પ્રિય જીંદગી,
તું મજામાં અને હું પણ મજામાં! બહુ દિવસ થયાં તારી જોડે વાત જ નથી થઈ એટલે થયું લાવ થોડું તારી જોડે મારા મનની વાત કહી હળવી થાઉં.
હમણાંથી હું તારાથી ક્યાંક ખોવાયેલી રહું છું એવું લાગ્યા કરે છે, આપણે એક રાહ પર જ ચાલીએ છીએ છતાં અંતર આવી ગયું લાગે છે.તને હું જેટલી માણવા માંગુ છું એટલી દુરી કેમ આવ્યા કરે છે એ સમજાતું નથી! કોઈ તો એવી ભૂલ થઈ છે મારી જેથી તારાથી અળગી રહી ગઈ છું.મારી નજર હવે ઝૂકેલી કેમ રહે છે સાચી બાબતમાં પણ? ક્યાં ગયો મારો આત્મવિશ્વાસ? મારો સચ્ચાઈનો શ્વાસ? સાદગીના સદગુણ? વચનનો વિશ્વાસ?
તને મળવા આવવું છે અને તને કસીને ભેટવું એવું છે કે હું અને તું અલગ જ ન થઈ શકીએ કદીય! ક્યાંક અકળામણનો ઘણી છે મનમાં પણ તારા વિના હું સમાધાન નથી પામી શકતી. તે મને શીખવેલા પાઠ યાદ આવે છે, તે શીખવાડેલી બધી વાતો મને પળે પળ યાદ આવે છે. વાતે વાતે વાગેલી ઠોકરો અને એમાંથી ઊભા થવાની વાતો મને તારી બહુ યાદ અપાવે છે.
હમણાંથી કલ્યુગી દુનિયામાં હું પણ ક્યાંક રંગાઈ ગઈ છું,મને પણ સ્વાર્થના પડ ચડી ગયા છે.મને પણ હમણાંથી રોજ જ ખોટા વિચારો આવે છે, પણ મારે આ બધાં ચુંગાલમાંથી છટકવું છે, હું શાંતિથી એકદમ સરળ જીવવા માંગુ છું, એના માટે માટે જીંદગી તારી સાચી રાહે ચાલવું પડશે.સાવ સુના જંગલમાં શાંત દુનિયાનાં રંગીન પણ નિહાળવા માંગુ છું, નદીના ખડખડ્તા ઝરણાંના સુરને મારા જીવનના સુર બનાવવા માંગુ છું, પક્ષીઓના કલરવને મોજથી મહેસૂસ કરવા માંગુ છું. ગોથે ચડેલાં જીવનને સદાઈનો શણગાર કરવા માંગુ છું.
હું ક્યાંક સાવ એકલી બેઠી હોઉં છું ત્યારે મને મારા મનમાં ચાલતી વિડંબના સતાવ્યા કરે છે, હું જે કરું છું એ સાચું છે કે ખોટું? એનો મને ઘણી વાર ખબર નથી પડતી, તારી સચ્ચાઈની રાહે જવા જાઉં તો ક્યાંક મારા પોતિકાઓ પણ નારાજ થઈ જાય એની બીક લાગ્યા કરે છે, ને ખોટા માર્ગે જાઉ તો તારી સચ્ચાઈ દૂર થઈ જાય છે!
એના માટે મારે તને મળવું પડશે, તું મને સમય આપ જ્યારે હું તને મળી શકું.તને માણી શકું.તારી એક એક અંગળાઇને આંખોમાં ભરી શકું.મારે તારા મિત્ર બનવું છે, તારા નિયમોમાં નહિ પરંતુ તારી નીતિમાં ભળવું છે. ખોટા માર્ગે ચાલતી મારી ગાડીને બ્રેક લગાવી તારા સફરની સાથી બનવું છે.
કોઈ પરિણામ મળે કે ના મળે પણ માટે બસ તારા સાથે જ રહેવું છે, તું મને સાથ આપે કે ન આપે પણ મારે તારા સાથે જ સુખ દુઃખ શોધવા છે, બહુ ગોથા ખાઈ લીધા આમતેમ, પણ ભટકેલ મારી આત્માને બસ તારો સહારો જ જોઈએ છે, તું મને શિખવાડજે, ટપારજે અને જોઇએ તો મને ઠાપકરજે પણ, હું નહિ રિસાવું તારાથી.
મને ખબર છે કે તું મારાથી નારાજ છે, તને મારાથી બહુ ઠેસ પહોંચી છે, પણ હું તારાથી માફી માંગુ છું, હું બીજી વાર તારાથી જુદા થવાની ભૂલ નહિ કરું અને તને વચન આપું છું કે દુનિયાને જોઈને છકી નહિ જાઉં.દુનિયાની ઝાકમઝોળ હવે આપણને જુદા નહિ કરી શકે, ભલે કોઈ પણ પરિસ્થિતિમાં કેમ ન હોય! તારા પડખામાં રહીને રહીને મારે આગળ વધવું છે.
પણ બસ તું આવ ફરી મારી દુનિયામાં..મારો હાથ ઝાલી લે, મને કસીને પકડી લે અને આલિંગન આપી દે...બસ એક વાર આવ!!!!
તારી સેતુ! તારી સખી! લવ યુ જીંદગી!!!