ઘોડિયાની સામેની તરફ આવીને બે પગના ટેકે નીચે બેઠો.....રોહિતની આંખો અને હોઠો પર હજુ સુધી એ જ ખુશી જોઈને આયુને નવાઈ લાગી. એને એમ હતું કે રોહિત હંમેશાની જેમ થોડીવાર રોમાન્સ કરવાના મૂડમાં આવ્યો હશે પણ આ તો કંઈ જુદું જ બની રહ્યું હતું......

" થયું છે શું.....? " આયુએ ત્યાં જ બેઠા બેઠા પૂછ્યું.

" આયુ......મને.... મને જોબ મળી ગઈ....." આયુની આંખો નવાઈ અને ખુશીમાં મોટી થતી ગઈ....બે મિનિટ બંને વચ્ચે મૌન રહ્યો.....ઘોડિયામાંથી આવતો ચિં..... ચિં..... અવાજ એ મૌનની સાક્ષી પૂરતું રહ્યું......

વિવેક કેટલાય સમય પછી ઓફિસએથી ટાઇમસર ઘરે આવી ગયો. વ્યવસ્થિત જમીને એણે બહાર જવા માટે પાર્કિંગ તરફ પ્રયાણ કર્યું. કોણ જાણે કેમ આજે એને ફરી બાઇક લેવાની ઈચ્છા થઈ આવી. પ્રગતિ સાથે એક બે લોન્ગ ડ્રાઇવ પછી અઠવાડીયે અઠવાડિયે સ્ટાફ દ્વારા કરાયેલી સર્વિસ સિવાયના સમયમાં આ બાઇક પાછું ધૂળ જ ખાતું હતું......

લગભગ રાતના સાડા દસ વાગ્યાની આસપાસ વિવેક એક ગાર્ડન પાસે બાઇક પાર્ક કરીને એના પર જ સૂતો હતો. આ જગ્યા લોકોની અવરજવરથી સહેજ દૂર હતી એટલે કોઈ ઓળખીને પોતાના એકાંતમાં દખલગીરી ન કરે એના માટે વિવેકએ આ જગ્યા પસંદ કરી હતી. એ બાઇકના હેન્ડલ પાસે બે હાથના ટેકેથી માથું રાખીને અને પાછળની એસેસરીમાં એક પગ ફસાવીને એના પર બીજો પગ ચડાવીને આરામથી આકાશમાં રહેલા તારાઓ જોઈ રહ્યો હતો.......

અનિચ્છાએ વિવેકનું ધ્યાન થોડે દુર મેઈન રોડ પર એક બાઇક અને કારનું સામાન્ય એક્સીડેન્ટ થયું છતાં પણ ત્યાં થઈ રહેલી રાડા રાડી અને જમા થઈ ચુકેલી ભીડ તરફ ગયું......હજુ તો એ વાતને સમજે એ પહેલાં જ વિવેકને એ ભીડથી સહેજ દુર, ઉપરની તરફ એક રેસ્ટોરાંમાંથી રજત અને રજતનો હાથ પોતાના હાથમાં નાખીને બહાર નીકળી રહેલી શ્રેયા દેખાઈ..... એ બંને હસી રહ્યા હતા. શ્રેયા વારે વારે રજતના ખભ્ભા પર પોતાનું માથું ટેકવતી હતી. વિવેકથી આ જરા પણ સહન ન થયું.......અત્યાર સુધી એને એમ હતું કે પ્રગતિ રજત સાથે હશે અને અપરાધભાવ અનુભવતી હશે એટલે જ એણે કોઈ મૅસેજ કે ફોન નહોતા કર્યા......એને એમ થતું હશે કે આ ઘટના પછી એ વિવેકને કઈ રીતે ફેસ કરશે.....! અત્યારે રજતને બીજી છોકરી સાથે, એ પણ શ્રેયા સાથે જોઈને વિવેકનું મગજ ફાટ ફાટ થતું હતું એટલે એ પોતાની સમજણ મુજબ આક્રોશમાં ઉતાવળ્યો નિર્ણય લઈને થોડી જ ક્ષણોમાં રજત અને શ્રેયાની સામે પહોંચી ગયો......શ્રેયા આવી રીતે રસ્તા પર પોતાના બૉસને આ સ્થિતિમાં મળી આવતા થોડી કોનશિયસ - સભાન થઈ ગઈ. હજુ ત્રણેયમાંથી કોઈ કંઈ સમજે વિચારે એ પહેલાં જ વિવેકએ ત્યાં જ રસ્તા વચ્ચે રજતને એક જોરદાર તમાચો ઠોકયો.....રજતએ એક હાથ પોતાના ગાલ પર મુક્યો અને સીધો થઈને વિવેકની સામે ગુસ્સાવાળી નજરે જોઇ રહ્યો તો સામે વિવેક પણ લાલ થઈ ચૂક્યો હતો એની આંખોમાંથી પણ અંગારા વરસતા હતાં. શ્રેયાને ક્યારેય ન જોયેલા વિવેકનું આ સ્વરૂપ અત્યંત ભયાનક લાગી રહ્યું હતું. એના પગ ત્યાં જ જમીન પર જડાય ગયા હતા.....

" શાના માટે ? " રજતના હાથની મુઠ્ઠી વળી ગઈ હતી. વિવેક પ્રગતિનો પતિ છે એટલે માંડ કરીને એણે પોતાના હાથ પર કાબુ રાખ્યું હતું.....એણે કંઈ કહ્યું નહિ છતાં એની રાખોડી આંખોમાં ઉછાળા મારતો પ્રશ્ન વિવેકની સામે આવી ગયો હતો....સામે સાતેક પગથિયાં નીચે રોડ પર થોડે દુર જ થોડીવાર પહેલાના એક્સીડેન્ટનો તમાશો જોવા ઉભેલા લોકોને હવે મનોરંજન માટે બીજો તમાશો મળી ગયો હતો.....

" પ્રગતિ ક્યાં છે ? " વિવેકએ દાંત ભીસીને રજતની આંખોમાં જોઈને પૂછ્યું....

" મુંબઈ...." રજતએ ખભ્ભા ઉલાડ્યા....

" અને તું અહીંયા......." વિવેકએ હાથની મુઠ્ઠી વાળી એને અચાનક જ પોતાની સામે રસપૂર્વક ઘુરી રહેલા લોકોનો ખ્યાલ આવ્યો....એ કહેતા કહેતા અટકી ગયો. એણે એક તીખી નજર શ્રેયા પર કરી.....અત્યારસુધી સાવ જડ જેવી થઈ ગયેલી શ્રેયા વિવેકની આ નજર સહી ન શકી. એ ગભરાવા લાગી.....ગભરામણમાં એનો ચહેરો તંગ થઈ ગયો અને આંખોમાં આંસુ આવી ગયા.....

" નાની છોકરી છે......એને અગિયાર વાગ્યા સુધીમાં ઘરે પહોંચવાનું છે...." રજતએ માંડ ગુસ્સા પર કાબૂ મેળવ્યો. એણે વિવેકની નજીક જઈ એના એક ખભ્ભા પર પોતાનો હાથ મુક્યો...." મારે જવું પડશે.....આપણે પછી હિસાબ માંડીશું...." રજતએ સાવ ધીમેથી કહ્યું. રજત જાણતો હતો કે પહેલેથી જ આટલા લોકો એકઠા થઇ ગયા છે ને વધુ લપ થશે તો બીજા લોકો પણ ભળશે અને જો એમાંથી એક પણ વધારે પડતો ડાહ્યો નીકળ્યો અને રજત તેમજ વિવેકને આટલે દૂરથી સામાન્ય કપડામાં પણ ઓળખી કાઢ્યો તો કાલના અખબારમાં ફ્રન્ટ પેઈજ પર બે બિઝનેસમૅન વચ્ચેના તાયફાની મસાલેદાર ખબર આખા ભારતમાં ઉડશે.....રજતને વાંક વગરની થપ્પડ પડ્યા પછી એમાં પણ વાંધો તો નહતો જ છતાં અત્યારે એ શ્રેયા સાથે હતો એને સમયસર ઘરે પહોંચાડવા સિવાયની રજતની બીજી જવાબદારી એ હતી કે શ્રેયાનું નામ એકેય ગફલામાં ન સંડોવાય એ રીતે એને સલામત રાખવું અને જો પોતે વિચારતો હતો એમ મીડિયામાં આ ખબર પહોંચે તો શ્રેયાનું નામ બદનામ થાય ફક્ત એ જ માટે થઈને એણે વાત મુલત્વી રાખી....

ગુસ્સો કાઢી નાખ્યા બાદ વિવેકને પણ સમય,સ્થળનું બરાબર ભાન થઈ રહ્યું હતું આસપાસ એકઠા થયેલા લોકો જોઈને તેમજ એક સમજદાર વ્યક્તિ તરીકે રજતની ટૂંકમાં પતાવેલી વાત સમજીને વિવેકએ પણ અત્યારે છુટા પડવું મુનાસીબ સમજ્યું.....જતા જતા એણે ફરી એક નજર શ્રેયા પર કરી.....

" મેં તને તો આવી નહોતી જ ધારી " વિવેકએ બે મિનીટ અટકીને આગળ ઉમેર્યું, " ઓફિસમાં પ્રગતિ સૌથી વધુ તારી નજીક હતી....." આટલું કહીને વિવેક જેમ આવ્યો હતો એમ જ ત્યાંથી નીકળી ગયો..... લોકો પણ વિખુટા પડ્યા.....આ બધી વાતોમાં શ્રેયાને કઈ જ સમજણ નહતી પડતી....કોણ ? શુ ? શુ કામ ? કરી રહ્યું હતું એવું કશું જ એને સમજાતું નહતું છતાં ' મેં તને તો આવી નહોતી જ ધારી....' એને વિવેકનું આ વાક્ય અકળાવી ગયું......આ બધી લપ પછી ત્યાં ઉભા ઉભા એનું ડૂસકું છૂટી ગયું.....રજત એની નજીક ગયો....બે મિનિટ વિચારીને, માંડ કરીને એણે શ્રેયાને બથમાં લીધી......શ્રેયા હવે જોરથી રોવા લાગી હતી.....

" અરે.....પાછા માણસો ભેગા કરવા છે કે....." રજત હસ્યો....એ પાછો પોતાના મૂળ સ્વાભાવમાં આવતો હતો. શ્રેયા એનાથી અળગી થઈ. એની આંખો પાણીદાર અને નાક લાલ હતું. રજતથી અળગી થઈ એણે બંને હાથ ઊંધા કરી પોતાના આંસુ સાફ કર્યા પછી સાઈડ પર્સમાંથી રૂમાલ કાઢીને પોતાનું નાક સાફ કર્યું....રજત એની માસૂમિયતને નિહાળતો રહ્યો.....આ માસૂમિયત એને ઊંડે સુધી ઉતરી ગઈ એટલે એની આંખોના ખૂણા પણ સહેજ ભીના થઈ ગયા.

રજતની કાર જ્યારે શ્રેયાના ઘરની શેરીની બહાર થોડે દુર રોડ પર ઉભી રહી ત્યારે શ્રેયાએ રજતના ગાલ પર એક અછડતો સ્પર્શ કરીને કહ્યું, " સૉરી...."

રજતની શરારતી આંખો એના પર સ્થિર થઈ..." શેને માટે ? " જવાબમાં શ્રેયાએ માત્ર ખભ્ભા ઉલાડયા.....

" ઠીક છે.....હવે જા...ઘરે પહોંચીને મને મૅસેજ કર તો હું અહીંયાંથી નીકળું. ઓહકે....." રજતએ કહ્યું. શ્રેયા એક સ્મિત કરીને ત્યાંથી નીકળી ગઈ.......
To Be Continued

- Kamya Goplani