[અસ્વીકરણ]
" આ વાર્તા નાં બધાં નામો, પાત્રો, વ્યવસાયો, સ્થાનો, ઘટનાઓ અને ઘટનાઓ ક્યાં તો લેખકની કલ્પનાશક્તિનું ઉત્પાદન છે અથવા કાલ્પનિક રીતે વપરાય છે. વાસ્તવિક વ્યક્તિઓ, જીવંત અથવા મૃત, અથવા વાસ્તવિક ઘટનાઓ સાથેની કોઈપણ સમાનતા સંપૂર્ણ સંયોગ છે. "
**********
સૌને વ્હાલાં જયશ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ,
આપ સૌ એ મારી પ્રથમ નવલકથા ”આશા – એક આથમતાં અસ્તિત્વની” ને ખૂબ સુંદર પ્રતિસાદ અને પ્રેમ આપ્યો છે. જેથી આશા – એક આથમતાં અસ્તિત્વની ને ”Top 100 નવલકથાઓ” માં સ્થાન મળી ગયું છે.
“ વિશ્વાસઘાત – પાંગરેલા પ્રણયનો” મારી બીજી નવલકથા છે. આપનો પ્રથમ નવલકથામાં જે સાથ સહકાર અને ઢગલા બંધ પ્રેમ, પ્રતિસાદ મળ્યાં છે તેવો જ પ્રતિસાદ આ બીજી નવલકથાને પણ મળશે એવી હ્રદય પૂર્વક આશા રાખું છું. નવલકથા નાં ભાગ અંતે આપનો કિંમતી પ્રતિભાવ આપ ( Rate & Comment) દ્વારા આપશો તો સોનામાં સુગંધ ભળશે. આપના સૂચનો અને પ્રતિભાવ હ્રદયથી આવકાર્ય છે.
ભાગ : પહેલો
પાર્થિવ ને બારમાં ધોરણનું વેકેશન મામાને ઘરે માણી જુનાગઢ પોતાના ઘરે આવે છે. રીનાબેન અને હરેશભાઈનો એક નો એક દીકરો, એટલો લાડકોડમાં ઉછેરેલો કે કોઈ વાતની કમી ના આવા દે.
" પપ્પા, વિચાર છે કે પરિણામ આવે એટલે નક્કી કરીએ કે વિજ્ઞાન શાખા માં કયો વિષય લેવો." પાર્થિવ એ સવારની ચા પીતાં પીતાં અભ્યાસ અંગે ચર્ચા કરી.
રીનાબેન અને હરેશભાઈ બંને વ્યવસાયે વકીલ હતાં. પોતાની ઓફિસ સાથે સાથે ખાનગી કોલેજમાં પ્રવાસી પ્રાધ્યાપક તરીકે પણ સેવા આપતાં હતાં. આટલી વ્યસ્ત દિન ચર્યા હોવા છતાં રોજ સવારે અને રાતે સૌ એટલો તો સમય કાઢી જ લે કે દિવસભર નાં કામ અને વાતો સાથે ભેગાં બેસી ને કરી થાક ઉતારી શકે. પાર્થિવ માટે પણ સારો એવો સમય કાઢતાં જેથી તેને એકલતા નો ક્યારેય અનુભવ નાં થાય.
" દીકરા, આજે હું સમાચાર જોતી હતી તેમાં જાણ્યું કે આવતી કાલે દસ વાગે તમારી બારમાની પરીક્ષા નું પરિણામ વેબસાઇટ પર જાહેર થશે. હું તો ખૂબ ઉત્સુક છું તારાં પરિણામ ને લઈને.." રીના બેન એ પાર્થિવ ને કહ્યું.
હા, મમ્મી હું પણ રાત દિવસ એક કર્યા છે જોવો છોને...
" અરે પાર્થિવ તારે શું સાબિત કરવાની જરૂર છે ખરી, ગાંડો થયો છે કે શું મને અને તારાં મમ્મી ને વિશ્વાસ છે કે અમારો દીકરો ખૂબ સારાં ગુણ સાથે ઉત્તીર્ણ થશે. " એમ કહી હરેશ ભાઈ બેગ લઈને ઓફિસ જવા નીકળી ગયા.
પાર્થિવ એ સવારે રોજ ની જેમ ભગવાન ની પૂજા અર્ચના કરી સૌ સાથે નાસ્તો કરવા બેસે છે. ઉત્સુકતા ને બદલે ચહેરા પર પાર્થિવ ને ચિંતા બતાય રહી હતી. બરાબર દસ વાગ્યાના ટકોરે પાર્થિવ વેબસાઇટ ખોલી ને પરિણામ જોવા બેસે છે પણ તેની જેમ જ એકસાથે ઘણાં બધાં જોતા હશે એ અર્થે વેબસાઇટ ની બહુ ધીમી પડી ગઈ હતી જેથી ઘણી મથામણ કરી પણ પરિણામ જોઈ શકાયું નહીં. ચિંતા વધવા લાગી કે શું આવ્યું હશે..!
એક તરફ પપ્પા - મમ્મીનો ફોન આવી રહ્યો છે કે શું આવ્યું..! બીજી તરફ વેબસાઇટ બરાબર કામ નથી કરતી અને ત્રીજી તરફ મિત્રો નાં મેસેજ અને ફોન દ્વારા તેમના પરિણામ જાહેર કરે છે અને પાર્થિવ નાં પરિણામ અંગે પૂછે છે. સૌને ધીરજ સાથે જવાબ આપતાં કહે છે મને થોડો સમય આપો અહીં વેબસાઇટ બરાબર કામ નથી કરી રહી હું થોડીવાર પછી ફરી પ્રયાસ કરું છું અને સામે થી ફોન કરું છું.
વાંચવામાં કલાક કેમ જતી એ ખબર ના પડતી અને આજે એક મિનિટ જાણે એને એક દિવસ જેવી લાગી રહી હતી.
બરાબર અગિયારને ટકોરે ફરી પાર્થિવ વેબસાઇટ ખોલે છે અને પોતાનો નંબર નાખી અને પરિણામ જુએ છે. છેલ્લી ચાર કલાક થી ચિંતા ના વાદળો જે સતત છવાયેલા હતાં એ અચાનક સુંદર વાતાવરણ માં પરિવર્તિત થવા લાગ્યાં.
પાર્થિવ મમ્મી-પપ્પાને એક સાથે કોન્ફરન્સ કોલ માં લઈને કહે છે, " મમ્મી પપ્પા... બોલો શું આવ્યું હસે ( હરખ સાથે)..?"
' બેટા હવે રાહ ના જોવડાવ... બોલ ને અમે પણ આતુર છીએ... બોલ મારાં દીકરા.... બોલ...
" મમ્મી પપ્પા મારે 94.78 % આવ્યાં છે તમારાં દીકરાની રાત દિવસની મહેનત સફળ તમે આજે જલ્દી આવજો હો જો બહુ કામ ના હોય તો હું રાહ જોઉં છું તમારી...
હા, બેટા આજે ખાસ કામ નથી હું તારા મમ્મીને તેની ઓફિસ થી લઈને એક બે કલાક માં નીકળી જઈશ ઘરે આવવાં. સારું ચાલો હવે તું તને મનગમતું કંઈક કર ત્યાં અમે આવીએ છીએ આજે જમવાનું બહાર... ( ખુશી માં હરેશ ભાઈ બોલ્યા). "
પાર્થિવ એ વારાફરતી તેમનાં શિક્ષકો અને મિત્રો ને તેમના સુંદર પરિણામની જાણ કરી સૌએ તેમને શુભકામના પાઠવી, મિત્રો એ પાર્ટી માગી જ્યારે શિક્ષકો એ આજ રીતે ઉત્તરોત્તર પ્રગતિ કરે અને આગળ અભ્યાસ અંગે કંઇ પણ માર્ગદર્શન જોઈએ એ બાબતે સાથ આપવા જણાવ્યું.
ઘરનો ડોર બેલ વાગે છે અને પાર્થિવ દોડતો જાય છે તેને ખબર જ હતી કે મમ્મી પપ્પા જ છે. ડોર ખોલે છે તરત જ બંને નાં ચરણો નો સ્પર્શ કરી બાથ ભરી જાય છે. અને પોતાની ખુશી વ્યક્ત કરે છે.
" રસ્તા માં આવતાં હતાં ત્યારે તારાં મમ્મી કહે પાર્થિવ ને ખજૂરપાક બહુ ભાવે છે એટલે જો તારાં માટે આ ખુશી પર મીઠું મોં કરવાં તારી મનગમતી મીઠાઈ લાવ્યા છીએ, હવે અહીં જ ઉભા રાખી ને ખાશું કે અંદર પણ જવા મળશે...?? ( હસતાં)" હરેશ ભાઈ એ પાર્થિવ ને બાથ માં લેતાં અંદર જાય છે.
આજે તો હરેશ ભાઈ અને રીનાબેન વહેલાં ઘરે આવી ગયાં હતાં એટલે સૌ સાથે બેસીને સગા વ્હાલા નાં ફોન પરિણામ જાણવા અંગે આવી રહ્યા હતા એટલે ફોન પર વાતો કરી રહ્યાં હતાં. રીનાબેન એ કહ્યું આજે જમવાનું તો બહાર છે જ પણ મારાં અને તારાં પપ્પા વતી આજે તને અમે થોડુંક શોપિંગ પણ કરાવી પછી જમવા માટે જઈશું.
સાંજ નાં સાડા પાંચ વાગે ત્રણેય જણાં પહેલાં શોપિંગ કરવાં માટે 'Sigma Plus Mall' માં સૌ પ્રથમ શોપિંગ કરવાં માટે જાય છે. એક નો એક દીકરો હોવાં છતાં પાર્થિવ એ કોઈ દિવસ એ વાત નો ગેરફાયદો નો'તો ઉઠાવ્યો. હંમેશા જરૂરિયાત ને ધ્યાને લઈ ને જ ખર્ચ અને થોડાં માં ચલાવી લેવાની વૃત્તિ સાથે એ સરળ અને સમજદારી ભર્યું જીવન જીવતો હતો. ઘણીવાર તો બંને જણાં કહે તું બહું કરકસર કરે છે જ્યારે તારી વહુ આવશે અને જો એ છુટ્ટા હાથ વાળી આવશે તો શું થશે.. તું થોડાં માં ચલાવવાં પ્રયાસ કરી પેલી નવું નવું તારી પાસે પ્રસ્તુત કરતી જશે એમાં વળી તું હાય હોય ને બળતરા વાળો અત્યારે સાઇઝ L આવે છે મને લાગે છે ત્યારે સાઇઝ ઘટી ને M થઈ જશે.
(ક્રમશઃ)