32.
(શિવરુદ્રા અને તેનાં સાથી કોઈ પથ્થરની શિલા પર આવ પહોચેલ હોય છે, જ્યારે બીજી બાજુએ શિવરુદ્રા હજુસુધી શ્લોકાનાં વિરહમાં હર્દય ધ્રુજાવી દે તેવો આકરો વલોપાત કરી રહ્યો હતો. બરબર તે જ સમયે આકાશ આલોકને જણાવે છે, હાલ તેઓ કોઈ ફલોટીંગ આઈલેન્ડ પર આવી પહોંચેલ છે. કારણ કે તેની આજુબાજુ ચારેકોર આવાં ઘણાંબધાં ફલોટીંગ આઇલેન્ડ આવેલાં હતાં. બરાબર આ જ સમયે તેઓની નજર સૌથી અનોખા દેખાય રહેલાં એક રહસ્યમય આઇલેન્ડ પર પડે છે. જે કદાચ તેઓની આ અવિશ્વનીય અને રહસ્યમય મુસાફરીનાં અંતિમ પડાવ માફક લાગી રહ્યું હતું. આ આઇલેન્ડ પર એક મોટો રહસ્યમય દરવાજો આવેલ હતો, જેનાં પર ખાસ પ્રકારનાં ચિત્રો અને સંકતો બનાવવામાં આવેલ હતાં. બરાબર એ જ સમયે તેનાં આઇલેન્ડની ફરતે રહેલાં આઇલેન્ડ વાયુ વેગે તેઓ જે આઇલેન્ડ પર હતાં તે તરફ આગળ વધવાં લાગે છે. આથી શિવરુદ્રા આ આફતમાંથી બહાર નીકળવાનો રસ્તો જાણતો હોય તેમ પોતાનાં ખભે રહેલ બેગ માંથી પૌરાણિક સિક્કો ભાર કાઢીને પેલાં આઇલેન્ડ તરફ ફેંકે છે, એ સાથે જ બધાં આઇલેન્ડ એ જ જગ્યાએ એકદમ સ્થિર બની જાય છે.)
"ઓહ...માય...ગોડ...!" આકાશ નવાઈ સાથે બોલી ઉઠે છે.
"વાહ ! અદભુત !" આલોક શર્મા સ્થિર બની ગયેલાં આઇલેન્ડ તરફ નજર કરતાં કરતાં બોલે છે.
"પણ ! સર શું તમે આ બાબતે અગાવથી જ જાણતાં હતાં ?" આકાશ હેરાનીભર્યા અવાજે શિવરુદ્રાની સામે જોઈને પુછે છે.
"હા...કદાચ...!" શિવરુદ્રા આકાશનાં પ્રશ્નનો ટુંકાણમાં ઉત્તર આપતાં જણાવે છે.
"પણ એ કેવી રીતે...?" આલોક આતુરતા સાથે શિવરુદ્રાની સામે જોઈને પુછે છે.
"આ પૌરાણિક નકક્ષામાં જે આકૃતિ દોરેલ છે, તેવું જ વાસ્તવિક દ્રશય હાલ આપણી નજર સમક્ષ ખડુ થઈ ગયેલું હોવાથી, મારા મનમાં એક ઝબકારા સાથે ચમકારો થયો, આથી મે બેગમાં રહેલ એ પૌરાણિક નકક્ષો બહાર કાઢયો, તો તેમાં આ આકૃતિની નીચે આ પૌરાણિક સિક્કો દોરેલ હતો, આથી મને એટલો તો ખ્યાલ આવી જ ગયેલો હતો કે આ આફતનો સામનો કરવાં માટે આ પૌરાણિક સિક્કો જ આપણને ચોક્ક્સપણે મદદરૂપ સાબિત થશે..!" શિવરુદ્રા કોઈ સસ્પેન્સ જણાવી રહ્યો હોય તેમ આકાશ અને આલોકની સામે જોઈને બોલે છે.
"પણ...શિવા...મારા મનમાં હજુપણ એક મુંઝવણ છે ?" આલોક ચિંતિત સ્વરે શિવરુદ્રાની સામે જોઈને જણાવે છે.
"શું...?" શિવરુદ્રા ટુંકાણમાં પુછે છે.
"હાલ ! તમે ફેંકલાં પેલાં પૌરાણિક સિકકાને લીધે હાલ આપણો આબાદ બચાવ થઈ ગયેલો છે, પણ આપણે પેલાં અનોખા અને અનેક રહસ્યોથી ભરેલાં પેલાં આઈલેન્ડ સુધી કેવી રીતે પહોચીશું ?" આલોક પોતાનાં મનમાં રહેલ મુંઝવણ જણાવતાં શિવરુદ્રાની સામે જોઈને પુછે છે.
"મારી પાસે તમારી એ મુંઝવણનો પણ ઉપાય છે, જે ઉપાય પેલાં પૌરણિક નકક્ષામાં છુપાયેલો હતો !" શિવરુદ્રા એક અલગ જ આત્મવિશ્વાસ સાથે જણાવે છે.
"પણ...શું...ઉપાય...છે..?" આલોક અને આકાશ બંને એકસાથે શિવરુદ્રાની સામે જોઈને પુછે છે.
"તમે...માત્ર જોતા જાવ...!" આટલું બોલીને શિવરુદ્રા ફરી પાછો હાલ તેઓ જે આઈલેન્ડ પર હતાં તે આઈલેન્ડની કિનારી પાસે આગળ વધતાં વધતાં બોલે છે.
ત્યારબાદ શિવરુદ્રા આઈલેન્ડની કિનારી પાસે ઊભો રહેલ છે, અને તેનાં ખભે લટકાવવેલ બેગમાથી એક નાની પોટલી બહાર કાઢે છે, જેમાં પેલાં અઘોરીબાબાએ સ્મશાનની ભસ્મ ભરેલ હતી. આથી શિવરુદ્રા એ પોટલીમાં રહેલ બધી ભસ્મ પોતાની હથેળીમાં ઠાલવીને સામેની તરફ જે આઈલેન્ડ સ્થિર બની ગયેલાં હતાં તે બાજુએ બળપુર્વક ઉડાડે છે. જેવી આ ભસ્મ સ્થિર થઈ ગયેલાં આઈલેન્ડ પર પર એ સાથે જ જાણે તે બધાં આઈલેન્ડ જાણે ફરીવાર સજીવન થયાં હોય તેમ પોતાની જગ્યા પર જ થોડા ધ્રુજે છે. જોતજોતામાં આ બધાં આઈલેન્ડ શિવરુદ્રા અને તેનાં સાથી મિત્રો હાલ જે આઈલેન્ડ પર હતાં તેની આગળનાં ભાગે એક પછી એક એમ હરોળમાં ગોઠવાય જાય છે, જેમ ભગવાન શ્રીરામે લંકા સુધી પહોચવા માટે પોતાની સેનાની મદદથી "રામસેતુ" નું નિર્માણ કર્યુ હતું તેવો જે એક પુલ હાલ શિવરુદ્રા અને તેનાં સાથી મિત્રો માટે સામેની તરફ રહેલાં પેલાં રહ્સ્યમય અને અનોખા આઈલેન્ડ સુધી પહોચવાં માટે "રામસેતુ" જેવાં એક પુલનું આપમેળે જ નિર્માણ થઈ ગયું હતું.
"ઓહ ! માય...ગોડ...શિવા..! યુ આર રીયલી એ જીનિયસ પર્સન...!" આલોક નવાઈ સાથે શિવરુદ્રાની પ્રસંશા કરતાં કરતાં બોલી ઉઠે છે.
"હા ! સર..બસ હવે માત્ર આપણે આ એક જ પડાવ પાર કરવાનો છે...જે કદાચ આપણી આ સફર કે મુસાફરીનો આખરી પડાવ હશે." આકાશ ખુશ થતાં થતાં બોલે છે.
"તો...શિવા..આપણે હવે જઈશુ એ અનોખા આઈલેન્ડ તરફ ?" આલોક શિવરુદ્રાની સામે જોઈને હળવા અવાજે પુછે છે.
"ગાયઝ ! શ્લોકાને આવી રીતે એકલી મુકીને, સામે રહેલાં પેલાં અનોખા આઈલેન્ડ પર આવવાં માટે મારુ મન કોઈ કિમતે નથી માની રહ્યું !" શિવરુદ્રા પોતાની મનોવ્યથા જણાવતાં બોલે છે.
"તો...સર...આપણે શ્લોકામેમને પણ આપણી સાથે પેલાં અનોખા આઈલેન્ડ પર લઈ જઈએ તો?" આકાશ શિવરુદ્રાનાં મનમાં રહેલ મુંઝવણનો ઉપાય સુચવતાં જણાવે છે.
"યસ ! શિવા ! આકાશ ઈસ એબ્સ્યુલેટલી રાઈટ...!" આલોક આકાશની વાત સાથે સહમત થતાં બોલે છે.
"યસ ! ગાયઝ ! યુ બોથ આર રાઈટ...આ સિવાય મારી પાસે અન્ય કોઈ વિક્લ્પ પણ નથી...!" શિવરુદ્રા આલોક અને આકાશની વાત સાથે સહમતિ દર્શાવતા બોલે છે.
ત્યારબાદ આકાશ અને આલોક પેલાં "રામસેતુ" જેવાં પુલ પર આગળ વધવાં લાગે છે, જ્યારે શિવરુદ્રા, જેવી રીતે ભગવાન શિવ માતા સતીનાં બળેલાં મૃત શરીરને પોતાનાં બંને હાથ વડે ઉઠાવીને ક્રોધ અને દુઃખ સાથે કૈલાસ પર્વત તરફ આગળ વધી રહ્યાં હતાં, તેવી જ રીતે પોતાનાં બંને હાથોમાં મૃત્યુ પામેલ શ્લોકાનો મૃતદેહ ઊપાડીને પેલાં પુલ તરફ આગળ ધપી રહ્યો હતો. થોડીવારમાં તેઓ પેલાં અનોખા આઈલેન્ડ પર પહોચી જાય છે. તે આઈલેન્ડ પર પહોચતાની સાથે જ આકાશ અને આલોક અધીરાઈ સાથે પેલાં રહસ્યમય દરવાજા તરફ ખુબ જ ઝડપથી ચાલવાં માંડે છે. જ્યારે શિવરુદ્રા હજુપણ શ્લોકાથી દુર થવાનાં ગમ કે દુઃખ સાથે ધીમે - ધીમે આલોક અને આકાશની પાછળ પાછળ ધીમે ધીમે ચાલી રહ્યો હતો.હાલ પોતાનુ મન એકદમ શુન્યમન્સક બની ગયું હોય તેવું શિવરુદ્રા અનુભવી રહ્યો હતો.
જ્યારે આ બાજુ આલોક અને આકાશ પેલાં રહસ્યમય દરવાજાની એકદમ નજીક પહોચી જાય છે. જેવાં તેઓ દરવાજા તરફ આગળ વધવાં જાય છે. એ સાથે જ પેલા દરવાજાની સામેની તરફ રહેલ જમીનને ચીરતાં ચીરતાં એક પૌરાણીક તલવાર જમીનમાંથી એકાએક બહાર આવે છે, જે હજુપણ અડધી જમીનમાં ખુંચેલ હતી. જોત જોતામાં જેવી રીતે કોઈ મીઠિ વસ્તુ કે પદાર્થ ચારેકોર કિડી, મકોડા ઉભરાય તેવી રીતે જ પેલાં લોખંડનાં દરવાજાની ચારેબાજુએથી એકસાથે ઘણાંબધાં ઝેરી સાપો આપમેળે જાણે ઉભરાયને બહાર આવવાં લાગ્યાં, આ જોઈ આલોક અને આકાશ ખુબ જ ડઘાય જાય છે, આથી તે બંને તેમની પાછળ આવી રહેલાં શિવરુદ્રા તરફ દોટ મુકે છે, અને આ બાબત વિશે શિવરુદ્રાને જણાવે છે...આ જોઈને શિવરુદ્રા "મને મારી શ્લોકા સાથે અંતિમ પળો પણ શાંતિપુર્વક નથી વિતાવવા દેવી...!" એવું ભર ક્રોધ સાથે બોલીને શ્લોકાને તેમની બાજુમાં રહેલ એક મોટા પથ્થર પર સુવડાવીને ગુસ્સામાં લાલઘુમ થતાં થતાં શિવરુદ્રા જમીનમાં ખુંચેલ પેલી તલવાર તરફ વાયુવેગે દોડે છે. અને એક ઝાટકા સાથે જ તે તલવાર જમીનમાંથી બહાર ખેંચી લે છે. આ તલવાર બહાર કાઢવાં માટે શિવરુદ્રા જ્યારે બળ કરી રહ્યો હતો, બરાબર તે જ સમયે તેનાં શર્ટનું ઉપરનું બટન તુટી જાય છે. ત્યારબાદ શિવરુદ્રા એકદમ ગુસ્સા સાથે પેલાં ઝેરી સાપોનો ખાતમો બોલાવાં માટે જમીન પર બેસીને તલવાર જમીન પર ટેકાવે છે.આલોક અને આકાશ આ બધું શ્લોકાની બાજુમાં ઊભાં રહીને નીહાળી રહ્યાં હતાં. બરાબર એ જ સમયે શિવરુદ્રાની આજુબાજુમાં કોઈ દિવ્ય પ્રકાશ વીજળી માફક ચમકવાં લાગે છે. આ વીજળીનાં દિવ્ય તેજને લીધે, શિવરુદ્રાની છાતીનાં ભાગે રહેલ "મહાકાલ" નું ટેટુ પેલાં સાપોની નજર પડતાની સાથે જ વાયુવેગે આગળ ધપી રહેલાં સાપો પોતાની જગ્યાએ જ એકાએક સ્તંભી જાય છે, અને પોત પોતાની ફેણો ફુલાવીને શિવરુદ્રાને પ્રણામ કરીને શિવરુદ્રા અને તેનાં સાથીઓ માટે જાણે તે સાપો જવાં માટે રસ્તો કરી આપેલ હોય તેમ ધીમે ધીમે એક તરફ ખસી જાય છે, અને તેઓને ચાલવાં માટે એક કેડી જેવો રસ્તો કરી દે છે.
આ જોઈને આકાશ અને આલોક તો ઠીક પરંતુ ખુદ શિવરુદ્રા પોતે પણ અચંભિત અને સ્તબ્ધ બની ગયેલો હતો. શિવરુદ્રા મનોમન વિચારી રહ્યો હતો કે શાં માટે એકાએક કોઈ દિવ્ય રોશની પોતાની આજુબાજુમાં વીજળીની માફક ઝબકવાં લાગી હતી ? શાં માટે પેલાં ઝેરીલાં સાપો એકાએક સ્તંભી ગયેલાં હતાં ? શાં માટે આટલાં ઝેરીલાં સાપોએ પોતાને આગળ ધપવાં માટે કેડી જેવો રસ્તો બનાવી આપ્યો હશે? આ પૌરાણિક તલવાર કોની હશે ? શું આ તલવાર કોઈ જાદૂઈ તલવાર હશે ? શાં માટે આ પૌરાણિક તલવાર અડધી જમીનમાં ખુંચેલી હશે ? પેલાં રહસ્યમય માલુમ પડેલાં દરવાજા પાછળ શું અને કેવાં કેવાં રહસ્યો છૂપાયેલાં હશે ?" આવા અનેક પ્રશ્નો હાલ શિવરુદ્રાને ચારેબાજુએથી ઘેરી રહ્યાં હતાં, પરંતુ શિવરુદ્રા હાલ એ બાબતથી એકદમ અજાણ જ હતો કે આવનાર થોડીક ક્ષણોમાં તેનાં જીવનનું મોટામાં મોટુ રહસ્ય કે ભેદ ખુલવા જઈ રહ્યો હતો.
ત્યારબાદ શિવરુદ્રા જાણે કોઈ યુધ્ધમાં પોતાનો ભવ્ય વિજય થયો હોય તેવી રીતે હાલ આકાશ અને આલોક જે જગ્યાએ ઊભેલાં હતાં, તે તરફ પોતાનાં હાથમાં પેલી પૌરાણિક તલવાર લઈને પરત ફરી રહ્યો હતો, જોતજોતામાં શિવરુદ્રા આકાશ અને આલોકની નજીક પહોચી જાય છે, અને એક હળવું સ્મિત આપે છે.
"ઓહ માય ગોડ.."ગરુડા તલવાર..!" આલોક આશ્વર્ય પામતાં પામતાં નવાઈ સાથે શિવરુદ્રાનાં હાથમાં રહેલ , તલવાર સામે જોઈને બોલે છે.
"શું ! ગરુડા તલવાર ?" એ શું છે..?" શિવ્રુદ્રા ઉત્સુકતાવશ થઈને આલોકની સામે જોઈને પુછે છે.
"ડિયર ! શિવા...મે આ તલવાર વિશે એક પ્રાચીન પુસ્તકમાં વાંચેલ હતું, આ ધારદાર અને તેજસ્વી તલવાર બીજા કોઈની નહી પરંતુ સુર્યપ્રતાપગઢનાં યશસ્વી અને મહાન રાજા હર્ષવર્ધનની ખાનદાની શાહિ અને રજવાડી તલવાર છે. આ તલવારની મદદથી રાજા હર્ષવર્ધને ઘણાં બધાં યુધ્ધોમાં પોતાની સેનાનો વીજય પતાકા લહેરાવવામાં સફળ રહેલાં હતાં. સાંભળવામાં આવેલ છે કે મહારાજા હર્ષવર્ધને આ જ "ગરુડા તલવાર" ની મદદ વડે પરાક્રમી, ક્રુર અને ઘાતકી એવાં ઈજિપ્તનાં પ્રિન્સ પ્લુટો કે જેણે અડધી દુનિયા પર પોતાનુ એક ચક્રીય શાસન જમાવેલ હતું. તેને યુધ્ધ ભૂમીનાં મેદાનમાં ધૂળ ચાટતો કરી દિધેલ હતો..!" આલોક "ગરુડા તલવાર" વિશે માહિતી આપતાં શિવરુદ્રાને જણાવે છે.
"સર ! તો શું આ "ગરુડા તલવાર" માં બીજી બધી તલવારો કરતાં કઈ ખાસ અલગ હતું ?" શિવરુદ્રાને આલોક જે બાબત જણાવી રહ્યો હતો, તેમાં રસ પડી રહ્યો હોય તેવી રીતે આકાશ આલોકની સામે જોઈને પુછે છે.
"હા...સાંભળવામાં આવેલ છે કે આ "ગરુડા તલવાર" રાજા હર્ષવર્ધનનાં ધર્મગુરુ એવાં "શંકરાચાર્યએ પોતાની આલૌકિક દેવી તાકાત અને યોગ શક્તિથી, ખાસ મંત્રોચ્ચાર અને વિધીઓ કરીને ખાસ રાજા હર્ષવર્ધન માટે જ બનાવેલ હતી...!" આલોક "ગરુડા તલવાર" વિશે વધુ માહિતી આપતાં જણાવે છે.
"સર ! આ જુઓ તો...!" આકાશ "ગરુડા તલવાર" નાં હાથાનાં ભાગ પાસે નજર કરતાં કરતાં હેરાનીભર્યા અવાજે આલોકની સામેની તરફ જોઈને બોલે છે.
આથી શિવરુદ્રા પોતાનાં હાથમાં રહેલ તલવાર ઉચી કરીને તેનાં હાથાનાં ભાગ પાસે સંસ્કૃત ભાષામાં જે કઈ લખેલ હતું, તે લખાણ વાંચવા માટે પ્રયત્ન કરે છે.
ક્રમશ :
મકવાણા રાહુલ.એચ.
"બે ધડક"