Aage bhi jaane na tu - 20 in Gujarati Fiction Stories by Sheetal books and stories PDF | આગે ભી જાને ના તુ - 20

The Author
Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

આગે ભી જાને ના તુ - 20

પ્રકરણ - ૨૦/વીસ

ગતાંકમાં વાંચ્યું.....

વલ્લભરાયની મુલાકાત ખીમજી પટેલ સાથે થાય છે, ખીમજી પટેલ વલ્લભરાય પાસેથી કમરપટ્ટો પાછો માંગે છે એના માટે પંદર દિવસની મહેતલ આપે છે અને જો કમરપટ્ટો પાછો ન મળ્યો તો પરિવારની સલામતી જોખમાવાની ધમકી આપે છે. લાજુબાઈને કોઈ એમનો પીછો કરતો હોવાનું લાગે છે. ઘરે વલ્લભરાય અને નિર્મળા વચ્ચે અનંતના લગ્ન માટે ચર્ચા થાય છે.

હવે આગળ.......

સવારે ઉઠ્યા ત્યારથી નિર્મળા ખુશ દેખાઈ રહી હતી. એ કશુંક ગણગણતી ચા નાસ્તો લઈ આવી અને વલ્લભરાયની બાજુમાં બેઠી. "કહું છું, આપણો અનંત પાછો આવે એટલે આપણે એના માટે છોકરી શોધવાનું કામ શરૂ કરી દઈએ. આપણા જયસુખમામા છે ને એમને કહી દેશું એમની નજરમાં આપણા અનંત અને આપણા ઘર માટે યોગ્ય છોકરી હશે તો એ બતાવશે," નિર્મળાના અંતરમાં આશાભર્યો આનંદ છલકાતો દેખાયો. સાસુ બનવાના ઓરતા એની આંખોમાં તરવરી ઉઠ્યા.

"ભલે, અનંત આવે પછી વાત," વલ્લભરાયે વાતને ટૂંકમાં પતાવી ચા-નાસ્તો કરી પેઢીએ જવાનું મોડું થાય છે એમ કહી નહાવા માટે ચાલ્યા ગયા. વલ્લભરાયના અસાહજિક એવા વર્તનથી નિર્મળાને નવાઈ તો લાગી પણ એ કંઈ બોલી નહીં અને પાછી પોતાના રોજિંદા કામમાં પરોવાઈ ગઈ.

વલ્લભરાય પણ નાહી તૈયાર થઈ પૂજાપાઠ કરી પેઢીએ જવા નીકળ્યા. "નિર્મળાની વાત તો સાચી છે, અનંતની ઉંમર પણ લગ્ન કરવા જેવડી થઈ ગઈ છે હવે એ પણ પેઢીએ હોય તો મને પણ ટેકો થઈ જાય પેઢીનું કામકાજ પણ સંભાળી લે અને ઘરમાં વહુ આવી જાય તો નિર્મળાને પણ... હવે અમારી પણ ઉંમર થવા આવી છે. યોગ્ય સમયે કામ થઈ જાય તો સારું. જો લગ્નની ઉંમર વીતી ગઈ તો સારું ઠેકાણું ખોવાનો વારો આવે પછી જે પાત્ર મળે એ અપનાવી સમજૂતી અને સમાધાન કરવાનો વારો આવે. આ વખતે અનંત આવે એટલે જયસુખમામાને બોલાવી લઈને સારું ખાનદાન જોઈ માંગુ નાખી જોઈએ પછી તો જેવા નસીબ...." વિચારતા વિચારતા વલ્લભરાય ક્યારે પેઢીએ પહોંચી ગયા એનો એમને ખયાલ જ ન રહ્યો. જ્યારે પેઢીના દરવાજા પાસે ઉભેલા નોકરે દરવાજે લાગેલું તાળું ખોલવા ચાવી માંગી ત્યારે વલ્લભરાય દિવાસ્વપ્નમાંથી જાગ્યા અને ઝભ્ભાના ખિસ્સામાંથી ચાવી કાઢીને નોકરના હાથમાં આપી.

નોકર તાળું અને દરવાજો ખોલી પેઢીમાં જઈ પેઢીની સાફસફાઈમાં લાગી ગયો. પેઢીની સફાઈ થઈ ગયા પછી વલ્લભરાય પણ દીવો-પૂજા કરી ગલ્લે ગોઠવેલી ગાદીએ બેઠા અને રોજિંદી ઘટમાળમાં અને રોજિંદા હિસાબ-કિતાબના કામમાં લાગી ગયા.

"શેઠ, કાલે બપોરે પેલા..... કયું ગામ કીધું'તુ એમણે.... રાજપૂર....ના.... રા...જ....પરા, એ કોઈ ઓળખીતા હતા તમારા?" નોકરે વલ્લભરાયને ગઈકાલે બનેલી બીનાની યાદ અપાવી.

"ના....ના....હા....હા...એ તો અમારા એક સંબંધીની ઓળખાણમાં હતા," વલ્લભરાયે થોથવાતા થોથવાતા આવ્યો એવો જવાબ આપ્યો.

"શેઠ, કોઈ ગરબડ તો નથી ને, કોઈ મુશ્કેલી આવી પડી હોય એવું કાંઈ," નોકરે વળી પાછું પૂછ્યું.

"મૂંગો મર હવે ને જાસૂસી કરવાનું પડખે મુક ને કામમાં ધ્યાન આપ. પારકી પંચાત કે જાસૂસી કરવાની જરૂર નથી" વલ્લભરાય નોકર પર તાડુકી ઉઠ્યા.

"જ.....જ....જી.... શેઠ," નોકર ગભરાતા ગભરાતા કામે લાગ્યો અને વલ્લભરાય હિસાબી ચોપડા ખોલી હિસાબ કરવા લાગ્યા.

આમ ને આમ બે દિવસ વીતી ગયા. સહુ કોઈ પોતપોતાના કામમાં વ્યસ્ત હતા. સમય સમયનું કામ કરે છે, એ તો રેતીની જેમ સરકતો રહે છે. નિર્મળાની આંખોએ સજાવેલા સાસુ બનવાના સુંદર સપનાને કલ્પનાની પાંખો લગાડી ક્યાંય સુધી ખોવાયેલી રહેતી અને લાજુબાઈ સામે પોતાના વિચારો વ્યક્ત કરી એની સાથે પળ બે પળ મજાકમસ્તી કરી લેતી. આખરે એક માંનું હૃદય હતું ને હંમેશા મમતા અને ફરજના ત્રાજવાને સમતોલ રાખવાની કોશિશમાં રહેતું. આમ તો એના માથે સંયુક્ત પરિવારની કોઈ મોટી જવાબદારી નહોતી કેમકે સાસુ સસરા તો વહેલાં જ દેવલોક પહોંચી ગયા હતા. દિયર-જેઠ કોઈ નહોતા, એક નણંદ હતી જે પરણીને સાસરે સુખી હતી જે મુંબઈમાં રહેતી હતી અને પોતાના સંયુક્ત પરિવારમાં વ્યસ્ત રહેતી હોવાથી ક્યારેક જ વલ્લભરાયના ઘરે આવતી. પહેલાં તો ક્યારેક ક્યારેક નિર્મળાને એકલતા કોરી ખાતી અને એ ઘરના છાને ખૂણે રડી લેતી પણ જ્યારથી લાજુબાઈ અને જમના એમની સાથે રહેવા લાગ્યા હતા ત્યારથી એના જીવનમાં નવી વસંત આવી હતી અને નિર્મળાના ચહેરા પર ખુશીની લહેર જોઈ વલ્લભરાયે પણ લાજુબાઈ અને જમનાને ઘરના સદસ્યની જેમ જ અપનાવી લીધા હતા. જમના પણ હવે ઉમરલાયક થઈ ગઈ હતી. લાજુબાઈ પણ ઢળતી ઉંમરના કિનારે પહોંચી ગઈ હતી. પાછલા દસ વર્ષોમાં અનંતે પણ લાજુબાઈને માસી જેવી અને જમનાને બેન જેવી જ માની હતી અને લખતા વાંચતા પણ શીખવાડ્યું હતું. આજે નિર્મળા, લાજુબાઈ અને જમના ત્રણેય આતુરતાથી અનંતના આવવાની રાહ જોઈ રહી હતી.

દસ વર્ષોમાં દેશમાં ઘણી પ્રગતિ થઈ હતી. વાહનવ્યવહાર પણ આસાન અને ઝડપી બન્યો હતો. ટેલિફોનની શોધે વિજ્ઞાનજગતમાં નવી ક્રાંતિ લાવી હતી જેનાથી દૂર વસતા લોકો સાથે સંદેશવ્યવહાર પણ આસાન બન્યો હતો. શહેરમાં રહેતા ઘણા સુખી વ્યક્તિઓમાંના એક એવા વલ્લભરાયના ઘરે પણ ટેલિફોન આવી ગયો હતો. જયારે પણ અનંત પેઢીના કામ અંગે બહારગામ જતો ત્યાં ટેલિફોનની સગવડ હોય તો ઘરે ફોન કરી નિર્મળા સાથે વાત કરી લેતો અને બંને એકબીજાના ખબરઅંતર પૂછી લેતા. અનંતનો અવાજ સાંભળી નિર્મળા અને વલ્લભરાય બંનેના દિલને ટાઢક વળતી અને પારાવાર સંતોષ પણ થતો પણ બિલ વધુ આવતું હોવાથી વધુ વાત ન થઈ શકતી એનો વસવસો પણ ત્રણેને ક્યારેક રહી જતો.

લગભગ અગિયાર-સાડા અગિયારના સુમારે કારના હોર્નનો અવાજ સાંભળી નિર્મળા સહિત લાજુબાઈ અને જમના પણ દરવાજા તરફ દોડી આવ્યા. અનંતને આવેલો જોઈ ત્રણેની આંખો ખુશીથી છલકાઈ ગઈ. અનંતને ઉંબરે ઉભો રાખી લાજુબાઈએ અનંતની નજર ઉતારી ને ઓવારણાં લીધા એટલે અનંતે એમને પગે લાગી આશીર્વાદ લીધા અને સીધો નિર્મળા પાસે જઈ એને પગે લાગી ભેટી પડ્યો, નિર્મળાની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી.

અનંતે સાથે લાવેલી પેટી અને બગલથેલો જમનાને સોંપ્યા અને પોતાની ઓરડીમાં મૂકી આવવા કહ્યું. જમના સામાન લઈ અનંતની ઓરડીમાં મુકવા ગઈ અને લાજુબાઈ રસોડામાં ગઈ. નિર્મળા પણ અનંત સાથે એની ઓરડીમાં ગઈ. સામાન મુકી જમના પણ લાજુબાઈને મદદ કરવા રસોડામાં ગઈ. રસોઈ તેમ જ ઘરના નાનામોટા કામની જવાબદારી જમનાએ સુપેરે સંભાળી લીધી હતી એટલે નિર્મળા અને લાજુબાઈને માથેથી બોજો ઘણો ઓછો થઈ ગયો હતો. રસોઈમાં તો જમના એવી પાવરધી બની ગઈ હતી કે જે કોઈ એના હાથની રસોઈ એકવાર ચાખે એ આંગળા ચાટતા રહી જાય.

ફ્રેશ થઈને રસોડાના દરવાજે પહોંચતા જ અનંતના નાકમાં દાળઢોકલી ઉકળવાની સોડમ પહોંચી ગઈ. " વા......હ.....માસી, તમને પણ માંની જેમ કેવી રીતે ખબર પડી જાય છે કે મને ક્યારે શું ખાવાનું મન હોય છે. આજે મને પણ દાળઢોકળી ખાવાની બહુ જ ઈચ્છા થઈ હતી. માં અને માં જેવી માસી બંનેનો ખૂબ આભાર,"

"દીકરા, આભાર કહીને અમારે માથે ભાર ચડાવે છે. અને આમ પણ આજે હું ને લાજુબાઈ બેઉ આ-ભારના હકદાર નથી કેમ કે આજે દાળઢોકલી અમે બેઉએ નહીં પણ જમનાએ બનાવી છે." નિર્મળાએ જમનાને માથે હાથ ફેરવ્યો.

"ઓ....હો.....એ......મ.... વાત છે, આ ચિબાવલી ને બકબક કરીને માથું ખાનારી મારી મોટીબેન ખરેખર મોટી થઈ ગઈ છે. માસી.... આના હાથ હવે પીળા કરી નાખવા પડશે. આની માટે જમ જેવો જમાઈ શોધવાનું શરૂ કરી દયો એટલે મારે બદલે એનું માથું ભલે ખાતી," અનંતે જીભ દેખાડી જમનાને ચીડવી.

"એ....ય....ને....એ તો હવે ખબર પડશે મારા માટે જમ જેવો જમાઈ પહેલા શોધાય છે કે તમારી માટે ભેંસ જેવી ભારેપગી વહુ?" જમના પણ ગાંજી જાય એમ નહોતી એણે પણ વળતો જવાબ આપ્યો ને અંગુઠો બતાવી પરસાળમાં દોડી.

"એ.....મ....ઉભી રહે, બતાવું છું, કોણ પહેલા આવે છે," કહી અનંત પણ જમના પાછળ દોડ્યો અને નિર્મળા ને લાજુબાઈ બંને ભીની આંખે અને હસતે મોઢે અનંત અને જમનાના નિસ્વાર્થ અને પવિત્ર એવા ભાઈ-બેનના સ્નેહ સંબંધના સાક્ષી બની જોઈ રહ્યા.

"હવે બેઉ નાના છોકરાંની જેમ ધમાચકડી મચાવવાનું બંધ કરો ને જમવા બેસો, બેઉ આવડા મોટા થઈ ગયા પણ બાળપણ હજી અકબંધ છે, ચાલો હવે...." નિર્મળાએ અનંત અને જમના બંનેને બોલાવી પોતાની સાથે જમવા બેસાડી થાળી પીરસી ત્યાં વલ્લભરાય પણ જમવા માટે ઘરે આવી પહોંચ્યા. વલ્લભરાયને જોઈ અનંતે ઉભા થઈ એમને પગે લાગી આશીર્વાદ લીધા ને વલ્લભરાયે અનંતને છાતીસરસો ચાંપી દીધો.

"શું વાત છે.... દીકરો આવી ગયો તો પતિને પણ ભૂલી ગઈ, નિર્મળા હું કહીને ગયો હતો કે આજે હું પણ અનંત જોડે જ જમીશ અને મારા વગર જ.....," વલ્લભરાયે ખોટેખોટો રોષ વ્યકત કર્યો," પત્નીના પ્રેમ આગળ માંની મમતા જીતી ગઈ એમ." આ વાત પર બધા હસવા લાગ્યા ને બધા સાથે જમવા બેઠા.

જમીને વલ્લભરાય અને અનંત પરસાળમાં આવેલ હીંચકે બેઠા અને નિર્મળા પરસાળના થાંભલે અઢેલીને બેસી ગઈ.

"અનંત, બેટા, આજે એક બાપ તરીકે નહીં પણ એક મિત્ર તરીકે હું તારી સાથે વાત કરવા માગું છું. જ્યારે બેટો બાપના બુટ પહેરતો થઈ જાય ત્યારે બાપ અને દીકરો મિત્ર બની રહે એ વધુ યોગ્ય ગણાય. દીકરા.... હું ને નિર્મળા ઈચ્છીએ છીએ કે હવે આ ઘરમાં પુત્રવધૂના આગમનનો અવસર આવે. અમે નક્કી કર્યું છે કે જયસુખમામાને કહીને તારા માટે યોગ્ય છોકરી શોધી તારા લગ્ન લઈ આ ઘરમાં પુત્રી જેવી પુત્રવધૂ લઈ આવીએ. હવે અમે પણ ઢળતી જવાનીના આરે આવી ઉભા છીએ અને કાલ કોણે દીઠી છે? દરેક કામનો એક સમય હોય છે અને એ સમયે એ કામ થઈ જાય તો વધુ સારું." વલ્લભરાયના લલાટે પિતાસહજ ચિંતાની લકીરો ફેલાઈ ગઈ.

"હા... દીકરા...હવે અમે પણ વય વધવાની સાથે શારીરિક રીતે થોડા થોડા અશક્ત બનતા જઈએ છીએ. તું તો તારા બાપુને પેઢીએ મદદ કરવા તૈયાર થઈ ગયો છે તો મને પણ ઘરે મદદ કરવા કોઈ તો જોઈએ ને... કાલ ઉઠીને જમનાય પરણીને સાસરે જતી રહેશે ને લાજુબાઈ પણ અમારી જેમ ઉંમરના એ મુકામે પહોંચી ગઈ છે અને સૌથી મહત્વની વાત તો એ છે કે તારા લગ્ન થાય ને તારા દીકરાને ખોળે રમાડીએ એ જ ઓરતા બાકી રહ્યા છે. ઈશ્વરે આપણને બધું જ સુખ આપ્યું છે બસ આ આખરી અરમાન પણ જલ્દી પૂરું થાય એ જ સપનું આંખમાં લઈ જીવીએ છીએ," નિર્મળાએ પણ પોતાની માં સહજ લાગણી વ્યક્ત કરી અને આનંદિત થઈ ગઈ. " હું સાંજે જ જયસુખમામાને સમાચાર મોકલાવી અહીં બોલાવી લઉં છું અને અનંતના જન્માક્ષર પણ આપી દઉં છું. એ આપણા અનંત માટે કોઈ સારી કન્યા શોધી કાઢશે એવી મને પાકેપાયે ખાતરી છે.

"પ.....ણ.... માં...બાપુ.....મારી વાત તો સાંભળો.... મને એક છોકરી પસંદ છે..... એ...ટ....લે... કે મેં છોકરી પસંદ કરી લીધી છે...એટલે એ...મ.... કે ......" અનંત હજી આગળ કાંઈ બોલે ત્યાં જ એના ગાલે એક સણસણતો તમાચો પડ્યો. અનંતની આંખે તમ્મર આવી ગયા. આંખોમાં આંસુ બાઝી ગયા અને અનંત નીચું મો કરી ઉભો રહી ગયો અને એની સામે વલ્લભરાય ધ્રુજતા અને બીજો હાથ અનંત તરફ ઉગામી ક્રોધની જવાળા ઓકતા ઉભા હતા.

વધુ આવતા અંકે.....

આગે ભી જાને ના તુ’ શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે. આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે તેમજ આ કથાના પાત્ર કે ઘટનાને કોઈ જીવિત કે મૃત વ્યક્તિ સાથે કે ઘટના સાથે કોઈ સંબંધ નથી.