Debt bond in Gujarati Short Stories by Ashwin Rawal books and stories PDF | ઋણાનુબંધ

Featured Books
Categories
Share

ઋણાનુબંધ

કુંતલ આજે ખૂબ જ ખુશ હતો. ત્રણ વર્ષ જૂની સ્વિફ્ટ ગાડી વેચીને આજે દશ લાખની નવી ગાડી ખરીદી હતી. છેલ્લાં બાર વર્ષમાં એણે ખૂબ જ પ્રગતિ કરી હતી. મલ્ટિનેશનલ કંપનીમાં એ રીજીયોનલ સેલ્સ મેનેજર હતો. હજુ એક મહિના પહેલાં જ એને પ્રમોશન મળ્યું હતું અને મહિને બે લાખના પગાર ઉપર એણે છલાંગ મારી હતી.

ગાડી છોડાવીને ઘરે આવ્યો કે તરત જ સૌ પ્રથમ એ એનાં મમ્મી પપ્પાને પગે લાગ્યો હતો. એટલું જ નહીં પણ માતા-પિતાને બેસાડીને સૌ પ્રથમ શાહીબાગમાં આવેલા ગાયત્રી મંદિરમાં દર્શન કરાવવા પણ લઈ ગયેલો. કુંતલને ગાયત્રીમાં ખૂબ જ શ્રદ્ધા હતી અને વર્ષોથી એ રોજ ગાયત્રી મંત્રની પાંચ માળા કરતો.

કુંતલની પત્ની મીનલ પરણીને આવી ત્યારે તો બહુ જ સંસ્કારી હતી પણ જેમ જેમ કુંતલ ની પ્રગતિ થતી ગઈ અને ઘરમાં શ્રીમંતાઈ આવતી ગઈ તેમ તેમ મીનલ નો સ્વભાવ ઘમંડી બનતો ગયો. કુંતલ માનતો કે એની તમામ પ્રગતિ એના માતાપિતાના આશીર્વાદ અને ગાયત્રી ઉપાસના ના કારણે છે. જ્યારે મીનલ એવું માનતી કે એના પોતાના પગલે આ ઘરમાં લક્ષ્મી આવી છે !!

કુંતલનો નાનો ભાઈ ચિંતન લેબ ટેકનીશીયન હતો અને વડોદરા ની એક હોસ્પિટલમાં નોકરી કરતો હતો. પચીસ હજારના પગારનો એ એક સાધારણ નોકરિયાત હતો. એ એની પત્ની શીતલ અને એક દીકરી સાથે વડોદરાના ગોત્રી રોડ ઉપર ભાડાના મકાનમાં રહેતો હતો.

રજનીભાઈના પોતાના બે ફ્લેટ અમદાવાદમાં હતા. જેમાંનો એક ફ્લેટ વેચીને એ તમામ રકમ વર્ષો પહેલાં એમણે કુંતલને આપેલી. કુંતલે બાકીની રકમની બેન્ક લોન લઈ નારણપુરામાં ચાર બેડરૂમ નો એક લક્ઝુરિયસ ફ્લેટ ખરીદી લીધેલો. આજે એ ફ્લેટની કિંમત પણ દોઢ કરોડ જેટલી હતી.

બીજો વસ્ત્રાપુર માં આવેલો નાનો ફ્લૅટ રજનીભાઈએ ચિંતન ને આપેલો પણ ચિંતન વડોદરા રહેતો હોવાથી એ ફ્લેટ તેમણે ભાડે આપેલો. ભાડાના દસ હજાર રૂપિયા ચિંતન ના ખાતામાં રજનીભાઈ દર મહિને જમા કરાવી દેતા.

જૂનો ફ્લેટ વેચી દીધા પછી દસ વર્ષથી રજનીભાઈ અને કામિનીબેન પોતાના મોટા દીકરા કુંતલ ના ભેગા જ રહેતા હતા. રજનીભાઈની ઉંમર પણ હવે તો તોતેર વર્ષની થઈ ગઈ હતી. જ્યારે કામિનીબેનને સિત્તેર વર્ષ થવા આવ્યાં હતાં. કામિનીબેન ને ઢીંચણ ની તકલીફ હતી. એ માંડમાંડ ચાલી શકતાં હતાં અને સીડી તો બિલકુલ ચડી શકતાં નહોતાં.

ચિંતન લગભગ દર રવિવારે મમ્મી-પપ્પાને મળવા માટે ભાઈના ઘરે આવતો. ક્યારેક ફેમિલી સાથે આવતો તો ક્યારેક એકલો આવી જતો. બન્ને ભાઈઓ મમ્મી પપ્પાનો ખુબ જ આદર કરતા હતા.
**********************************

" કહું છું પરમ દિવસે મમ્મી નો જન્મદિવસ છે. ફરી પાછી તમે કોઈ મોંઘી સાડી ખરીદીને મમ્મી માટે લઈ આવવાના !! હવે તો તમે એમના જન્મદિવસે મોંઘી સાડીઓની ગીફ્ટ આપવાનું બંધ કરો !! કોઈના લગ્ન પ્રસંગ સિવાય મમ્મી આવી મોંઘી સાડી પહેરતા પણ નથી."

રાત્રે દશેક વાગ્યાના સુમારે મીનલે બેડ રૂમમાં સુતા સુતા કુંતલ ને વાત કરી. કુંતલ ત્યારે બેડ ઉપર બેસીને લેપટોપ પર કામ કરી રહ્યો હતો.

" હું જ્યારે સાડી ગિફ્ટ આપું છું ત્યારે મમ્મીના ચહેરા ઉપર જે આનંદ છવાઈ જાય છે એ તેં કદી જોયો છે ખરો ? અને મમ્મી હવે કેટલાં વર્ષ !!! " કુંતલ બોલ્યો.

" એટલે જ તો કહું છું કે મમ્મી હવે કેટલાં વર્ષ ? હવે સાડીઓ પહેરીને બહાર ફરવા જવાના દિવસો પુરા થયા. આખો દિવસ ઘરમાં ગાઉન પહેરીને બેઠા હોય છે ! કબાટમાં સાડીઓ પડી પડી સડે છે. "

" ઈશ્વરની કૃપાથી આટલું બધું કમાઉ છું તો બાર મહિને એકાદવાર ત્રણ ચાર હજારની એક સાડી ગિફ્ટ આપું તો એમાં ખોટું શું છે ? અને તારા જન્મદિવસે દર વર્ષે ત્રીસ પાંત્રીસ હજારનો સોનાનો દાગીનો ગિફ્ટ આપું છું એ પણ બેંકના વોલ્ટમાં જ પડી રહે છે ને ? "

" મને ખબર જ હતી કે તમે ગિફ્ટ આપી આપીને એક દિવસ મને સંભળાવવાના જ છો ! " મીનલ મોં ચડાવીને બોલી.

" સંભળાવવાની વાત જ નથી મીનુ. મમ્મીએ કેટલી ગરીબીમાં યુવાની વિતાવી છે એ તને ખબર નથી મને ખબર છે. એમની ઢળતી જિંદગીમાં ખુશીઓ આપવાનો આ એક મોકો છે. મમ્મીને વર્ષોથી સાડીઓનો કેટલો શોખ છે એ હું જ જાણું છું." કુંતલ ભાવુક થઈ ગયો.

" પહેલાના જમાનામાં સાડીઓ લઈને પોળોમાં ફેરિયાઓ ફરતા રહેતા. જ્યારે પણ ફેરિયો આવે ત્યારે મમ્મી એને ઘરે બેસાડીને બધી સાડીઓ હાથમાં લઈ લઈને જુએ પણ પાસે પૈસા નહીં એટલે સસ્તા માં સસ્તી સાડી એ ખરીદે. અમે તો ત્યારે ખૂબ જ નાના હતા."

મીનલ કંઈ બોલી નહીં. એને ખબર જ હતી કે કુંતલ પોતાની વાત માનવાના જ નથી. એ પડખું ફરીને સૂઈ ગઈ.

મમ્મીનો જન્મદિવસ ઉજવાઈ ગયો. બોટલ ગ્રીન કલરની એક સરસ સાડી દીપકલા માંથી કુંતલ લઈ આવેલો. સાડી બધાને પસંદ આવી. ચિંતન પોતાની પત્ની અને દીકરી સાથે ખાસ આવેલો. શિયાળો નજીક હતો એટલે ચિંતને એક સરસ કાશ્મિરી શાલ મમ્મીને આપી.

એ વાતને બે-ત્રણ મહિના થયા એટલે મીનલે રવિવારે બપોરે આરામના સમયે બેડરૂમમાં કુંતલ સાથે વાતની શરૂઆત કરી.

" મમ્મી-પપ્પા છેલ્લાં દશ વર્ષથી આપણા ઘરે રહે છે. મેં તમને કેટલી વાર કહ્યું છે કે ચિંતન ભાઈ ને પણ મમ્મી પપ્પા ની સેવા કરવાનો લાભ આપો પણ તમે મારી વાત ગણકારતા જ નથી. એક કામ કરો. આવતા રવિવારે મમ્મી પપ્પાને છ-બાર મહિના માટે વડોદરા મૂકી આવો. એમને પણ હવાફેર થશે. દશ દશ વર્ષથી એ પણ એક ના એક ઘરે કંટાળી ગયા હશે. એ બોલતા ન હોય પણ એમને પણ નાના દીકરાના ઘરે રહેવાનું મન તો થતું જ હોય ને !! "

" તું આવી વાત શા માટે કરે છે એ જ મને સમજાતું નથી !! મમ્મી પપ્પા તને ક્યાં નડે છે ? ઉપરથી આપણા બંને બાળકો સચવાઈ જાય છે. "

" આખી જિંદગી મારે જ વેઠ કરવાની ? એ લોકોની કોઈ જવાબદારી નહીં ? બે માણસની વધારાની રસોઈ મારે જ કરવી પડે છે. એમની ઉંમરના કારણે મારે રોજ સવારે દાળભાત અને સાંજે ખીચડી બનાવવી પડે છે. હોટલમાં જમવા જવાનું હોય તો પણ મારે એ બે માણસ નું ઘરે બનાવવું જ પડે !! અને બે માણસનાં વધારાના કપડાં પણ રોજ મારે ધોવાનાં ! "

" મેં તને કેટલી વાર કહ્યું કે આપણે રસોઇ કરવા માટે એક બાઈ રાખી લઈએ પણ તું માનતી જ નથી !! ઘરમાં વોશિંગ મશીન છે. કપડાં તારવવામાં તકલીફ પડતી હોય તો એના માટે કોઈ કામવાળી રાખી લઈએ. જે બેન કચરા-પોતા કરવા આવે છે એમને આપણે વધારાના પૈસા આપીએ તો એ પણ તારવી નાખશે. પૈસા હું જોઈએ એટલા ખર્ચવા તૈયાર છું પણ તું કોઈ વાતે તૈયાર નથી !! " કુંતલ સહેજ અકળાઈને બોલ્યો.

" અને મમ્મી-પપ્પાને વડોદરા કેવી રીતે લઈ જાઉં ? ચિંતનનો ફ્લેટ ત્રીજા માળે છે. મમ્મી બે પગથિયાં પણ ચઢી શકતા નથી. પપ્પા પણ આ ઉંમરે રોજ ત્રણ ત્રણ માળ કઈ રીતે ચડે ? અને ચિંતનનો ફ્લેટ માત્ર એક રૂમ રસોડાનો છે. એમાં મમ્મી પપ્પા નો સમાવેશ કઈ રીતે થાય ? તું કંઈક તો વિચાર !!! "

" ચિંતનભાઈનો પગાર પચીસ હજાર છે. દશ હજાર મકાનના ભાડાના આવે છે. પાંત્રીસ હજાર રૂપિયાની આવકમાં લિફ્ટ વાળું બીજું મોટું મકાન ભાડે તો લઈ શકાય ને ? જરૂર પડે તો તમે બે પાંચ હજાર ની મદદ કરજો !! એ બંને જણા ત્યાં લહેર કરે અને આખી જિંદગી મારે જ સાસુ-સસરા ની જવાબદારી લેવાની ?" આજે મીનલ લડાયક મૂડમાં હતી.

" મારે હવે થોડા દિવસ મારી રીતે રહેવું છે. ચોવીસ કલાક મમ્મી પપ્પા મારી સામે ને સામે હોય એવી કેદ મારે નથી જોઈતી હવે !! મને પણ બેતાલીસ થયાં. ક્યાં સુધી મારે એકલીએ વૈતરું કરવાનું !!!"

કુંતલ ને લાગ્યું કે હવે મીનલ જીદ ઉપર ચડી છે. કોઈપણ દલીલથી એના મનનું સમાધાન નહીં થાય. એને પોતાને ગુસ્સો પણ ઘણો આવ્યો પણ એ ચૂપ રહ્યો.

" ઠીક છે આ બાબતમાં હું હવે વિચારીશ. એક મહિનામાં કંઈક ગોઠવણ કરું છું. " કહીને કુંતલ ઉભો થઇ ગયો.

બહુ વિચાર્યા બાદ કુંતલે બે દિવસ પછી ઓફિસમાંથી ચિંતન ને ફોન કર્યો.

" ચિન્ટુ.... થોડા દિવસ માટે મમ્મી પપ્પાને તારા ઘરે મૂકી જવાનું હું વિચારું છું... તું જરા લિફ્ટની સગવડ વાળો બે બેડરૂમનો ફ્લેટ શોધી કાઢ ને ? કોઈ દલાલનો કોન્ટેક કરીશ તો એ પણ ફ્લેટ બતાવશે. પૈસાની તું જરા પણ ચિંતા ના કરીશ.... હું આજે તારા ખાતામાં એક લાખ ટ્રાન્સફર આપી દઉં છું. બસ મમ્મી પપ્પા ને કોઈ તકલીફ ન પડે તે જોજે !! તું તો મીનલ નો સ્વભાવ જાણે જ છે !"

" પૈસાની જરૂર નથી ભાઈ. હું ગમે તેમ કરીને સેટિંગ કરી દઈશ. ફ્લેટ નું ફાઇનલ કરી દઉં એટલે હું તમને જણાવીશ. એકાદ મહિનો પકડીને ચાલજો. "

" તારી પરિસ્થિતિ હું જાણું છું ચિન્ટુ... એક લાખ તને આજે મળી જશે. તારે કોઈપણ જાતનું ટેન્શન કરવાની જરૂર નથી." કહીને કુંતલે ફોન કટ કર્યો.

ચિંતન પણ ભાભીના અભિમાની સ્વભાવને જાણતો હતો. ભાભી જ્યારે ને ત્યારે પોતાની મોટાઈ ની જ વાતો કરતાં. કુંતલનો ઈશારો ચિંતન સમજી શક્યો હતો. મમ્મી પપ્પા ના કારણે બંને વચ્ચે થોડી ઘણી ચડભડ ચોક્કસ થતી હશે નહીં તો કુંતલભાઈ ક્યારે પણ આવો નિર્ણય ના લે !

મમ્મી પપ્પા પોતાની સાથે રહે એવી ચિંતનની પોતાની પણ ઇચ્છા હતી. પણ કેટલીક મજબૂરી હતી એટલે એ ચૂપ રહેતો. મોંઘવારીના આ જમાનામાં ત્રીસ-પાંત્રીસ હજારની કોઈ જ કિંમત નહોતી. એક રૂમ રસોડાના મકાનનું ભાડુ પણ આઠ હજાર હતું. બાકી વધ્યા સત્તાવીસ હજાર !! ચિંતનની જીંદગી થોડી સંઘર્ષમય હતી.

ચિંતને દલાલને કહીને સારા ફ્લેટ ની શોધ આરંભ કરી અને પંદરેક દિવસ પછી હાઇટેન્શન રોડ ઉપર બીજા માળ નો એક ફ્લેટ મળી પણ ગયો. મમ્મી પપ્પા આવવાના હતા એટલે કેટલોક નવો સામાન તેમ જ એક ડબલ બેડ નો પલંગ પણ વસાવી લીધો. કુંતલે એક લાખ મોકલાવેલા એટલે નવા ફ્લેટ ની ત્રીસ હજાર ડિપોઝીટ પણ અપાઈ ગઈ.

ફ્લેટનું બરાબર ગોઠવાઈ ગયા પછી ચિંતને કુંતલભાઈ ને જાણ કરી.

" હાઇટેન્શન રોડ ઉપર બીજા માળનો એક ફ્લેટ રાખી લીધો છે ભાઈ. લિફ્ટની સગવડ પણ છે. એડ્રેસ તમને મેસેજ કરી દઉં છું. તમને જ્યારે પણ સમય મળે મમ્મી પપ્પાને મારા ઘરે મૂકી જજો. અત્યાર સુધી તમે એમની ઘણી સેવા કરી છે ભાઈ. હવે બાકીની જિંદગી મમ્મી પપ્પા ભલે અમારી સાથે જ રહેતા. શીતલ પણ બહુ જ ખુશ છે આ નિર્ણયથી. "

પરંતુ કુંતલ માટે નિર્ણય લેવો બહુ જ અઘરો હતો. હજુ સુધી એનાં મમ્મી પપ્પા આ વાતથી સંપૂર્ણપણે અજાણ હતાં. બંનેના જીવનમાં વૃદ્ધાવસ્થાની આ ઉંમરે કાયમી સ્થળાંતર થવાનું છે એ ન તો રજનીભાઈ જાણતા હતા કે ના તો કામિનીબેન !!

" પપ્પા.. ગઈકાલે ચિન્ટુનો ફોન હતો. એણે હવે બે રૂમ રસોડાનો મોટો ફ્લેટ ભાડે રાખ્યો છે. એની ઈચ્છા છે કે થોડા દિવસ માટે મમ્મી પપ્પા મારા આ નવા ફ્લેટમાં થોડા દિવસ માટે રહેવા આવે. કાલે મને ખૂબ જ આગ્રહ કરી-કરીને કહેતો હતો. લિફ્ટ પણ છે એટલે મમ્મીને પણ બીજા માળે કોઈ વાંધો નહીં આવે. " કુંતલે રાત્રે જમી પરવાર્યા પછી મમ્મી પપ્પાના બેડ રૂમમાં જઈને વાત કરી.

" બેટા... ચિન્ટુનો આટલો બધો જો આગ્રહ હોય તો અમને શું વાંધો હોય ? રહી આવીશું થોડા દિવસ. પણ એણે મોટો ફ્લેટ શા માટે લીધો ? ભાડું પણ વધારે જ હશે ને ? "

" એના કોઈ ઓળખીતાનો જ ફ્લેટ છે. અને ભાડું પણ માત્ર બે હજાર વધારે છે. ચિન્ટુ કહેતો હતો કે એનો પગાર પણ થોડોક વધ્યો છે. એટલે જ એ કહેતો હતો કે થોડા દિવસ મમ્મી-પપ્પા સાથે રહેવાનું મન છે. "

" ઠીક છે... ઠીક છે... ભાઈ !! તને ટાઈમ હોય ત્યારે લઈ જજે " રજનીભાઈ બોલ્યા. કામિનીબેનને તો કઈ બોલવા જેવું હતું જ નહીં. પતિના પગલે પગલે એ ચાલતાં. પતિ નો નિર્ણય એ પોતાનો નિર્ણય !!

અને એ ટાઈમ આવી પણ ગયો. ફાગણ માસની એકાદશીનો શુભ દિવસ પપ્પાએ પસંદ કર્યો. દશ વર્ષ પછી રજનીભાઈ પોતાના પુત્રના ઘરે રહેવા જતા હતા અને પોતે પાછા ગાયત્રી મંત્રના ઉપાસક હતા એટલે સારા મુહૂર્તના એ આગ્રહી હતા.

વિદાયનો એ દિવસ બધા માટે ખુબ જ પીડાદાયક હતો. કુંતલના બંને સંતાનો તો મોટાભાગે દાદા-દાદી પાસે જ રહેતાં એટલે એમને તો આ વિદાય બહુ જ વસમી લાગી. રજનીભાઈ અને કામિનીબેન ખૂબ જ ભાવુક થઈ ગયા. વર્ષોથી આ ઘરની માયા લાગી હતી. કામિનીબેન મીનલને બાથમાં લઇને રડી પડ્યાં. એમણે વહુને હંમેશા દીકરી જ માની હતી !!

મીનલ પોતે પણ છેલ્લી ઘડીએ તો લાગણીવશ બની ગઈ. આ ઘરમાં આવીને મીનલને જે પણ માન મોભો અને સંપત્તિ મળ્યા હતા એનો યશ એની સાસુ ને જ જતો હતો.

મીનલ કામિનીબેન ની ખાસ બહેનપણી દીક્ષાબેન ની દીકરી હતી. દીક્ષાબેનના ડિવોર્સ થયેલા હતા. મા અને દીકરી દરિયાપુરમાં એકલાં જ રહેતાં હતાં. લગભગ અઢાર વર્ષ પહેલાં દીક્ષાબેન નું કમળામાં અવસાન થઈ ગયું ત્યારે મીનલ ચોવીસ વર્ષની હતી. ગ્રેજ્યુએટ થઈ ગયેલી મીનલ દેખાવમાં પણ ખૂબ જ સુંદર હતી. મા વગરની દીકરી નો હાથ પકડવાનું કામિનીબેને નક્કી કર્યું અને એક વર્ષ પછી કુંતલ સાથે મીનલ નાં લગ્ન કરાવ્યાં.

આજે એ જ કામિનીબેનને એ ઘરમાંથી બહાર કાઢી રહી હતી. ઈશ્વરે એને ઘણું આપ્યું હતું. પણ એને હવે સ્વતંત્રતા જોઈતી હતી. પોતાની રીતે જિંદગી જીવવી હતી. બસ હવે કોઈ બંધન નહીં !!

અને મીનલને બંધનમાંથી મુક્ત કરીને કુંતલની ગાડી ત્રણ વાગે વડોદરા જવા ઉપડી ગઈ. મીનલ હવે આઝાદ હતી !!

લગભગ દોઢ કલાકમાં કુંતલની ગાડી ચિંતનના ઘરે પહોંચી ગઇ. ચિંતન અને શીતલે ખૂબ જ ભાવથી મમ્મી પપ્પા નું સ્વાગત કર્યું.

ચિન્ટુ નો ફ્લેટ જોઈને કુંતલ ખુશ થયો. મમ્મી પપ્પાને અહીં કોઈ તકલીફ નહીં પડે એવી એને ખાતરી થઇ ગઈ. રજનીભાઈ અને કામિનીબેન પણ ખુબ જ ખુશ થયા. એકાદ કલાક જેવું રોકાઈને મમ્મી પપ્પાના ચરણ સ્પર્શ કરીને કુંતલ નીચે ઉતરી ગયો. વિદાય લેતાં એની આંખો ભીની થઈ ગઈ.

" ખબર નથી પડતી આટલાં વર્ષે મીનલે કેમ આવી જીદ પકડી ચિન્ટુ !! જે પણ થયું એનું મને બહુ જ દુઃખ છે. મમ્મી પપ્પા તારા ઘરે ખૂબ સુખી જ રહેશે પણ મને એવું લાગે છે કે મારો ઋણાનુબંધ પૂરો થયો. " નીચે આવીને ગાડીમાં બેસતા પહેલા કુંતલ બોલ્યો અને જતાં જતાં ચિંતનના હાથમાં પચાસ હજારનું કવર આપ્યું.

કુંતલ ઘરે આવી ગયો પણ આજે ઘર ખૂબ જ સુનુ સુનુ લાગ્યું. મીનલ પ્રત્યે મન ખાટું થઈ ગયું હતું. રાત્રે ઘરે આવીને કોઈની પણ સાથે વાત કરી નહીં. ચૂપચાપ જમીને સુઈ ગયો.

સમય પસાર થતો ગયો. એકાદ મહિના પછી ભારતમાં લોકડાઉન ચાલુ થઈ ગયું. લગભગ છ મહિના જેટલા લાંબા સમય સુધી ચાલેલું આ લોકડાઉન માનવીની જીંદગીમાં ઘણા બધા પરિવર્તન લાવીને ગયું. કુંતલની જિંદગીમાં પણ બે મહત્વની ઘટનાઓ બની.

લગભગ બે મહિના પછી રજનીભાઈ ને કોરોના થયો. હોસ્પિટલમાં દાખલ કર્યા અને એમને સારું પણ થઈ ગયું. પણ ઘરે આવ્યા પછી અઠવાડિયામાં જ એમને ફરી શ્વાસોશ્વાસની તકલીફ ચાલુ થઈ અને અચાનક જ એમણે દેહ છોડી દીધો. કુંતલ માટે પિતા ની વિદાય ખૂબ જ વસમી હતી. ચિંતન ના ઘરે આવ્યા પછી બે જ મહિનામાં એ દેવલોક પામ્યા.

છ મહિના જેટલા લાંબા સમય માટે લોકડાઉન ચાલુ રહ્યું એની અસર કુંતલની જોબ ઉપર પણ થઇ. કુંતલ સેલ્સ વિભાગ સંભાળતો હતો અને ભારતમાં તમામ માર્કેટ બંધ હોવાથી વેચાણ અંગેનું ટાર્ગેટ પૂરું ના કરી શક્યો. કંપની પોતે પણ નાણાકીય સંકટમાં આવી ગઈ એટલે કેટલાક કર્મચારીઓને છૂટા કરી દીધા. કુંતલનું કામ સારું હતું એટલે એને છુટ્ટો ના કર્યો પણ એની ટ્રાન્સફર દિલ્હી કરી.

દિલ્હી સુધી જવાની કુંતલની કોઈ જ તૈયારી ન હતી એટલે એણે છેવટે રાજીનામું આપી દેવું પડ્યું. બે લાખના પગારની આવક અચાનક જ બંધ થઈ ગઈ. કુંતલ બીજી જોબ માટે એપ્લાય કરતો રહ્યો. પણ ચાલીસ હજારથી વધારે પગાર કોઈ કંપની આપવા તૈયાર નહોતી !! બે લાખના પગારમાંથી સીધા ચાલીસ હજાર ઉપર ડાઉન થવાનું કુંતલને યોગ્ય નહોતું લાગતું. એણે રાહ જોવાનું નક્કી કર્યું અને એમાં બીજા છ મહિના નીકળી ગયા.

કુંતલની આવક બિલકુલ બંધ થઈ ગઈ. જે પણ બચત હતી તે પણ વપરાવા લાગી. મીનલના અને બાળકોના સારા ભાવિ માટે લાગણીઓમાં આવીને પોતાનો એક કરોડનો જે વીમો ઉતરાવ્યો હતો એનું મોટું પ્રિમીયમ પણ હવે તો ભારે પડવા લાગ્યું.

કુંતલ ને હવે તો પાકી ખાત્રી થઈ ગઈ કે મમ્મી પપ્પાને આ ઘરમાંથી દૂર કર્યા એનો જ મોટો અભિશાપ એને લાગ્યો. જો કે સીધી રીતે તો એ પોતે જવાબદાર હતો જ નહીં તોપણ મીનલની વાતમાં આવીને એણે જે આ પગલું ભર્યું એ એને ડંખી રહ્યું હતું. પોતાનો સાથ છોડીને પપ્પા બે મહિના પણ જીવી શક્યા નહીં. મીનલે આબાદ ઘરને બરબાદ કરી દીધું.

કોણ જાણે કેમ પણ મમ્મી-પપ્પાના વડોદરા આવ્યા પછી ચિંતનને ઘણો ફાયદો થયો. એ હોસ્પિટલમાં જોબ કરતો હતો અને એણે કોવીડ ના સમયમાં સારી એવી ફરજ બજાવી અને ઘણીવાર તો ચોવીસ કલાક હાજરી પણ આપી. એની કદર રૂપે એને પ્રમોશન પણ મળ્યું અને પગાર પચીસ હજારમાંથી પાંત્રીસ હજાર જેટલો થઈ ગયો. ચિંતન અને શીતલ મમ્મીની ખૂબ જ સેવા કરતાં હતાં.

કુંતલ નો સ્વભાવ હવે ચીડિયો થઈ ગયો હતો. એક પ્રકારના ડિપ્રેશનમાં એ સરી ગયો હતો. મીનલને પોતાને પણ સમજાઈ ગયું હતું કે પોતાની સ્વતંત્રતા મેળવવાની ઝંખના કુટુંબની શાંતિને ભરખી ગઇ હતી. મમ્મી-પપ્પા જ્યારે અહીં હતા ત્યારે કેટલા બધા સુખના દિવસો હતા !! એમના પગલે લક્ષ્મી પણ વિદાય થઈ ગઈ !!

" કહું છું... બાને હવે તમે પાછા લઈ આવો. એમના પગલે કદાચ તમને ફરી સારી નોકરી મળે. હું સ્વીકારું છું કે મારાથી બહુ મોટી ભુલ થઈ ગઈ છે અને એનું મને બહુ દુઃખ પણ છે. પણ આપણે આ ભૂલ સુધારી ન શકીએ ? " એક દિવસ મીનલે જમતાં જમતાં વાત કાઢી.

" મમ્મી હવે કદાચ પાછા નહીં આવે મીનુ. એ ત્યાં વધારે સુખી છે. અને હવે લાવીને પણ શું ? આંધી તો આવી ગઈ. હવે તો મારી કોઈ ઈનકમ જ નથી અને ગાડી પણ વેચવાના દિવસો આવી ગયા. એના હપ્તા પણ ભરી શકું એમ નથી. એક સુંદર સપનું તૂટી ગયું !!"

" તમે આટલા બધા નિરાશ ના થાઓ. બધું નોર્મલ થશે એટલે તમને પણ સારી જોબ મળી જશે. દરેકના જીવનમાં ચડતી પડતી તો આવતી જ હોય છે. તમે વડોદરા જઈને મમ્મીને લાવવાની કોશિશ તો કરો !! "

મીનલ ની વાત માનીને એક દિવસ કુંતલ ચિંતનના ઘરે પહોંચી ગયો. સવારના દસ વાગ્યા હતા. ચિંતન પણ ઘરે જ હતો.

" આવો આવો કુંતલભાઈ ! આવતા પહેલા ફોન પણ ના કર્યો આજે તો ! ઘરે બધા મજામાં તો છે ને !! " શીતલ બોલી.

" હા ભાઈ તમે તો આજે સરપ્રાઇઝ આપ્યું !!" ચિંતને પણ શીતલની વાતને ટેકો આપ્યો.

" બસ મમ્મીની બહુ જ યાદ આવી એટલે થયું કે થોડા દિવસ માટે મમ્મીને અમદાવાદ લઈ જાઉં. "

" ચોક્કસ... તમારો પણ એટલો જ હક છે. મમ્મી બેડરૂમમાં જ છે " ચિંતને કહ્યું અને બંને જણા મમ્મી પાસે બેડરૂમમાં ગયા.

" કેમ છો મમ્મી ?" મમ્મી નો હાથ હાથમાં લઈને કુંતલ મમ્મીની પાસે બેડ ઉપર જ બેસી ગયો.

" તું ક્યારે આવ્યો ભાઈ ! " કુંતલને અચાનક જોઈને મમ્મી હરખાઇ ઉઠયાં.

" બસ.....આવીને સીધો તમારા રૂમમાં જ આવ્યો છું.. તમને આજે અમદાવાદ લઈ જવા છે...... મીનલ અને બાળકો પણ તમને ખૂબ જ યાદ કરે છે. "

"બસ આ રીતે અવાર નવાર માની ખબર કાઢતો રહેજે બેટા.. પણ મારે હવે આ ઉંમરે દોડાદોડી નથી કરવી .. બાળકોને જ્યારે પણ દાદી ને મળવાનું મન થાય તું એમને અહી લઈ આવજે.... ઉપરવાળાનું તેડું આવે ત્યાં સુધી મારે હવે ચિન્ટુની સાથે જ રહેવાનું મન છે. "

" બેટા તું મનમાં જરા પણ ખોટું લગાડતો નહીં. તમે લોકોએ ખરેખર આટલાં વર્ષો સુધી અમને ખૂબ સાચવ્યાં છે. તેં તો પાણી માગું ત્યાં દૂધ આપ્યું છે બેટા !! પણ દરેકનો એક સમય હોય છે. એ ઘરના ઋણાનુબંધ પૂરા થઈ ગયા. અને તારા પપ્પા તો ગાયત્રીના પ્રખર ઉપાસક હતા એમને તો ઘણી બધી બાબતોની અગમચેતી થઈ જતી. "

" તેં અમને ચિન્ટુની પાસે વડોદરા જવાની વાત કરી એના અઠવાડિયા પહેલાં જ તારા પપ્પાએ મને કહેલું કે આપણો આ ઘરનો ઋણાનુબંધ હવે પૂરો થઈ ગયો છે. ત્યારે હું કંઈ સમજી નહોતી પણ અઠવાડિયામાં જ તેં અમને વડોદરા લઈ જવાની વાત કાઢી. મોટું દિલ રાખીને મા-બાપ વગરની મીનલને આપણા ઘરમાં હું જ લાવી હતી પણ સમય જતાં મીનલનું દિલ જ સાંકડું થતું ગયું !! "

" ઘણી બધી વાતો છે બેટા પણ મારે તને કંઈ કહેવું નથી. દરેકના ઘરમાં આવું ચાલ્યા જ કરતું હોય છે. તારા જીવનમાં વાવાઝોડું આવવાનું છે એની પણ તારા પપ્પાએ મને વડોદરા આવ્યા પછી વાત કરેલી. પણ તું ફરી પાછો બેઠો થઈ જઈશ એમ પણ કહેલું. મારા તને આશીર્વાદ છે બેટા. જરા પણ ચિંતા કરીશ નહિ. ગાયત્રીની ઉપાસના ચાલુ રાખજે. સૌ સારાં વાનાં થશે !! " કહીને કામિનીબેને કુંતલના માથા ઉપર વહાલથી હાથ ફેરવ્યો.

માતાના શબ્દો કુંતલના હૃદયને હચમચાવી ગયા. એ માના ખોળામાં માથું મૂકીને નાના બાળકની જેમ રડી પડ્યો. મમ્મી એના બરડા ઉપર મમતાનો હાથ ફેરવતાં રહ્યાં. નિઃશબ્દ વાતાવરણમાં વહાલનો દરિયો છલકાઈ ઉઠ્યો હતો !!

અશ્વિન રાવલ (અમદાવાદ)