Steps to Success - 8 (final part) in Gujarati Motivational Stories by Tr. Mrs. Snehal Jani books and stories PDF | સફળતાનાં સોપાનો - 8 (અંતિમ ભાગ)

Featured Books
  • ભાગવત રહસ્ય - 107

    ભાગવત રહસ્ય-૧૦૭   જ્ઞાની પુરુષો –પરમાત્માના રૂપમાં એવા મળી જ...

  • ખજાનો - 74

    " તારી વાત પરથી એવું લાગી રહ્યું છે કે તમે લોકો મિચાસુને ઓળખ...

  • મૂર્તિનું રૂપાંતર

    મૂર્તિનું રૂપાંતર ગામની બહાર, એક પથ્થરોની ખાણ હતી. વર્ષો સુધ...

  • ભીતરમન - 53

    મેં ખૂબ જ ઉત્સાહ સાથે કાગળ ખોલી વાંચવાનું શરૂ કર્યું,"પ્રિય...

  • ગામડાં ની ગરિમા

    ગામના પાદરે ઉભો એક વયોવૃદ્ધ વડલો તેના સાથી મિત્ર લીમડા સાથે...

Categories
Share

સફળતાનાં સોપાનો - 8 (અંતિમ ભાગ)

નામ:- સફળતાનું સોપાન સાતમું - સતત અભ્યાસ(Continous learning)
લેખિકા:- સ્નેહલ જાની


નમસ્તે મિત્રો,
તમારા સૌનાં સાથ અને સહકારથી હું આજે સફળતાનાં અંતિમ સોપાન સુધી પહોંચી ગઈ છું. આગળના તમામ સોપાનો માટે મળેલા તમારા અભિપ્રાયો માટે ખૂબ ખૂબ આભાર. આપણે આગળ જોયું કે સફળતા મેળવવા માટે સૌ પ્રથમ તો લક્ષ્ય બાબતે સ્પષ્ટ બનવું પડે. ત્યારબાદ એ મેળવવા માટે યોગ્યતા કેળવવી પડે. મનમાં રહેલ દબાણ કે મુંઝવણ દૂર કરી એકાગ્ર બનવું પડે. ત્યારબાદ જ કોઈ પણ બાબતનું સર્જન થઈ શકે છે. આ માટે પહેલ કરવાની હિંમત પણ કેળવવી પડે.

પરંતુ આટલેથી સફળતા મળી શકશે પણ લાંબો સમય ટકી ન શકે. એ માટે તો સતત અભ્યાસ જ જરુરી છે. આપણે ત્યાં કહેવત છે કે, 'આગ લાગે ત્યારે કૂવો ન ખોદાય'. એવી જ રીતે સફળતા મેળવવા માટે તકની રાહ જોઈને બેસી ન રહેવાય, તકને ઊભી કરવી પડે છે. ત્યારબાદ સફળતા મળે છે. સફળતા મળવાથી લક્ષ્ય પૂર્ણ થઈ જતું નથી, ખરી પરીક્ષા ત્યારબાદ જ શરુ થાય છે - એ સફળતાને ટકાવી રાખવાની. જે પદ્ધતિ આપણે સફળતા મેળવવા માટે વાપરી હતી એને વધુ પ્રેક્ટિસ કરી મહારત મેળવવી.

આ ઉપરાંત જે કામ કરીએ છીએ તે કામમાં વધુ સારુ અને ઉત્કૃષ્ટ પરિણામ મેળવવા માટે નવી નવી પદ્ધતિઓ શોધવી જોઈએ અને એનો સતત અભ્યાસ કરવો જોઈએ. ચોક્ક્સ જ ખૂબ જ સારુ પરિણામ મળશે. માટે આજે આપણે ચર્ચા કરીશું સફળતાનાં સાતમા અને અંતિમ સોપાન 'સતત અભ્યાસ' એટલે કે continues learningની.

ઘરમાં કોઈ બાળક હોય તો મોટા ભાગે આપણે એને વારંવાર કહેતાં હોઈએ છીએ કે, 'ભણવા બેસ. થોડું વધારાનું પણ વાંચ, નહીં તો પરીક્ષા આવી જશે ને તો તૈયારીમાં પહોંચી નહીં વળાય.' શા માટે? બાળક સતત અભ્યાસ કરતું રહે તો એ ભૂલી ન જાય અને પરીક્ષાના સમયે ટેન્શનમાં ન આવી જાય. આ જ બાબત મોટા માણસોને એમનાં કામના સ્થળે પણ લાગુ પડે છે. પોતે જે ફિલ્ડમાં કામ કરી રહ્યા છે અથવા તો અન્ય જે કોઈ ફિલ્ડમાં જવા માંગે છે એનાં રોજે રોજનાં સમાચાર જાણવા જોઈએ. આધુનિક ટેક્નોલોજી આજે દરેક વસ્તુને સરળ બનાવવા માટે મદદરૂપ છે, ત્યારે એનો સતત અભ્યાસ જ આપણને પ્રગતિ તરફ લઈ જાય છે.

જો કોઈ વ્યક્તિ સફળતાનાં શિખરે ખૂબ જ લાંબા ગાળા સુધી ટકી રહી હોય તો એ વાત નક્કી કે એ પોતાનાં તમામ પાસાઓનો સતત અભ્યાસ કરે છે. એક લેખક પણ જો સતત પુસ્તકો વાંચનનો અભ્યાસ ન કરે તો એને ઉમદા વિચારો તાત્કાલિક ન આવે. એવી જ રીતે એક કવિએ પણ પોતાની કવિતાના અસરકારક શબ્દો વાપરવા માટે અન્ય કવિઓ દ્વારા લખાયેલ કવિતાઓ વાંચવી પડે. આ ઉપરાંત, લેખકો અને કવિઓએ પોતાનું શબ્દભંડોળ પણ વધારવું પડે, જે માટે સતત અભ્યાસ જરુરી છે.

માત્ર ભણવામાં કે જે કંપનીમાં કામ કરીએ છીએ એમાં જ સતત અભ્યાસની જરુર પડે એવું નથી, દરેક જગ્યાએ સતત અભ્યાસ જરૂરી છે. એક નૃત્ય કરનાર કલાકાર જો પોતાની નૃત્યકલાનો સતત અભ્યાસ ન કરે તો બની શકે છે કે જ્યારે એ ફરીથી નૃત્ય કરવા માંગે ત્યારે એને ઝડપથી એનાં સ્ટેપ યાદ ન આવે અથવા તો નૃત્ય આખું યાદ હોય પણ અભ્યાસ ન હોવાને લીધે ખૂબ જ ઝડપથી થાકી જાય.


એવી જ રીતે જો એક ગાયક કલાકાર રોજે રોજ ગાવાનો અભ્યાસ ન કરે તો કદાચ એનો અવાજ ગીત ગાવા લાયક ન પણ રહે, અથવા તો એ ગીતને યાદ ન રાખી શકે, અથવા તો એ બહુ લાંબો સમય સુધી ગાઈ ન શકે.

આ જ રીતે એક ખેલાડી માટે પણ સતત અભ્યાસ જરુરી છે. જો ખૂબ જ લાંબા અંતરાય સુધી એ કોઈ સ્પર્ધામાં ભાગ લેતો નથી પરંતુ એનો પોતાની રમત માટેનો અભ્યાસ દરરોજ ચાલુ રાખે છે તો એ ગમે ત્યારે રમવા જશે, એની રમત પર કોઈ જ અસર પડશે નહીં. આથી વિપરીત, કોઈ ખેલાડી નિયમિતપણે સ્પર્ધાઓમાં ભાગ લે છે પરંતુ માત્ર જ્યારે રમે છે ત્યારે જ એ મેદાન પર હોય છે, બાકી વધારાનો કોઈ જ અભ્યાસ એ કરતો નથી, તો એ રમતો હોવાં છતાં પણ સારું પ્રદર્શન કરી શકશે નહીં.

આમ, સતત અભ્યાસ એ વ્યક્તિને સ્વ વિકાસમાં ખૂબ જ અસરકારક પરિબળ સાબિત થાય છે. આજની આ વ્યસ્ત જિંદગીમાં સ્વાભાવિક રીતે જ વ્યક્તિ પોતાને માટે જયાં સમય ફાળવી ન શકતો હોય ત્યાં સતત અભ્યાસ તો કેવી રીતે કરે? પણ દરેક પ્રશ્નનો જવાબ હોય જ છે. જો વ્યક્તિ પોતાનાં રોજિંદા કાર્યનું એક સમયપત્રક બનાવી દે તો એનાં ઘણાં કાર્યો સરળ થઈ જાય. આ ઉપરાંત એને પણ એમ થાય કે આટલા વાગ્યા સુધીમાં આટલું કામ પૂરું કરી જ દેવું પડશે. આનો ફાયદો એને એ થશે કે એણે જે બાબતમાં વધુ અભ્યાસની જરુર છે એને માટે એ સમય ફાળવી શકશે. ઉપરાંત પોતાનાં નવરાશના સમયનું યોગ્ય આયોજન કરી શકશે.

આ રીતે સતત અભ્યાસ એ વ્યક્તિને સફળતાનાં શિખરે પહોંચાડવામાં અગત્યનો ભાગ ભજવે છે. સાથે સાથે એને એ શિખર પર ટકી રહેવામાં પણ મદદરૂપ થાય છે.

વાંચવા બદલ આભાર.
- સ્નેહલ જાની🙏

અંતે, આપ સર્વે વાચક મિત્રોનો ખૂબ ખૂબ અંતઃકરણપૂર્વક આભાર. તમારા બધાનાં સાથ અને સહકારની મદદથી જ હું મારી આ ધારાવાહિક 'સફળતાનાં સોપાનો' સફળતાપૂર્વક સમાપ્ત કરી શકી છું. જે વાચક મિત્રોએ એમનો અમૂલ્ય પ્રતિભાવ આપ્યો એ સૌનો દિલથી આભાર. તમારા પ્રતિભાવને કારણે જ દરેક સોપાન વધુ સારી રીતે લખવાની મને પ્રેરણા મળતી ગઈ. આશા રાખું છું કે ભવિષ્યમાં પણ મારી રચનાઓને તમે આમ જ પ્રોત્સાહિત કરશો.

ફરીથી એક વાર આપ સહુ વાચક મિત્રોનો આભાર.🙏
જય શ્રી કૃષ્ણ.