JISM KE LAKHO RANG - 3 in Gujarati Fiction Stories by Vijay Raval books and stories PDF | જીસ્મ કે લાખો રંગ - 3

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

જીસ્મ કે લાખો રંગ - 3

જીસ્મ કે લાખો રંગ’

પ્રકરણ-ત્રીજું-૩

આજે દેવ આરુષીની બીજી મુલાકાત હતી..

દેવ અને આરુષી, માત્ર નામથી પરિચિત બન્ને અજનબીની એ મધ્યરાત્રીની અણધારી પ્રથમ મુલાકાતના ત્રણ દિવસ બાદ...

ફરી એ જ સમય અને સ્થળ, બેન્ચ પર બેસી, સાથળ પર નોવેલ ટેકવી ટેકવી દેવ ચુપચાપ, કાચી કુંવારી તરુણીના ઉછળતાં ઉન્માદ જેવાં સમંદરના મોંજાની મસ્તીને મનોમન મમળાવતો હતો ત્યાં જ....થોડે દુર કાર પાર્ક કરી પાછળથી બિલ્લી પગે દેવની સાવ નજદીક આવી આરુષી બોલી..

‘એય દોસ્ત...ક્યા મુજે તુમ્હારી તન્હાઈ મેં શરીક હોને કી ઇઝાઝત હૈ ?

અદ્દલ ફરી એ જ મુલાકાતનું આટલા ટૂંકા સમયગાળામાં આબેહુબ પુનરાવર્તન થશે તેનું દેવને અંશ માત્ર અનુમાન નહતું, એટલે સ્હેજ ચોંકી ઉઠતાં ચહેરા પરના વિસ્મયકારક ઉદ્દગાર સાથે ઉભાં થઈ દેવ બોલ્યો..

‘હેય.....આરુષી. અસંભવ... હું કોઈ સ્વપન તો નથી જોઈ રહ્યો ને ?
એટલે હસતાં હસતાં દેવના ગાલ પર ટપલી મારતાં આરુષી બોલી..

‘ઓ મેડમ તુસાદના બૂત....આમ કેમ જુએ છે ? હું કોઈ ભૂત યા અન્ય ગ્રહની એલિયન નથી... સાક્ષાત આરુષી છું.. જીવતી જાગતી વન પીસ.’

‘પણ... તે દિવસે જે રીતે તે એન્ટ્રી અને એક્ઝીટ લીધી ત્યાર બાદ એવું લાગ્યું કે..’ આશ્ચર્યમાં અટવાયેલો દેવ શબ્દો શોધીને વાક્યરચના ગોઠવે એ પહેલાં આરુષી બેન્ચ પર બેસતાં બોલી..

‘કે.....હશે કોઈ સરફીરી ભૂતની, ભૂલથી ભટકતી આવી ચડી હશે એમ ? ‘

સ્હેજ શરમાતા આરુષીની પડખે બેસતાં દેવ બોલ્યો..

‘અરે ના...એવું નહીં પણ.....એ ક્ષ્રણિક સાનિધ્યના સ્મરણના અવધિનું આયુષ્ય દીર્ધ રહ્યું. તારા ગયાં પછી તારા સંવાદોનું સ્મરણ સાથે અર્થઘટન કરતાં માલુમ થયું કે, તારી વાતોમાં દમ હતો... પણ હવે એ ફરી મળશે ? કે કોઈ ક્ષણિક સપનું સમજીને વિસરી જવું રહ્યું ?’ એવું વિચારતો હતો.’


‘ઓહ્હ....એવાં ક્યા સંવાદનું સ્મરણ અને શું અર્થઘટન કર્યું ?
ઠંડા પવનના ધીમા સુસવાટાથી વારમવાર તેના ચહેરા પર આવતી વાળની લટોને સરખી કરતાં આરુષીએ પૂછ્યું.

‘હમ્મ્મ્મ... તું બોલી હતી કે.. કયારેક મનપસંદ માહોલ અને અનજાન વ્યક્તિની સંગતમાં તરસના ધોરણની લિજ્જત બમણી અને પસંદ ગૌણ બની જાય છે. અને ‘આરુષી’ના અર્થનો મર્મ જાણવાની આતુરતા.’ દેવ બોલ્યો

‘અરે...મારા નામનો મિનીંગ તો ગુગલબાબા પણ આસાનીથી આપી શકે છે. અને અનાયાસે આયખામાં થતી અઘટિત સાહજિક અથડામણથી કયારેક આપણા દીર્ઘ તંદ્રા જેવા બેધ્યાન પણા તરફ આપણું ધ્યાન દોરાય જાય એવું પણ બને.’ આરુષીએ જવાબ આપ્યો.


એકીટસે તન્મયતાથી સાંભળી રહેલા દેવને આરુષીના ભારોભાર અર્થસભર શબ્દોમાં તેની આયુ કરતાં અનુભવની આવરદા વધુ જણાઈ.

એ પછી દેવ બોલ્યો..
‘જિંદગીના દરેક અલ્પવિરામ,એકલતા કે અસમંજસનો મનગમતો અર્થ ગુગલમાંથી ઇઝીલી સર્ચ કરીને ઉકેલી શકાતો હોત તો...સંઘર્ષકોષમાંથી સૌ કોઈ તેના સઘળાં ખેદનો છેદ આસાનીથી ઉડાડી શકયા હોત.’

આટલું બોલી દેવે સિગરેટનું પેકેટ આરુષી સામે ધર્યું એટલે આરુષી દેવ સામે જોઈ બોલી...

‘સામે આટલું વજનદાર વ્યક્તિત્વ હાજરા હજૂર હોય તો....વ્યસનની શી જરૂર છે ? સોરી...આજે સિગરેટ પીવાની મને સ્હેજે ઈચ્છા નથી.’

‘ત્રણ દિવસ પહેલાંના ધુમ્રપાનની તીવ્ર તલબ અને આજે તેના પ્રત્યેના અણગમા વચ્ચે.....ઉત્તર દક્ષિણનો તફાવત છે, એવું કેમ ? દેવે પૂછ્યું.

‘એ તલબ નહતી...એક નબળી ક્ષણના શિકારથી મારા પર સવાર થઇ ગયેલી પંગુતાને પરાજિત કરવાં અનિચ્છાએ મારે તુચ્છ વ્યસનનો આશરો લેવો પડ્યો.. પણ આજે મને આવું લાગે છે.....કે..’
આગળ બોલતાં આરુષી અટકી જતાં દેવે બોલ્યો..

‘વાત પૂરી કર.. આરુષી.’

પણ આગળના શબ્દો ગળી, વાતને વાળી આરુષી બોલી..

‘અચ્છા ચલ દેવ એ કહે કે... હું આવી ત્યારે ચુપચાપ ખ્યાલોમાં ખોવાઈને તું શું જોઈ રહ્યો હતો ?


‘તું વાતચીતની મુખ્ય ધારાથી ફંટાઈ રહી છે.’ દેવે બોલ્યો..
સ્હેજ નીચું જોઇ આરુષી બોલી..
‘આખરે હું એ અનુસંધાન પર જ આવીશ....પણ પહેલાં મેં પૂછ્યું તેનો જવાબ આપ ?

દેવ બોલ્યો...
‘સાચું કહું... ત્રણ દિવસ તારી વાતચીતના અંશોના સ્મરણની સરખામણી સાગર સાથે કરતાં એવું વિચારતો હતો કે, સાગરની ગહનતા જાણવા કરતાં આ ભરતીના ઉછળી ઉછળીને ભેટવા માટે તરસતા મોજાંની મસ્તીને માણવામાં જ મજા છે... તારી જેમ.
‘પણ.... હવે આજે આ રીતે તારા અકલ્પનીય આગમનથી તારો પરિચય જાણવાની ઉત્કંઠા ઔર વધી ગઈ છે.’

ફરી દેવની સામું જોઈ આરુષી એ ઉત્તર આપ્યો..
‘દેવ... કયારેય કોઈ પુષ્પ તેનો પરિચય આપે છે ? તેનો પમરાટ જ તેનો પરિચય છે. કોઈ ધૂપસળી સળગીને ભસ્મ થઈ જાય... છતાં તેની અનુપસ્થિતિમાં પણ તેની હયાતિની હાજરી પુરાવે છે...બસ....મારી દ્રષ્ટિ એ જ પરિચયની શ્રેષ્ઠ પરિભાષા.’

આરુષીનું વાક્ય પૂરું થતાં બેન્ચ પરથી ઊભા થઈ આરુષી તરફ તેના બંને હાથ સીધા રાખી, કમરેથી ઝૂકીને દેવ બોલ્યો...

‘સલામ.. સલામ... સલામ...’

‘હાહાહાહાહા .. હા... હા....’ હસતાં હસતાં આરુષી આગળ બોલી..
‘અરે... બસ.. બસ.. બસ.. બેસ હવે...’
દેવ આરુષીની પડખે ગોઠવાયો એટલે આરુષીએ પૂછ્યું,

‘દેવ તને અંદાજ હતો કે, આપણે ફરી મળીશું ?

‘ના.’
‘કેમ...? આરુષીએ પૂછ્યું.

‘હવે એ તો કઈ રીતે કહું...? કેમ કે..મધ્યરાત્રીનો સમય અને જે સ્ટાઈલથી તે એન્ટ્રી મારીને સંવાદની શરૂઆત કરી તો...આઈઈ કાન્ટ એક્ષ્પ્લેઇન.’

વાક્ય રચના ગોઠવતાં દેવ બોલ્યો...

‘સાચું કહેજે દેવ, એ સમય, સંવાદ અને સ્ટાઈલથી તારા દિમાગમાં મારી કેવી છબી અંકિત થઇ હતી ?

સ્હેજ ઝંખવાઈને દેવ બોલ્યો...

‘સાચું કહું તું હું એ અસમંજસ માં હતો કે...તારા શબ્દો, વિચારો, તારી બોડી લેન્ગવેજ અને ગેટ અપ સાથે મેચ નહતા થતાં.. એટલે છેવટે એવું વિચાર્યું કે.... હશે કોઈ મનમોજી કે તુંડમિજાજી યા દૌલત કે નશે મેં ભટકતી કોઈ બડે બાપ કી બિગડી ઔલાદ. નહીં તો.. આટલી મોડી રાત્રે.. સૂમસામ સ્થળે.. એકાંતમાં કોઈ પુરષની પડખે જવાની કોઈ હિંમત તો શું વિચાર પણ ન કરે અને તું તો...’

સ્હેજ માર્મિક સ્મિત કરતાં આરુષી બોલી..

‘સમગ્ર સ્ત્રી જાતિ માટેની આ સર્વ સામાન્ય વિચારધારા માટે તું નહીં પણ...તારું પુરુષત્વ જવાબદાર છે. અને આ યુનિવર્સલ જેનેટીકલી પ્રોબ્લેમ છે. આદિકાળથી પુરુષપ્રધાન સમાજે તેના મનોવાંછિત ઇચ્છાશક્તિને આધારે સંસારની સ્ત્રીના બીબાઢાળ ઢાંચાનો સોફ્ટવેર તેની મુંડીમાં જે સજ્જડ રીતે અપલોડ કર્યો છે, તેને વર્ષો પછી ન્યુ વર્ઝનમાં અપડેટ કરવાની તસ્દી લેવાનો વિચાર સુદ્ધાં પણ નથી આવ્યો.’
સ્હેજ અટકીને આરુષી આગળ બોલી..

‘પણ...દેવ તે એ નોટ નહીં કર્યું હોય કે તે રાત્રે બે-ચાર ક્ષ્રણમાં જ મેં તને કળી લીધાં પછી જ મેં કારમાંથી જમ્પ માર્યો હતો.

અચરજના ભાવ સાથે દેવે પૂછ્યું..
‘ઓહ્હ... ચાર સેંકડમાં તે મારામાં એવું શું જોયું ?

‘કહ્યું ને કે, સ્ત્રી પુરુષના તફાવતની સોચના જન્મજાત ગુણધર્મ.’
‘વધુ કહીશ....પણ સમય આવે ત્યારે... અને તે રાત્રે જે જોયું હતું...એ અધૂરા અનુસંધાન માટે જ ફરી મળીશું એવું કહીને હું નીકળી ગઈ હતી.... યાદ છે ?’

આરુષીની પીઢતાના ગઢની ઊંચાઈનું અનુમાન લાગવવામાં અસફળ થતાં દેવ બોલ્યો...

‘હવે મને એવું લાગે છે...તને સમજવા કરતાં સાગરનું તળ જાણવું સહેલું છે.’

‘દેવ.....દરિયાના દરેક સ્વરૂપ મને ગમવા છતાં પણ....દરિયા માટે મારો દ્રષ્ટિકોણ જરા જુદો છે. તેની સો સકારત્મકા પર એક નકરાત્મકા ભારી પડે છે.’
‘કઈ ? દેવે પૂછ્યું

‘એ કોઈની તરસ ન છીપાવી શકે. અને... જે તરસ ન છીપાવી શકે એ કોઈની તરસનું તળ શું જાણી શકે ?
બેન્ચ પરથી ઉભાં થતાં આરુષી બોલી.

થોડીવાર ચુપચાપ દેવ આરુષી તરફ જોતા રહ્યાં પછી બોલ્યો..

‘આ તારી ભીતરનો અશાંત ઘૂઘવાટ બોલે છે, આરુષી.’
‘તું સાંભળી શકે છે ? દેવની સામે જોઇ આરુષીએ પૂછ્યું..
‘આહતની આહટ પરથી અંદાજ લાગવી શકું છું. આરુષી હું ઈચ્છું છું કે, એ રઘવાયા ઘૂઘવાટના શમનનો નિમિત બનું, તો મારી જાતને ભાગ્યશાળી સમજીશ.’

બે ક્ષણ માટે આંખો મીંચ્યા પછી.. આરુષી બોલી..

‘દેવ મને થોડે દુર સુધી કિનારે આવતાં મોજાંની મસ્તી સાથે આજે અનાયસે ઉછળતાં મારા ધબકારાના ધીંગામસ્તીની જુગલબંધીના અવસરની ભીનાશમાં ભીંજાઈને કાળક્રમે ચડી ગયેલા કાટની ખરાશને ઉટકીને ઉજળી કરવાના ઉમંગની ઉજવણી કરવી છે. પણ.... મને આ...આ દરિયાથી બહુ ડર લાગે છે.’

‘ચલ આવ...’ એમ કહી દેવે તેનો હાથ આરુષી તરફ લંબાવ્યો.

આરુષીએ તેની હથેળી દેવની હથેળીમાં આપતાં.....ભીનાં હેત સાથે ભીની રેત પર ધીમે ધીમે ડગ માંડતા માંડતા.... આરુષી દેવના બાવડાંને જકડી છેક ઘૂંટણ ડૂબ મોજાં સુધી આવી જતાં બોલી....

‘બસ... બસ... બસ.. દેવ બસ. હવે આથી આગળ નહીં.’

અને આરુષી તેનું વાક્ય પૂરું કરે ત્યાં અચાનક આવેલાં એક વિશાળ ઉછળતાં મોજાંએ બન્નેને માથા સુધી તરબોળ કરી દીધાં અને ભયના માર્યા આરુષીના મોં માંથી એક તીણી ચીસ નીકળી ગઈ. આરુષીનો ચહેરો જોઇ દેવ હસતો રહ્યો.

દિવસે દીવસે સ્મરણ સ્મારક જેવા બાંધતા સંબંધની સીડીના એક એક પગથિયાં ચડતા ચડતા .... એક મહિના બાદ....


વધુ આવતાં અંકે..