Pragati - 28 in Gujarati Fiction Stories by Kamya Goplani books and stories PDF | પ્રગતિ ભાગ - 28

Featured Books
Categories
Share

પ્રગતિ ભાગ - 28

વિવેકએ પ્રગતિનો ફોન કાપ્યો પછી લગભગ કલાક થઈ હતી પ્રગતિ હજુ ન આવી. હવે વિવેકના ધબકારા વધી ગયા હતા. એણે પ્રગતિને ફોન કર્યો તો ફોન બંધ હતો. ગુસ્સો શાંત થયાના થોડા ક્ષણો બાદ વિવેકને ખ્યાલ આવ્યો કે એનાથી શું થઈ ગયું છે...... એણે રાતના સમયે સામેથી તેડવા માટેનો ફોન કરેલી પોતાની પત્નીને લેવા આવવાની ના કહી હતી. " તું જાતે આવી જા.....! ઓહહ....આ શું બોલાય ગયું મારાથી....પ્રગતિ ખોટું પણ બોલી શકતી હતી, પણ એણે એવું ન કર્યું અને મેં શુ કર્યું....! કેટલો બેવકૂફ છું હું...." વિવકને પોતાના વર્તન પર પારાવાર અફસોસ થયો. ડર અને ચિંતાના કારણે એની આંખો ભીની થઇ ગઇ હતી....હવે એક પણ ક્ષણ ગુમાવ્યા વગર એ સીધો જ રૂમની બહાર નીકળવા ગયો.....

સુમિત્રા હજુ એમ જ નીચે જોતા જોતા રવેશમાં આટા મારી રહ્યા હતા ત્યારે એમને સામેથી પ્રગતિ આવતી દેખાય. ઘરના મુખ્ય દ્વાર સુધી પહોંચતા પહોંચતા પ્રગતિએ બે એક વાર પોતાના ગાલ પર સરી આવેલા આંસુ સાફ કર્યા. સુમિત્રા સીધા જ રૂમની બહાર નીકળ્યા. પ્રગતિ કમરામાં જવા માટે ઝડપથી પગથિયાં ચડી રહી હતી ત્યારે એનું ધ્યાન હમણાં જ રૂમની બહારે આવેલા સુમિત્રાબેન પર પડ્યું. પ્રગતિએ અનિચ્છાએ એમની સામે સ્મિત કર્યું. સુમિત્રાએ પણ સ્મિત કરીને પ્રતિભાવ આપ્યો પછી એ એમ જ ત્યાં ઉભા રહીને પ્રગતિને ઉપર જતા જોઈ પરિસ્થિતિને માપી રહ્યા હતા....

વિવેક જ્યારે બહાર નીકળવા ગયો ત્યારે એણે સામે જ પ્રગતિ મળી. એના ચહેરા પર સુકાયેલા આંસુને વિવેક જોઈ શક્યો. પ્રગતિની આંખો હજુ પણ ભીની હતી પરંતુ પ્રગતિએ વિવેકની સામે એક આંસુ ન પાડ્યું. સામે વિવેકનો હાલ પણ કંઈક એવો જ હતો. ચિંતા અને ડરમાં એનો ચહેરો ફિકો અને આંખો ભીની થઇ ગઇ હતી. એના ગળે ડૂમો ભરાયો હતો. પોતાના વર્તન પર એને ખૂબ જ ગ્લાનિ મહેસુસ થતી હતી.

" પ...પ પ્રગતિ...." વિવેક માંડ બે શબ્દો બોલી શક્યો.

" વિવેક, મા જુએ છે....અંદર ચાલો. " પ્રગતિએ કહ્યું ત્યારે એણે વિવેકની સામે જોવાનું ટાળ્યું.

" આઈ એમ સૉરી પ્રગતિ...." વિવેક હજુ એમ જ ઉભો હતો.

" વિવેક, અંદર ચાલો. " પ્રગતિ હાથેથી વિવેકને સહેજ બાજુમાં ધકેલીને અંદર જતી રહી. વિવેકએ દરવાજો બંધ કર્યો. એ પ્રગતિનો હાથ પકડવા એની નજીક ગયો પણ પ્રગતિ એના હાથમાં ન આવી. બેડરૂમમાં પહોંચીને પ્રગતિએ સીધો જ પોતાનો ફોન ચાર્જ કરવા મુક્યો પછી વિવેક સાથે કોઈ પણ વાત કરવાનું ટાળીને એ પોતાના કામમાં વ્યસ્ત થઈ.

" પ્રગતિ, પ્રગતિ આઈ એમ રિયલી સૉરી યાર...." વિવેક પ્રગતિની પાછળ પાછળ ફરી રહ્યો હતો. " પ્રગતિ....પ્રગતિ મારી વાત તો સાંભળ....." વિવેકએ જબરદસ્તી પ્રગતિનો હાથ પકડ્યો.....

" મારો ફોન કેમ કાપ્યો વિવેક ? " પ્રગતિએ સીધું જ વિવેકની આંખોમાં જોઈને કહ્યું.

" ભૂલ થઈ ગઈ....." વિવેકએ સાવ ધીમા અવાજે કહ્યું.

" હું રજતના ઘરે હતી એટલે......! " પ્રગતિ હજુ એમ જ હતી સ્થિર. એની પ્રશ્નો ભરી નજર વિવેકની આંખોને વધુ ને વધુ વીંધતી હોય એમ વિવેકની આંખો ભીની થતી ગઈ.

" વિવેક, રજત મારો બેસ્ટ ફ્રેન્ડ છે......વેન હી નીડ મી...આઈ મસ્ટ બી ધેર......જેમ તમે છો એમ જ એ મારો મિત્ર છે......વિવેક....." પ્રગતિ એ સ્પષ્ટતા કરી.

વિવેકએ પ્રગતિના બંને હાથ એના બાવડાથી પકડ્યા.....એને પોતાની સહેજ નજીક ખેંચી...." શું ? આપણી વચ્ચે ફક્ત મિત્રતા છે....? પ્રગતિ......" પ્રગતિની પાંપણો નીચે હતી. એ દૂર સામે તાકી રહી હતી. એણે વિવેકનો સામનો કરવાનું ટાળ્યું.....

" બોલ પ્રગતિ...." વિવેકએ કહ્યું ત્યારે અચાનક જ પ્રગતિના ફોનની રિંગ વાગી. પ્રગતિ પોતાના હાથ છોડાવીને ફોન ઉપાડવા ગઈ. વિવેકએ એની પક્કડ મજબૂત કરી...." પ્રગતિ...." વિવેકએ એક હાથે પ્રગતિનો મોઢું ઊંચું કર્યું...." આઈ એમ રિયલી સૉરી..... આઈ લ....." પ્રગતિનો ફોન ફરીથી વાગ્યો.

" વિવેક, લીવ મી....." પ્રગતિએ કહ્યું.

" તો પહેલા મને જવાબ દે.....શું તારા મતે આપણી વચ્ચે દોસ્તી સિવાય કશું જ નથી.....? બોલ પ્રગતિ..... બોલ...." વિવેકનો અવાજ સહેજ ઊંચો થઈ ગયો. હવે પ્રગતિની ધીરજ ખૂટી. એણે એક ઊંડો શ્વાસ લઈ વિવેકની સામે જોયું. " ના......ફક્ત લગ્ન થયા છે.....બસ એટલું જ...." પ્રગતિએ જાટકા સાથે વિવેકના હાથમાંથી પોતાના બંને હાથ છોડાવ્યાં...... અને મોબાઈલ તરફ જતી રહી.....વિવેક અન્યમનયસ્ક ત્યાં જ ઉભો રહ્યો....

ફરી પ્રગતિના ફોનની રિંગ વાગી....." હેલો....." એણે કહ્યું.

" પ્રગતિબેન , આયુ....." રોહિતએ કહ્યું.

" શું....!? " પ્રગતિ ફંક્શનની પહેરેલી સાડીએ જ ઉતાવળે બેડરૂમની બહાર નીકળી. " આ...." બેડરૂમની બહાર આવેલા પગથિયાં પર એ પડતા પડતા રહી ગઈ. વિવકેનું ધ્યાન હવે છેક પ્રગતિ પર પડ્યું....

" પ્રગતિ....પ્રગતિ....ક્યાં જાય છે પ્રગતિ ? પ્રગતિ.... મારી વાત તો સાંભળ....." બંસલ મેન્શનમાં વિવેકનો અવાજ ગુંજી રહ્યો હતો. પ્રગતિ બે માળ ઉતરીને નીચે પહોંચી ગઈ ત્યારે વિવેક પહેલા માળે પહોંચ્યો....." પ્રગતિ....." વિવેક પ્રગતિની પાછળ જતો હતો ત્યારે સામેથી પોતાના ઓરડામાંથી ઉતાવળે પગે દોડી આવતી સુમિત્રા પર એનું ધ્યાન અટક્યું...." વિવેક, વિવેક......પ્રેરણાનો ફોન આવ્યો હતો....આયુને દાખલ કરી છે....." વિવેકએ પહેલીવાર માને આટલું ગભરાયેલી જોઈ હતી...." ચાલ ઝડપથી....." સુમિત્રાએ કહ્યું.

" પરિસ્થિતિ ગંભીર છે.....એક તો પેશન્ટની ઉંમર નાની છે....ઉપરથી સમય કરતાં પહેલાં દુખાવો ઉપડ્યો છે......પ્રે ફોર ધેમ...." કહીને ડૉક્ટર પોતાના કામે વળગી ગયા. પ્રગતિ આ શબ્દો સાંભળીને ત્યાં જ ઢળી પડી. સામાન્યરીતે પ્રગતિ જાહેરમાં રોવાનું ટાળતી....પરંતુ અત્યારે એને પોતાની કોઈ સુદ્ધ નહતી રહી. એ અવિરત આંસુ સારી રહી હતી.....આ બાજુ રોહિત ગંભીર મુખે આયુ જે કમરામાં દાખલ હતી એની બરાબર બાજુમાં દીવાલને ટેકવીને નીચે જોઇ રહ્યો હતો. સુમિત્રા પ્રેરણાને સથવારો આપી રહ્યા હતા તો પ્રગતિથી થોડે જ દૂર સામે ઉભેલા વિવેકને પ્રગતિની પાસે જઈ એને સાચવવાનું મન થઇ રહ્યું હતું. એ ઇચ્છતો હતો કે પ્રગતિને પડખામાં લે....એના આંસુ સાફ કરે.....પરંતુ હમણાં થોડા કલાકો પહેલા જ જે ઘટના બની હતી એ એના માનસપટમાંથી ભૂંસાતી નહતી. એ પોતાને દરેક રીતે પ્રગતિનો ગુન્હેગાર મહેસુસ કરી રહ્યો હતો. જો ખરેખર આજે પ્રગતિને કંઈક થયું હોત તો વિવેકનો જીવ ત્યાં જ નીકળી જવાનો હતો છતાં એણે ફોન પર પ્રગતિ પર ગુસ્સો શુ કામ કર્યો....શુ આટલો સમય પ્રગતિને પોતાની સાથે રહીને કઈ જ મહેસુસ નહિ થયું હોય....! જો એવું હોય તો પ્રગતિ જે કંઈ પણ વિવેક માટે કરતી હતી શું એ બધું એક નાટક હતું....! જાતજાતના વિચારોથી વિવેકનું મગજ ચકરાવા લાગ્યું હતું. વળી સામે વારે વારે એને પ્રગતિનો ઉદાસ ચેહરો દેખાય રહ્યો હતો......કોણ જાણે ક્યાં વિચારથી વિવેકએ રજતને ફોન કર્યો......

" જી...." પ્રભુદાદાએ ફોન ઉપાડયો.

" રજત છે ? " વિવેકએ પૂછ્યું. બાથરૂમમાં ઉલટી કરતા કરતા રજતએ એક આંગળી ઊંચી કરી દાદાને ઉભા રહેવાનો ઈશારો કર્યો....

" કોણ છે...? " એણે પૂછ્યું. " કોઈ વિવેક બંસલ હૈ...." ઉભા થઈને રજતએ દાદાએ લાવેલી પાણીની બોટલ ઊંઘી કરીને આખેઆખી મોઢા પર રેડી દીધી....." હેલ્લો...." રજતએ કહ્યું. વિવેકએ રજતને આખી પરિસ્થિતિની જાણ કરી.

બધા હજુ એ જ રીતે ડોક્ટર કોઈ ખબર આપે એની વાટ જોતા હતા..... અચાનક વિવેકને લોબીમાં દૂરથી ઉતાવળે પગે દોડી આવતો રજત દેખાયો.....

" પરી.....પરી.....ઓય...." રજત પ્રગતિની સામે નીચે બેસી ગયો. એણે પ્રગતિના ગાલ પર જોરથી થાપ મારી.....પ્રગતિ પહેલા જ રડી રહી હતી....હવે રજતને જોઇને ફરીથી એનો ડૂમો છૂટી ગયો...." રજત....આયુ...." પ્રગતિ ડૂસકાં ભરી ભરીને રડી રહી હતી.....

" શ..... શાંત શાંત....બધું ઠીક થઈ જશે....તને ખબર છે ને આયુ કેટલી સ્ટ્રોંગ છે......રિલેક્સ....ડોન્ટ વરી....." એણે સાથે લાવેલી પાણીની બોટલનું ઢાંકણ ખોલીને પ્રગતિને પાણી આપ્યું.....પ્રગતિએ ના માં માથું ધુણાવ્યું....." પ્રગતિ.....પ્લીઝ...." દૂર ઉભેલો વિવેક આ બધું જ જોઈ રહ્યો હતો. રજત પ્રગતિને કેટલી સારી રીતે સાચવી રહ્યો હતો.....વિવેકની ચિંતા ઓછી થઈ....એના ચહેરા પર એક હલકું સ્મિત આવી ગયું.....સુમિત્રા હજુ સુધી એક પછી એક બનતી ઘટનાઓને માપી રહ્યા હતા....

સવારે બરાબર નવ વાગ્યે અંદરથી બાળકના રડવાનો અવાજ સંભળાયો......બહારે ઉભેલા સૌ ના મુખ પર રાજીપો છવાય ગયો. પ્રગતિ હજી ચિંતામાં હતી......" પેશન્ટના હસબન્ડ કોણ છે ? " નર્સએ પૂછ્યું.....રોહિત આગળ આવ્યો.....ત્યાં સુધીમાં ડોક્ટર પણ આવી ગયા....." હેલો ડોક્ટર. રોહિત બંસલ...." રોહિતએ કહ્યું.

" કોંગ્રેટયૂલેશન્સ મિસ્ટર રોહિત.....યુ ગોટ ધ બેબી બોય. એન્ડ યસ.... નાવ શી ઇસ આઉટ ઓફ ડેન્જર....ડોંટ વરી...." ડોકટરએ કહ્યું. " થાઇન્કયું ડોક્ટર...." પ્રગતિએ કહ્યું પછી ડૉક્ટર જતા રહ્યા.....

થોડા સમય પછી બધા જ આયુના રૂમમાં પહોંચી ગયા......બાળકનું નામ પાડવાની વાત આવી ત્યારે આયુ સહિત બધા પ્રગતિની સામે જોવા લાગ્યા......

" હું...." પ્રગતિને નવાઈ લાગી....

" મોટી.....પ્લીઝ...." આયુએ કહ્યું.

" આટલી ઉતાવળ કરીને આવ્યો છે.....તો એને ધીરજ રાખતા શીખવવું પડશે....એટલે ધૈર્ય......જો બધાને ગમે તો....." પ્રગતિએ કહ્યું. વિવેક પ્રગતિની સામે જોઈ રહ્યો. અંજલી અને આયુ બંનેના બાળકોના કેટલા સરસ સરસ નામ પાડ્યા હતા પ્રગતિએ.....વિવેકને મનોમન પોતાના સંતાનની કલ્પના થઈ આવી એટલે એ સહેજ મલકાયો......પછી એને તરત જ પ્રગતિ સાથે થયેલી લપ યાદ આવી.

" રજતભાઈ, આ ગાલ પર શું થયું ? " રજતના ગાલ પર હજુ સુધી પ્રગતિએ મારેલા જોરદાર થપ્પડના નિશાન આછા આછા દેખાતા હતા સુતા સુતા આયુને અચાનક એના પર ધ્યાન પડ્યું એટલે સ્વભાવ પ્રમાણે એનાથી પૂછ્યા વગર ન રહેવાયું.

" મચ્છર કરડયું...." કહીને રજત હસ્યો.

" મેલેરિયા કે પછી ડેંગ્યુ ? " સખત દુખાવામાં પણ આયુને મજાક સુજી....

" અરે....એનાથી પણ મોટો અને ખતરનાક મચ્છર....." રજતએ આયુની નજીક જઈને ઈશારો કર્યો. આયુ રજતનો ઈશારો સમજી ગઈ.

" કેમ ? " એણે પૂછ્યું.....

" લાંબી વાત છે....." રજતએ કહ્યું.

બે દિવસ પછી આયુને રજા મળી ગઇ ત્યારબાદ વિધિવત આયુ અને રોહિતના દીકરાનું નામ ધૈર્ય પડાયું. રોહિતને ચિંતા હતી કે આયુ હજુ પોતે જ મોટી નથી થઈ તો એક બાળકને કઇ રીતે સાચવશે....પરંતુ એની ધારણા કરતા તદ્દન વિરુદ્ધ આયુ એ મા બનીને બતાવ્યું હતું. કયારેક આયુને ધૈર્યની એટલી ચિંતા હતી, પોતે એટલી હદે એ ધૈર્યમાં ઓતપ્રોત રહેતી કે રોહિતને ભુલી જતી. કયારેક રોહિતને ધૈર્યની ઈર્ષા થઈ આવતી ને પછી એને તરત જ મા દીકરાને લાડ કરતા જોઈને એમના પર પ્રેમ ઉભરાય આવતો......

એકવાર રોહિત નાહીને બહાર નીકળો ત્યારે એણે ફક્ત ટુવાલ બાંધ્યો હતો. એનું ઉઘાડું ડીલ અને ભીના અસ્તવ્યસ્ત ઉછળતા વાળ જોઈને આયુએ પલંગ પર સુતા સુતા જ હાથ ઊંચા કરીને રોહિતને પાસે બોલાવ્યો.એની આંખોમાં નર્યું આમંત્રણ હતું.....જવાબમાં રોહિત માત્ર હસ્યો.....

" આઈ એમ સિરિયસ....." આયુએ એજ સ્થતિમાં રહેતા કહ્યું....

" ધૈર્ય....? "

" સૂતો છે....." આયુએ કહ્યું.

" તો તું પણ સુઈ જા.....થાકી ગઈ હોઈશને....." રોહિતએ કબાટમાંથી નાઈટસુઇટ કાઢ્યું.....

" અ.... હં.....આજકાલ કોઈ થકવતું જ નથી મને....." હવે આયુ બેઠી થઈ.....

" અચ્છા......" રોહિતએ કહ્યું.

" હમમ...." આયુએ રોહિતને આંખ મારી....

" તું....ઉભી રે....." રોહિત એની પાસે ગયો.....પછી જ્યાં સુધી ધૈર્યનો રડવાનો અવાજ ન સંભળાયો ત્યાં સુધી બંને એકમેકમાં ઓતપ્રોત રહ્યા....

વિવેક પોતાની ઓફિસમાં રિવોલવિંગ ચેર પર ઘૂમતા ઘૂમતા મોબાઈલ મચડી રહ્યો હતો.....એણે પ્રગતિનું ઇન્સ્ટાગ્રામ ખોલ્યું...... કાળા બેકગ્રાઉન્ડમાં દરિયાના ઉછળતા મોજા અને એના પર સફેદ અક્ષરે લખેલું હતું. " જસ્ટ ગોઇંગ વિથ ધ ફ્લો...." આ પ્રગતિની લાસ્ટ પોસ્ટ હતી.....એ પોસ્ટમાં ધૈર્યનો જન્મ થયો એના બે દિવસ પછીની તારીખ હતી. વિવેકને યાદ આવ્યું કે ત્યારપછી પ્રગતિ ક્યારેય ઓફિસએ ટિફિન લઈને નહતી આવી, એણે ક્યારેય બાઇક ચલાવાનું કે પોતાની સાથે ક્યાંક એમ જ રખડવા જવાનું ગાંડપણ નહતું બતાવ્યું......સવાર, કામ, રસોઈ, આયુ, ડિનર બસ.....આ એનો નિત્યક્રમ હતો.....
To be Continued

- Kamya Goplani