Pragati - 29 in Gujarati Fiction Stories by Kamya Goplani books and stories PDF | પ્રગતિ ભાગ - 29

Featured Books
Categories
Share

પ્રગતિ ભાગ - 29

વિવેક પોતાની ઓફિસમાં રિવોલવિંગ ચેર પર ઘૂમતા ઘૂમતા મોબાઈલ મચડી રહ્યો હતો.....એણે પ્રગતિનું ઇન્સ્ટાગ્રામ ખોલ્યું...... કાળા બેકગ્રાઉન્ડમાં દરિયાના ઉછળતા મોજા અને એના પર સફેદ અક્ષરે લખેલું હતું. " જસ્ટ ગોઇંગ વિથ ધ ફ્લો...." આ પ્રગતિની લાસ્ટ પોસ્ટ હતી.....એ પોસ્ટમાં ધૈર્યનો જન્મ થયો એના બે દિવસ પછીની તારીખ હતી. વિવેકને યાદ આવ્યું કે ત્યારપછી પ્રગતિ ક્યારેય ઓફિસએ ટિફિન લઈને નહતી આવી, એણે ક્યારેય બાઇક ચલાવાનું કે પોતાની સાથે ક્યાંક એમ જ રખડવા જવાનું ગાંડપણ નહતું બતાવ્યું......સવાર, કામ, રસોઈ, આયુ, ડિનર બસ.....આ એનો નિત્યક્રમ હતો.....

વિવેકએ થાકીને પોતાનો મોબાઈલ સામેની ટેબલ પર મુક્યો પછી બંને હાથ કોણીથીવાળીને માથાની નીચે મુક્યા અને ખુરશી પર આરામની સ્થિતિમાં કશાક વિચારોમાં પડ્યો....

પ્રગતિની તબિયત સહેજ ખરાબ હોવાથી એણે એક દિવસ રજા લીધી હતી. એ ઘરેથી જ પોતાનું કામ કરી રહી હતી. ઓરડામાં સ્ટડી કોર્નર જેવી સુઘડ વ્યવસ્થા હોવા છતાંય એ બેડરૂમમાં આખો પલંગ ભરીને બેઠી હતી. જુદા જુદા કાર્ડબોર્ડસ, જુદી જુદી જાતના રંગો, કેટલીક ફાઈલો અને લેપટોપ સાથે આખો બેડ ભરેલો હતો. એક સામાન્ય ટી - શર્ટ અને ટ્રેકમાં પ્રગતિ પલાંઠી વાળીને લેપટોપમાં જોતી બેઠી હતી. એની બાજુમાં એક ચિપ્સનું પેકેટ હતું. લેપટોપમાં મેઈલ ચેક કરતા કરતા એ ચિપ્સ ખાતી હતી. અચાનક એનું ધ્યાન એક મેઈલ પર અટક્યું. ટાઇટલ હતું ' આઇ. એમ. એફ ઇન્ડિયા '. આ ભારતની સૌથી મોટી ફેશન કંપની હતી. પ્રગતિને નવાઈ લાગી. એણે મેઈલ ખોલ્યો. એક હાથેથી મોઢામાં એક વેફર નાખી ત્યારે એણે અડધો મેઈલ વાંચી કાઢ્યો હતો ત્યારબાદ મોઢામાં નાખેલી વેફર અડધી બહાર જ રહી. આખો મેઈલ વાંચ્યા પછી એની આંખો પહોળી થઇ ગઇ. જે એમાં લખ્યું હતું એ બાબત પર એને વિશ્વાસ જ નહતો આવતો. એણે હોઠ પર અટવાયેલી વેફરને હાથ વડે ધક્કો મારીને અંદર નાખી પછી લેપટોપની સહેજ નજીક જઈને ફરીથી મેઈલ વાંચવા લાગી. વાંચન કરવામાં એને સહેજ તકલીફ પડી એટલે એ થોડી દૂર ખસી અને આંખ પર ચડાવેલા મોટા ચશ્માં કાઢીને બાજુમાં મુક્યા પછી ફરીથી લેપટોપની નજીક ગઈ. એક હાથની આંગળી મેઈલ પર હતી અને બીજા હાથે એણે બાજુમાં પડેલા પેકેટમાંથી એક સામટી ચિપ્સ કાઢીને મોં માં મૂકી.......એટલી જ વારમાં પ્રગતિનો ફોન વાગ્યો. પ્રગતિએ નામ જોયા વગર જ ફોન સ્પીકર પર મૂકી દીધો. એનું ધ્યાન હજુ લેપટોપમાં જ હતું.

" હેલ્લો.... પરી, મેઈલ આવ્યો ? " સામે છેડેથી રજતએ કહ્યું.

" હા.....પણ આ કેવી રીતે ? " પ્રગતિએ બાજુમાં પડેલા ફોનમાં રજતનું નામ વાંચીને ફોન કાને મુક્યો.

" અમારા બિઝનેસ સર્કલના એક વ્યક્તિ છે મિસ્ટર મનોહતરા....આઈ.એમ.એફ ના ડિરેક્ટર. " રજતએ કહ્યું.

" ઓહહ.....તો ? " પ્રગતિએ પૂછ્યું.

" અરે....તો શું ? તારું સપનું હતું ને આઈ.એમ.એફ માં કામ કરવાનું.....પહેલા તો મેં લાગવગ કરી જોઈ પણ કોઈ હલ્યું નહિ. પછી એ લોકોએ એક ફેશન શો માં તારા ડિઝાઇન્સ જોયા. ધે ગેટ ઇમ્પ્રેસડ. પછી શું મને જાણ થઈ એટલે મેં તારા બીજા ડિઝાઇન્સ મોકલી આપ્યા.......ને પરિણામ તું જુવે જ છે......" રજતએ કહ્યું.

" મને પૂછ્યા વગર......! " પ્રગતિને નવાઈ લાગી.

" મને જરૂરી ન લાગ્યું. તારું ડ્રિમ હતું સો મેં......" રજતએ વાક્ય અધૂરું છોડ્યું.

" રજત, તું પાગલ થઈ ગયો છે.....મને પુછાય તો સહી ને.....ડ્રિમ હતું પણ વર્ષો પહેલા......હવે....હવે...." પ્રગતિને શુ બોલવુ એ ખબર ન પડી.

" જો પરી, આ લોકોએ સામેથી તને થ્રિ મન્થ ઇન્ટર્નશીપ ઓફર કરી છે પછી કદાચ કામ પણ કરે તારી સાથે.....આવા મોકા બધાને નથી મળતા. " રજતની વાત સાંભળતા સાંભળતા પ્રગતિ પોતાનું ચિપ્સનું પેકેટ ખાલી કરી રહી હતી.સામેથી પ્રગતિનો કોઈ જ પ્રતિભાવ ન આવ્યો એટલે રજતએ ચાલુ રાખ્યું. " સાંભળ , હું અત્યારે હૈદરાબાદ છું પરમ દિવસે આવી જઈશ ને પછી જેટલું બને એટલું જલ્દી આપણે મુંબઈ જઈએ છીએ ઓહકે.....ફ્લાઇટ, હોટલ બુકીંગ ને બીજા લીગલ વર્ક વગેરે તું મારા પર છોડી દે. તું બસ તૈયારી કરી લે. સમજાય છે......" રજતને જવાબમાં માત્ર કચડ કચડ સંભળાતું હતું....." હેલો.....પરી....તને કહું છું.....તું આવે છે ને મારી સાથે ? " પ્રગતિએ વિચારતા વિચારતા અત્યાર સુધી પોતાનું આખો મોં વેફર્સથી ભરી નાખ્યું હતું. રજતનો પ્રશ્ન સાંભળીને એણે ભરેલા મોં એ એક હાથ હવામાં ઉછાળીને માંડ માંડ કહ્યું, " આઈ ડોંટ નો......"

વિવેક ઓફિસમાં હજુ એ જ પરિસ્થિતિમાં બેઠો હતો. એણે પોતાના અને પ્રગતિના સંબંધો હવે કોઈ પણ રીતે આગળ વધે એવું લાગતું નહતું....." બસ હવે બહુ થયું....." આખરે વિવેક મનમાં એક ગાંઠ વાળીને અત્યારે જ પ્રગતિ સાથે વાત કરવા માટે ઘરે જવા નીકળ્યો.

પ્રગતિ બધું જ એમનેમ મૂકીને એક હાથ ગરદન પાછળ ને એક હાથ કમર પર ઊંધો ગોઠવીને બેડરૂમમાં આમથી તેમ આટા મારી રહી હતી. એને કંઈ જ નહતું સમજાય રહ્યું. એ જાણતી હતી કે એનો અને વિવેકનો સંબંધ એવો તો નથી જ કે એણે વિવેકની પરમિશન લેવી પડે અથવા એની સાથે વાત કરવી પડે પરંતુ એને ડાયરેક્ટ ઓર્ડર પણ કઈ રીતે આપી શકાય....! એ પણ શક્ય નહતું જ. સુમિત્રા સાથે વાત કરવા માટે પહેલા વિવેકને વિશ્વાસમાં લેવો જ પડે ને વળી એના મગજમાં એ તો સ્પષ્ટ જ હતું કે મા ની પરમિશન લીધા વગર એક કદમ પણ આગળ ન ભરવું. ઉપરાંત રહી રહીને એને એ પણ વિચાર આવતો હતો કે એના અને વિવકેના સંબંધો પહેલા કરતા થોડા સારા થયા છે કદાચ આગળ પણ વધે....! પ્રગતિ મનોમન વિવેકને ચાહવા લાગી હતી પરંતુ એ દિવસની ઘટના પછી પોતે કંઈ જ ન કરતા એણે બધું જ વિવેક પર છોડી દીધું હતું. આવા સમયે જો પોતે અહીંથી દૂર જતી રહે તો આ સંબંધનું શું થશે....! આ બાજુ પ્રગતિ મુંજવણમાં હતી તો બીજી બાજુ વિવેક નક્કી કરેલા નિર્ણય પર કઈ રીતે પ્રગતિ સાથે વાત કરવી....કરવી કે પછી ન કરવી આ બધી જ ગણતરીઓની ગડમથલ એના મનમાં ચાલતી હતી.

વિવેક બપોરના સમયે પોતાના રૂમમાં દાખલ થયો. આગળના ભાગ વટાવીને એ જ્યારે પોતાના બેડરૂમમાં પહોંચ્યો ત્યારે એ પોતાના બિસ્તરની હાલત જોઈને ચોકી ગયો. એનું આખું બિસ્તર પ્રગતિએ ભરી રાખ્યું હતું એટલું ઓછું હતું એમાં બે ત્રણ નાસ્તામાં પેકેટ પણ ખાલી થયેલા ખુલ્લા પડ્યા હતા અને પ્રગતિ બધું એમ જ છોડીને ત્યાં આટા મારી રહી હતી. એનું ધ્યાન વિવેક પર પડ્યું.....

" સૉરી...." પ્રગતિ પલંગ પર જગ્યા કરવા ગઈ.

" ઇટ્સ....ઓહકે...." વિવેક બેડરૂમમાં રહેલા સોફા પર જઈને બેસી ગયો. પ્રગતિ જેવી ઓર્ગેનાઇઝડ છોકરીની આવી હાલત જોઈને વિવેકને નવાઈ લાગી.

" અત્યારે....? " પ્રગતિએ પૂછ્યું.

" એમ જ.....અ...." વિવક પોતાની વાત કઈ રીતે રજૂ કરે એને એ નહતું સમજાય રહ્યું. થોડી વાર બંને એ જ પરિસ્થિતિમાં રહ્યા પછી બંનેએ એકસાથે એકબીજા સામે જોયું.

" મારે...." વિવેક કંઈ બોલે એ પહેલાં જ પ્રગતિએ કહી નાખ્યું, " મારે તમારી સાથે એક વાત કરવી છે...." પ્રગતિએ બિસ્તર પરથી રૂમમાં જ રહેલા પ્રિન્ટર માંથી કાઢેલી મેઇલની કોપી વિવેકની સામે ધરી દીધી. વિવેકએ એને હાથમાં લીધી. વિવેક જ્યારે એ વાંચી રહ્યો હતો ત્યારે પ્રગતિ એના ચહેરાના પલટાતા ભાવ બરાબર નીરખી રહી હતી.

" વાઉ...." વિવેકએ કહ્યું ત્યારે પ્રગતિની આંખો પહોળી થઇ ગઇ. " ક્યારે જાય છે ? " વિવેકએ ડોક ઊંચી કરીને પૂછ્યું. એને મનોમન જે નિર્ણય કર્યો હતો એમાં એને ઈશ્વર પણ સાથ આપી રહ્યા હતા એવું એને લાગ્યું.

" વોટ ? " પ્રગતિના ચહેરા પર ખુશી અને અચંભો બંને હતા. એને ખ્યાલ નહતો કે આ વાત આટલી સરળતાથી થઈ શકશે....

" ચાલો...." વિવેક પેપર લઈને સોફમાંથી ઉભો થયો. " તૈયારી કરો...." એણે પ્રગતિને કહ્યું. " તું તારી અને હું મારી...." વિવેકએ સ્વગત કહ્યું પછી સુમિત્રા સાથે વાત કરવા એને પોતાના રૂમમાં બોલાવા માટે બેલ વગાડી.....

બધી જ ફોરમાલિટીઝ પુરી કર્યા પછી આજે પ્રગતિ આયુને મળીને એરપોર્ટ જવા માટે નીકળી. ઘણા કામ હોવા છતાં પણ વિવેક એને જાતે મુકવા જતો હતો.....બંને વચ્ચે કેટલીયવાર સુધી મૌન છવાયેલું હતું. પ્રગતિ વારે વારે વિવેક તરફ જોઈ રહી હતી. એણે વિવેકને કંઈક કેહવું હતું. એ ઇચ્છતી હતી કે પોતે વિવેકને છોડીને જાય એ પહેલાં એની સાથે એકવાર ખુલીને વાત કરે પણ આ તૈયારીના દિવસો દરમિયાન એને સમય જ ન રહ્યો. ક્યારેક એણે નક્કી જ કર્યું હોય કે આજે બધું કહી જ નાખવુ છે તો ત્યારે વિવેક બીઝી રહેતો...

" વિવેક...." આખરે પ્રગતિ બોલી.

" હમમ...." વિવેકનું ધ્યાન ડ્રાઇવિંગમાં હતું.

" થોડીવાર ક્યાંક બેસીએ પ્લીઝ....." પ્રગતિએ કહી તો નાખ્યું પણ એને ખ્યાલ હતો કે એ શક્ય નથી.

" ઓલરેડી લેટ છીએ આપણે...." વિવેક સહેજ હસ્યો. એણે પ્રગતિ તરફ જઈને આગળ ઉમેર્યું, " તારે ફ્લાઇટ મિસ કરવી હોય તો બોલ.....તું કહે ત્યાં જઈશું." પ્રગતિએ સહેજ હસીને ના માં માથું ધુણાવ્યું.

વિવેક અને પ્રગતિ એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે રજત અને પ્રભુદાદા એની વાટ જોઈ રહ્યા હતા. રજત અને વિવેક ફોર્મલી મળ્યા. એક બે મિનિટ વાતચીત કરીને એકબીજાને બાય કરીને બધા અંદર જવા નીકળ્યા.....

" પ્રગતિ...." વિવેકએ પ્રગતિને બોલાવ્યું. અનિચ્છાએ રજતની પાછળ ધીરે ધીરે ચાલી રહેલી પ્રગતિ સહેજ પાછળ ફરી....વિવેક એની નજીક ગયો. એણે પ્રગતિને પૂછ્યા વગર જ એને આલિંગન આપ્યું. વિવેકને લાગ્યું કે કદાચ આ પ્રગતિ સાથેની છેલ્લી ક્ષણ હતી એટલે એ આ ક્ષણને સંપૂર્ણપણે માણી લેવા ઇચ્છતો હતો. એની આંખો બંધ હતી. સામે રજત નવાઈથી આ બંને સામે જોઈ રહ્યો હતો. પ્રગતિનો અંગત મિત્ર હોવાથી રજતને ખ્યાલ હતો કે હજુ સુધી આ બંને વચ્ચે પતિ પત્ની જેવા સંબંધો નથી છતાંય આ બંને એરપોર્ટ પર હજારો લોકોની વચ્ચે આવી રીતે વર્તી રહ્યા હતા. વિવેકના આલિંગનમાં રહેલી પ્રગતિને અચાનક જ વિવેકના આવા વર્તન પર નવાઈ લાગી આટઆટલો સમય થઈ ગયો પરંતુ એક પુરુષ હોવા છતાંય વિવેકએ પોતાની લાગણીઓને સંપૂર્ણપણે કાબુમાં રાખી હતી. પ્રગતિને પૂછ્યા વગર એ વિવેક એને અડતો પણ નહીં છતાં આજે આમ....! બે ત્રણ મિનિટ પછી લાગણીમાં વહીને અનાયાસે જ પ્રગતિના હાથ પણ વિવેકની ફરતે વીંટળાય ગયા.

" કાય ઝાલે કાય યેથે.....આધિ ચ ઉશિર હોત આહે...." લાંબા સમય પછી વતન જવાના હોવાથી પ્રભુદાદા થોડા વધારે જ ઉત્સાહિત હતા. એ ઘણા આગળ નીકળી ગયા હતા એટલે પાછા ફર્યા. રજતએ પોતાના ફ્રેમલેસ ચશ્માંમાંથી આંખો ત્રાંસી કરીને પ્રગતિ અને વિવેક તરફ ઈશારો કર્યો.

" સોરી બાબા....." આવ્યા એ રીતે જ મોઢું નીચું કરીને દાદા પાછા ચાલ્યા ગયા.

" પ્રગતિ...." રજતએ કહ્યું ત્યારે વિવેક અને પ્રગતિ હજુ એકબીજાની સામે જોતા ઉભા હતા. રજતની ટકોરથી પ્રગતિ પાછળ ફરીને ચાલતી થઈ. એ હજુ સુધી ધીમે ધીમે ચાલતા ચાલતા વારે વારે પાછળ ફરીને વિવેકને જોઈ રહી હતી.....વિવેકના બંને હાથ પોકેટમાં હતા એની આંખો નમ હતી છતાં એના મોઢા પર સહેજ સ્મિત રમતું હતું. એ હસતા મોઢે પ્રગતિને વિદાય આપી રહ્યો હતો.

" યાર....ચાલ ને હવે...ત્રણ મહિના જ જવાનું છે...ત્રણ વર્ષ નહીં...." આખરે રજતની ધીરજ ખૂટી એણે પ્રગતિનો હાથ પકડી એને ખેંચ્યું. " સો કોલ્ડ મેલો ડ્રામાઝ....! હજુ ચેક ઇન કરવાનું ય બાકી છે....." પ્રગતિ એની પાછળ ઢસડાય....
To be Continued

- Kamya Goplani