Shivarudra .. - 5 in Gujarati Fiction Stories by Rahul Makwana books and stories PDF | શિવરુદ્રા.. - 5

Featured Books
Categories
Share

શિવરુદ્રા.. - 5

5.

(શિવરુદ્રા દિલ્હીથી ગુજરાત આવવાં માટે રવાનાં થાય છે, થોડીક કલાકોમાં એ ટ્રેન મથુરા રેલવેસ્ટેશન ખાતે પહોંચે છે, જ્યાં શિવરુદ્રાનાં મનને એક અસીમ શાંતિનો અનુભવ થાય છે, અને મથુરા રેલવેસ્ટેશનથી પેલાં અઘોરીબાબા ટ્રેનમાં ચડે છે કે જે શિવરુદ્રાને પોતાનો અભ્યાસ પૂર્ણ કરીને ઘરે પરત ફરી રહ્યો હતો, ત્યારે રસ્તામાં મળેલ હતાં, કે જે શિવરુદ્રાને રહસ્યમય વસ્તુઓથી ભરેલ એક  આપે છે, ત્યારબાદ બાબા અને શિવરુદ્રા એકબીજા સાથે વાતોચિતો કરે છે, એવામાં "ઇન્દ્રગઢ" રેલવેસ્ટેશન આવતાં બાબા ટ્રેનમાંથી નીચે ઉતારવા માટે ઊભાં થાય છે અને શિવરુદ્રાને "ભસ્મ" ભરેલ એક પોટલી આપતાં જણાવે છે કે આ ભસ્મ તેને મુશ્કેલીઓથી બચાવશે….અને ત્યારબાદ બાબા ટ્રેનમાંથી નીચે ઉતરી જાય છે, અને આ બાજુ શિવરુદ્રા બારીમાંથી આવતાં ઠંડા પવનને લીધે થોડીવારમાં ઘસઘસાટ ઊંઘી જાય છે….)

સમય : સવારનાં 6 કલાક.

સ્થળ : કાલુપુર રેલવેસ્ટેશન.

કાલુપુર રેલવેસ્ટેશન એટલે અમદાવાદ શહેરનાં હૃદય સમાન ચોવીસ કલાક ધબકતો વિસ્તાર, જે સ્ટેશને રાત અને દિવસ બને એકસમાન જ લાગે, કારણ કે ત્યાં લોકોની આવક જાવક જ એટલી હોય છે કે રાત અને દિવસ જેવું કંઈ અલગ પાડી જ નાં શકાય….આખી રાત મુસાફરો, ટ્રેનો, ફેરીયાઓ, ચા - પાનનાં ગલ્લાઓ, રીક્ષા અને ટેક્ષી ડ્રાઇવરોથી આ રેલવેસ્ટેશન 24 કલાક ધમધમતું રહે છે, કદાચ એ જ કારણે કાલુપુરની ગુજરાતનાં સોથી મોટામાં મોટા રેલવેસ્ટેશનમાં ગણતરી થાય છે….કાલુપુર રેલવેસ્ટેશન પૌરાણિક અને ડીઝીટલ કલાનાં સુભગ સમન્વયનું એક બેનમૂન ઉદાહરણ ગણી શકાય…..આમ જોવો તો કાલુપુર રેલવેસ્ટેશનએ અમદાવાદને એક અલગ જ ઓળખાણ અપાવી છે...જેમાં કોઈ બે મત નથી….વિદેશોમાંથી કે અન્ય રાજ્યોમાંથી આવતાં મુસાફરો મોટાભાગે આ રેલવેસ્ટેશન પર જ ઉતારતાં હોય છે….અને ત્યારબાદ અહીંથી પોતાને જ્યાં જવું હોય તે માટે કોઈ વાહનની વ્યવસ્થા કરતાં હોય છે.

કાલુપુર રેલવેસ્ટેશને ટ્રેન આવીને પ્લેટફોર્મ 3 પર ઉભી રહી...આથી એક પછી એક મુસાફરો પોત - પોતાનો સામાન લઈને રેલવેસ્ટેશન પર ઉતારવા લાગ્યાં, એવામાં શિવરુદ્રા પણ બગાસા ખાતા - ખાતા પોતાની બને આંખો ચોળતા - ચોળતાં પોતાની સીટ પરથી ઉભો થયો અને પોતાનો બધો જ સામાન લઈને પ્લેટફોર્મ નં - 3 પર ઉતાર્યો, પ્લેટફોર્મ - 3 પર પોતાનો પગ મુકતાની સાથે જ શિવરુદ્રાને કંઈક અલગ જ અનુભૂતિ થઈ, જાણે ગુજરાતની ધરતી પોતાની વર્ષોથી રાહ જોઈ રહી હોય, તેવું શિવરુદ્રા અનુભવી રહ્યો હતો, આ ગુજરાતની પવિત્ર ધરા સાથે જાણે તેને કોઈ જન્મો - જન્મનો વર્ષો જૂનો કોઈ સંબંધ હોય તેવું શિવરુદ્રાને લાગી રહ્યું હતું…

ત્યારબાદ શિવરુદ્રા પોતાનો સામાન લઈને રેલવેસ્ટેશનની બહાર નીકળે છે, જેવો શિવરુદ્રા રેલવેસ્ટેશનની બહાર નીકળે છે, એ સાથે જ ટેક્ષી અને રીક્ષા ડ્રાઈવરો શિવરુદ્રાને ચારે બાજુએથી ઘેરી વળે છે….."બોલો….સાહેબ...ક્યાં...જવું...છે….?" - બધાં જ ડ્રાઈવરો એકસાથે આવો પ્રશ્ન પૂછે છે, અને શિવરુદ્રાનું ભાડું પોતાને મળે એ માટે પોત - પોતાની રીતે એ બધાં ટેક્ષી અને રીક્ષા ડ્રાઈવરો મથામણ કરી રહ્યાં હતાં…..પરંતુ શિવરુદ્રાએ એ લોકોને કહ્યું કે હાલ પોતે રીક્ષા કે ટેક્ષીમાં જવાં નથી માંગતો, પહેલાં તે કાંઈક ચા - પાણી નાસ્તો કરશે, ફ્રેશ થશે...અને ત્યારબાદ તે કોઈ ટેક્ષીમાં બેસેશે…..!" - શિવરુદ્રા પોતાનો અંતિમ નિર્ણય જણાવતાં બોલે છે.

પછી શિવરુદ્રા થોડું ચાલીને આગળ આવે છે, ત્યાં તેનું ધ્યાન રેલવેસ્ટેશનથી થોડી દૂર આવેલ હોટલ પર પડે છે, આથી શિવરુદ્રા નાસ્તો કરવાં માટે તે હોટલમાં જાય છે, હોટલમાં જઈને શિવરુદ્રા બ્રશ કરે છે, અને એક આખી ચા, સમોસાની એક પ્લેટ, અને એક આલપરોઠું ઓર્ડર કરે છે, અને થોડીવારમાં હોટલનો વેઈટર શિવરુદ્રાએ જે ઓર્ડર આપેલ હતો, તે બધો નાસ્તો અને ચા લઈને આવે છે, થોડીવારમાં શિવરુદ્રા ચા - નાસ્તો કરી લે છે, અને તેનું બિલ ચૂકવીને હોટલની બહાર નીકળે છે.

બરાબર એ ક સમયે જાણે કોઈ વ્યક્તિ પોતાનો શર્ટ ખેંચી રહ્યું હોય તેવો શિવરુદ્રાને ભાસ થાય છે, આથી શિવરુદ્રા અચરજ ભરેલી નજરોથી પોતાની પાછળ તરફ જોવે છે….તો એક 17 વર્ષનો યુવક શિવરુદ્રાનો શર્ટ ખેંચી રહ્યો હતો, જેવી શિવરુદ્રાએ એ યુવક તરફ નજર કરી તો તે યુવક પોતાનાં બે હાથ જોડીને શિવરુદ્રાને વિનંતી કરતાં કહે છે કે…

"સાહેબ ! તમારા બુટને હું પાલિસ કરી આપું….માત્ર દસ રૂપિયા જ લઈશ….!" - પેલો યુવક લાચારી અને માયુસી ભરેલાં અવાજે શિવરુદ્રાની સામે જોઈને બોલે છે.

"હા….વાંધો નહી….!" - શિવરુદ્રાનાં બુટ એકદમ ચકચકિત હોવા છતાંપણ પોતે પેલાં યુવકને પરમિશન આપતાં બોલે છે અને સૂઝ કાઢીને ફૂટપાથ પર પાથરેલ ગાદલી પર બેસી જાય છે.

"તારું….નામ શું છે….બેટા….?" - શિવરુદ્રા પ્રેમપૂર્વક પેલાં યુવકને પુછે છે.

"જી...સાહેબ...મારું નામ નિખિલ છે….!" - બુટ પાલિશ કરતાં - કરતાં નિખિલ બોલે છે.

"તો….તું….આ….બુટ...પાલિશ….!" - શિવરુદ્રા આશ્ચર્ય સાથે નિખિલની સામે જોઇને પૂછે છે.

"જી ! સાહેબ...હું છેલ્લા ત્રણ વર્ષથી આ કાલુપુર રેલવેસ્ટેશને બુટ પાલિશ કરતો આવું છું….!" - નિખિલ પોતાની વાત આગળ જણાવતાં બોલે છે.

"તારા…માઁ - બાપ….?" - શિવરુદ્રા હળવા અવાજે પૂછે છે.

"જી ! સાહેબ...ખબર નહીં….મારા માતા - પિતા કોણ છે….? મારી પાસે બુટપાલિશ કરાવવા માટે આવતી દરેક વ્યક્તિ મારા માતા પિતા સમાન જ છે….અને પેલું કાલુપુર રેલવેસ્ટેશન મારુ ઘર છે….!" - નિખિલ રેલવેસ્ટેશન તરફ ઈશારો કરતાં બોલે છે.

"તો….તારું ભણવાનું….?" - શિવરુદ્રા નિખિલ દ્વારા જણાવવામાં આવતી વાતોમાં રસ દાખવતા બોલે છે.

"હા...સાહેબ...હાલ હું બારમાં ધોરણમાં ભણી રહ્યો છું...અને એ પણ વિજ્ઞાન પ્રવાહમાં, તમારી જેવાં એક દયાળુ સાહેબ મને મફતમાં ભણાવે છે, જ્યારે સ્કૂલ અને ટ્યુશન સિવાયનો બધો સમય હું અહી રેલવેસ્ટેશન પર બુટ પાલિશ કરું છું….જેનાં દ્વારા હું મારો બાકીનો ખર્ચ કાઢી લવ છું….હાલ તમે જે મને દસ રૂપિયા આપશો એ મારા આજનાં દિવસની બોણી છે….અને મારી પાસે બીજા દસ રૂપિયા પડયા છે, એ બને ભેગા કરીને હું નાસ્તો કરીશ….!" - માસુમિયત ભરેલાં અવાજે નિખિલ શિવરુદ્રાને પોતાની વ્યથા જણાવતાં બોલે છે.

"ઓહ….!" - શિવરુદ્રા આશ્ચર્ય સાથે એક ઉદગાર નાખતાં બોલે છે.

"સાહેબ ! તમારા બને બુટ પાલિશ થઈ ગયા છે…!" - નિખિલ શિવરુદ્રા સમક્ષ બુટ ધરતાં બોલે છે.

"નિખિલ….બેટા...મારી સાથે ચાલ….!" - શિવરુદ્રા નિખિલનો હાથ પકડતાં - પકડતાં બોલે છે.

ત્યારબાદ શિવરુદ્રા નિખિલને પોતે હાલ જે હોટલમાં ચા - નાસ્તો કરીને આવ્યો હતો, તે હોટલમાં લઈ જાય છે, અને નિખિલને ભરપેટ નાસ્તો કરાવે છે, અને નિખિલની જઠરાગ્નિમાં ભરેલાં અગ્ની કે ભૂખને શાંત પાડે છે….નાસ્તો કર્યા બાદ શિવરુદ્રા અને નિખિલ હોટલની બહાર આવે છે…આ સમયે નિખિલનાં એક ગરીબી અને લાચારી ભરેલાં ચહેરા પર એક અલગ જ પ્રકારનો આનંદ છવાઈ ગયેલ હતો, જાણે નિખિલ શિવરુદ્રાને મનોમન આશીર્વાદ આપી રહ્યો હોય તેવું લાગી રહ્યું હતું, હોટલની બહાર નીકળીને શિવરુદ્રા નિખિલને પાંચ હજાર રૂપિયા આપતાં બોલે છે કે….

"બેટા….આ...રૂપિયા તું તારી પાસે રાખ….!"

"પણ...સાહેબ...મારે….આ….રૂપિયાની...જરૂર….નથી...ભગવાન મને હું દરરોજ જમી શકુ અને મારો હાથ ખર્ચ કાઢી શકુ એટલી તો કમાણી કરાવી જ આપે છે….તમે મને ભરપેટ નાસ્તો કરાવ્યો એ જ મારા માટે ઘણું છે….!" - ખુમારી ભરેલાં અવાજે નિખિલ શિવરુદ્રાને પાંચ હજાર રૂપિયા પરત આપતાં બોલે છે.

"બેટા…હું તને આ રૂપિયા તારા પર દયા ખાઈને નહીં...પરંતુ તારી ખુમારી...તારું મનોબળ…તારો સંઘર્ષ… તારી હિંમત વગેરેને માટે તેને આપી રહ્યો છું…!" - શિવરુદ્રા નિખિલને સમજાવતાં - સમજાવતાં કહે છે.

"ના….સાહેબ….તો...પછી...મને બે હજાર રૂપિયા જ આપો….એટલામાં તો મારો એક મહિનાનો ખર્ચ નીકળી જશે….!" - નિખિલ શિવરુદ્રાની વાત સાથે સહમત થતાં - થતાં બોલે છે.

"સારું….તો….તને જે યોગ્ય લાગે એ…!" - શિવરુદ્રા નિખિલને બે હજાર રૂપિયા આપતાં - આપતાં બોલે છે.

"સાહેબ…! તમારો ખુબ ખુબ આભાર…!" - નિખિલ આંખોમાં હર્ષનાં આંસુ સાથે, પોતાનાં બે હાથ શિવરુદ્રાની સામે જોડીને બોલે છે.

"સારું...આ મારો મોબાઈલ નંબર છે….તારા 12 સાઇન્સનું જે પરિણામ આવે એ મને કોલ કરીને જણાવજે….!" - નિખિલનો પોતાનો મોબાઈલ નંબર આપતાં શિવરુદ્રા બોલે છે.

"જી ! સાહેબ…!" - પોતાનું માથું હલાવતાં નિખિલ બોલે છે.

ત્યારબાદ શિવરુદ્રા કાલુપુર રેલવેસ્ટેશનની નજીક આવેલ ગેસ્ટહાઉસમાં ફ્રેશ થવાં માટે જાય છે, હાલમાં  શિવરુદ્રાનાં માનસપટ પર માત્રને માત્ર નિખિલ જ છવાયેલો હતો….પોતે વિચારી રહેલ હતો કે નિખિલે ભલે પોતાનાં માતા - પિતા જોયેલાં ના હોય પરંતુ તેનાં માતા - પિતા સંસ્કારી, ખાનદાની, અને ખુમારી વાળા જ હશે….પોતાની હાલત દયનીય હોવા છતાંપણ નિખિલી રૂપિયા લેવાની ના પાડી એ વાત નિખિલનાં હૃદયને સ્પર્શી ગઈ….પોતે એકલો હોવા છતાંપણ તેની અભ્યાસ પ્રત્યેની આટલી બધી રુચિ જોઈને શિવરુદ્રાને નિખિલ પર ગર્વ થઈ રહ્યો હતો…સ્કૂલ અને શાળા સિવાય તેની પાસે જે કઈ સમય બચતો તે દરમિયાન પોતે બુટ પાલિશ કરીને પોતાનો હાથ ખર્ચ કાઢતો હતો, એટલી તેનામાં આવડત ખૂમારી હતી…..બાકી હાલ આપણાં સમાજમાં સંતાન 12 માં ધોરણમાં આવે, ત્યારથી મોંઘા મોંઘા ટ્યુશન કલાસીસ, લાખ - લાખ રૂપિયા સ્કૂલ ફી ઉધરાવતી હાઈ ફાઈ સેલ્ફ ફાયનાન્સ સ્કૂલોમાં (સરકારી શાળાઓ જ હાલ આપણાં સમાજમાં મૃતપ્રાય બની રહી છે...જેનું કારણ આપણે પોતે જ છીએ...જો આપણે આપણાં સંતાનોને પ્રાઈવેટ સ્કૂલોમાં મોકલીએ જ નહીં તો...તો...હાલ સરકારી સ્કૂલો કદાચ અસ્તિત્વમાં હોત…!), આપણાં સંતાનને એડમિશન અપાવતા હોઈએ છીએ...પરંતુ જ્યાં સુધી આપણું સંતાન પોતાનાં મનથી નિખિલની માફક ભણવા પ્રત્યે રુચિ નાં દાખવે, ત્યા-સુધી બધું જ ફોગટ છે….!

થોડીવારમાં શિવરુદ્રા પેલાં ગેસ્ટહાઉસે પહોંચી જાય છે...અને લગભગ નવ વાગ્યાની આસપાસ ફ્રેશ થઈને ગેસ્ટહાઉસની બહાર નીકળી છે, હાલ શિવરુદ્રાએ વ્હાઇટ રંગનો શર્ટ પહેરેલ હતો, અને બ્લેક રંગનું ફોર્મલ પેન્ટ પહેરેલ હતું, હાથમાં એપલની સ્માર્ટ વોચ પહેરેલ હતી, રેબનનાં બ્લેક ગોગલ્સ પહેરેલ હતાં, હાથમાં એક લેપટોપ બેગ હતી...જેનાં પર "HP" એવું લખેલ હતું, ખિસ્સામાં ચકચકિત પેન રાખેલ હતી, પરંતુ હાલ આ બધું શિવરુદ્રાની નજરોમાં નિખિલે પાલિશ કરી આપેલાં પેલાં બુટ સામે ફીકકુ લાગી રહ્યું હતું…..

એવામાં શિવરુદ્રા ફરીથી પેલી હોટલમાં ચા પીવા માટે જાય છે, થોડીવારમાં તે ચા પીને હોટલની બહાર નીકળે છે….તો તેના આશ્ચર્યનો કોઈ જ પાર ના રહ્યો….કારણ કે નિખિલ હાલ પેલાં ફૂટપાથ પર બેસેલ હતો નહીં…માત્ર તેની એક જૂની પેટી જે એક લોખંડનાં પોલ સાથે બાંધેલ હતી, આથી શિવરુદ્રા બેબાકળા થતાં - થતાં પેલાં હોટલનાં માલિકને પૂછે છે.

"પેલો...બુટ પાલિશ કરવાવાળો છોકરો…જે અહીં બહાર ફૂટપાથ પર બેસતો હતો...એ…!" - ગભરાયેલા અવાજે શિવરુદ્રા પેલી હોટલનાં માલિકને પૂછે છે.

"સાહેબ ! એ છોકરોને દરરોજ નવ વાગે ટ્યુશન કલાસ હોવાથી તે નવ વાગ્યાં સુધી જ અહીં બેસે છે….નવ વાગ્યાં બાદ તે ટ્યુશન કલાસમાં જાય છે, અને ત્યાંથી તે પોતાની શાળાએ જાય છે, અને પછી તે સીધો સાંજે 5 : 30 વાગ્યાની આસપાસ અહીં પાછો આવે છે…..!" - હોટલનાં માલિક શિવરુદ્રાને વધુ વિગતો જણાવતાં બોલે છે.

"ઓહ..માઈ...ગોડ…..હું તો અમસ્તા જ ખોટે - ખોટી ચિંતા કરી રહ્યો હતો….!" - શિવરુદ્રા ખુશ થતાં - થતાં બોલે છે.

"હા….સાહેબ…!" - પેલો હોટલમાલિક પોતાનું માથું હલાવતાં બોલે છે.

"તમે એક કામ કરશો….એને જ્યારે પણ રૂપિયાની જરૂર હોય તો તમે અને આપશો….એ રૂપિયા હું તમને આપી દઈશ...અને બીજું કે જ્યારે પણ તે છોકરો મને કોલ કરવાં માટે જણાવે તો પ્લીઝ મને કોલ કરી આપશો….?" - શિવરુદ્રા હોટલ માલિકને વિનંતી કરતાં પૂછે છે.

"હા….ચોક્કસ...પણ….સાહેબ હું એ છોકરાને જ્યાં સુધી ઓળખું છું ત્યાં સુધી, એ છોકરો ખૂબ જ ખુમારીવાળો છે….એ રૂપિયા માટે કોઈ પાસે પોતાનાં હાથ નહીં ફેલાવે….પોતે જાતે જ કમાશે….બાકી તો હાલ બુટ પાલિશ કરવાને બદલે ભીખ માંગીને પણ ખાઈ શકતો હતો….!" - હોટલ માલિક પોતાનો મંતવ્ય જણાવતાં કહે છે.

"હા….તમારી એ વાત પણ સાચી છે…!" - શિવરુદ્રા હોટલ માલિકની વાત સાથે સહમત થતાં બોલે છે.

ત્યારબાદ શિવરુદ્રા પેલી હોટલ માલિકનો આ હૃદયપૂર્વક આભાર માનીને અને પોતાનો મોબાઈલ નંબર આપીને રેલવેસ્ટેશનની બહાર આવેલ ટેક્ષીસ્ટેન્ડ પાસે જાય છે, અને ત્યાંથી ગાંધીનગર જવાં માટે તે ટેક્ષીમાં બેસી જાય છે….અને ટેક્ષી ડ્રાઇવર પોતાની ટેક્ષી ગુજરાતનાં "ગ્રીનસિટી" તરીકે ખ્યાતિ પામેલ એવાં ગાંધીનગર તરફ જતાં રસ્તા પર પોતાની ટેક્ષી દોડાવે છે…..!

ક્રમશ :

મકવાણા રાહુલ.એચ.

"બે ધડક"